શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૬)
એમોન અને બૉસ સહિતના ઓસ્કરના બધા જ શરાબી મિત્રો ઓસ્કરને યહૂદી વાયરસનો શિકાર ગણાવીને ક્યારેક તેની મજાક ઉડાવતા હતા, અને તે પણ માત્ર કહેવા ખાતર નહીં! હકીકતમાં તેઓ શબ્દશઃ એવું માનતા હતા! અને તેઓ તો આવા વાયરસનો શિકાર થયેલા માણસનો કોઈ વાંક પણ કાઢતા ન હતા! સારા-સારા માણસો સાથે આવું થતું તેમણે જોયું હતું! મગજનો કેટલોક હિસ્સો ગુલામીમાં એવો સપડાઈ જતો હોય છે, જેમાં અડધી જગ્યામાં બેક્ટેરિયા ભરેલા હોય, અને અડધી જગ્યામાં જાદુ! એ બેક્ટેરિયા ચેપી હતા કે નહીં એવું કોઈ પૂછે, તો જવાબમાં તેઓ તરત જ હા કહી દેતા! જો જો, ખૂબ જ ચેપી છે આ બેક્ટેરિયા તો…! ઓબરલેફ્ટેનન્ટ સસ્મથના કિસ્સાને તેઓ ચેપ લાગવાના એક જાણીતા દાખલા તરીકે ટાંકતા હતા!