રહું છું ઊભો જે તમ છવિની સંમુખ ભગવન્
થવા દૌં છું ખુલ્લા હ્રદય પર જે કૈં થતું ભલે;
તમોને પ્હેરાવ્યો મુગટ વીણી તીણી શૂલતણો
દિસે તાજો જાણે અબઘડી મૂક્યો મેં જ તમપે.
તમારા તો ચ્હેરા ઉપર, નયનોમાં દરદની
કરુણાની આભા ચકરાઈ રહી એવી, શૂલનું
બની જાતું ચ્હેરાફરતું કિરણો કેરું વલય!
પસી આવી ફોટાબહિર દગ ભોંકાઈ જ જતું,
હથોડી આ રીઢા કરથી ઊંચકાતી ધ્રૂજી જતી;
ફરી પાઆ ખીલા મુજ કર, અને આપ ક્રૂસપે@
પ્રભો, આ તે કેવું નસીબ મળ્યું છે કે વળી વળી
તમારી સામે હું કંઈ કંઈ મિષે આવી જ જઉં!
થશે ક્યારે સાચી રીતનું તમ સંમુખ ઊભવું?
નીચે મ્હોડે, લજ્જા સહિત અપરાધી શું ઉભવું?
(‘તૃણનો ગ્રહ'(૧૯૬૪)માંથી સાભાર)
નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉસનસ્’નો જન્મ વડોદરા જીલ્લાના સાવલી ગામમાં થયેલો. મુખ્યત્વે તેઓ કવિ અને વિવેચક હતા. ‘પ્રસૂન’, ‘નેપ્થ્યે’, ‘આર્દ્રા’, ‘મનોમુદ્રા’, ‘તૃણનો ગ્રહ’, ‘સ્પંદ અને છંદ’, ‘કિંકીણી’, ‘ભારતદર્શન’, ‘અશ્વત્થ’, ‘રૂપના લય’, ‘વ્યાકુલ વૈષ્ણવ’, ‘પૃથ્વીને પશ્ચિમ ચહેરે’, ‘આરોહ અવરોહ’ અને ‘શિશુલોક’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. ‘પૃથ્વીગતિનો છંદોલય’ એ તેમનો સોનેટસંગ્રહ છે. ઈસુની હત્યા તેમને ક્રોસ પર ચડાવી, શરીરમાં ખીલા જડીને કરવામાં આવી હતી. કવિ ઈસુની છબી દિવાલ પર ટિંગાડતી વખતે એ કરુણ ઘટના સાથે મનોમન તાદમ્ય અનુભવે છે. એમના મનુષ્ય તરીકેના અપરાધભાવની અનુભૂતિ આ રચનામાં છે. કવિનું સંવેદનશીલ હ્રદય એવો પ્રશ્ન પણ પૂછે છે કે મહાપુરુષોની આવી દુર્દશા કરતી માનવજાત કઈ રીતે અટકશે? આ ચોટદાર સોનેટ અદ્રુત અને અસરકારક રીતે વાચકને ચોટ આપી જતું બન્યું છે.
શૂળી ઉપર જીવું છું ને લંબાતો હાથ છું,
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી.
– જવાહર બક્ષી
મારી માનીતી એ આખી ગઝલ અહીં ….
http://layastaro.com/?p=140
Empathy સમ સંવેદના જગાડતું સોનેટ…વાસ્તવિકતાની કલ્પનાથી થથરી જવાય છે અને મનમાં પ્રશ્ન શૂળ ભોંકાય છે કે માણસ માણસને ખીલે જડવા જેટલો ક્રૂર, હ્રદયહીન, સંગદિલ શી રીતે થઈ શકે, કવિ હૃદય તો એક પંખી ઉપર પાથરો ફેંકતા ફેંકી દીધો ત્યારે પણ રડી ઉઠે છે…રે રે પથરો…!