તારા જન્મદિન પર – ભરત કાપડીઆ 1


શું ખપે આ વરસગાંઠે?
શુભકામનાની મઘમઘતી મજૂસ,
જોઈ સર્વ લોક થાય ખુશ.

ભરી તેમાં થોડી મોજમઝા ને ઝાઝો બધો રાજીપો,
ચપટીક સૌન્દર્ય ને કુલ નંગ ગપતાલીશ ચમત્કારો.
થોડી થોડી છટા ને ખોબલે ખોબલે પ્રેમ,
આંખો ભરાય એટલી સફળતા,

થાકભર્યા દિનની-પહોંચવા પાર- ખપજોગી શક્તિ !
અટ્ટહાસ અને વિનોદ સમેત સુખસભર દિવસો.
શીતકાળમાં ઊષ્મા, ઝંઝા વચાળે શાંતિ.
મિત્રો વિણ તો કેમ ચાલશે તને, એય આપ્યા, જા.

જન્મસંગાથી શમણાંનો નેડો શેં છૂટશે?
ને થોડા પર્વત, જે ફલાંગવાની મળે હામ.
કોક તો મળે એવું, રહે જે હારોહાર.
ઉનાળામાં કૂણાં દી’ પછી થોડી ઝીલમીલ બારીશ,
વાસંતી તાજગી કટોરીભરી.

મનમાં શાંતિ અપાર અને
વળી સંઘર્ષ તો ખરો જ.
હર મોસમ ચરમ પર,
સહુથી અદકેરી ચહું અચરજભરી નિગાહ
આંખે છલકે મસ્તી, ને નેણથી ટપકે વાહ !

કહે શું ખપે આ મજૂસમાંથી, કે
રાખી લઈશ મજૂસ આખી,
સાંગોપાંગ શુભકામનાથી ભરપૂર!

ઓકે,
You may keep it.
શુભમ ભવતુ.

– ભરત કાપડીઆ


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

One thought on “તારા જન્મદિન પર – ભરત કાપડીઆ