રણ વચાળે નિશાળ! – કલ્પેશ પટેલ 6


રણ વચાળે નિશાળ!

નવાગામમાંથી માંડ પંદરેક મિનિટ ઉત્તરમાં ચાલીએ એટલે ભૂમિ બદલવા લાગે… નવાગામ તો લીલું, તળમાં પાણીય ચિક્કાર. પણ આગળ જઈએ એટલે પાણી દુર્લભ. સામું જ ખિરસરા ગામ ઊભું છે. ડુંગરાળ પટ પર છૂટાં છવાયા ખોરડાં. ગામ ડુંગર પર છે અને બે પાંચ ઘર વધારે હશે એટલે એને મોટા ખિરાસરા કહેતા હશે! નાના ખિરાસરા નીચાણમાં છે. વીસેક ખોરડા હોય તો હોય. મોટા ગામમાં મુસલમાન વસ્તી. નાના ખિરસરામાં આયરો. એ લોકો હિન્દુ હોવાનો ગર્વ લે, પણ નાતમાં એવી એમની આબરૂ નહીં. છેવાડાનું ગામ ને જરા પછાત. મોટા ખિરસરા પહેલવહેલું જોયેલું ત્યારે ‘શોલે’નું રામગઢ સાંભરી આવેલું. પરિચય કરાવવા આવેલા શિક્ષકે કહ્યું, ‘અંજારનું ગણો તોયે ને ગુજરાતનું ગણો તોયે આ છેલ્લું ગામ!’

‘એટલે?’

‘બસ. પાકિસ્તાનની બૉર્ડર!’ સાવ એવુંય નહોતું. ખિરસરા પછી તો અફાટ રણ છે. પાકિસ્તાન તો પછી આવે. મારે ગામ સાથે ઓછી નિસ્બત. બે ગામને જુદા પાડતા જમણા નાળિયે મારે વળી જવાનું. એકાદ કિલોમીટર જેટલું ચાલું એટલે નાના ખિરસરા આવે. અગાઉ કહ્યું એમ ગામ બહુ નાનું પણ મજાનું…. એકજ ફળિયું. નાળિયાને અઢેલીને એક મંદિર. જ્યાં દેવ-દેવી એ તો યાદ નથી રહ્યું. મંદિરથી નિશાળ ઢેફા-વા. બે ઓરડા હતા. એક જ ખપમાં લેવાતો. નારણ ભાઈ જોશી અહીં શિક્ષક-આચાર્ય. જૂની પેઢીના આદર્શવાદી સજ્જન. હું ત્યારે વીસેકનો. નારણભાઈ નિવૃત્તિના આરે. મારે માટે એમને અગાધ પ્રીતિ. અવારનવાર મળવાનું થાય. નાની મોટી શિખામણો પ્રેમપૂર્વક આપે. એમનું શૈશવ સાબરકાંઠામાં વીતેલું. શિક્ષક તરીકે ત્યાં નોકરીય કરેલી. બોલે ત્યારે સાબરકાંઠાની લઢણ આવી જાય ત્યારે એવું ગમે! દૂરદેશાવર…રણમાં કોઈ પોતીકો જણ મળ્યો જાણે! એકવાર એમણે મને કહેલું -‘પટેલ! શરીર બનાવ. તારામાં કોમળતા છે. પુરુષ માટે કોમળતા સારી નહીં!’ એમની વાત સાવ કાઢી નાખવા જેવી નહોતી. નબળો તો હું આજેય લાગું છું!

નારણભાઈમાં ભારે ખુમારી. બ્રાહ્મણની અસ્મિતા. એને લઈને એમને શોષવુંય પડેલું. કેળવણી નિરીક્ષકે એમને ડારવા પ્રયાસ કરેલો. જોશીભાઈ નમ્યા નહીં. એમનો ઇજાફો અટકાવાયો. જોશીભાઈને એ વાતનું જબરૂં દુઃખ, વારંવાર સંભારે, ગાળ દઈને કહે; ‘પટેલ! સાચાની દુનિયા નથી!’ એ ભલા સજ્જન, બે એક વરસ પહેલાં અવસાન પામ્યા.

નાના ખિરસરાથી નાળિયું રણ ભણી આગળ વધે. ‘સાવધાન! તમે રણમાં પ્રવેશી રહ્યા છો!’ એમ નાળિયાની રેતી ઊછળી ઊછળીને કહે. મારે ગંતવ્યસ્થાને પહોંચતાં પહેલાં પાણી પી લેવાનું સ્થળ ખિરસરા. મને હજુય યાદ છે, નોકરી મળ્યાને થોડાક જ દિવસો પછી આપણા રામ ચાલતા નીકળેલા. મંદિરથી સહેજ આગળ ડાબી બાજુ એક ઘર. તરસ લાગી એટલે આંગણામાં ઊભીને મેં પાણી માગ્યું. બાઈએ કહ્યું; ‘અમે હરિજન છંયે! પણે આયરના ઘરે જઈ હાકલ પાડો!’ એવો ઝાટકો વાગેલો. અસ્પૃશ્યતા વિષે વિચારતો માંડ નિશાળે પહોંચેલો. ત્યારે કાચો હતો. હિંમત ઓછી હતી. નહીં તો એમ જ ન કહું કે ‘મારે તો બેન, તમારું જ પાણી પીવું છે!’ એ લાચાર બાઈનું પાણી ન પીધાનો અફસોસ આજેય જેમનો તેમ છે.

ખિરસરાથી આગળ જઈએ એટલે વૃક્ષો અદ્રશ્ય. ક્યાંક ક્યાંક જોવા મળે તોય એવાં, નામનાં, વૃક્ષત્વ વિનાનાં. વનસ્પતિ ને વૃક્ષોને નામે ગાંડા બાવળ. આગળ ઉપર તો એય દુર્લભ બનતી જાય. બસ, માત્ર રણનું એકચક્રી શાસન પ્રવર્તે. નાળિયે નાળિયે ને પછી એક શેરી પર આગળને આગળ ચાલ્યા કરું ત્યારે મારી નિશાળ આવે. રસ્તામાં કોઈ સામું મળે કે હું કોઈને સામો મળું તો અમારા ભાગ્ય! શરૂમાં તો પાંચ હાથ ઊંચો ને કરડો ચહેરો ધરાવતો કોઈ સિંધી કોઈને સામો મળે તો અંદરથ બીક જ લાગતી. અનુભવે જોયું કે ના, જેવા લાગે છે તેવા કરડા એ લોકો નથી. ખરેખર તો એ લોકો આપણાથી ડરે. આપણાથી એટલે આપણા જેવા ભણેલાગણેલાઓથી, પેન્ટ-શર્ટવાલાઓથી. એમની બીક ખોટીય નહોતી. ભણેલાઓ એમને અવળા રવાડે ચડાવી દેતા હોય પછી… હા, તો નિશાળ શબ્દ તો મેં એક ‘ભાવ’ ના અર્થમાં પ્રયોજ્યો. બાકી ઉમરવાંઢમાં નિશાળ જેવું જ ક્યાં હતું? પણ, નિશાળની વાત કરતાં પહેલાં જરા ઉમરવાંઢની વિભાવના સ્પષ્ટ કરું. ઉમરવાંઢ એટલે ઉમર ગામના સિંધીએ વસાવેલી વાંઢ. વાંઢ એટલે વસવાટ, કંપો એવો કશોક અર્થ થતો હશે. રણમાં થોડેક થોડેક અંતરે આવી વાંઢો. ઉમરવાંધની જેમ જ રહીમવાંઢ, કરીમવાંઢ, હાલેપૌત્રા વાંઢ અને મોઆરવાંઢ. દરેક વાંધની નિશાળ આગવી ને માસ્તરેય આગવો. ઉમરવાંઢમાં માંડ દસેક ભૂંગા હશે. ભૂંગાને આપણે કુબા કહીએ છીએ. ઉમરકાકા અને મોબીનભાઈને મકાન હતા. એય કાંઈ ધાબાબંધી નહિ, માથેતો દેશી નળિયાં જ. એમના ઘરથી થોડાક અંતરે બેઠક!.. શું કે સિંધીઓ મહેમાનોને ઘરે ન લઈ જાય. આ છાપરું એટલે જ મહેમાન કક્ષ. મહેમાનો માટે ચાપાણી ને રોટલા બધું જ અહીં આવી જાય. મહેમાન રાત રોકાય તો સૂએ પણ અહીં જ! ને મારી નિશાળ પણ આ! આઠ વરસ અહીં જ નિશાળ ચાલી! નહિ ખુરશી, નહિ તાળું ન ચાવી! આટલે આવી બૂમ પાડીને છોકરાને બોલાવું. રઢ-બકરીયું લઈ બન્નીમાં ન ગયો હોય એ આવે! મારાથી થોડાક જ નાના મારા વિદ્યાર્થીઓ, એમના ટ્રેડિશનલ પોશાકમાં! નોડે સાલે મમદ નોડે સુલેમાન મુબીન, નોડે ઝકરિયા મહેમૂદ… બધા થઈને વીસેક છોકરા. પાંચ-દસ આવે. વડો વિદ્યાર્થી સુલેમાન. આજ્ઞાકિંત પણ એવો. પાણી માંગતા દૂધ હાજર કરે એવો. પણ એની ભાષામાં આદેશ આપે તો જ વાત બને. નહિ તો તરસે જ મરો. મનેય સિંધી સમજતાં વાર લાગેલી. તોયે ‘પાની ગની અચ!’ (પાણી લઈ આવ!) જેવું અનિવાર્ય વાક્ય તો મેં જલદી કંઠસ્થ કરી દીધેલું! ઉમરકાકા તો ઓછા જોવા મળે, પણ મોબીનભાઈ અવારનવાર આવે. એમના મહેમાનો સાથેય ‘સંત્સંગ’નો લાભ મળે. દોઢની નમાજ પછી કળશિયામાં ચા લઈ સુલેમાન પ્રગટ થાય! ખડી જેવી ચા. અડધો કળશિયો ચા ને પીવાવાળો એકલો હું! રણમાંય ચાદેવીની કૃપા થયા એ જેવું તેવું નસીબ કહેવાય?

પણ.. ભાષાની ભાંજગડ નહિ, લખાવટની ઝંઝટ પણ નડી. મુવારવાંઢમાં એક મસ્જીદ. રણ-વચાળે અલ્લ્હનો દરબાર જાણે! ત્યાં એક મૌલવી રહે. એય સાબરકાંઠાના! માસ્તરને મૌલવી બેય એક જ પ્રદેશના! કેવી નવાઈ? મૌલવી દરેક વાંઢમાં છોકરાં પઢાવવા જાય. એનો અર્ધો પગાર જમાત આપે, અર્ધો આ લોકો ફાળો કરીને પૂરો કરી આપે. મારી વાંઢના છોકરા રોજ સવારે ઉર્દૂ પઢે. બપોરે હું ગુજરાતી ભણાવું! છોકરા ગૂંચાય. ઉર્દૂ જમણેથી ડાબે લખવની હોય, ગુજરાતી ડાબેથી જમણે. હું સમજાવીને થાકું, પણ છોકરા જમણેથી ડાબે જ ગતિ કરે. ગાડીને પાટે ચડતાં વાર લાગેલી! મજહબ માટેનો આ લોકોનો આદર પણ ઇર્ષ્યા ઉપજાવે એવો. નહિ તો તાણીતૂસીને પૂરું કરતો હોય એવા સાધારણ સિંધીય છોકરાને ‘કુર્આન’ પઢાવે એવું કેવું! ધર્મસંબંધી એમનું જ્ઞાન પણ જરાય ઓછું નહિ. મામદભાઈ તો ભારે વાતોડિયા. ઇસ્લામની અનેક વાતો ઊલટથી કહે. મોબીનભાઈ કાઠિયાવાડમાં બળદોના વેપાર સાથે સંકળાયેલા. એમની વાતો વહેવારિક. રણની ને પાકિસ્તાનને લગતી રોમહર્ષક વાતોય કોઈ વાર જામે. રણ સાથેનો એમનો ઘરોબો જ એવો કે એમને અહીં જ ફાવે. તકલીફોમાં જીવવાનું એમને જાણે કે એમને ફાવી ગયું છે. એક-બે આગેવાનોને બાદ કરીએ તો બાકીના કોઈએ નવું ગામ વટાવ્યું નથી! તાલુકામથક અંજાર પણ એમને માટે તો જાણે મક્કા-મદીના!

ક્યારેક મને થતું; ભણવા આવ્યો છું કે ભણાવવા? ભણાવવાનું તો નિમિત્ત… ભણવા જ ગયો’તો! જીવનના પાઠ ભણવા દરિયોય ખેડવો પડે ને રણમાંય વાસ કરવો પડે. વસમું હતું તોયે આજે રણને ‘મિસ’ કરું છું.

– કલ્પેશ પટેલ

(‘પરબ’ એપ્રિલ ૨૦૧૦માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “રણ વચાળે નિશાળ! – કલ્પેશ પટેલ

 • Dhara Dave

  બહુ જ સરસ વર્ણન કર્યુ છે… અદ્ભુત્ લેખ… ત્યા હાજર હોઇએ એવો અનુભવ થયો… વાંચવા ની ખૂબ જ મજા આવી…. વારં વાર વાંચવાનુ મન થાય…. સરસ…

 • KANU C PATEL

  મને મારા ગામ જેવુ જ લાગ્યુ……..મારા ગામમા માડ પચાસ ઘર….નવધરી એટલે અમારા દાદાના ભાઈઓના નવ ઘર..છગનમાસ્તરનુ ફળીયુ…૧૧ ઘર….
  ભાઈલાલભાઈનુ ફળીયુ….૬ઘર, જીવાદડૉસાનુ ફ્ળીયુ ૫ ઘર….વાણિયાના ૨ઘર,..ટેકારાવાળાના ૪ ઘર… ૨ વાળંદના….૧ કુંભારનુ…૧ બ્રામણનુ.
  પા ળના ફ્ળીયાના ૪ ઘર …..ચાકરના ઘર…. વીગેરે…. એક મંદીરથી મહાદેવ સુધીનો મુખ્યા રસ્તો…….પરબડી….ચોળો…
  ત્રણ ઓરડાની નિશાળ….પણ માસ્તર બે …જ,.. એક ઓરડામાં બે ક્લાસ ચાલે……..ત્રિજા ઓરડામાં લાયબ્રૅરી……..હું એ નિશાળમાં ભણેલો….
  ફ્ક્ત બે મહીના…….

 • ડૉ. પ્રણવ ત્રિવેદી

  ખૂબ જ રસપ્રદ લખાણ. વણૅન પણ રસાળ. વાંચતા જ રહેવાનું મન થાય. લેખકને આના બદલે હાર્દિક અભિનંદન અને લેખ ઉપલબ્ધ કરાવવા બદલ અક્ષરનાદને ધન્યવાદ.