જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૪) 5


હવે દર રવિવારે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો પાર્મી દેસાઈએ લખેલો ચોથો ભાગ..

સગાઇ બાદ સરિતાબેન નિલયને સમજાવતા, “જો બેટા, દુનિયામાં ક્યારેય એકસરખી બે વ્યક્તિ ના મળે. ભગવાને દરેક વ્યક્તિમાં વિવિધતા મૂકી હોય. અનુષા ખરેખર બહુ જ ડાહી છોકરી છે. તું એને કોઈની સાથે સરખાવીને ના માપ. જેમ જેમ તું એની સાથે સમય ગાળીશને એમ એમ એ તને ગમવા લાગશે. અને તું એને વધારે સારી રીતે સમજી શકીશ. તું જોજેને… લોકો જોતા રહી જશે એવા ધામધૂમથી તારા લગ્ન કરીશું. તને ખબર નથી તારા માટે યોગ્ય છોકરી શોધવા મેં રાત-દિવસ એક કર્યા છે”….

જે દિવસે ડૉ.આરાધનાએ એમને કહ્યું કે, ‘નિલય હવે પરણવા માંગે છે…’ ત્યારે તો તે અવાક જ થઈ ગયા. એમને થયું ‘મેં આ દ્રષ્ટિએ તો વિચાર્યું જ નહીં કે નિલય હવે પુખ્ત પુરૂષ બની ચૂક્યો છે. મા છું ને, મારા દિકરાને હંમેશા નાનો જ માનતી આવી છું. પણ એને પરણશે કોણ? ભલેને આટલું સારૂ ભણતર સારી નોકરી હોય છતાંયે એની આ ખોડ સાથે એને કઈ છોકરી સ્વીકારે?’ આવું વિચારતા એમની આંખના ખૂણા ભીંજાઈ જતા. જે દિવસે નિલયે આરાધનાએ કરેલા વર્તન વિશે વાત કરી ત્યારે તો તેમને આરાધના પર બહુજ ગુસ્સો આવ્યો હતો. પણ એ જ ગુસ્સો સાંજ સુધીમાં આરાધના પ્રત્યે લાગણીમાં ફેરવાઈ ગયો, કારણ કે એ જ આરાધનાએ ફોન કરીને કહ્યું કે ‘એક મિત્ર તરીકે નિલય માટે યોગ્ય પાત્ર શોધવાની જવાબદારી મારી !!’

સરિતાબેનને આરાધનાની વાત ગમી તેમ છતાં તેમના મનમાં ટાઢક ન થઈ. તેઓ શહેરના લગભગ બધા જ મેરેજબ્યુરોમાં નિલયનું નામ નોંધાવી આવ્યા. વળી સગાં-વ્હાલા, ક્યાંયે પણ કોઈ મળે – એક જ વાત કરતા , ‘મારા નિલય માટે કોઈ યોગ્ય પાત્ર હોય તો કહેજો ને…. બેંકનો મેનેજર છે હોં….. ઘરનો બધો ખર્ચો એણે જ ઉપાડી લીધો છે. એક સહેજ પગની તકલીફ છે…. બાકી દેખાવે તો તમે જોયો છે ને…! રાજાના કુંવર જેવો છે મારો નિલીયો…’

મોટેભાગે સામે છેડેથી એક જ જવાબ મળે, “તમે તો જાણો છો ને સરિતાબેન, આજકાલની છોકરીઓ ક્યાંયે કશું જતું કરવા તૈયાર જ ના હોય. છતાંયે જોઈશું. કોઈક એના જેવી જ છોકરી મળે તો વાત કરીશું.”… ‘એના જેવી જ’ સાંભળીને સરિતાબેનને ફાળ પડતી. ‘જો નિલયની પત્ની પણ અપંગ જ આવે તો કોણ કોનું કરે? મારાય પગ કંઈ આખી જિંદગી તો ચાલવાના નથી અને કાલે ઉઠીને છોકરાં થાય તો, હે ભગવાન તું કંઈ સમજી વિચારીને આ છોકરાને ઠેકાણે પાડજે.’ દિવસે ને દિવસે નિલય સુનમુન થતો જતો હતો. એને કશામાં રસ પડતો જ નહીં. સરિતાબેન હવે નિલયની શારિરીક જરૂરિયાત સમજી શકતા હતા. તે દિવસ-રાત નિલયના લગ્ન વિશે જ વિચારતા રહેતા.

એક દિવસ સવારના પહોરમાં ડૉ.આરાધનાનો ફોન આવ્યો… ”આંટી, બને તો તમે અને અંકલ સાંજે મારા ક્લીનિક પર આવશો. મારે નિલય વિશે થોડીક વાત કરવી છે. ને હા… પેલા ગાંડાને ના કહેતા.એ તો હવે આમેય મારી જોડે બરાબર બોલતો નથી, પણ હું તો હજુય એની મિત્ર છું જ… ભૂલ્યા વિના સાંજે આવી જજો. આંટી બાય”.

સરિતાબેન ચાલુ વાતે જ જાણે ક્યાંયના ક્યાંય પહોંચી ગયા. ખોવાયેલા સ્વરે ડોકું ધુણાવી ‘હા’ પાડી. અને સાંજની રાહ જોવા લાગ્યા. છ વાગતાની સાથે જ તે અને વિવેકભાઈ ઘરેથી નીકળી ગયા. વિવેકભાઈ એમની ટેવ મુજબ અનેક નેગેટીવ શબ્દો રસ્તામાં બોલતા જ રહ્યાં પણ સરિતાબેનને તો જાણે આજે પોતાનું ધારેલું કંઈક થાય તેનીજ ચિંતા હતી. ક્લીનિક પહોંચ્યાં, થોડીક નોર્મલ વાતો કરી પછી સરિતાબેને આતુરતાથી પૂછી જ લીધું “આરાધના, શું કામ હતું ?”

“અરે હા આંટી, નિલય માટે વાત કરવી હતી.”

“જો બેટા, નિલયની વાતનું ખોટું ના લગાડતી… તું જાણે છે ને ઉંમર થાય એમ દરેકને કોક પાત્ર માટે લાગણી જન્મે જ. એ ગાંડો એની ખામી વિશે વિચાર્યા વગર જ તને પ્રપોઝ કરી બેઠો” સરિતાબેન બોલ્યા. “અરે ના ના…. આંટી, મને એનું કંઈ જ ખોટું નથી લાગ્યું. ઊલટાનું મને સમજાયું કે ઉંમર થતા દરેક વ્યક્તિને પ્રેમ અને હૂંફની જરૂર પડે છે જ… એમાં શારિરીક ખામીને મન જોડે લેવાદેવા ના હોય. મનમાં તો જે બદલાવ આવતા હોય તે આવવાના જ ને… મુદ્દાની વાત કરૂં તો… એક છોકરી છે અનુષા…. બહુ જ સરસ છે. હું એને બરાબર ઓળખું છું. તમારા ઘરમાં એ સેટ થઈ જશે. તમને નિલય વિશે જરાય ચિંતા નહીં રહે….” વચ્ચેથી જ વિવેકભાઈ બોલ્યા…”ચિંતા કેમ ના રહે?… આખરે અપંગ છોકરો છે… એવી તે કેટલી સેવા એ કરી લેવાની !… ને પાછી એય બધી રીતે પૂરી થોડી હશે. .ને પૂરી હોય તો નિલયને પરણે જ શું કામ ?” – આ સાંભળી સરિતાબેનની આંખોમાં લાલાશ આવી તે જોઈને વિવેકભાઈ ચૂપ થયા. આરાધનાએ કહ્યું, “શાંતિ રાખો અંકલ, તમે સાંભળો તો ખરા… અનુષા વિશે હું તમને માંડીને વાત કરૂ. બહુ જ ચંચળ-ચબરાક એવી આ છોકરી સાધન-સંપન્ન પરિવારમાં ઉછરી છે. બે ભાઈ વચ્ચે એક લાડકી બહેન. નાનપણમાં સાયકલ ચલાવતાં તેનો એક મોટો એક્સીડન્ટ થયો. જેમાં તેના કુમળા અંગો અને ગર્ભાશયને ખૂબ ઈજા પહોંચી હતી. એકની એક દિકરી માટે માતા-પિતાએ સારવારમાં કંઈજ કસર ના રાખી, પણ છતાંયે પૈસાથી બધુ જ નથી મળી જતું એમ અહીં પણ તેઓ પૈસા થકી ખુશી ના મેળવી શક્યા. એ વખતે ડોક્ટરોએ કહ્યું કે છોકરીને આંતરિક અંગોમાં ખૂબ ઈજા થઈ છે. આ પરિસ્થિતિમાં તેને વૈવાહિક જીવનમાં તકલીફ તો પડવાની જ… ઉપરાંત બાળક થવાની શક્યતા પણ નહીંવત છે. જો કે આવા કેસમાં સો એ એકાદ જણને બાળક થઈ પણ શકે…. પણ છતાંયે શક્યતા તો ઓછી જ છે. આ જાણીને માતા-પિતાના તો હોંશ જ ઉડી ગયા. જેમ જેમ અનુષા મોટી થઈ તેમ એનુ રૂપ ખીલવા લાગ્યું. એને જોઈને હરખાતા મા-બાપ બીજી જ ક્ષણે દુઃખી થઈ જતા. અનુષાને પોતાના વિષે ખબર પડતા તેને કોઈ ખાસ અસર ના થઈ. એ પોતે ખૂબ જ સ્વમાની અને આત્મવિશ્વાસુ છોકરી હતી. તે તો પોતાની જાતને સંપૂર્ણ સ્વસ્થ માનીને જ જીવતી હતી. પણ હકીકત તો જે હતી એ હતી જ… નાના ગામમાં રહેવાથી ઘેર ઘેર અનુષાની વાતો ચર્ચાવા લાગી. રૂપને શું કરવાનું…. વાંઝણીને કોણ પરણે? અનુષાની યુવાનીનો ગ્રાફ હવે પીક પરથી નીચે ઉતરતો હતો. ફળીયા-સમાજની બધી દિકરીઓ પરણીને સાસરે જતી રહી હતી. એના પિતાને હવે પેટમાં ફાળ પડતી. મારી આ છોકરી જ લગ્ન કર્યા વિનાની રહી જશે.સમય જતાં અનુષા માટે માંગા તો આવ્યા પણ એમાંથી મોટા ભાગે છૂટાછેડાવાળા કે વિધુર વ્યક્તિના જ હતા. વળી ક્યારેકતો એક-બે છોકરાના બાપનું પણ માગું આવ્યું.‘આમેય તમારી છોકરીને તો બાળક થવાના નથી…તો આને જ પોતાના ગણીને ઉછેરેને !!’ એમ કહેવામાં આવ્યું. આવા સમયે અનુષાનો ગુસ્સો સાતમા આકાશે પહોંચતો. તે આવા લોકોને તરત ભગાડી મૂકતી. ક્યારેક તેની મા કહેતી પણ…’બેટા, એવું હોય તો ફરી એકવાર તારૂ ચેક-અપ કરાવી લઈએ? ખબર તો પડે કે….’ ‘-બસ’ વચ્ચેથી જ અનુષા અટકાવી દેતી.’

જો મા, મને મારી જાત પર પૂરો વિશ્વાસ છે. મારા નસીબમાં જે હશે તે જ થશે. પણ આમ રોજ રોજ મારી અગ્નિપરીક્ષા લેવાનું બંધ કરો.’ આટલું કહી તે રડતી રડતી ભાગી જતી. વારેવારે એક જ પરિસ્થિતિનો સામનો કરતા હવે તે માનસિક રીતે ભાંગી પડી હતી, હાલ એકાદ મહિનાથી તે મારી પાસે ટ્રીટમેન્ટ માટે આવે છે.’ આરાધનાએ જણાવ્યું અને વાત આગળ ચલાવી.

“ આંટી, હું અને અનુષા ઘણી રીતે સરખા છીએ. અમારા વિચારો પણ મળે છે ને હવે અમે સારા મિત્રો છીએ. બસ, મારે અનુષા વિશે જે કહેવું હતું તે મેં તમને કહ્યું. તમે જો ઈચ્છો તો હું આગળ વાત કરું હા… અનુષાની એક શરત છે.“છોકરો જેવો પણ હોય તે મનનો ચોખ્ખો હોવો જોઈએ. અને તેણે મારા શરીર વિશે કોઈ પણ શંકા રાખીને મારી સાથે ન પરણવું જોઈએ. છોકરાની કોઈ પણ ખોડ હશે, પણ જો મને સમજે એવો હોય તો એ મને સ્વીકાર્ય છે. રહી વાત મારી ખોડની…. એ તો સમય જતાં જ ખબર પડશે કે હું ખરેખર ખોડખાંપણ વાળી છું કે નહીં !” સરિતાબેન અને વિવેકભાઈ એકબીજાની સામે જોઈ રહ્યા અને મનોમન પૂછવા લાગ્યા…. શું કરીએ?

– પાર્મી દેસાઈ


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૪)