લશ્કરી ફસલ – સં. સુરેશ જાની 4


military-madhavaram-andhra-pradeshકોઈ લશ્કરના માણસે રિટાયર થઈને ખેતી કરી હોય, એની ફસલની આ વાત નથી! આ ગામમાં જન્મેલા મોટા ભાગના પુરૂષો લશ્કરમાં જોડાય છે. મજાની વાત તો એ છે કે, આ વીરભૂમિ પંજાબ, હરિયાણા કે રાજસ્થાનની વાત પણ નથી. આન્ધ્ર પ્રદેશના મોટા શહેર રાજામુન્દ્રીથી માંડ વીસ માઈલ દૂર, પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડપલ્લીગુડમ પાસે આવેલા માધવરામ ગામમાં સૈકાંઓથી લશ્કરમાં કામ કરવાનો રિવાજ છે !

માંડ ૬,૫૦૦ માણસની વસ્તી ધરાવતા આ ગામના દરેક ઘરમાંથી કમ સે કમ એક જવાન તો લશ્કરમાં ભરતી થયેલો હોય જ. કોઈક ઘરમાં તો ચાર ચાર જણ. આજની તારીખમાં ૧૦૯ પુરૂષો લશ્કરમાં કામ કરે છે જેમાંના ૬૫ તો લશ્કરી જવાન છે. બાકીના વહીવટી કામમાં જોટાયેલા છે. ગામની ૭૦ ટકાથી વધારે વસ્તી શિક્ષિત છે. લશ્કરમાંથી રિટાયર થયેલ કોઈ વયસ્કને એના નામ માત્રથી કોઈ બોલાવે, તો એનાં ભવાં ચઢી જાય. સુબેદાર …. અથવા કેપ્ટન સંબોધન લટકામાં ઉમેરવું જ પડે ! અમુક બાળકોના તો નામ જ છે – કર્નલ, મેજર કે કેપ્ટન! કન્યાઓ પણ લશ્કરી જવાનને પહેલી પસંદગી આપતી હોય છે. ઘણી યુવતીઓ પણ લશ્કરના બિન-લશ્કરી ખાતાંઓમાં સેવા આપી રહી છે.

અને આ માત્ર આજકાલની વાત નથી. માધવરામની આ તવારીખ ૩૦૦ વર્ષ જૂની છે. માધવરામની લોકકથાઓ લડાઈ અને શૂરાતનની વાતો ભરપૂર છે. સોથી વધારે ઘરની દિવાલો પર લડાઈઓ/ શસ્ત્રો અથવા કુટુમ્બના વડવાઓના લશ્કરી મિજાજની સાક્ષી પૂરતી તસ્વીરો લટકે છે. સત્તરમી સદીમાં ઓરિસ્સા અને પૂર્વ આન્ધ્ર પ્રદેશમાં રાજ્ય કરતા પશુપતિ માધવ વર્મા બ્રહ્મા નામના રાજાએ માધવરામથી છ કિ.મિ. દૂર અરૂગોલ્લુ ગામમાં સંરક્ષણ માટે કિલ્લો ચણાવ્યો હતો. ઓરિસ્સા અને આન્ધ્ર પ્રદેશના ઉત્તર ભાગમાંથી શૂરવીર સૈનિકોનો પડાવ તેણે આ કિલ્લામાં રાખ્યો હતો. એ સૈનિકોનાં કુટુમ્બો અરૂગોલ્લુ અને આ ગામોમાં રહેતાં હતાં. માધવરામ ગામનું નામ આ રાજાના નામ પરથી પડ્યું હતું. સદીઓથી કાકત્યા, વરંગલ, બોબ્બિલી વિ. રાજવંશોની સંરક્ષણ વ્યવસ્થાનું માધવરામ એક અગત્યનું કેન્દ્ર રહેલું છે. બ્રિટિશ રાજ વખતે પણ માધવરામના ૯૦ સૈનિકો પહેલા વિશ્વ યુદ્ધમાં લડેલા છે. બીજા વિશ્વયુદ્ધ વખતે તો આ આંકડો ૧૧૧૦ સુધી પહોંચી ગયેલો!

પણ બધા માધવરામીઓમાં સુબેદાર વેમ્પલ્લી વેન્કટાચલમનું નામ શિરમોર સમાન છે. તેમને રાવ બહાદુર, પલ્લકી સુબેદાર, ઘોડા સુબેદાર એવોર્ડ મળ્યા હતા. બ્રિટિશ રાજ દરમિયાન શુરવીરતા માટેનો સર્વોચ્ચ, વિક્ટોરિયા ક્રોસ પણ તેમને એનાયત કરવામાં આવ્યો હતો. તેમની આ સિદ્ધિના સબબે, માધવરામ ગામ એ વખતે આખા દેશના લશ્કરી વર્તુળોમાં જાણીતું થઈ ગયેલું.

હજુ પણ તેમનું કુટુંબ માધવરામ ગામમાં સૌથી વધારે પ્રતિષ્ઠિત ગણાય છે. તેમનો દીકરો માર્કંડેયુલુ ૧૯૬૨ ની હિન્દ –ચીન લડાઈ, ૧૯૬૫ ની હિન્દ- પાકિસ્તાન લડાઈ અને ૧૯૭૧ની બાંગલા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે બોર્ડર પર લડેલો. તેમનો પૌત્ર સુબ્બારાવ નાયડુ પણ તાજેતરમાં જ ભારતીય લશ્કરમાંથી હવાલદાર તરીકે નિવૃત્ત થયો છે, વેમ્પલ્લીની ચોથી પેઢીએ આ કુટુમ્બનો દીકરો માનસ પણ સેનામાં જ ભરતી થયો છે!

આ તો બહુ ખ્યાતનામ કુટુંબની વાત થઈ. પણ, એક સાવ સામાન્ય ઘરનો વિજય મોહન પાકિસ્તાન બોર્ડર પાસે આતંકવાદીઓના હુમલાઓ માટે કુખ્યાત ‘ઉરી’ પોસ્ટ પર ખડા પગે સેવા બજાવી રહ્યો છે. આજની તારીખમાં ભારતીય સેનામાં માધવરામના ૨૫૦ સૈનિકો દેશની સીમાઓ પર સેવા બજાવી રહ્યા છે. આટલા નાના ગામમાં પણ ગામવાસીઓએ નવી દિલ્હીની ‘જવાન જ્યોતિ’ જેવું યુદ્ધ સ્મારક બનાવ્યું છે.

માધવરામમાં પેંસતા જ આપણને પોલેરમ્મા દેવીનાં દર્શન થઈ જાય. એ દેવી આખા ગામને માટે પરમ પૂજ્ય છે. માતાજીની આશિષ ગામમાંથી લશ્કરમાં ભરતી થયેલા જવાનોની રક્ષા કરે છે, એવી બધાંની માન્યતા અને શ્રદ્ધા છે.

માધવરામમાં ૧,૨૦૦ સભ્યો વાળું નિવૃત્ત લશ્કરી જવાનોનું મંડળ પણ છે. (ગામની વસ્તીના ૨૦ ટકા !) એ બધા કોઈ પણ રીતે નિવૃત્તિ કાળમાં પણ લશ્કરી કામકાજને મદદરૂપ થવા માટે કટિબદ્ધ હોય છે – તેઓ પોતાની જાતને લશ્કરમાંથી માનસિક રીતે નિવૃત્ત થયાનું સ્વીકારતા નથી !

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તેલુગુ ફિલ્મ ‘કાંચી’ માધવરામના આ ગૌરવવંતા ઈતિહાસને લક્ષ્યમાં રાખીને બનાવવામાં આવી હતી.

અને આ રહી મિલિટરી માધવરામ ડોક્ય્યુમેન્ટરી….

માધવરામની આ લશ્કરી પરંપરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સરકારે ત્યાં મિલિટરી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ સ્થાપવાનું કામ શરૂ કરી દીધું છે. હવે આપણને આ ગામ ‘મિલિટરી માધવરામ’ તરીકે ઓળખાય છે – તે જાણીને નવાઈ નહીં લાગે !

– અનુવાદ, સંકલન અને સંપાદન : સુરેશ જાની

* * *

સંદર્ભ

This Small Andhra Village Has an Army Man in Almost Every Household!

https://en.wikipedia.org/wiki/Madhavaram,_West_Godavari

http://www.thehindu.com/news/national/andhra-pradesh/military-madhavaram-marches-on-to-the-front-line/article8670285.ece


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “લશ્કરી ફસલ – સં. સુરેશ જાની