મહારાજ લાયબલ કેસ – મથુરદાસ લવજીની સાહેદી 3
હું ભાટીઓ વેપારી, વલ્લભાચાર્ય પંથનો છું, ગુજરાતી, મરાઠી અને વ્રજ ભાષા જાણું છું. મેં મારા પંથના કેટલાએક પુસ્તકો વાંચ્યા છે તે પુસ્તકોના નામ – ‘ગુરૂ સેવા’, ‘પુષ્ટિપ્રવાહ મર્યાદા ટીકા’, ‘સીદ્ધાંત રહસ્ય’, ‘વચનામૃત’, ‘રસભાવના’, ‘ચતુરશ્લોકી’, ‘ચોરાસી વૈષ્ણવની વાર્તા’, ‘બસો બાવનની વાર્તા’ ઇત્યાદી. એ પુસ્તક મધ્યેના કેટલાએક પુસ્તક મેં કરસનદાસને કોર્ટ મધ્યે રજુ કરવાને આપેલા છે. હું મારા પંથના મતથી તથા અસલ હીંદુ ધર્મથી ઘણો ખરો વાકેફ છું. ભાગવત અને બીજા શાસ્ત્ર સાંભળી હું અસલ હીંદુ ધર્મથી વાકેફ થયો છું. હમારો પંથ અસલ હીંદુ ધર્મથી જુદો છે. હમારા પંથમાં મુર્તી પુજવાની જે રીત છે તે વેદશાસ્ત્ર પ્રમાણે નથી પણ વલ્લભાચાર્યે કરી દેખાડી છે તે પ્રમાણે છે. બાલબોધ નામના હમારા પંથના પુસ્તકમાં છે કે કલીયુગમાં (એટલે કે હાલના વખતમાં) કોઈ વેદ શક્શે નહીં. અને વેદમાં કહેલાં કર્મો કીધાથી મુક્તી થતી નથી ભાઈ ફક્ત સ્વર્ગ મળે છે.