શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૫)


હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


પ્રકરણ ૩૫

ઓસ્કરની ફેક્ટરીમાં ઉત્પાદન તો કંઈ થતું ન હતું. “એક ગોળી પણ નહીં,” બ્રિનલિટ્ઝના કેદીઓ માથું ધુણાવીને કહેશે. એવી ૪૫ એમએમની એવી એક પણ ગોળી નહીં, જેનો ઉપયોગ કરી શકાય! અને રોકેટનું એક ખોખું પણ નહીં! ક્રેકોવના વર્ષો દરમ્યાન ડેફમાં થયેલું ઉત્પાદન અને બ્રિનલિટ્ઝના હિસાબો વચ્ચેનો તફાવત ઓસ્કર પોતે પણ કબૂલે છે. ઝેબ્લોસીમાં ૧૬,૦૦૦,૦૦૦ જર્મન માર્કનાં એનેમલવાળાં વાસણોનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.

એ જ સમય દરમ્યાન, એમેલિયાના શસ્ત્ર વિભાગે ૫૦૦,૦૦૦ જર્મન માર્કની ગોળીઓ બનાવી હતી. જો કે ઓસ્કર એ વાતનો ખુલાસો આપતાં કહે છે, “વાસણોના ઉત્પાદનમાં પાછળ પડી જવાને કારણે, જેને ગણાવી શકાય એવું કોઈ જ ઉત્પાદન થઈ રહ્યું ન હતું.” તેના કહેવા મુજબ, શસ્ત્રોના ઉત્પાદનમાં શરૂઆતમાં સહજ રીતે પડે એવી અનેક મુશ્કેલીઓ પડી હતી. પરંતુ બ્રિનલિટ્ઝના મહિનાઓ દરમ્યાન એક ટ્રક ભરીને શસ્ત્રોના પુરજા બનાવીને મોકલવાની વ્યવસ્થા તે કરી શક્યો હતો, જેનું મુલ્ય ૩૫,૦૦૦ જર્મન માર્ક હતું. ઓસ્કરે પાછળથી કહેલું, “આ પુરજામાંથી અડધા તો બજારમાંથી ખરીદીને જ બ્રિનલિટ્ઝમાં લઈ આવવામાં આવ્યા હતા. યુદ્ધમાં આનાથી પણ ઓછો ભાગ લેવો શક્ય જ ન હતો! શરૂઆતમાં પડતી મુશ્કેલીઓનું બહાનું લાંબા સમય સુધી બતાવવું મારા માટે, અને મારા યહૂદીઓ માટે પણ વધારેને વધારે જોખમી બનતું જતું હતું, કારણ કે યુદ્ધમંત્રી એલ્બર્ટ સ્પીઅર મહિને-મહિને પોતાની માંગણી વધારતા જ જતા હતા.”

ફેક્ટરીમાં ઉત્પાદન ન જ કરવાની ઓસ્કરની નિતીનું જોખમ માત્ર એ જ ન હતું કે યુદ્ધ મંત્રાલયમાં તેનું નામ ખરાબ થતું હતું. તેને કારણે અન્ય ફેક્ટરીઓના માલિકો પણ ગુસ્સામાં હતાં. ફેક્ટરીઓનું તંત્ર વિભાજિત કરેલું હોવાને કારણે એક વર્કશોપમાં ગોળીઓ બનતી હતી, તો બીજામાં ફ્યૂઝ બનતા હતા, અને ત્રીજી ફેક્ટરીમાં ઉચ્ચ કક્ષાના વિસ્ફોટકો બનાવવામાં આવતા હતા અને અન્ય વિભાગોને  એ બધાને જોડવાનું કામ થતું હતું.

છાવણીના ઇતિહાસમાં આવો જ એક બીજો કિસ્સો બન્યો હતો. એપ્રિલ ૨૮, ૧૯૪૫ના દિવસની સવારે સ્ટર્ન અને મિતિક, ઓસ્કરની ઑફિસમાં જ હતા. એ સવારે કેદીઓ ભયની કગાર પર આવીને ઊભા રહી ગયા હતા, કારણ કે સ્ટર્મબેનફ્યૂહરર હેસીબ્રોએકે બધા જ કેદીઓને એક સાથે મૃત્યુદંડ ફરમાવી દીધો હતો! એ દિવસે ઓસ્કરનો સાડત્રીસમો જન્મદિવસ હતો અને જશન મનાવવા માટે કોગ્નેકની બોટલ ખોલવામાં આવી હતી. બર્નો પાસે આવેલા હથિયારોના એસેમ્બ્લી પ્લાંટમાંથી આવેલો તાર ઓસ્કરના ટેબલ પર પડ્યો હતો. તારમા લખ્યું હતું કે ઓસ્કરના ટેંક વિરોધી ગોળા એટલી ખરાબ રીતે બનાવવામાં આવ્યા હતા, કે ગુણવત્તાની બધી જ કસોટીઓમાં એ નિષ્ફળ નીવડ્યા હતા! યોગ્ય ઉષ્ણતામાને ગરમ કરવામાં આવ્યા ન હોવાને કારણે ચકાસણીના સમયે જ ગોળા તૂટી જતા હતા!

 આ તારને કારણે ઓસ્કર તો આનંદમાં આવી ગયો હતો. સ્ટર્ન અને પેમ્પર પણ વાંચી શકે એ માટે તેણે તારને તેમની તરફ ધકેલ્યો. “આનાથી વધારે સારી જન્મદિવસની ભેટ મને કોઈ રીતે મળી શકી ન હોત! કારણ કે હવે મને પાકી ખાતરી થઈ ગઈ, કે બીચારો કોઈ પણ માણસ મારી બનાવેલી વસ્તુથી નથી મર્યો.” આ ઘટનાથી ઓસ્કરના બે પરસ્પર વિરોધી ઉશ્કેરાટ વિશે આપણને કંઈક જાણવા મળે છે.  ઓસ્કર જેવા કેટલાક ઉત્પાદકોમાં આવું ગાંડપણ જોવા મળતું હોય છે જેઓ, પોતે કંઈ જ ઉત્પાદન ન કરી શકે તેની પણ ઉજવણી કરતા હોય! પરંતુ સામે છેડે જર્મન તંત્રજ્ઞોમાં પણ એક પ્રકારનું ઠંડું ગાંડપણ જોવા મળે છે. વિયેના હારી ચૂક્યું હતું, માર્શલ કોનિએવના માણસો એલ્બા નદીના કાંઠે અમેરિકનો સામે હારી ચૂક્યા હતા. તે છતાંયે તેઓ ટેકરીઓના ઉપરવાસમાં આવેલી હથિયારોની ફેક્ટરીઓ પોતાનું કામકાજ સુધારરવામાં, અને શિસ્તબદ્ધ રીતે ઉત્પાદનના ઉચ્ચ સિદ્ધાંતોનું પાલન કરીને ખરેખરા ઉત્પાદનમાં પોતાનું યોગદાન આપવામાં આટલો બધો સમય લે, તેને બહુ હળવાશથી જોતા હતા!

પરંતુ ઓસ્કરના જન્મદિવસે આવેલા એ તારમાંથી મુખ્ય પ્રશ્ન એ ઊભો થતો હતો, કે આટલા મહિનાઓ સુધી, એટલે કે તેના જન્મદિવસ પહેલાના સાત મહિના સુધી ઓસ્કર ટકી કઈ રીતે શક્યો હશે? બ્રિનલિટ્ઝના લોકોને એ સમયના શ્રેણીબદ્ધ ઇન્સ્પેક્શનો અને ચકાસણીઓ બરાબર યાદ છે! સેક્શન ‘ડી’ના માણસો ગુસ્સા સાથે હાથમાં ચેકલિસ્ટ લઈને આવતા હતા. એ જ રીતે યુદ્ધ મંત્રાલયના ઇજનેરો પણ બ્રિનલિટ્ઝમાં આવી જતા હતા.

ઓસ્કર એ બધા જ અધિકારીને ભરપેટ જમાડતો, અને હેમ અને કોગ્નેક પીરસીને તેમને નરમ પાડી દેતો હતો! જર્મન સત્તા હેઠળ હવે સારા ભોજન સમારંભો ખાસ થતા ન હતા! લેથ, ફરનેસ અને મેટલ પ્રેસ પર કામ કરતા કેદીઓના કહેવા પ્રમાણે, લશ્કરી ગણવેશ પેહેરેલા ઇન્સપેક્ટરોના મોંમાંથી સતત શરાબની વાસ આવતી રહેતી હતી. ફેક્ટરીના ફ્લોર પર પણ તેઓ લથડિયાં ખાતા રહેતા હતા! યુદ્ધ મંત્રાલયના છેલ્લા ઇસ્ન્પેક્શન વખતે શેખી મારી રહેલા એક અધિકારીની વાત તો બધા જ કેદીઓએ કરી છે. એ અધિકારી કહેતો રહેતો હતો, કે આ રીતે તેની સાથે મિત્રતા દાખવીને કે ભોજન અને શરાબ પીરસીને શિન્ડલર  તેને લલચાવી નહીં શકે! એવું કહેવાય છે, કે ઉપરના માળે આવેલી ડોરમેટરીથી ફેક્ટરી ફ્લોર સુધી નીચે ઉતરવાના દાદર પરથી ઓસ્કરે તેને ધક્કો દઈને નીચે છેક વર્કશોપના ફ્લોર પર ફેંકી દીધો હતો, જેને કારણે તેનું માથું ફાટી ગયું હતું, અને તેના પગ પણ ભાંગી ગયા હતા! જો કે બ્રિનલિટ્ઝના માણસો આ બાબતે એવું ખાતરીપૂર્વક કહી શકતા નથી કે એસએસની એ વ્યક્તિ કોણ હતી? કોઈએ એવો દાવો પણ કર્યો છે કે એ એસએસનો અધિકારી રાસ હતો જે મોરાવિયાનો પોલિસવડો હતો. ઓસ્કરે પોતે પણ દસ્તાવેજોમાં આ બાબતે કોઈ જ દાવો નોંધાવ્યો ન હતો! આ બધી વાતો પરથી એક નિષ્કર્ષ એ નીકળે છે, કે લોકોના મનમાં ઓસ્કરનું એક એવા માણસ તરીકેનું ચિત્ર ઊભું થયું છે કે જે બધા જ પ્રકારની શક્યતાઓને નજરમાં રાખતો હોય! અને કુદરતી ન્યાયના સિદ્ધાંત હેઠળ પણ આપણે એ કબુલવું પડે કે આવી દંતકથાઓ ફેલાવવાનો કેદીઓને અધિકાર હતો! કેદીઓ ત્યાં ભારે જોખમો વચ્ચે જીવી રહ્યા હતા. ઓસ્કર વિશેની એ દંતકથાઓ જો ખોટી પડે, તો કેદીઓએ પોતે જ તેની આકરી કિંમત ચૂકવવી પડે તેમ હતું! બ્રિનલિટ્ઝ દરેક પ્રકારઅના ઇન્સ્પેક્શનોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ જતું હતું તેનું કારણ ઓસ્કારના કુશળ કારીગરોએ લીધેલા કઠોર પગલાં હતાં! ઇલેક્ટ્રિશ્યનો ભઠ્ઠીઓના ગેજ સાથે છેડખાની કરી દેતા હતા, જેથી કાંટો ઉષ્ણતામાન બરાબર હોવાનું બતાવતો હોય તો પણ ભઠ્ઠીનું અંદરનું તાપમાન ખરેખર સેંકડો ડીગ્રી નીચું રહેતું હતું! “મેં મશીનોના ઉત્પાદકોને પત્ર લખ્યો છે.” ઓસ્કર યુદ્ધ મંત્રાલયને જવાબ આપી દેતો હતો. તે પોતે ખુબ જ નમ્રતાપૂર્વક, ફેક્ટરીના કોઈ ગૂંચવાઈ ગયેલા માલિકની ઉત્પાદકની ભૂમિકામાં આવી જતો હતો, જેનો નફો આ બધી બાબતોને કારણે ધોવાઈ જતો હોય! કારણો પૂછવામાં આવે તો એ ફેક્ટરીની જમીનને અને નબળી કક્ષાના જર્મન સુપરવાઇઝરો પર જવાબદાર ઢોળી દેતો હતો! “શરૂઆતની મુશ્કેલીઓ”નો ઉલ્લેખ એ ફરી-ફરીને કર્યે રાખતો હતો; અને એક વખત મુશ્કેલીઓ દૂર થઈ જાય પછી ભવિષ્યમાં ટનબંધ શસ્ત્રો આપવાનો વાયદો કર્યે રાખતો!

ભઠ્ઠીની માફક મશીન-ટૂલ વિભાગમાં પણ ઉપર-ઉપરથી બધું જ સામાન્ય દેખાતું હતું. મશીનો વ્યવસ્થિત રીતે ગોઠવેલા લાગતા હતા, પરંતુ તેમાં આદર્શ ગોઠવણ કરતાં એકાદ માઇક્રોમિલિમિટર જેટલો ફરક રહેતો હતો! ફેક્ટરીમાં આવનારા મોટાભાગના હથિયાર ઇન્સ્પેક્ટરો ફેક્ટરીમાંથી પાછા ફરતી વખતે સિગરેટો અને કોગ્નેકની સાથે-સાથે, ઓસ્કર જેવા સદ્‌ગૃહસ્થને આવા ત્રાસદાયક મશીનોની સમસ્યાને કારણે ભોગવવી પડતી તકલીફો પ્રત્યેની સહાનુભુતિ પણ પોતાની સાથે લઈ જતા હતા!

જો કે સ્ટર્ન હંમેશા કહેતો હતો, કે ઓસ્કર અન્ય ચેક ઉત્પાદકો પાસેથી બંદૂકની ગોળીઓના બોક્ષ લઈ આવતો અને ઇન્સ્પેક્શન દરમ્યાન પોતાના ઉત્પાદન તરીકે તેને મંજૂર પણ કરાવી લેતો! ફેફરબર્ગ પણ આવો જ દાવો કરે છે. એ સમયે જે બન્યું હોય તે, ઓસ્કરે જે કોઈ હાથચાલાકી કરી હોય, પરંતુ બ્રિનલિટ્ઝ ટકી ગયું હતું એ હકીકત છે!

એવો પણ સમય હતો, જ્યારે મોરાવિયામાં રહેલા બ્રિનલિટ્ઝના સ્થાનિક દુશ્મનો પર પ્રભાવ પાડવા માટે ઓસ્કર મહત્ત્વના અધિકારીઓને ફેક્ટરીની મુલાકાત લેવા અને ઉત્તમ ભોજન માટે આમંત્રિત કરતો. પરંતુ એ અધિકારીઓ એવા માણસો હતા, જેમની કુશળતા ઇજનેરી કે શસ્ત્રોના ઉત્પાદનમાં કોઈ રીતે મદદરૂપ થઈ શકે તેમ ન હતી! હેર ડિરેક્ટર ઓસ્કર શિન્ડલર પોમોર્સ્કા સ્ટ્રીટમાં જઈ આવ્યા એ પછી લિઓપોલ્ડ, હોફમેન અને રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતાઓ, પોતાને યોગ્ય લાગી એ બધી જ ઑફિસોમાં ઓસ્કરની વિરુદ્ધમાં ફરીયાદ કરી ચૂક્યા હતા! સ્થાનિક અને પ્રાંતિક ઑફિસો ઉપરાંત છેક બર્લિન સુધી એમણે ઓસ્કરની વિરુદ્ધમાં, તેની નીતિમત્તા, તેના સંપર્કો, વંશવાદ અને કાયદા વિરુદ્ધના તેનાં કાર્યો, વગેરે બધી જ બાબતો અંગે ફરીયાદો કરવામાં આવી હતી. ટ્રોપાઉની ઑફિસે આવતા પત્રોની ઝડી વિશે સસ્મથ ઓસ્કરને જાણ કરતો રહેતો હતો. આથી ઓસ્કરે અર્ન્સ્ટ હેનને બ્રિનલિટ્ઝ ખાતે આવવાનું આમંત્રણ આપ્યું. હેન એવો બીજો અધિકારી હતો જે બર્લિન બ્યુરોની મુખ્ય ઑફિસમાં એસએસ ફેમિલીની સેવાઓને સંપૂર્ણ સમર્પિત હોય. ઓસ્કર હંમેશ મુજબ અત્યંત નારાજગી સાથે તેના વિશે અભિપ્રાય આપતાં કહે છે, “બહુ જ ખેપાની અને શરાબી માણસ!” હેન પોતાની સાથે પોતાના બાળપણના મિત્ર ફ્રાન્ઝ બૉસને પણ મોરાવિયા લઈ આવ્યો હતો. ઓસ્કરે પોતાના વર્ણનમાં નોંધ્યું છે તે પ્રમાણે, બૉસ પણ “એક રહસ્યમય શરાબી” હતો. બોસે આખાયે ગતર કુટુંબની હત્યા કરી નાખી હોવા છતાં ઓસ્કરે પોતાનો ગુસ્સો ગળી જઈને, બૉસના જનસંપર્કોને કારણે તેને આવકાર્યો. ઓસ્કરે ધાર્યું હતું એમ જ, મોરાવિયા આવતી વેળાએ હેન અત્યંત ભવ્ય અને ચમકદમકવાળો લશ્કરી પોષાક પહેરીને આવ્યો હતો. તેનો પોષાક જાતજાતની રિબનો અને મેડલો મેડલો વડે શણગારેલો હતો, કારણ કે જર્મન સમાજવાદી પાર્ટીના શરૂઆતના ભવ્ય દિવસોથી જ તેની સાથે જોડાયેલો હેન એસએસનો બહુ જૂનો માણસ હતો. બનીઠનીને આવેલા સ્ટેન્ડર્ટેનફ્યૂહરરની સાથે તેમનો મદદનીશ પણ એટલો જ સજીધજીને આવ્યો હતો!

છાવણીની બહાર જ એક ઘરમાં ભાડે રહેતા લિઓપોલ્ડને પણ છાવણીની મુલાકાતે આવેલા અધિકારીઓની સાથે ભોજન લેવા માટે ફેક્ટરીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ સાંજે લિઓપોલ્ડ શરૂઆતથી જ બહુ એકલો પડી ગયો હતો. હેન તો ઓસ્કરની સોબત જ પસંદ કરતો હતો. શરાબીઓ હંમેશા એકબીજાની સોબત પસંદ કરતા હોય છે!

પાછળથી ઓસ્કરે હેનને અને તેના ગણવેશને પણ ‘આડંબરી’ વર્ણવ્યો હતો. પરંતુ તેના આવવાથી લિઓપોલ્ડને એટલી ખાતરી થઈ ગઈ હતી, કે હેન ભલે દૂર-દૂરની ઑફિસોમાં બેઠેલા અધિકારીઓને ઓસ્કર વિરુદ્ધ ફરીયાદ કરતો રહે, શક્ય છે કે તેની ફરીયાદ ઓસ્કરના જ કોઈ શરાબી મિત્રના ટેબલ પર જઈને પડે, જે અંતે તો હેનના પોતાના માટે જ જોખમી પૂરવાર થાય તેમ હતું!

એ સવારે, બર્લિનથી ઝ્વિતાઉમાં આવેલા એ દમામદાર અધિકારીઓને પોતાની કારમાં બેસાડીને જતા ઓસ્કરને લોકોએ પણ જોયો હતો. સ્થાનિક નાઝીઓ પણ રસ્તાની એક બાજુએ ફૂટપાથ પર ઊભા રહીને જર્મન રાષ્ટ્રના એ દમામદાર અધિકારીઓને સલામી આપી રહ્યા હતા!

જો કે ફેક્ટરીનો મૂળ માલિક હોફમેન જર્મન અધિકારીઓની માફક ઝડપથી દબાઈ જાય તેમ ન હતો! ઓસ્કરના પોતાના શબ્દોમાં, બ્રિનલિટ્ઝની ત્રણસો સ્ત્રીઓ પર “કામ ન મળવાની શક્યતા” તોળાતી હતી. આગળ પણ એવું કહેવામાં આવ્યું છે, કે મોટાભાગની સ્ત્રીઓ ગુંથવાનું કામ જ કરતી હતી! ૧૯૪૪ની સાલના એ શિયાળા સામે રક્ષણ માટે લીટીઓવાળા ગણવેશનું એક માત્ર આવરણ કેદીઓ પાસે ઉપલબ્ધ હતું, એટલે ગુંથણકામ એ તેમને માટે કોઈ નવરા લોકોના શોખની બાબત ન હતી! તે છતાંયે, ફેક્ટરીના મકાનમાં પડેલા ઊનની ચોરી થવાની એક ઔપચારિક ફરીયાદ હોફમેને એસએસ પાસે નોંધાવી દીધી. હોફમેનને હતું કે આમ કરવાથી થોડો બ્રિનલિટ્ઝમાં આનાથી થોડો ખળભળાટ જરૂર મચશે, અને શિન્ડલરના કહેવાતા યુદ્ધ કારીગરોની સાચી પ્રવૃત્તિની હકીકતો બહાર આવશે.

ઓસ્કર વૃદ્ધ હોફમેને મળવા ગયો ત્યારે હોફમેન અત્યંત ગુસ્સામાં હતો. “અમે બર્લિનને અરજી કરી છે કે તમને કાઢી મૂકવામાં આવે,” હોફમેને કહ્યું. “આ વખતે અમે સોગંદનામુ સામેલ કર્યું છે જેમાં તમારી ફેક્ટરી આર્થિક અને વંશીય કાયદાઓની વિરુદ્ધમાં કામ કરી રહી હોવાનું જણાવ્યું છે. તમારી ફેક્ટરીનો કબજો લઈને તેનો કંઇક સદઉપયોગ કરવા લેવા માટે બર્નોના એક ફાજલ પડેલા જર્મન ઇજનેરનું નામ પણ સૂચવ્યું છે.”

ઓસ્કરે હોફમેનની વાત સાંભળીને તેની માફી માગી, અને પોતે અંદરથી શાંત રહેવાનો પ્રયાસ કર્યો. પછી એણે કર્નલ એરિક લેન્જને બર્લિનમાં ટેલીફોન કરીને હોફમેનની ટોળકી દ્વારા કરવામાં આવેલી અરજીની સુનવણી સમયે તેમને હાજર રહેવા વિનંતી કરી. આ બધું કરવા છતાં, કોર્ટ બહાર કરવામાં આવેલું સમાધાન ઓસ્કરને ૮૦૦૦ જર્મન માર્કમાં પડ્યું! તે ઉપરાંત એ આખો શિયાળો, કેટલાયે નાગરીકોએ ઓસ્કરના કેદીઓ સામે, અને ફેક્ટરીની ગટરો અંગે ફરીયાદો કરી હોવાને કારણે ઝ્વિતાઉનું શહેરી મંડળ અને નાઝી પાર્ટી દ્વારા ટાઉનહોલમાં બોલાવીને ઓસ્કરને ઘણી વખત હેરાન કરવામાં આવ્યો હતો.

એસએસના ઇન્સ્પેક્ટરો કેવા હતા અને તેની સામે ઓસ્કરે કેટલું યોગ્ય વર્તન કરેલું, તેનો અનુભવ આશાવાદી લ્યુસિયાને પણ થયો હતો.

લ્યુસિયાને હજુ પણ ભોંયરામાં જ રાખવામાં આવી હતી. આખો શિયાળો તેણે ત્યાં જ રહેવું પડે તેમ હતું. બીજી છોકરીઓ તો સ્વસ્થ થઈ ગઈ હોવાને કારણે તેઓ તો પોતાની તબીયત વધારે સુધારવા માટે ઉપરના માળે ચાલી ગઈ હતી. પરંતુ લ્યુસિયાને લાગતું હતું કે બર્કેન્યુની છાવણીએ તેનામાં અઢળક ઝેર ભરી દીધું હતું! તેને ફરી-ફરીને તાવ આવતો રહેતો હતો, સાંધામાં બળતરા થતી હતી અને બગલમાં ઝેરી ગૂમડાં ઉપસી આવ્યાં હતાં. એક ગુમડું મટે કે બીજું ઉપસી આવતું હતું. ડૉ. બાઇબર્સ્તેનની સલાહને અવગણીને ડૉ. હેન્ડલરે તેનાં ગુમડાં પર રસોડાના ચાકુ વડે નસ્તર મૂકી દીધું હતું! અન્ય કેદીઓને પણ ચેપ લાગી જવાના ડરે ફિક્કી થઈ ગયેલી લ્યુસિયા પૌષ્ટિક ભોજન લઈને ભોંયરામાં જ પડી રહેતી હતી. આખાયે યુરોપના એ વિશાળ વિસ્તારમાં, આ એક જ એવું સ્થળ હતું જ્યાં એ જીવિત રહી શકે તેમ હતી! એ સમયે પણ એ જાણતી હતી અને આશા પણ રાખતી હતી, કે આ ભયાનક કપરો સમય જરૂર પસાર થઈ જવાનો!

ફેક્ટરીની નીચેની આવેલી એ હુંફાળી બખોલમાં રાત અને દિવસ તદ્દન અપ્રસ્તુત હતાં. ભોંયરાની ઉપરના દાદરાનું બારણું ધડામ અવાજ સાથે ખૂલે ત્યારે કાં તો દિવસ હોય કે પછી રાત! એમિલિયા શિન્ડલર ક્યારેક-ક્યારેક તેની મુલાકાતે આવી જતી હતી. એક વખત દાદર પર બૂટનો અવાજ આવ્યો, અને પથારીમાં બેઠાં જ મનોમન એ તાણ અનુભવી રહી! ભૂતકાળમાં વસાહતમાં થયેલી લશ્કરી કાર્યવાહી સમયે સંભળાતા હતા એવા જ એ અવાજો હતા!

અને હકીકતે એ સમયે હેર ડિરેક્ટરની સાથે ગ્રોસ-રોસેનથી બે અધિકારીઓ પણ ભોંયરામાં આવ્યા હતા! પગથિયા સાથે તેમના જ બૂટના અથડાવાનો અવાજ આવી રહ્યો હતો. અધિકારીઓ અંધારામાં બોઈલર અને લ્યુસિયાની સામે જોતાં ઊભા રહ્યા ત્યારે ઓસ્કર તેમની બાજુમાં જ ઊભો રહ્યો! લ્યુસિયાના મનમાં વિચાર ઝબકી ગયો કે બસ, આ દિવસની જ રાહ જોવાની હતી! આજે કોઈકનો તો ભોગ ચડાવવાનો જ હશે, જેથી તેઓ સંતુષ્ટ થઈને ચાલ્યા જાય! લ્યુસિયા બોઈલરની થોડી આડશમાં બેઠી હતી, પરંતુ ઓસ્કરે તેને સંતાડવાનો કોઈ જ પ્રયત્ન ન કર્યો, ઉલટું પોતે તેની પાંગત પાસે આવીને ઊભો રહી ગયો.

એસએસના બંને મહાનુભાવો નશામાં લથડિયાં ખાતાં હોય એવું લાગ્યું, એટલે ઓસ્કરને લ્યુસિયા સાથે વાત કરવાનો અવસર મળી ગયો. અત્યંત સહજતા સાથે એ બોલી રહ્યો હતો! લ્યુસિયા એ દિવસને ક્યારેય ભૂલી શકવાની ન હતી! “ચિંતા ન કરતી. બધું બરાબર થઈ રહેશે.” લ્યુસિયાનો કિસ્સો ચેપી ન હતો એવું બતાવવા માટે ઓસ્કર તેની સાવ નજીક જઈને ઊભો રહ્યો! “આ એક યહૂદી છોકરી છે,” એણે નીરસ રીતે કહ્યું. “હું એને ચેપી રોગોની ઝૂંપડીમાં મૂકવા માગતો ન હતો. સાંધાનો દુખાવો છે એને… આમ પણ હવે એ મૃત્યુ જ પામવાની છે. ડૉક્ટરે તેને વધારેમાં વધારે છત્રીસ કલાક આપ્યા છે!”

પછી ઓસ્કર તેમની સાથે ગરમ પાણી, એ ક્યાંથી આવે છે, અને જૂ-મુક્તિ માટેની વરાળ, વગેરે વિશે વાતો કરવા લાગ્યો. ગેજ, પાઇપો, સિલિન્ડરો, વગેરેની સામે આંગળી ચીંધીને બતાવવા લાગ્યો. લ્યુસિયા જાણે મશીનરીનો જ એક ભાગ હોય તેમ ઓસ્કર તેની પથારીની આસપાસ પણ ફરતો રહ્યો. લ્યુસિયાને સમજાતું ન હતું કે એણે ક્યાં જોવું, કે પછી આંખ ખુલ્લી રાખવી કે બંધ! પોતે બેભાન હોય એવો દેખાવ એ કરવા લાગી. ઓસ્કરે અધિકારીઓને દાદર તરફ દોર્યા કે તરત જ એણે પાછું ફરીને લ્યુસિયા સામે જોઈને સાવચેતીભર્યું સ્મિત કર્યું. કોઈને તેનું આ વર્તન થોડું વધારે પડતું લાગે, પરંતુ લ્યુસિયાને એ વખતે તો એમાં એવું કંઈ અજુગતું લાગ્યું નહીં! એ પછી છ મહિના સુધી એ ભોંયરામાં જ રહી, અને વસંત આવતાં સાથે જ એ ઉપર આવી ગઈ અને બદલાઈ ચૂકેલા ઉપરના એ જગતમાં પોતાના સ્ત્રીત્વનો આનંદ લેવાનું એણે શરૂ કરી દીધું!

એ શિયાળા દરમ્યાન ઓસ્કરે પોતાનો આગવો શસ્ત્રભંડાર ઊભો કરી લીધો હતો. ફરી એક વખત આ બાબતે નવી-નવી દંતકથાઓ સાંભળવા મળે છે.

કેટલાક કહે છે કે એ શિયાળે એક ચેક ભૂગર્ભટોળકી પાસેથી હથિયારો લાવવામાં આવ્યા હતા. પરંતુ ૧૯૩૮ અને ૧૯૩૯ દરમ્યાન ઓસ્કર એક રાષ્ટ્રિય સમાજવાદી તરીકે જાણીતો હતો, એટલે ચેક લોકો સાથે કામ પાડવામાં એણે ઘણું સાવચેત રહેવું પડે તેમ હતું. ગમે તેમ પણ મોટા ભાગનાં હથિયારો કાયદેસર માર્ગે મોરેવિયાના પોલીસવડા ઓબર્સ્ટર્મબેનફ્યૂહરર રાશ તરફથી આવતાં હતાં. તેમાં ઓટોમેટિક હથિયારોની કાર્બાઇનો, થોડી પિસ્તોલ અને હાથગોળા સામેલ હતા. પાછળથી ઓસ્કરે આ લેવડદેવડને સામાન્ય ગણાવી હતી. તેના કહેવા પ્રમાણે તેણે એ હથિયારો “મારી ફેક્ટરીના રક્ષણ માટે, અને પોલીસવડા રાશની પત્નીને એક સુંદર વીંટી ભેટમાં આપવાના બદલામાં” લાવવામાં આવ્યા હતા!

બર્નોના સ્પિલબર્ક કેસલમાં આવેલી રાશની ઑફિસમાં તેણે શું કર્યું હતું એ બાબતે ઓસ્કર કોઈ ખુલાસો નથી આપતો, પરંતુ આપણે તેની કલ્પના જરૂર કરી શકીએ છીએ! …યુદ્ધ જેમ-જેમ આગળ વધી રહ્યું હતું, તેમ-તેમ, કેદીઓના સંભવિત હુમલાથી ચિંતિત હેર ડિરેક્ટર પોતાની પત્ની સાથે કંઈ અજુગતું બની ન જાય એમ ઇચ્છતા હતા… એવી વેળા ખરેખર આવી ચડે, તો તેઓ જાતે જ પોતાની પત્ની અને પોતાને એક-એક ગોળી મારીને, તેઓ પોતાના ટેબલ પર હાથમાં પિસ્તોલ સાથે જ મૃત્યુ પામવા ઇચ્છતા હતા… …રશિયનો પોતાના દરવાજે આવી ચડે એવી શક્યતા પણ હેર ડિરેક્ટરે વિચારી હતી!

…મારા સિવિલ ઇજનેરો, ફક્સ અને સ્કિનબ્રન, મારા વફાદાર ટેકનિશ્યનો, મારી જર્મન ભાષી સેક્રેટરી, આ બધાને બળવાનો સામનો કરવાનો અધિકાર છે, હેર ઓબર્સ્ટર્મબેનફ્યૂહરર! સુંદર ઝવેરાત પ્રત્યે તમારા આકર્ષણને હું જાણું છું. હજુ ગયા અઠવાડિયેજ મારી પાસે આવેલો આ નાયાબ નમૂનો હું આપને બતાવી શકું છું?

અને આ રીતે એ વીંટી પોલીસવડા રાશના ટેબલ પર પહોંચી હશે! વીંટી આપતી વેળાએ ઓસ્કર ધીમેથી ગણગણ્યો હશે, “આ વીંટી મારી નજરે ચડી, એ જ ક્ષણે મારા મનમાં તમારા પત્ની શ્રીમતી રાશનો વિચાર આવી ગયો હતો…”

એક વખત હથિયારો હાથમાં આવી ગયા એટલે ઓસ્કરે રબ્બર-સ્ટેમ્પ બનાવનારના ભાઈ યુરી બેજસ્કીની નિમણૂંક હથિયારોના રખેવાળ તરીકે કરી દીધી હતી. યુરી બેઠી દડીનો રૂપાળો અને મળતાવળા સ્વભાવનો છોકરો હતો. શિન્ડલરનો પોતાનો પુત્ર હોય એમ તેના અંગત મકાનમાં યુરીને આવ-જા કરતો લોકો જોતા હતા! એમિલિનો પણ એ માનીતો હતો. એપાર્ટમેન્ટની એક ચાવી પણ એમિલિએ તેને આપી રાખી હતી. સ્પાઇરા કુટુંબના બચી જવા પામેલા એ છોકરા પ્રત્યે એમિલિને પોતાના પુત્ર જેવો ભાવ હતો. પોતાના રસોડામાં લઈ જઈને એમિલી ઘણીવાર તેને બ્રેડ અને માખણ ખવડાવતી હતી!

યુરીએ કેદીઓની એક નાનકડી ટૂકડીને તાલીમ આપવા માટે પસંદ કરી હતી. એક સમયે એક જ કેદીને તે સાલપિટરના સ્ટોરહાઉસમાં લઈ જતો અને ગેવેર ૪૧ ડબ્લ્યુના મિકેનિઝમ અંગે શિક્ષણ આપતો. પાંચ-પાંચ કેદીઓની એક, એવી ત્રણ કમાન્ડો ટૂકડીઓ તેણે ઊભી કરી લીધી હતી. બેજસ્કીના તાલીમાર્થિઓમાં કેટલાક લોકો લ્યુટેક ફિજેનબમ જેવા યુવાનો હતા. બાકીના ફેફરબર્ગ જેવા પ્રૌઢો અને અન્ય કેટલાક કેદીઓ પણ હતા જેમને શિન્ડલરના કેદીઓ “બદઝિન” તરીકે ઓળખતા હતા.

આ બદઝિન લોકો, પોલિશ આર્મિના યહૂદી અધિકારીઓ હતા. અન્ટર્મસ્ટર્નફ્યૂહરર લિઓપોલ્ડના વહીવટ હેઠળ રહેલા આ બદઝિનો, લેબર કેમ્પના વિલિનીકરણમાંથી બચી ગયા હતા. લિઓપોલ્ડ તેમને બ્રિનલિટ્ઝમાં પોતાના નવા અધિકારક્ષેત્ર હેઠળ લઈ આવ્યો હતો. તેમાં લગભગ પચાસેક માણસો હતા, અને ઓસ્કરના રસોડમાં તેઓ કામ કરતા હતા. લોકો તેમને અઠંગ રાજકારણી તરીકે ઓળખતા હતા. બદઝિનના જેલવાસ દરમ્યાન તેમણે માર્ક્સવાદ અંગે જાણકારી મેળવીને કોમ્યુનિસ્ટ પોલેન્ડ ઊભું કરવા માટેના પ્રયત્નો કર્યા હતા. કેપિટલિસ્ટોમાં પણ રાજકારણની દૃષ્ટિએ તટસ્થ હોય એવી હેર ઓસ્કર શિન્ડલર જેવી વ્યક્તિના બ્રિનલિટ્ઝના રસોડામાં કામ કરવું પડે, એ આમ તો તેમની કરૂણતા જ હતી!

ઝિઓનિસ્ટથી સાવ અલગ પડતા, અને માત્ર પોતાના સ્વબચાવના રાજકારણમાં જ માનતા આ બદઝિન લોકો કેદીઓમાં સારી છાપ ધરાવતા હતા. તેમાનાં મોટાભાગનાએ ઓટોમેટિક હથિયારો વાપરવાનું શિક્ષણ ગુપ્ત રીતે યુરી બેજસ્કી પાસે જ લીધું હતું, કારણ કે ત્રીસીના દાયકાની પોલિશ આર્મિ પાસે આ પ્રકારનાં આધુનિક હથિયારો હતાં જ નહીં!

પોતાના પતિની અમર્યાદ સત્તાના એ આખરી દિવસોમાં, બર્નો શહેરના મહેલની અંદર યોજાયેલી સંગીત સમારોહ જેવી કોઈ પાર્ટીમાં, ઓસ્કર શિન્ડલર તરફથી ભેટમાં મળેલા હીરાના હાર તરફ શ્રીમતી રાસે નજર પણ કરી હોત, તો તેનાં પોતાનાં અને ફ્યૂહરરના બંનેના સ્વપ્નોમાંથી એક શેતાનને એ હારમાં પ્રતિબિંબિત થતો એ જરૂર જોઈ શકી હોત! કારણ કે એ શેતાન એક હથિયારધારી હતો, માર્ક્સવાદી હતો, અને યહૂદી હતો.

આપનો પ્રતિભાવ આપો....