દત્તક (મા-બાપ) – જિજ્ઞેશ ભીમરાજ 9


આશાને ખબર નથી પડતી કે પોતાન પતિ પર ગર્વ લેવો કે તેને મૂર્ખ કહેવો. દુનિયા આખીથી જુદું કરવાની ટેવ છે એ વાત બરાબર પણ સાવ જ આવો અનોખો વિચાર તેના મગજમાં ફૂટ્યો ક્યાંથી? આશા વિચારવા લાગી.. 

આશા અને સુભાષના અગિયાર વર્ષના દાંપત્યજીવનમાં ઈશ્વરે દેવ જેવાં બે બાળકો આપ્યાં. મોટી દીકરી આરતી છઠ્ઠામાં ભણે છે અને નાનો દીકરી આકાશ ચોથામાં, ભણવામાં બને ખૂબ જ હોંશિયાર. ને કેમ ન હોય ? આશા પોતે એમ.એ. થયેલી છે અને ખૂબ જ પ્રવૃત્તિશીલ ગૃહિણી છે જયારે સુભાષ એન્જિનિયર છે. એક ખાનગી કંપનીમાં પાંચ આંકડાના પગારની નોકરી કરે છે, સાહિત્યનો શોખીન છે અને અત્યાર સુધીમાં ત્રણ નવલકથા લખી ચૂક્યો છે. કુટુંબના વિકાસ માટે પણ ખૂબ જ મહત્ત્વાકાંક્ષી છે. 

બાર વર્ષની નોકરીમાં તો ચાર રૂમ રસોડાનું મકાન, એક ફોરવ્હીલ ગાડી, નાની મોટી જરૂરિયાતવાળી બધી જ ઈલેકટ્રોનિકસ આઈટમ્સ, આશાના દરેક અંગને શોભે તેવી જવેલરી; આ બધું જ અત્યાર સુધીમાં તેણે વસાવી લીધું છે. આ છતાંય સુભાષના હૃદયમાં કંઈક ખાલીપો જ લાગ્યા કરે છે. પત્ની અને બાળકોને જોઈને જેટલો હર્ષ થાય છે એટલું જ દુઃખ પોતાનાં સ્વર્ગસ્થ માતા-પિતાની છબી જોઈને થાય છે. આ સંસાર માતા-પિતાના આશીર્વાદ વગર કેટલો સૂનો લાગે છે!’ પ્રેમથી રોજ કોઈના માથે હાથ મૂકે છે પણ પોતાના માથે પ્રેમથી હાથ મૂકનાર કોણ? આ ખાલીપો કોઈક વાર તેને કોરી ખાતો ને આ બધી જ વાત તેની ડાયરીના પાનામાં અંકિત થતી. 

એક સાંજે સુભાષનો એક જૂનો મિત્ર અમિત આચાર્ય સુભાષને પોતાના બાળકના નામકરણ સંસ્કારનું આમંત્રણ આપવા માટે આવ્યો. ત્યારે સુભાષને એક આશ્ચર્ય થયું કે અત્યાર સુધી તો અમિતને કોઈ બાળક હતું નહિ; લગ્નનાં સાત વર્ષ પછીયે તેઓ બાળક માટે તરસતાં હતાં. અને આજે અચાનક બાળકના નામકરણ સંસ્કારનું આમંત્રણ કયાંથી? સુભાષના મનમાં ઉદ્દભવેલાં આ પ્રશ્ન પુછાતાં અમિતે કહ્યું, “યાર! તું તો જાણે જ છે ને કે લગ્ન પછીનાં આટલાં વર્ષોમાં અમે ડૉક્ટર, વૈદ્ય, હકીમ, દોરા-ધાગા, તાંત્રિકો એકયે સ્થાન બાળકપ્રાપ્તિ માટે બાકી રાખ્યું નથી. આથી હવે અમે સાવ જ નિરાશ થઈ બેઠાં હતાં ને બધું નસીબ પર છોડી દીધું.” – તેવામાં મારા મિસિસનાં બહેન અમદાવાદથી રજાઓમાં મારા ઘરે આવ્યાં હતાં. તેઓ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષયનાં અધ્યાપિકા છે. તેમણે મારી પત્નીને સમજાવ્યું, કે જરૂરી નથી બાળકનો જન્મ આપણા ગર્ભથી જ થવો જોઈએ; બલકે બાળકનો જન્મ ત આપણા હૃદયમાં થવો જોઈએ. આપણે આપણા સંસ્કારોથી સીંચીને દેશને મહાન નાગરિક અર્પણ કરવો એ જ ખરું માતૃત્વ ધારણ છે. અને ઈશ્વરે ક્યાં બાળકો નથી આપ્યાં? આ બધા અનાથ આશ્રમમાં છે એ કોનાં બાળકો છે? એ ઈશ્વરનાં જ છે અને ઈશ્વરની કોઈ પણ વસ્તુ આપણે પ્રસાદ રૂપે લઈ શકીએ છીએ. અને ખરો જન્મ તો ખોળામાં નહીં હૃદયમાંથી થાય છે. બાળકને દત્તક લેવું એટલે હૃદયથી જન્મ આપવો.

બસ ! મારી વાઈફ પણ આ સાંભળીને આફરીન થઈ ગઈ. બીજા જ દિવસે અમે ઘોડિયાઘરમાંથી એક છોકરી દત્તક લઈ લીધી. તેને માતા-પિતાની જરૂર હતી, અમને સંતાનની. અમને તો આજે એવો અફસોસ થાય છે કે અમે ખોટો જ પુત્રવિરહમાં આટલો સમય બગાડ્યો. અમે તો ઘણાં જલદી માતા પિતા બની ગયાં હોત કારણ કે ઈશ્વરે તો છૂટા હાથે બાળકોનું દાન કરેલ છે. અમે લેવામાં જ વાર લગાડી. પણ ભલે જાગ્યાં ત્યાંથી સવાર.” આટલું બોલીને અમિતે ઊભાં થતાં કહ્યું, “ચાલ ત્યારે સુભાષ ! તું, ભાભી અને બાળકો સહિત બધા જ પધારી શોભામાં અભિવૃદ્ધ કરજો. ચાલ નમસ્તે !” 

અમિતના ગયા પછી સુભાષ સંધ્યાપૂજા કરવા બેઠો અને ત્યારે જ પ્રાણાયામ કરતાં કરતાં તેને એક વિચાર આવ્યો; શું બાળકની જેમ મા-બાપ પણ દત્તક ના લઈ શકાય? શું ઘરડાઘરમાં પુત્રવિયોગથી પીડાતાં કોઈ માતા પિતાને બાળકનું સુખ આપીને પોતાનાથી મા બાપનું સુખ ન લઈ શકાય ? અવશ્ય લઈ શકાય. આ શક્ય છે. ને તરત જ તેણે દોડી જઈને આ વાત આશાને કરી. સાંભળીને તરત પહેલાં તો આશા ખડખડાટ હસી પડી પછી બોલી, “તમનેય ખરા ખરા વિચાર આવે છે? શું મા-બાપ તો દતક મળતાં હશે ?” 

“કેમ નહિ આશા? !!! આ દુનિયામાં તો શોધવાથી ભગવાન પણ મળે છે, તો મા બાપ કેમ નહિ?!!! શું આટલાં બધાંમાંથી કોઈ પણ વૃદ્ધને દીકરાની જરૂર નહિ હોય ! કોઈ પણ વૃદ્ધ દીકરાના દીકરાને રમાડવા નહિ ચાહતા હોય ! ઘરથી છૂટા પડ્યા પછી તેમનાં અરમાનો કંઈ મરી થોડા પરવારે છે ! બલકે તેઓ તો સળગતા કોલસાની જેમ દેખાતા અગ્નિની ભીતરથી બળતાં જ રહેતાં હોય છે. જો આપણે આવા કોઈ વડીલના દીકરા-વહુ બની શકીએ તો આપણું જીવન ધન્ય થઈ જાય. વળી આપણું ફેમિલિ પણ સંપૂર્ણ થઈ જાય.” આટલું બોલીને સુભાષ આશા સામે ચાતક દષ્ટિથી જોઈ રહ્યો. 

આશા પોતાના પતિની વેદના સહજ રીતે સમજી શકી. તેણે સમ્મતિ સૂચક ગરદન હલાવી. સુભાષ ખુશીનો માર્યો ઝૂમી ઊઠ્યો. તે જ સાંજે બને “અપના ઘર’ વૃદ્ધાશ્રમમાં ગયાં. ત્યાં દરેક બુઝુર્ગને તેમણે કંઈક ભેટ આપી. અને પોતે કોઈક અનાથ વૃદ્ધને દત્તક લેવા માંગે છે તેવી વાત વૃદ્ધાશ્રમના પ્રમુખને કરી. તેઓનો વિચાર જાણીને પ્રમુખસાહેબે તેઓને સલામ કર્યા. 

“જો દરેક વ્યક્તિ તમારી જેમ વિચારતી હોય તો આ દુનિયા સ્વર્ગ બની જાય.” ખૂબ જ આનંદથી પ્રમુખસાહેબ બોલ્યા. – સુભાષે આખા વૃદ્ધાશ્રમની લટાર મારી 

ત્યાં જ તેની નજર એક બાંકડા પર બેસીને ધાર્મિક પુસ્તક વાંચતી એક વૃદ્ધ મહિલા પર પડી. તેમની પાસે જઈ તે બોલી ઊઠ્યો, 

બકુલામેમ !’ બોલતી વખતે આનંદના કારણે તેના ગાલ ગુલાબી ગુલાબી થઈ ગયા. 

ચરણ સ્પર્શ કરી તે બકુલાબહેન પાસે બેઠો. બકુલાબહેને બેઘડી પ્રશ્નાર્થ ભરી દષ્ટિથી તાક્યા પછી પૂછ્યું, “કોણ દીકરા?’ 

– સુભાષને જાણે સ્વર્ગમાંથી સરસ્વતી માતાએ ટહુકો કર્યો હોય તેવું લાગ્યું. અને તે 

સાંભળી અમૃતપાન કર્યા જેટલી ખુશી થઈ. પછી સુભાષે જણાવ્યું કે “મેડમ, હું તમારી પાસે ધોરણ છ માં ભણતો હતો. મારું નામ સુભાષ પ્રજાપતિ.” આ સિવાય સુભાષ પોતાના બાળપણની બીજી અમુક સ્મૃતિઓ કહી સંભળાવી એટલે બકુલાબહેનને યાદ આવ્યું ને બોલ્યા“દીકરા ! તું એ જ ને કે જે કવિતા ગાવામાં હંમેશા અગ્રેસર રહેતો હતો ?!” સુભાષે હકારમાં માથું હલાવ્યું. “મને ખબર જ હતી કે ભવિષ્યમાં તું જરૂર મોટો માણસ બનશે હાલમાં શું કરે છે??” બકુલાબહેને પૂછ્યું. 

“હું એન્જિનિયર છું!” ગર્વ સાથે સુભાષ બોલ્યો. – “બહુ સરસ, ઈશ્વર તને જીવનમાં ખૂબ જ સફળતા અને યશ આપે !” બકુલાબહેને આશીર્વાદ આપ્યા. – બકુલાબહેનના આ ક્ષણિક સાંનિધ્યમાં સુભાષને સ્વર્ગનો આનંદ મળતો હતો. પછી તેણે જણાવ્યું કે અહીં પોતે કંઈ ખોજમાં આવેલો છે. પછી સુભાષે બકુલાબહેનને કહ્યું, “મેડમ ભગવાને જીવનમાં સફળતા અને યશ તો ખૂબ જ આપ્યાં છે પણ માતાની કમી છે. બસ, એ હવે આપ પૂરી કરો.” બકલાબહેન વિસ્મયથી સુભાષ ભણી જોઈ રહ્યાં. 

પહેલાં બકુલાબહેને ના પાડી, આનાકાની કરી. વળી બકલાબહેને જણાવ્યું કે પોતે એકલાં નથી. તેઓના પતિ પણ તેમની સાથે 

જ છે. પરંતુ સુભાષે કહ્યું, કે પોતાને માતા પિતા બન્નેની જરૂર છે. વળી, બકુલાબહેન વિશે તેને બીજી પણ ખબર પડી કે તેમને કોઈ બાળક નથી. આથી તેમને કોઈની સમ્મતિ લેવાની જરૂર નથી. બકુલાબહેનના પતિ ઉમેશભાઈ પણ સમજાવટ અને સુભાષના પ્રેમ સામે ટકી ના શક્યા. તેઓ પણ સુભાષ સાથે આવવા માટે તૈયાર થગયા. આ બધી જ ઘટનામાં આશાએ પણ ખૂબ જ ઉષ્માસભર સહકાર આપ્યો. અને તે જ સાંજે તેઓ ખૂબ જ ઉત્સાહથી “અપના ઘર” વૃદ્ધાશ્રમમાંથી મા બાપ લઈ આવ્યાં. – સાંજે જ સુભાષે બધા મિત્રો અને સોસાયટીના લોકોને પોતાને ત્યાં મા-બાપ આવવાની ખુશીમાં પાર્ટી રાખેલ છે તેનું આમંત્રણ ફોન પર જ આપી દીધું. અમિતને તો ખૂબ જ આભારવશ થઈને વિનંતીભર્ય આમંત્રણ પાઠવ્યું. આમંત્રણ આપવાનું કામ પૂરું કરીને માતા-પિતાના માનમાં યોજાતી પાર્ટીના કામમાં વ્યસ્ત થઈ ગયો. સોફા પર બેઠાં બેઠાં બકુલાબહેન અને ઉમેશભાઈ એટલે કે હવેથી સુભાષનાં માતા-પિતા સુભાષનો ઉત્સાહ જોતાં જ રહ્યાં અને તેમના અંતરમાંથી આશીર્વાદનો વરસાદ થતો જ રહ્યો. 

(અખંડ આનંદ સામયિકના જુલાઈ ૨૦૧૧ના અંકમાંથી સાભાર. લેખની પ્રત બદલ જિજ્ઞેશભાઈ ભીમરાજનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.)

— જિજ્ઞેશ ભીમરાજ; ઈ – ૪૦૯૯, રોહિત વાસ, નાની ડુંગરી, મહંમદપુરા પાસે, સ્ટેશન રોડ, ભરૂચ-૩૯૨૦૦૧. મો. : ૯૦૯૨૩૩૦૫ર 


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “દત્તક (મા-બાપ) – જિજ્ઞેશ ભીમરાજ

  • Sanjay Pandya

    ખૂબ સરસ… જીગ્નેશ ભીમ રાજ ના આ લેખ ને વાંચતા જ કોરોના ના વિચારો માં થી થોડું બહાર આવ્યો. આભાર

  • Anila Patel

    બહુજ ઉત્તમ વિચાર વાળી વાર્તા. આવા વિચારના તણખા આગળ વધે તો ભારતીય સંસ્કૃતિની મજાક ઉડાવનારાઓના મોં પર લપડાક મારી શકાય.

  • નવિનચંદ્ર

    વાહ, આવી નવા ચીલાની વાર્તા અને જેમા કંઈ સમાજના સુસ્થાપનનુ તત્વબીજ છે એને

  • જયેન્દ્ર પંડ્યા

    નાની પણ સુંદર કૃતિ. આંખમાં જળજળીયા આવી ગયા. કાશ કે આજના જમાના ના લોકો આને અનુસરે તો ઘરડાઘર પર નો ભાર ઓછો થાય.
    વિદેશમાં ઘરડાઘર વધતા જાય છે. પણ આશા રાખીએ કે વિશ્વના વહેણ માં આપણા યુવાનો પણ ન વહી જાય.

    બંને જીજ્ઞેશભાઈ નો આભાર….