જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૬) 4


સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો પુનીત સરખેડીએ લખેલો છઠ્ઠો ભાગ..

ટપ… ટપ… ટપ વરસી ગયેલા વરસાદના ફોરા એકધારા આસોપાલવની ડાળીએથી પાંદડે…પાંદડે લસરતા ધરતીમાં ગોપાઇ જતા હતા. ક્ષિતિજે વાદળોના રેશમાઈ પડદા પાછળથી કસુંબલ સંધ્યાનો પાલવ પકડી સુરજ મહારાજ ડોકીયું કરતા હતા. નીલયના મનમાં વિચારોનું ભયાનક દ્વંદ ચાલી રહ્યું હતું. કુદરતે વેરેલા અફાટ સૌંદર્ય પર તેનું ધ્યાન જ ક્યાં હતું! નહીંતર તો આમ બાલ્કનીમાં બેસીને ક્ષિતિજ સામે તાકી રહેવું એની આદત હતી. ફરી પાછું ગોરંભાયેલું આકાશ તૂટી પડ્યું. જાણે આજ ને આજ આકાશે વાદળોનો ભાર હળવો કરવો હશે, ને નિલયનો પણ.

વીજળીના કડાકા સાથે જ નિલયના મનમાં એક ચમકારો થયો. શા માટે હરઘડી હરપળ અનુષાનાં જ વિચારો આવે છે? શું અનુષાને તે ચાહતો હતો? માહ્યલાને વારંવાર પુછતા નિલયને ‘હા..હા’..નો જ જવાબ મળતો હતો. અનુષાનું સાનિધ્ય તેને ગમતું હતું અને સાથે જ મનમાં કંઈ કેટલાંય ભાર લઈને ફરતાં હ્રદયને બહાર વરસતા વરસાદે સ્પંદનોથી ભરી દીધું…અનુષાની તેને જરૂર હતી. ઝંખતો હતો એ અનુષાને…એ વાત તો મસ્ત મજાના વરસાદી માહોલને બથમાં લઇને ઝુમતા આસોપાલવ અને ગુલમહોરે ક્યારનું સમજાવી દીધું હતું.

‘હમણાં જ સુરજ આથમી જશે…આ વરસાદી ફોરા પણ અટકી જશે. પછી શું શૂન્ય? શું પોતાની જિંદગી પણ આમ જ શૂન્ય થતી જતી હતી?’ નિલયે જાતને પ્રશ્ન કયોઁ. ‘શું વાંક હતો અનુષાનો?’

અનુષાની કહેવાતી શારીરીક ખોડ સામે પોતાની ખોડ કેવડી મોટી હતી! છતાંય અનુષા જીવનભર સાથ નિભાવવા તૈયાર હતી. ‘પોતે અભિમાની હતો?’ પાછો ભીતરમાંથી સણસણતો સવાલ આવ્યો. બેશક પોતે અભિમાની હતો. અનુષા સરળ હતી. માત્ર એના સ્ત્રીત્વ પર કુઠરાઘાત થયો ત્યારે, સ્વાભિમાનથી છંછેડાઈ ગઈ હતી. અને એમાં જ અનુષાથી પોતાના પુરૂષાતન પર ઘા થઈ ગયો હતો.

જે દિવસે હોઠને હોઠનુ સાનિધ્ય મળ્યું હતું એ પળ નીલયને યાદ આવી ગઈ. સ્ત્રીનો એ પ્રથમ સ્પર્શ હતો. એક રોમાંચ છલકાઇ ગયો નિલયના સમગ્ર અસ્તિત્વમાં, રોમ રોમ આકંઠ તરસથી અનુષાને ઝંખવા લાગ્યુ. જિંદગીમાં શેની અધુરપ હતી એ તેને સમજાવા લાગ્યું. ફરી પાછું આખું જગત જીવવા જેવું લાગવા માંડ્યુ. હાથમાં રહેલા મોબાઇલના કીબોર્ડ પર ક્યારે નિલયની આંગળીઓ ફરવા લાગી અને અનુષાને ક્યારે whatsapp થઈ ગયો એ નિલયને જ ખબર ન રહી.

પ્રિય અનુ,

આ વરસાદી અવસરે.. માત્ર તને, માત્ર તને અ ને માત્ર તને જ ઝંખું છું. મારૂં સમગ્ર અસ્તિત્વ આકંઠ તરસથી, તારા માટે તરસે છે.
તું મારા માટે અને હું તારા માટે સર્જાયેલા છીએ, એ આ વરસાદને બાથમાં લઇને ઝૂમતા આસોપાલવ અને ગુલમહોરે સમજાવ્યું છે મને.
આવ મારી બેરંગ જિંદગીને રંગભીની કરી જા… આ વરસાદી અવસરે… તારો નીલય…

આ શબ્દો અકડુનાં હતાં? એક આશ્ચર્યચિન્હ કપાળ પર લઈને અનુષા અનિમેષ નયને મોબાઈલને તાકતી રહી. એક સુખનું વાવાઝોડું સમગ્ર વાતાવરણમાં ફરી વળ્યું ને અનુષા ઝૂમી ઉઠી. વળી બીજો મેસેજ મોબાઈલમાં ઝબક્યો, ‘સ્વીટી, કાલે મળીયે છીએ…એ જ જગ્યાએ…એ જ સમયે.. હું લેવા આવીશ.’ વરસી રહેલા વરસાદને એકધારી તાકી રહેલી અનુષાના મોબાઈલ પર whatsapp ring ઝબકી, એણે ઉત્સુકતાથી જોયુ. નિલય? આ અભિમાની અકડુંએ આટલા દિવસે મેસેજ કયોઁ…?

– પુનીત સરખેડી, ૪૬૫૦/બી-૩, અમરદિપ સોસાયટી, ગાયત્રીનગર, ભાવનગર.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૬)