Daily Archives: February 13, 2018


રણ વચાળે નિશાળ! – કલ્પેશ પટેલ 6

નવાગામમાંથી માંડ પંદરેક મિનિટ ઉત્તરમાં ચાલીએ એટલે ભૂમિ બદલવા લાગે… નવાગામ તો લીલું, તળમાં પાણીય ચિક્કાર. પણ આગળ જઈએ એટલે પાણી દુર્લભ. સામું જ ખિરસરા ગામ ઊભું છે. ડુંગરાળ પટ પર છૂટાં છવાયા ખોરડાં. ગામ ડુંગર પર છે અને બે પાંચ ઘર વધારે હશે એટલે એને મોટા ખિરાસરા કહેતા હશે! નાના ખિરાસરા નીચાણમાં છે. વીસેક ખોરડા હોય તો હોય. મોટા ગામમાં મુસલમાન વસ્તી. નાના ખિરસરામાં આયરો. એ લોકો હિન્દુ હોવાનો ગર્વ લે, પણ નાતમાં એવી એમની આબરૂ નહીં. છેવાડાનું ગામ ને જરા પછાત. મોટા ખિરસરા પહેલવહેલું જોયેલું ત્યારે ‘શોલે’નું રામગઢ સાંભરી આવેલું. પરિચય કરાવવા આવેલા શિક્ષકે કહ્યું, ‘અંજારનું ગણો તોયે ને ગુજરાતનું ગણો તોયે આ છેલ્લું ગામ!’