મહારાજ લાયબલ કેસમાં વાદી તરીકે જદુનાથ બ્રીજરતનજી મહારાજ હતા, પ્રતિવાદીઓમાં કરસનદાસ મુલજી (૧૮૩૨-૧૮૭૧) તથા નાનાભાઈ રૂસ્તમજી રાણીના હતા. વાદીના વકીલ તરીકે મી. બેલી તથા મી. સ્કોબલ હતા, પ્રતિવાદીના વકીલ તરીકે મી. આનસ્ટી તથા મી. ડબનાર હતા. આ કેસ સુપ્રિમ કોર્ટમાં જજ સર મેથ્યુસ સાર તથા જોસેફ આર્નોલ્ડની હજુરમાં શનિવાર તા. ૨૫ જાન્યુઆરી ૧૮૬૨ થી મંગળવાર તા. ૨૨ એપ્રિલ ૧૮૬૨ સુધી ચાલ્યો હતો. કેસમાં જદુનાથ બ્રીજરતનજી મહારાજ, કરસનદાસ મુલજી સામે પચાસ હજાર રૂપિયાનો બદનક્ષીનો દાવો હારી ગયા હતા, કરસનદાસ નિર્દોષ સાબિત થયા અને કેસ લડવામાં તેમને જે ૧૩,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો તે બદલ અદાલતે જદુનાથજી પાસેથી તેમને ૧૧,૫૦૦ રૂપિયા અપાવ્યા હતા. આ જ કેસની કાર્યવાહીના પુસ્તકની નકલ શ્રી પ્રકાશ પંડ્યાએ અક્ષરનાદ માટે ઉપલબ્ધ કરાવી છે. જર્જરિત પાનાઓને સેલોટેપથી ચોંટાડેલી ચોપડીમાંથી થયેલી નકલમાંથી આ પુસ્તક આખું ટાઈપ થઈને આવે અને અક્ષરનાદ પર મૂકાય, એ દરમ્યાનમાં એમાંથી મથુરદાસ લવજીની સાહેદી આજે મૂકી છે. ભાષા તથા જોડણી વગેરેમાં ક્યાંય કોઈ ફેરફાર કર્યો નથી.
પ્રતીવાદીઓની તરફના સાક્ષીઓ
(બારમો દિવસ, બ્રહસ્પતિવાર તા. ૧૩મી ફેબ્રુઆરી)
(૯) મથુરદાસ લવજી –
હું ભાટીઓ વેપારી, વલ્લભાચાર્ય પંથનો છું, ગુજરાતી, મરાઠી અને વ્રજ ભાષા જાણું છું. મેં મારા પંથના કેટલાએક પુસ્તકો વાંચ્યા છે તે પુસ્તકોના નામ – ‘ગુરૂ સેવા’, ‘પુષ્ટિપ્રવાહ મર્યાદા ટીકા’, ‘સીદ્ધાંત રહસ્ય’, ‘વચનામૃત’, ‘રસભાવના’, ‘ચતુરશ્લોકી’, ‘ચોરાસી વૈષ્ણવની વાર્તા’, ‘બસો બાવનની વાર્તા’ ઇત્યાદી. એ પુસ્તક મધ્યેના કેટલાએક પુસ્તક મેં કરસનદાસને કોર્ટ મધ્યે રજુ કરવાને આપેલા છે. હું મારા પંથના મતથી તથા અસલ હીંદુ ધર્મથી ઘણો ખરો વાકેફ છું. ભાગવત અને બીજા શાસ્ત્ર સાંભળી હું અસલ હીંદુ ધર્મથી વાકેફ થયો છું. હમારો પંથ અસલ હીંદુ ધર્મથી જુદો છે. હમારા પંથમાં મુર્તી પુજવાની જે રીત છે તે વેદશાસ્ત્ર પ્રમાણે નથી પણ વલ્લભાચાર્યે કરી દેખાડી છે તે પ્રમાણે છે. બાલબોધ નામના હમારા પંથના પુસ્તકમાં છે કે કલીયુગમાં (એટલે કે હાલના વખતમાં) કોઈ વેદ શક્શે નહીં. અને વેદમાં કહેલાં કર્મો કીધાથી મુક્તી થતી નથી ભાઈ ફક્ત સ્વર્ગ મળે છે. ગોકુળનાથજીએ વચનામૃતમાં જણાવ્યું છે કે બીજા શાસ્ત્ર પુષ્ટિમાર્ગ (એટલે કે મહારાજનો પંથ)થી અંતરાય કરાવનારાં છે વાસ્તે તે શાસ્ત્ર માનવા નહીં. હમારા પંથમાં વલ્લભાચાર્ય, તેના પુત્ર વીઠલનાથજી (ગુંસાઈજી) અને તેના વંશના સઘળા મહારાજોને ઇશ્વરનો અવતાર ગણવામાં આવે છે. વલ્લભાચાર્ય તથા વીઠલનાથજીને પુર્ણ પુરુષોત્તમ એટલે પુરો ઇશ્વર કરીને ગણવામાં આવે છે. મહારાજો જુદા જુદા નામથી ઓળખાય છે. વલ્લભ કુલ, વલ્લભના બાળક, વલ્લભ દેવ, પુર્ણ પુરુષોત્તમ, આચાર્ય, અગ્નિરુપ ઇત્યાદી. વલ્લભાચાર્ય અને તેનો પુત્ર ૧૦૮ નામથી ઓળખાય છે. મહારાજોને સેવા કરતી વખતે હમારા લોકો મહાપ્રભુ પણ કહે છે. ભાટીઆ જ્ઞાતનો મોટો ભાગ મહારાજને ઇશ્વર પ્રમાણે માને છે અને મહારાજની છબીને પણ પુજે છે. વળી દરેક મહારાજના નામનું સ્મરણ પણ કરવામાં આવે છે અને તે જ્યાં છે ત્યારથી તેને ઈશ્વર ગણવામાં આવે છે. તેના ગુણ, તેની યોગ્યતા તથા તેની સીકલ વીશે કાંઈપણ દરકારે રાખવામાં આવતી નથી. ઇશ્વરના સર્વે અવતારમાં વલ્લભનો અવતાર હમારા લોકો સૌથી સરસ ગણે છે. વલ્લભ એ લક્ષ્મણ ભટનો છોકરો તથા તૈલંગ બ્રાહ્મણ હતો. તૈલંગા બ્રાહ્મણ મહારાજોની સાથે જાતી વહેવાર રાખતા નથી. આખા હિંદુસ્થાનમાં બાર કરોડ હિંદુઓમાં ફક્ત બે લખ હિંદુઓ મહારાજને માને છે, કંઠી બાંધે છે તથા બ્રહ્મસંબંધ આપે છે. તે સિવાય બીજે કોઇ વખતે મહારાજ પોતાના સેવકોને ધર્મ ઉપદેશ કરતા નથી. બ્રહ્મસંબંધ કરાવતી વખતે મહારાજ પોતાના સેવકોને મ્હોડે આ પ્રમાણે મંત્ર બોલાવે છે, ‘હું કૃણથી ઘણો વખત થયો જુદો પડ્યો છું (વચમાંના શબ્દો મને યાદ નથી) હું મારું તન મન ધન તથા ઈંદ્રિ, બાયડી, છોકરાં, ઘરબાર સઘળું કૃષ્ણને અર્પણ કરૂં છું. આ મંત્ર છોકરાઓને મ્હોડે તથા પરણ્યા પઈ છોકરીઓને મ્હોડે સમર્પણ આપતી વખતે બોલાવે છે, હમારા લોકો મહારાજને કૃષ્ણ પ્રમાણે માને છે અને હમારા લોકો મહારાજોને તન, મન, ધન અર્પણ કરે છે. બરાબર જોઈએ તો હમારા લોકો મહારાજને પોતાની સઘળી દોલત આપી દેતાં નથી. પણ સ્ત્રીઓ સાથે મહારાજ જારકર્મ કરે છે ખરાં. રાસલીલાનો અર્થ જારભાવની રમત એવો કરવામાં આવ્યો છે. ચિત્રમાં કૃષ્ણ ઝાડ ઉપર બેઠા છે અને ગોપીઓ નગ્ન ઉભી છે તે ગોપીઓની સાથે કૃષ્ણે કરેલી લીલાનું ચિત્ર છે, આવા બધાં ઘણાં ચિત્ર મહારાજના મંદિરમાં ટાંગેલા હોય છે. બીજાં ચિત્રોમાં ગોપીઓ કૃષ્ણ ઉપર ગુલાલ અને રંગનું પાણી ઉડાડે છે. હમારા પંથના પુસ્તકમાં એવું જણાવ્યું છે કે હમારા પંથના સઘળા પુરુષ તથા સર્વે સ્ત્રીઓ મર્યા પછી ગઉલોક સ્વર્ગ મધ્યે ગોપી થઈને અવતરશે તથા કૃષ્ણની સાથે રાસલીલા રમશે. મહારાજ ઓજ્યારે ઠાકોરજીની આરતી ઉતાર એછે ત્યારે તેઓ ઉપરણો ઓઢે છે અને હંમેશ ચોટલા રાખે એ, તે એ ભાવથી કે તેઓ આ દુનીયામાં ગોપી છે. મારે વાદીની સાથે વાત થઈ હતી તેમાં તેણે મને કહ્યું છે કે હું સુરત જાઉં ત્યાં સુધી ‘સ્વધર્મ વર્ધક’ ચોપાનીયું લખવાનો બંદોબસ્ત જીવણજી મહારાજ સાથે કરો. એ ચોપાનીયું વૈષ્ણવ ધર્મ પ્રસારક મંડળીની તરફથી કહાડવામાં આવે છે. વાદીએ મંડળીનો પ્રમુખ છે. અને વાદીએ કહ્યું કે એ ચોપાનીયું હું ગોરધનદાસની સાથે મળીને લખું છું. એ ચોપાનીયાના ફેલાવાને વાસ્તે વાદીએ ચાબુકના છાપખાનામાંથી એક હેંડબીલ કહાડ્યું હતું તે મેં વાંચ્યું છે. એ હેંડબીલ વાદીનાં મંદીરના દરવાજા આગળ મને મળ્યું. મને હમારા લોકોમાં ‘મથુરા પંથ’ કરીને કહે છે; કારણ મારા વિચાર મહારાજની અનીતી અને વ્યભીચારની વીરૂદ્ધ છે. તે ઉપરથી મેં જાણે નવો પંથ ઉભો કીધો હોય એમ મારૂં નામ પાડ્યુ છે. પણ મેં કાંઈ નવો પંથ ઉભો કીધો નથી. મહારાજોની અનીતિ વિશે મારા બચપણમાં મને મારા બાપે ઉપદેશ કીધો છે. મહારાજોનાં વ્યભીચારથી હમારા પંથના ઘણાં લોકો જાણીતા છે. પણ ઘણાએક કારણને લીધે તે જાહેર કરવાને અચકાય છે. આશરે આટ નવ વરસ થયાં હું મારા મીત્રોને મહારાજોની અનીતિ વીશે ઉપદેશ કરતો આવ્યો છું. મહારાજો અનીતિવાન છતાં હું તથા મારા મીત્રો તેમને માન આપીએ છીએ તે ફક્ત બહારથી જ આપીએ છીએ. સવંત ૧૯૧૧ (સન ૧૮૫૫)માં ભાટીઆઓએ એક લખત તૈઆર કીધું હતું તે મધે કેટલાએક બંદોબસ્તની સાથે એક આ બંદોબસ્ત પણ કીધો હતો કે સ્ત્રીઓને શીઆળામાં પાછલી રાતે દર્શન કરવા મોકલવી નહીં. એ બંદોબસ્ત કરવાને જે સભા ભરાઈ હતી તેમાં હું હાજર થયો હતો. ત્યાં એવો ઠરાવ થયો કે હાલ મહારાજ અને બ્રાહ્મણો વચ્ચે (ભુલેશ્વરના છપ્પન ભોગ વીશે) તકરાર ચાલે છે, તેથી મહારાજને હલકું નહીં લાગે એટલાં માટે બાયડીઓને દર્શને મોકલવા બાબતનો બંદોબસ્ત એક વરસ પછી અમલમાં લાવવો. આ ફરીઆદ ચાલુ થયા પછી મહારાજનો મુકદમો ચલાવનાર પ્રભુદાસના છાપખાનાંમાંથી એક હેંડબીલ નીકલ્યું હતું, અને તેમાં જણાવ્યું હતું કે એ લખત આ કોર્ટમાં હાજર કરવાને વાસ્તે પ્રતીવાદીને કોઇ પણ ભાટીઆ શેઠીઆએ આપવો નહીં. મહારાજોના વ્યભીચારની વાત હમારા લોકોમાં પ્રસિદ્ધ છે. અને સન ૧૮૫૫ પછી મહારાજોની ટેવમાં કાંઇ સુધારો થયો નથી. આશરે ૮ વરસ ઉપર ખટાઉ મકનજીના સાથે ગોકલદાસ તેજપાલની વાડીમાં હું ગયો હતો ત્યારે હમને તે વાડીના માળીએ જણાવ્યું કે એક મહારાજ ચાર સ્ત્રીઓને લઈને આવ્યો છે. ગોકલદાસ અને લક્ષ્મીદાસ હમારી અગાઉ આવ્યા હતા તે ઉપલી વાત સાંભળીને સામેની વાડીમાં બેઠા હતા. માલીએ એ વાત કહ્યા છતાં પણ હું તથા ખટાઉ શેઠ ગોકલદાસની વાડીની અંદર ગયા, હમને જોઈને લક્ષ્મીદાસ ખીમજી હમારી પાછળ આવ્યા. ખટાઉ મકનજી રસોડામાં ઉભો રહ્યો અને હું બંગલામાં ગયો. બે બૈરી બંગલાના દીવાનખાનામાં બેઠી હતી. તેઓએ મને ના પાડી, તેવું છતાં પણ હું આગળ ધસ્યો, અને માંહેલા ઓરડાના બારડાને આંકડો અંદરથી દીધેલો હતો તે મારી છરીથી મેં ઉઘાડ્યો. મેં — નામના એક મહારાજને એક સ્ત્રી સાથે જારકર્મ કરતા દીઠો. બીજી સ્ત્રી તે જ ઓરડામાં બેઠી હતી. મહારાજ મને જોઈને શરમાઈ ગયો અને ધોતીયું બાંધવા લાગ્યો. તે સ્ત્રી ભાટીઆ જ્ઞાતની હતી. ને પરણેલી અને પચીસ ત્રીસ વરસની હતી. મહારાજને જારકર્મ કરતા જોઈને મેં તેના દર્શન કીધાં. શેઠ લક્ષ્મીદાસ તેટલી વારમા આવી પહોંચ્યા અને મહારાજે શેઠ ગોકલદાસને બોલાવવા માણસ મોકલ્યો અને તે આવ્યા ત્યારે તેને બરફી બીડું આપ્યું તે સ્ત્રીઓને મહારાજે રજા આપી. હમારામાંના એક સોબતીએ તે મધેની એક સ્ત્રીને પાટલો માર્યો; એ વાત છુપી રાખવા માટે મહારાજે ગોકલદાસને કહ્યું, પણ મેં સાફ કહ્યું કે હું એ વાત છુપીર રાખી શકનાર નથી. હમારામાં ‘રસમંડળી’ થાય છે. ‘રસમંડળી’ વાળા ભાવકી સેવક કહેવાય છે. કેમ કે મહારાજોને વધારે માન આપે છે અને પોતે વધારે વ્યભીચાર કરે છે. એ મંડળીવાળા બહારના માણસને પોતાનામાં સામેલ કરતા નથી. તેઓ પોતાની સ્ત્રીઓને સાથે લઈને જાય છે. હું પોતે એ મંડળીમાં કદી સામેલ થયો નથી.
(તેરમો દિવસ, શુક્રવાર તા. ૧૪મી ફેબ્રુઆરી)
મેં સ્ત્રીઓને મહારાજ પાસે આવતા ઘણી વખત જોઈ છે. મેં દસ વીસ મહારાજની પાસે સ્ત્રીઓને આવતાં દીઠી છે. સ્ત્રીઓ પોતાને હાથે મહારાજના ચરણસ્પર્શ કરીને તે હાથ આંખને લગાડે છે. વાદીના ચરણસ્પર્શ કરતા પણ મેં સ્ત્રીઓને જોઈ છે. કેટલાએક મહારાજો એ વખતે પોતાના પગના અંગુઠાથી સ્ત્રીઓના હાથ દાબે છે. વાદીને મેં તેમ કરતા જોયો નથી. પગના અંગુઠાથી સ્ત્રીઓનો હાથ દાબવો એ જારકર્મ કરવાની ઇશારત છે. સ્ત્રીઓ જ્યારે મહારાજની સામે જુએ છે ત્યારે મહારાજો પોતાની આંખથી ઇશારા કરે છે. એ ઇશારત ઉપરથી જ સ્ત્રીઓ ભીતર (અંદર)ના ઓરડામાં જાય છે. આ વાત હું મારા પોતાના અનુભવ ઉપરથી કહું છું. વસંત પંચમી પછી મહારાજો ગુલાલ ઉડાડે છે. જે સ્ત્રીઓ સાથે મહારાજ જારકર્મ કરવાની ઇચ્છા રાખે છે, તે સ્ત્રીઓ ઉપર તેઓ વધારે ગુલાલ નાખે છે. રંગના પાણીની પીચકારી પણ એવી સ્ત્રીઓની છાતી ઉપર તાકીને મારે છે. મહારાજોની હજુર સેવકીઓ જારભાવના ગીત ગાય છે, જેવા કે ‘સુતી જગાઈ, મેરેકું અધર ઉઠાઈ, તેડી જાય તો હમારો મન ઠરે.’, ‘હું વલ્લભ વર (મહારાજ) ને વરી જાઉં.’ ઇત્યાદી. આ ગીત મહારાજની હજુર ગાવામાં આવે છે. તે ઉપરથી તેની મતલબ ખુલ્લી માલુમ પડે છે. મહારાજો વ્યભીચારી છે એ વાત મશહુર છે. બીજા મહારાજો કરતાં વાદીની આબરૂ સારી નથી. હમારા શાસ્ત્ર મીતાક્ષરા પ્રમાણે સ્ત્રીઓની ઉપર ગુલાલ અથવા કાંઇપણ ભુકો (સુગંધી ભુકો) નાખવો એ વ્યભીચાર છે અને તેની શીક્ષા વ્યભીચારના મથાળા હેઠળ લખવામાં આવી છે. જાર ભાવના ગરબા ગાવા એ પણ નીતીશાસ્ત્રથી વીરુદ્ધ છે. પણ હમારા લોકો મુંગે મ્હોડે જોયા કરે છે, અને પોતાની હજુરમાં મહારાજોની આગળ એવા ગીત ગાવાની (સ્ત્રીઓને) છૂટ આપે છે. આશરે ૧૬ મહીના ઉપર વાદીની સાથે મારી પેહેલી ઓળખાણ જીવરાજ બાલુને ઘેરે થઈ, મુંબઈ મધે. હું સાત આઠ મહારાજોને ઓળખું છું. તેઓના નામ જીવણજી, ગોકલેશજી, ચીમનજી, મગનજી, દ્રારકાનાથજી, જદુનાથજી. કચ્છ માંડવી તથા બેટ મધ્યે પણ મેં મહારાજોને દીઠા છે. માંડવીમાં રણછોડજી મહારાજ છે, તેની સાથે અને ત્યાંના માજી મહારાજ (મહારાજની વીધવા) સાથે મારી ઓળખાણ છે.
(આ ઠેકાણે ચીફ જસ્ટીસ સર માથ્યું સાસે જણાવ્યું કે ગઈકાલે — નામના એક મહારાજ વીષે સાહેદી નોંધાયા પછી હમોએ ઘણો વિચાર કીધો છે. અને એવું માલુમ પડે છે કે જે મહારાજ હાજર નથી તે મહારાજોના વ્યભીચારની બારીક વાત સાહેદીમાં નોંધવી એ ઘણું ગેરવ્યાજબી છે. તેટલા વાસ્તે — નામના એક મહારાજ વીષે ગઇ કાલે પડેલી સાહેદી હમે વિચારમાં લેનાર નથી અને હવે પછી બીજા મહારાજોના વ્યભીચારની વાત ફક્ત સાધારણ શબ્દોમાં સાંભળીશું.)
સ્ત્રીઓના દર્શન વીશે એ બંદોબસ્ત કરવાને મેં પોતે મહારાજને વીનતી કીધી હતી પણ મહારાજે તે બહાલ રાખવાને ના પાડી. એ વીશે મારે મહારાજની સાથે કેટલાએક તકરાર થઈ હતી. જીવણજી મહારાજ સાથે મારે જે વાતચીત થૈ હતી તે ખાનગી હતી તે જણાવવાને હું ખુશી નથી અને તેમ કરતાં કોર્ટ ફરજ પડે તો હું લાચાર છું (કોર્ટે ફરજ પડી.) જીવણજીએ કહ્યું કે સહુકોઈ પોતપોતાના ઘરના માલેક છે. વ્યભીચાર બહુ વધ્યો છે. અને તેનો અટકાવ કરવો ઘણું મુશ્કેલ છે. જેઓ મારેથી મોટા છે તેઓને મારાથી કહેવાય નહીં અને કદાચ કહું તો તેઓ મારી વાત માને નહીં.
સરસ સ્ફોટક માહિતી
આ ઘણો જાણિતો કેસ છે લાઈબલ એટલે શુ ? તે જાણવા માટે આ કેસ દરેક લો ( કાનુન ) પુસ્તક મા હોઇ છે.તે વખતે વાચિ ને શરમ આવતિ હતિ .અવા ભલે ૧૫ ટકા હોઇ પણ આખિ ગ્નાતિ બદનામ થૈ છે. અસ્તુ………
સ્ફોટક માહિતી.