ચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર 8


ઉત્તરકાશી રામકથામાં ‘સર્જક યાત્રા’ ને લીધે અનેક સર્જકમિત્રોના સંગાથનો લાભ મળ્યો. પરિચિત સર્જકો સાથે મિત્રતા વધુ ઘનિષ્ઠ થઈ અને ઘણા સર્જક મિત્રોનો પહેલીવાર વિશેષ અંગત પરિચય થયો. આ યાદીમાં કવિ શ્રી પાર્ષદ પઢિયારને પણ મળવાનું થયું. તેમના તરફથી તેમનો ગીત અને ગઝલ સંગ્રહ ‘હું વત્તા તું ઉર્ફે અજવાળું’ તેમણે મને ભેટ આપ્યો અને વળતી મુસાફરી દરમ્યાન એમાંથી પસાર થવાનો અવસર મળ્યો.

‘હું વત્તા તું ઉર્ફે અજવાળું’ ના એક પૃષ્ઠ પર ગીત અને એની સામેના પૃષ્ઠ પર ગઝલ એમ ગીત અને ગઝલની સહિયારી મુસાફરીએ ખુબ મજા કરાવી. સરસ મજાના ગીતો તેમણે લખ્યાં છે, એમાંથી આજે ચાર ગીત અક્ષરનાદના વાચકો સાથે વહેંચીએ. કવિ શ્રી ને તેમના આગામી ગીત સંગ્રહ વાર્તાસંગ્રહ અને લઘુકથા સંગ્રહ શુભેચ્છાઓ અને ‘હું વત્તા તું ઉર્ફે અજવાળું’ ભેટ આપવા બદલ આભાર અને તેમની કલમને અનેક શુભેચ્છાઓ..

૧. સાંઇ ! કયારે ખોલશો ડેલી?

હું વત્તા તું ઉર્ફે અજવાળું - પાર્ષદ પઢિયાર
હું વત્તા તું ઉર્ફે અજવાળું – પાર્ષદ પઢિયાર

સાંઇ ! કયારે ખોલશો ડેલી?

ભીડેલા ભોગળની માથે ભાગ્ય ખુલવાનું મૂકો,
પાવન પગલાં પાડી પ્રભુજી, પરચો દિયો બળુકો,
સાંજ ઓઢી, ફળિયે ઊભી, તનમાં તાલાવેલી. સાંઇ ! કયારે ખોલશો ડેલી? 

ખાલી ઘરનો ખૂણેખૂણે અવસર થઇ હરખાશે,
હરિ જોયાનું સુખ પહેરીને ઝળહળ ઝળહળ થાશે,
નજરુંનો ખાલીપો પોંખો નિજની મરજાદ મેલી. સાંઇ ! કયારે ખોલશો ડેલી? 

મોભા મુજબ માન દેશું, દેશું આસન ઢાળી,
ભોજમાં સાંઇ ભાવ ભરેલી, મારા ઘરની થાળી,
અભણ આંખમાં શ્રધ્ધા મૂકી વાત કરી લ્યો છેલ્લી. સાંઇ ! કયારે ખોલશો ડેલી? 

૨. સાજન એમ મને હરખાવો. 

કાગળ માથે અક્ષર માફક અવસર થઇને આવો. 
મીંઢળ પીઠીના બંધાવો,
સાજન એમ મને હરખાવો. 

હણહણતી ઇચ્છાનું ટોળું જુએ મબલખ વાટ,
એકલ – દોકલ શ્વાસો વચ્ચે ઊગ્યો છે ઉચાટ.
લાભ – શુભના શબ્દો ઘરના ટોડલિયે ચીતરાવો. 
રૂડા માણેકથંભ રોપાવો,
સાજન એમ મને હરખાવો. 

આંગળિયુંના વેઢે વાલમ સૂર્ય ગણીને મૂકું,
આવ્યા કેરા દરિયે વાલમ વહાણ બનીને ડૂકું,
હથેળિયુંની માંગ ભરચક પીઠીથી ભભરાવો. 
ઢોલ શરણાયું વગડાવો,
સાજન એમ મને હરખાવો. 

૩. જુવાન વિધવાનું ગીત 

જીવતરનો સાથ ગયો આઘેના ગામતરે, ચૂડલીનો ભવ થયો પૂરો
શમણાંની સીમ મહીં ફરકે વેરાન, મારા હોવાનો થઇ ગયો ચૂરો. 

અડવાણાં પગલાંઓ મૂકું જયાં ઓરડે ને કાળઝાળ તડકાઓ છૂટે,
ઢોલિયાનું સુખ મને છાતીઢક પજવે ને રોમ-રોમ જવાળાઓ ફૂૂૂૂટે
લોકોની નજરુંંમાં નંદવાતી કાયા લઈ દિવસ કાઢું છું અણહૂરો. 

કાળમીંઢ દિવસની આવરદા ખૂટે ના, ખાલીપો ખોળિયાને સેવે,
આષાઢી હેલિયુંય ધોધમાર નીતરે આ પાંપણના ઢાળબંધ નેવે,
વિરહનો શાપ લઇ, મારામાં કેદ થઇ, ભવને ખેંચું છું અધૂરો.

૪. એક મોજનું ગાણું…’ 

હું હરિવર આટલું જાણું.
નામ તમારું નવધાભક્તિ,
પળપળ મહીં પ્રમાણું.

ભક્તિ પદારથ હું શું જાણું મારી સમજણ ટૂંકી,
ઘરવખરીમાં ભાવ-હેતની હૂંડી ચરણે મૂકી.
તિલક, તીરથ, માળા, કીર્તન સર્વ એમાં સમાણું. હું હરિવર આટલું જાણું 

પરપોટાનો ગણવેશ પહેરી જીવે સઘળી માયા,
સુખ તો સૌને લાગે છેવટે આભાસી પડછાયા.
સચરાચર આ જગમાં હરિવર નામ અમૂલખ નાણું. હું હરિવર આટલું જાણું 

હરુભરુ થાવાની ગમતી ઇચ્છાને મેં ત્યાગી
ચાહત મીરાં જેવી શ્વાસમાં, દેજો પળ વૈરાગી
અભણ આ વાણીમાં ગાયું મારી મોજનું ગાણું. હું હરિવર આટલું જાણું


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ચાર સુંદર ગીતો – પાર્ષદ પઢિયાર