લીંબુડા ઝૂલે તારા બારણે છબીલારાજ… – રમેશ ચાંપાનેરી 2


lemon-chillyલીંબુ-મરચાની પોટલીને હું જ્યારે જ્યારે કોઈની બારસાખે, લટકતી જોઉં છું, ત્યારે ત્યારે મને દયા આવે છે. શું જમાનો આવ્યો.. આટલી સરસ શાકભાજીને સાલુ ફાંસીએ લટકવાનું… માનવીને ત્યાં લીંબુ-મરચાંના દર્શન કરતાં સહેલાઈથી મા-બાપના દર્શન થતાં હોય, એમ ફોટા મૂક્યા હોય તો વડીલ ભૂતની પણ તાકાત નહીં કે મેલી નજરને એડમિશન આપે.

લીંબુ-મરચા જેવી ખાવાની શાકભાજીને કોઈ બારસાખે ફાંસીએ લટકાવે તો દુ:ખ તો થાય જ ને.. ગરીબો નિચવવા માટે લીંબુ પણ નસીબ નથી હોતું. ત્યારે બારસાખે લટકતાં લીંબુ-મરચા જોઇને, એના આત્માને કેટલી હાની થતી હશે. પૈસાદારને ભલે લીંબુ-મરચાની કીમત ચટણી જેટલી હોય, બાકી ગરીબો માટે લીંબુ એટલે પકવાન, અને મરચું એટલે મસાલાવાળું વૃંદાવન

આને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા એ બાબતે હજી આપણી ચાંચ ડૂબી નથી પણ કહેવાય છે કે લીંબુ-મરચાની પોટલીને આંગણામાં લટકાવી હોય તો, એની પ્રિમાઈસિસમાં મેલી નજરને ‘એડમીશન‘ મળતું નથી. જો કે, ચમનીયો વીસ-વીસ વર્ષથી લીંબુ-મરચાંની પોટલી લગાવે છે. છતાં, એની કોલેજીયન ચંચીને ચંદુ ચપાટી ભગાડી ગયેલો. એ પણ એક જાતની મેલી નજર જ કહેવાય ને.. પણ બનવા જોગ છે, કે લીંબુ-મરચું પાસે માત્ર ધંધા-રોજગારની મેલી નજરના જ પાવર હોય.

કાઢવાવાળા તો એવાં છે, કે જે દૂધમાંથી પણ ફોરાં કાઢે. જો કે, બહારની મેલી નજરને રોકીએ, પણ ઘરમાં જ પેલો મેલી નજરવાળો હોય તો.. માની લો કે, બુરી નજર ‘એડમિટ‘ નહીં થાય, પણ પેલાની બુરી નજરને ‘એક્ઝીટ‘ કરવા માટે શું લીંબુ-મરચાને બદલે કાંદો ને ફણસી ટાંગવાની? પેલાં કળા કરતા મોર જેવું છે.. મોરને જ્યારે કળા કરવાની ઉપડે, ત્યારે એણે પાછળથી ઉઘાડા થવું પડે છે, એની એને ખબર નથી હોતી.

રામ જાણે આ લીંબુ-મરચાં નો રિવાજ કયા યુગથી ચાલી આવતો હશે. પહેલું લીંબુ કયા આદમે ક્યાં અને ક્યારે બાંધ્યાં હશે, એની કોઈ ફાઇલ આપણી પાસે નથી. એ ફાઇલ ઉપર જ લીંબુ-મરચું બાંધવાનું રહી ગયું હોય, એવું પણ બને.. બાકી દશરથ રાજાના સમયમાં તો લીંબુ મરચાની પોટલી નહીં જ બંધાઈ હોય, એ સો ટકા સાચું. કારણ બાંધી હોત, તો મંથરાની બુરી નજરનું મેજિક ઝાઝું ચાલ્યું ન હોત. શ્રીરામ વનવાસને બદલે અયોધ્યાના આવાસમાં જ રહ્યા હોત.

આ બધો લોક શ્રદ્ધાનો મામલો છે ભાઈ. શ્રદ્ધા જ્યારે વધારે પડતી લાડકી થઇ જાય, ત્યારે સ્વચ્છંદ બની જાય. અને ક્યારે અંધશ્રદ્ધા થઇ જાય થઇ જાય, એનો અંદાજ પણ ન આવે. પરસ્પરના ‘વાઈબ્રેશન‘ કેવા છે, અને કેવોક ‘ટાવર‘ પકડે છે એના ઉપર બધું નભતું હોય. બાકી ઘણાને તો એવા પણ ઉથલા આવતા હશે કે, ‘વ્હાય, ઓન્લી.. લીંબુ ને મરચાં… સૂરણની ગાંગડી ને કાકડી કેમ ન ચાલે.. ‘બાકી લોકોની નજર ફિલમ કે ટીવી સિરિયલ આવ્યાથી બગડી છે એ વાત સાવ વજૂદ વગરની છે. અમસ્તા એ અગાઉ લોકો લીંબુ-મરચું બાંધતાં આવ્યા છે.

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતે ભલે અદભુત પ્રગતિ કરી હોય, પણ ભૂતપ્રેતના વળગાડ કાઢવાની હાટડી તો આજે પણ ધમધમે જ છે ને આજે ઠેર ઠેર ભગવાનની આરતીના નગારા ઇલેક્ટ્રિક ઉપકરણથી વાગે. મંદિરના દીવા હવે તેલ-ઘીના બદલે ઇલેક્ટ્રોનિક સિસ્ટમથી થાય. અને મંત્રોચ્ચાર પણ મશીન કરે. એ તો સારું છે કે, એની સામે ઇલેક્ટ્રોનિક ‘ભગવાન‘ પ્રગટ થતા નથી. આ બધા ઈલેક્ટ્રોનિક પુનર્વસન જ કહેવાય. જે ધીરે ધીરે શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધામાં પરિણમે.

સવારે રસ્તે રઝળતી લીંબુ-મરચાંની પોટલીઓને જોઇને દુ:ખ તો ઘણાને થાય. બિચારા ડાચું ફાડીને આપણી પાસે દયાની ભીખ માંગતા હોય એમ જુએ. કેટલાંય લીંબુ મરચાંઓ શહીદ થઈને આડેધડ પડ્યા હોય.. વિચાર તો એવો પણ આવે કે, શું ખરેખર લીંબુ-મરચાંની ‘પોટલી‘ બાંધવાથી અસર થતી હશે ખરી? થતી જ હોય તો એ પોટલી સુરક્ષા-કવચ તરીકે ગળે કેમ નથી બાંધતા.. પ્રયોગ કરવા જેવો કરાટેની તાલીમ લેવાની તો ઝંઝટ નહીં. ‘બ્લેક બેલ્ટ‘ એટલે એનું લીંબુ ને મરચું, ધત્ત તેરીકી…

આ બાબતે અમારો ચમનીયો એટલે ભારે તોફાની. એ તોફાન નહીં કરે તો એનામાં તેવર જ નહીં આવે. એ આમ ઉમરલાયક ખરો, પણ ‘લાયક‘ કહેવા માટે હજી ઘણો નાદાન. મને કહે. ‘રમેશીયા.. આ લીંબુ-મરચાથી જો બુરી નજર ભાગતી જ હોય, તો રૂપાળી છોકરીઓએ તો અંબોડામાં પણ ‘લીંબુ-મરચું‘ બાંધીને જ નીકળવું જોઈએ..

એક દિવસ તો ‘મનકી બાત‘ કરતાં, પ્રધાનમંત્રીશ્રીને પણ એણે ટ્વિટર પર ટ્વીટ કરીને સલાહ મોકલી કે ‘સાહેબ, પાકિસ્તાનથી સહેજ પણ ન ડરતા. આપણા લીંબુ-મરચાં એમનાથી પણ તેજ છે. એક જ કામ કરવાનું. આપણી સરહદની બધી બાજુએ લીંબુ-મરચાંની પોટલી બાંધી દેવાની. પછી જુઓ કેવું રિઝલ્ટ મળે છે.. પાકિસ્તાનની પેટન્ટ ટેન્કના એ કેવા ભુક્કા બોલાવી દે છે. જે લોકો આપણી પેટન્ટ ટેન્કથી નહીં ડરે, એ આપણા ‘લીંબુ મરચાં‘ ના લટકણીયાથી ‘રાઉસ‘ થઇ જશે. આતંકવાદીની તાકાત નથી કે લટકણીયા જોઇને ચૂં કે ચા કરે..’

હવે આ ઉલ્લુને કેમ સમજાવવું કે, ભાઈ આ તો પાકિસ્તાન છે. આપણા જ લીંબુ મરચાંનો મસાલો બનાવે, અને આપણા જ મરઘાં પકડીને એની ‘ચીકન બિરયાની‘ પણ ચાવી જાય. એને લીંબુ-મરચાં નહીં ફાવે, તોપગોળાના મારા જ ફાવે.

જુઓ ને, નવરાત્રીમાં પણ ‘લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલારાજ..’ આ ગીત પણ કેવું જામે છે.. નક્કી ‘લીંબુ-મરચાં‘ ની સિસ્ટમ જોઇને જ કોઈ કવિએ લીંબુ-મરચાંની પોટલી નીચે બેસીને લખ્યું હશે., છબીલારાજ એટલે, આપણો આપણો માહ્યલો. એને છબલો કહો તો પણ ચાલે. બાકી છબીલાને ઘેર લીંબુડા તો ઠીક, લીમડો પણ નહીં ઝૂલતા હોય. આનંદ. હર્ષ – ઉલ્લાસ – મૌજ – ઉત્સવ ને હાસ્ય, જેને કહીએ એ જ છબલો. જેમ વરરાજા સાથે અણવરિયો આવે, એમ લીંબુડા સાથે મરચું આવ્યું.

નવરાત્રીની મૌસમમાં, ઘણા ગાયકો આ ગીતને ગળા ખંખેરી-ખંખેરીને ગાતા હશે. એમાં આપણે એવી ખણખોદ નથી કરવી કે, ‘ માતાજીના આરાધ્ય ભાવ સાથે, આ લીંબુડાને તે વળી શું લેવાદેવા. જો કે માતાજી ભાવનાના ભૂખ્યા છે, શબ્દોના નહીં. આ ગીત ગવાતું હોય ત્યારે વોકર પકડીને ચાલનારા પણ ઠરીને બેસતાં નથી. ખુરશીમાં બેઠાં બેઠાં પણ બેચાર ઠુમકા તો મારી જ લે. એ વગર એને ગરબા ગાયાનો ઢેકાર જ નહીં આવે. માતાજીના કોઈક જ ચોક એવા હશે કે, જ્યાં આ ગીત પ્રગટ ના થયું હોય.. આ ગીત એટલે નવરાત્રીનું ‘બ્રાન્ડેડ‘ ગીત.. લીંબુડા કાં તો નવરાત્રીમાં ઝૂલતા હોય, કાં તો લોકોના બારણાની બારસાખે.. એટલે તો નવરાત્રીના મંડપમાં લીંબુ-મરચાં બંધાતા નથી. શું કહો છો?

એક જ વાત. અહીં તો મજા આવવી જોઈએ… જેને જે ગાવું હોય એ ગાય. બાકી જે ગાવા જ બેઠા છે, એને તો ઔરંગઝેબનો ફાધર આવે તો પણ અટકાવી શકવાના નથી. એ બહાને એ ગાય તો છે. દરેક માણસે ગાવાનું તો શીખવું જ જોઈએ. કારણ, પેટની ગરબડ, અને ગાવાની ચળ, એ એવી બાબત છે કે, ‘ઉપડી‘ એટલે, સ્થળ, સમય, પ્રસંગ કે મલાજાનું એને ભાન જ નથી રહેતું. હોઠ ઉપર લટકેલું ગીત બહાર ન નીકળે, ત્યાં સુધી એની ખંજવાળમાં કળ જ ન આવે. એ ઉકરડે ચઢીને પણ, તાન ખેંચવાનો એટલે ખેંચવાનો. ને આમ પણ ક્યાં એમાં લતા મંગેશકરજી સાથે કે હિમેશ રેશમિયા સાથે હરીફાઈ કરવાની છે? આપણા લત્તાની સિંગર બનાય તો પણ ઘણું.. આટલું થાય તો પણ ઢીંચુક ઢીંચુક. ‘કાળા ચશ્મા‘ વાળું ગીત ન ફાવે, તો તારક મહેતાના ઊંધા ચશ્માવાળું ગાવાનું, પણ ગાવાનું તો ખરું જ..

ખાધેલું, પીધેલું, બોલેલું, ચાલેલું, આ બધું ક્યારેક અણધારેલું કામ આવે ધાર કે, કોઈને ત્યાં મહેમાન બનીને ગયાં હોઈએ, અને ન કરે નારાયણ આપણને જોરથી પેટની ગરબડ ‘ઊપડી‘ હોય, પણ શૌચાલયમાં અંદરથી કડી જ ન હોય તો ગાયેલું જ કામ આવે કે નહીં? ખોંખારો ખાવા જેવા દેશી ઉપચારને આજે કોણ ગણે છે? એ તો ધડીમ દઈને આક્રમણ કરી જ નાંખે. ત્યારે બહારવાળાને કોઈક સિગ્નલ તો આપવો જ પડે કે ‘રૂક જાવ, તારા જેવો જ હમદર્દી અંદર કુટાણો છે અને એને કબજીયાતની બીમારી છે, એટલે વાર લાગશે.’

ત્યાગમુદ્રામાં ધ્યાનથી બેઠાં હોય, અને આપણી શૌચને કોઈ ડિસ્ટર્બ કરે એ તો ન જ ગમે. પણ એના માટે કંઈ શૌચાલય ઉપર લીંબુ મરચું તો ન જ બંધાય. બહારવાળાની હાલત શું થશે? એક તો આગલી રાતે હોટલમાં જમવા ગયાં હોય, ત્યાં ‘ઇનકમિંગ‘ માં પણ વેઇટિંગ રહેવાનું, અને સાલું ત્યાગ માટે શૌચાલયમાં જઈએ તો ત્યાં ‘આઉટગોઇંગ‘ પણ ‘વેઇટિંગ’માં રહેવાનું . શૌચાલય કંઈ ઓપરેશન થિયેટર થોડું છે કે, એમાં પલકારા મારતી બહાર લાલ લાઈટ હોય. ઉપાય કામયાબ નીવડે કે કેમ, એની તો ખબર નથી. પણ ખિસ્સામાં લીંબુ-મરચું રાખ્યું હોય તો, નહીં ચાલે. વાત વણસી ને જ્યારે કાબૂ બહાર જાય, ત્યારે સુરક્ષા કવચ તરીકે આપણી રક્ષા તો કરે. પણ આ સંશોધનનો વિષય છે..

– રમેશ ચાંપાનેરી ‘રસમંજન’


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “લીંબુડા ઝૂલે તારા બારણે છબીલારાજ… – રમેશ ચાંપાનેરી

  • gopalkhetani

    લીંબુ મરચાં લટકાવવાની “શોધ” કોઈ સ્ત્રીએ જ કરી હશે કેમ કે એમાં પણ બાંધણી જેવું ક્રોસ મેચીંગ છે જુઓને! પીળુ લીંબુ અને લીલાં જ મરચા.. લાલ મરચાના ચાલે! શું કહો છો?