વેસ્ટવર્લ્ડ (ટી.વી. શ્રેણી) : કલ્પના અને હકીકત વચ્ચેનો પ્રદેશ – જીજ્ઞેશ અધ્યારૂ 2
માણસના મનમાં શું ભંડારાયેલું છે? જો સમાજના, સભ્યતાના, કાયદાના, સંબંધોના, જીવનનિર્વાહના કે એવા કોઈ પણ બંધન ન હોય તો માણસ કેવો હોય? એનો અસલી ચહેરો, એનું ખરું સ્વરૂપ કેવું હોય? એવું જ હોય જેવું અત્યારે છે? કદાચ અત્યારે પણ કામનાઓ, વિકૃતિઓ, ઈચ્છાઓ બળવો પોકારીને મનનો કબજો લઈ લે છે, અને કદાચ સંજોગો ઈચ્છાઓને કચડીને રોજીરોટી કમાવા કે કુટુંબના ભરણપોષણ માટે, કચડાયેલી ઈચ્છાઓ સાથેની જિંદગી જીવવા મજબૂર કરી દેતી હોય છે, અને એટલે જ રોજેરોજ છાપામાં આપણે નિતનવા સમાચારો જોઈએ છીએ.. પણ બંધનો વગરનું જીવન કેવું હોય? બંધનો વગરના માણસની જરૂરીયાતો શું હોય? ઈચ્છાઓની પૂર્તીનો? માણસની અંદરનો જાનવર જાગે અને સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટના સિદ્ધાંત મુજબ બળિયાઓ રાજ કરે કે પછી માણસ વધુ સંતુષ્ટ, વધુ પરીપક્વ બનીને ઉભરે? આવા અને એથીય વધુ વિચારપ્રેરક તત્વોને પોતાનામાં સમાવીને એક અનોખા વિશ્વના દ્વાર આપણી સમક્ષ ખોલતી એક અદ્રુત ટેલિવિઝન શ્રેણી એટલે વેસ્ટવર્લ્ડ, ટી.વી. શ્રેણીઓમાં અનેક સાવ વાહિયાત, નકામી અને ખોટા સંદેશા આપી જતી હોય છે, તો કેટલીક તો એથીય ખરાબ, કોઈ મતલબ વગરની નકરો ટાઈમપાસ જ હોય છે, પણ વેસ્ટવર્લ્ડ એમાં ખૂબ મોટો અપવાદ છે.