શરીર ફર્નીચરનો શો રૂમ છે! – રમેશ ચાંપાનેરી 9


Anatomical Male Figure Showing Heart, Lungs, and Main Arteries

By Leonardo da Vinci, Courtesy Wikimedia

શું સાલું ભગવાને આપણું શરીર બનાવ્યુ! શરીરનો કોઈપણ માલ બહારથી આયાત કર્યા વગર પૃથ્વી પર નિકાસ કર્યો. પાછી પ્રોડક્ટમાં કોઈ મિસ્ટેક નહીં! એમાં કેવાં કેવાં તો ફર્નીચર સેટ કરેલાં. બધા જ ફર્નીચર પાછા એકબીજા સાથે સંકળાયેલા ને એકબીજા સાથે સહકાર પણ કેવો સોલિડ ને સંપ પણ કેવો મજબૂત! જીભડીએ કાલે મારા વિષે લવારો કરેલો એવી જીદ પકડીને, જઠરે ક્યારેય આવેલો માલ અટકાવ્યો નથી. દાંતે ખોરાક ચાવવા માટે હડતાળ પાડી નથી. બધા જ પોતપોતાનું કામ, એક પણ સુપરવાઈઝર કે સી.ઈ.ઓ વગર સંભાળે. ભગવાને વ્યવસ્થા જ એવી બનાવેલી કે એને ધક્કા મારવા જ ન પડે. ‘જીવે ત્યાં સુધી વાપરતો જા, ને હરિના ગુણ તું ગાતો જા. તું તારે જલસા કર બેટા!’ પણ કદર કોને છે?

ભગવાનને થેંક્યું કહેવાની વાત તો ગટરમાં ગઈ પણ એમાયે ખામી કાઢે એનું નામ માણસ. આપેલી આંખ તો સાચવતો નથી વળી કહે, ભગવાને બેએક આંખ પાછળ પણ આપી હોત તો.. એનો કયો ખજાનો ઓછો થઇ જવાનો હતો? તારી ભલી થાય તારી. જેટલી આપી છે એટલી તો સારા કામમાં વાપરીને સખણી રાખ. આગળ આપી છે એટલી પાછળ પણ આપી હોત તો, પોલીસ ચોકી મહોલ્લે મહોલ્લે ગોઠવવી પડી હોત!

બહારનું મોડલ ભલે દેશ/દેશાવરનું જુદું હોય, પણ શરીરની ઍક્સેસરિ બધાની એક સરખી. કોઈ જાતિ-ધર્મ-ભાષા-પ્રાંત કે અમીર ગરીબના ભેદભાવ નહિ. આંતરિક રચનામાં કોઈ ઘાલમેલ નહિ. આપણા મોડલ તો જરાક જુદા પણ પડે, બાકી ‘ચાઈનીશ’ મોડલ જુઓ તો, આપણને એમ જ લાગે કે, ભગવાને ‘કોપી/પેસ્ટ‘ મારીને જ રવાના કરેલા છે. ચાઈનાની ટીમ ક્રિકેટમાં આવતી નથી, એનું કારણ પણ આ જ. બધાંને આડા જુઓ કે ઉભાં જુઓ, એક સરખા જ લાગે. કોણ આઉટ થયું, ને કોણ દાવ લે છે, એની ખબર પણ પડવી જોઈએ ને! બાકી બીજી બધી પેટન્ટ તો આખા વિશ્વમાં એક જ!

હજારો વર્ષ પહેલાં, જેવું બનાવેલું તેવું હજી ચાલે છે. એકવાર બનાવ્યું તે બનાવ્યું! એ જ પેટન્ટ, એ જ ડીઝાઈન, ને એ જ મશીનરી! આંખ-નાક-કાન –દાંત કે જીભની સંખ્યામાં નહિ કોઈ વધારો થયો, કે નહિ કોઈ ઘટાડો. નથી કોઈને ત્રણ આંખ આપી, નથી કોઈને પાંચ/છ નાક આપ્યા. કોઈએ ગયાં જનમમાં બહુ દયાભાવ અને ધર્મકાર્ય કરેલાં હોય તો પણ, લે આ ૩૨ ને બદલે ૬૪ દાંત લઇ જા, એવો ઉદાર ભાવ પણ રાખ્યો નથી. આને કહેવાય સર્વધર્મ સમભાવ.

પછી ભગવાન આઘાપાછા થયાં હોય ને, ફીક્સ પગારવાળા કામદારોના હવાલે મામલો આવ્યો હોય તો, કોઈક ખાનાખરાબી આવે, એ બે નંબરની વાત છે! બાકી નથી કોઈ આંતરડા વગર આવ્યો કે નથી કોઈ ચાર પાંચ હ્રદય લઈને આવ્યો. ભગવાન પણ જાણે ને, આ બૂચાઓને ભૂલમાં પણ જો હૃદયનો સ્ટોક વધારે આપ્યો તો પૃથ્વી ઉપર જાતે દુકાન ખોલીને બેસી જાય એવા છે. એટલે એક જ હ્યદય સાથે આપણને રવાના કરેલાં!

આમાં વસ્તુ બદલી આપવાના ચાન્સ તો હોય નહિ. એટલે લૉટરિમાં જે લાગ્યું તે ખરું માનીને સ્વીકારી જ લેવાનું. બાકી ગુજરાતીઓની તો નોટબંધીની માફક લાઈન જ લાગી જાય. પણ સમજે કે ઈશ્વરની રચનામાં બહુ ઊંડા ન ઉતરાય. ઉતરવા જઈએ તો મગજનું આવી બને. એકપણ અંગ માટે ડુપ્લીકેટ મસાલો એમણે ચલાવ્યો નથી, એ ભગવાનની ખાનદાની કહેવાય. માણસ લોકોનું લોહી પીઈ શકે, પણ જાતે લોહી ન બનાવી શકે. બાકી ડુપ્લીકેટ પાર્ટ્સની તો કીમત સાંભળીને જ અટૅક આવી જાય.. ખરીદવા જઈએ તો પહેલા આપણે વિજય માલ્યા બનવું પડે, તો જ પોષાય.

શરીરની આટલી મોંઘી જણસ આજે મફતમાં આપે કોણ? છતાં પણ કેટલાંક તો કકળાટ કરે જ કે, ‘ભગવાને આપણને અંબાણી પરિવારમાં જનમ કેમ ના આપ્યો? અમેરિકાના ટ્રમ્પને ત્યાં જ ફેંક્યા હોત તો? તારા કપાળમાં કાંદા ફોડું! તને જો ત્યાં જન્માવ્યા હોત તો, તેં એ લોકોને પણ લુખ્ખા કરી નાંખ્યા હોત! જ્યાં ફેંક્યા ત્યાં ઠીક છે બકા… આપણા નસીબે આધારકાર્ડ જ લખાયેલા હોય, પછી નાહકના ગ્રીનકાર્ડ માટે શું હવાતિયા મારવાના?

મુકાભાઈએ.. એક જીઓનું સિમકાર્ડ શું કાઢ્યું, ને લોકો તૂટી શું પડ્યા. આટલું કિંમતી શરીર આપનાર ભગવાન માટે બે અગરબતી વધારે પણ સળગાવતા નથી. જીવે ત્યાં સુધી શરીર ને તેની એસેસરી મફતમાં આપી, તેની કોઈને કિંમત નહીં. પણ મુકાભાઈએ જીયો કાર્ડમાં છ મહિના સુધી ઈન્ટરનેટ ફ્રી આપ્યું, એમાં મુકેશ અંબાણી છવાઈ ગયા!

અમારો ચમનીયો કહે એમ, હવે એવાં જીઓ કાર્ડ આવે તો નવાઈ નહીં કે ભેંસને એક જીયોની ગોળી ખવડાવી દો, એટલે લીટરને બદલે દસ લીટર દૂધ આપતી થઇ જાય.. મફતકા ચંદન ઘસ મેરે લલ્લુ.. મને કહે, આગે આગે દેખો, હોતા હૈ ક્યા. મુકાભાઈ જીઓના ઘઉં પણ કાઢશે. અને કહેશે કે, ‘ગૃહિણીઓ, આનંદો… જીઓના જ ઘઉં વાપરો. જીઓના ઘઉં વાપરનારને, ત્રણ મહિના સુધી રોટલી વણવાવાળા મફત..’ પછી જીઓ બાઈક કાઢશે અને જાહેરાત આપશે કે, ‘જીઓ બાઈક જ ખરીદો.. જીઓ બાઈક ખરીદીને જે વ્યક્તિ એના ઘરે બાંધશે, એને ત્રણ મહિના સુધી રિલાયન્સ પેટ્રોલપંપ પરથી પેટ્રોલ મફત..’ આને કહેવાય અચ્છે દિનનો માસ્ટર પ્લાન!

મફતમાં મળવું જ જોઈએ. તૂટી જ પડવાનું. એ તો સારું છે કે ભગવાન પાસે ઍક્સેસરિની સાફસફાઈનું વળતર નથી માંગતા. નહીં તો એમ પણ કહે કે, ‘આ સાફસુફીની વેઠ પણ અમારે જ કરવાની કે? સવારે દાંત પણ અમારે જાતે જ ઘસવાનાકે!’ તો શું ભગવાન એના માટે ઉપરથી દેવદૂત મોકલે?

પ્રભુએ શરીરની શું રચના બનાવી છે.. દાંત, જીભ ને મગજ એટલે પડદા પાછળના કલાકારો. ભલે આમ શાંત લાગે પણ સમય આવે ત્યારે જલ્લાદ.. એ દેખાય નહીં, પણ એકવાર ભલભલાને દેખતા તો કરી નાંખે. ભગવાન જેમ દેખાયા વગર સૃષ્ટિનું સંચાલન કરે, એમ આ બધા જાહેરમાં આવ્યા વગરના એવા મૂક સેવકો કે આખા શરીરનું સંચાલન કરે.. મગજનું કામ માણસને ઠેકાણે રાખવાનું. દાંત પાછા ઋષિજન્ય, મોંને ગુફા બનાવીને જાણે અઠંગ સાધનામાં જ ન બેઠા હોય! દાંત એટલે સાધુ, ને જીભડી એટલે સાધ્વી.. ‘જે આવે તે ખપે ને ૩૨ બાવા જપે..‘ પચાવવાની ચિંતા જઠર અને આંતરડાને કે સાલો આનો નિકાલ કેમનો કરવો?

એકવાર જીભ અને દાંતને જોરદાર ઝધડો થયો. ક્યારેક મોઢાંમાં પણ હુલ્લડ ફાટે. થયું એવું કે દાંતે જીભને કચડી નાંખી. તો જીભે કચકચાવીને દાંતને કહી દીધું કે, મારી સાથે તો તું આંટી લેતો જ નહિ. આંટીમાં તું એકવાર પણ આવ્યો તો, તારી આખેઆખી બત્રીસી કોઈ પાસે બહાર કઢાવતા મને આવડે છે.!

ચક્રમ ચમનીયાને એક દિવસ એવો વિચાર આવ્યો કે ધંધો જો કરવો હોય તો લોકોના દાંત સાફ કરી આપવાનો ધંધો કરવા જેવો છે… લોકોને જાતે બ્રશ કરવું પડે એના કરતાં, ઘર ઘર લોકોને ટૂથબ્રશ કરી આપવાનો ધંધો કરવો જોઈએ. કેટલાય લોકોને રોજી મળે. આમપણ લોકો રાંધવાવાળી રાખે, કામવાળી રાખે, ઈસ્ત્રીવાળા રાખે, માળી રાખે, એમ બ્રશવાળા પણ રાખે.. લોકોના દાંત પણ ચોખ્ખા રહે, ને એનો મોભો પણ વધે. સારું છે કે પતંજલિવાળાના ભેજાંમાં આ ધંધો આવ્યો નથી. સૂઝે તે પહેલા આપણે જ આ ધંધામાં ઝંપલાવવું જોઈએ. યાર સમાજમાં ભાઈનો વટ પડી જાય કે, ‘ભાઈને ત્યાં તો દાંત ઘસવા માટે ‘ટૂથબ્રશ‘ વાળા દાંત સાફ કરવા આવે..

આ બહાને દાંત ઘસવાના તાલીમ કેન્દ્રો શરૂ થાય. એના સ્પેશ્યાલિસ્ટનું માર્કેટ ઉભું થાય. એકવાર ધંધો ચાકે ચઢ્યો પછી તો લગનમાં કન્યા આપતા પહેલા કન્યાપક્ષવાળા પણ પૂછે કે, ‘વડીલ તમારા ઘરમાં જાતે જ દાંત ઘસવાના કે ટૂથબ્રશવાળા આવે… એના ઉપરથી કન્યાનો બાપ નક્કી કરે કે જે ઘરમાં દાંતની કાળજી લેતાં હોય, એ ઘરમાં દીકરી આપવામાં જોખમ નથી.

આજે કોણ કોના દાંત ગણવા જાય.. કેટલાંય એવા હશે કે, એના મોઢામાં કેટલા દાંત છે, એનો એની પાસે હિસાબ પણ ન હોય. લગ્નની તારીખ યાદ હોય, પણ દાંત ક્યારે પ્રગટ થયેલાં, એનો કોઈ દસ્તાવેજ પણ ન હોય.. દાંત અને વાઈફ, જ્યાં સુધી હોય ત્યાં સુધી એની કિંમત ન સમજાય. પણ દાંત અને વાઈફ ગૃહત્યાગ કરે ત્યારે જ ખબર પડે કે યાર… આપણે તો પરવારી ગયા. વાઈફની ખરી કિંમત જાણવી હોય તો કોઈ વિધુરને પૂછવું પડે. ને દાંતની કિમત જાણવી હોય તો જેના મોઢામાંથી ફર્નીચર ચાલી ગયું હોય એને પૂછવું પડે.. દાંત અને વાઈફ બંને આપણા જીવનમાં મોડા આવે. પણ આવ્યા પછી એવી જમાવટ કરે કે દાંત વગર તો ચલાવી પણ લેવાય, પણ વાઈફ વગર?

દાંત એટલે સમજો કે કોઈપણ સમારંભના મુખ્ય મહેમાન જેવા. મુખ્ય મહેમાનની માફક મોડા આવે ને વહેલાં જતાં રહે. ત્યારે વાઈફમાં ફેર. એ મોડી ભલે આવે પણ પરણેતરનો સાથ છેવટ સુધી નિભાવે. કાઢવી હોય તો પણ ન કઢાય. બિલકુલ સભાના શ્રોતા જેવી. વક્તા સારો હોય કે ખરાબ, છેલ્લે સુધી ટકે..

– રમેશ ચાંપાનેરી

શ્રી રમેશ ચાંપાનેરીના અક્ષરનાદ પરના અન્ય લેખ વાંચવા અહીં ક્લિક કરો.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “શરીર ફર્નીચરનો શો રૂમ છે! – રમેશ ચાંપાનેરી

  • chintan

    ખુબ જ સરસ, સાહેબ …જો બધાને તમારા જેવી દ્રષ્ટી ( વસ્તુ જોવાની ) આપે તો જગતમાં દુઃખ ક્યાંથી હોય!

  • Dhiraj lal G Parmar

    Article’s speciality to preserve nature ,like humour in this lekh.
    In our industry one of Sign board’s quote:
    “No original spare parts of human body available in market ,take care of body means use safety appliance.like helmet,face shield,safety shoes.”

  • Hansa Rathore

    જીભે કચકચાવીને કહી દીધું -તારી આખેઆખી બત્રીસી કોઈ પાસે બહાર કઢાવતા મને આવડે છે …
    અને..દાંત ગૃહત્યાગ કરે ત્યારે જ ખબર પડે .. સચોટ.

    મજા પડી ગઈ . પોતાના અસ્તિત્વની આટલી રમૂજી છણાવટ પહેલી વાર માણી. અભિનંદન આપની દ્રષ્ટિને.

  • vimala

    કમાલનો લેખ!!! હળવી શૈલીમાં અનોખું તત્વજ્ઞાન .પાડ પ્રભુનો ને આભાર રમેશભાઈ ચાંપાનેરીનો ને અક્ષરનાદનો આભાર તો ખરોજ.

  • Hemant Shah

    ખુબ સરસ લેખ ! ફર્નિચેર સાથે સર્ખામનિ સાચે સુન્દર !!!

    હેમન્ત શાહ્