નૂડલ્સના ‘પપ્પા’ સેવ મમરા – ગોપાલ ખેતાણી 32


“ભૂખ લગી હૈ? બસ દો મિનિટ..” (પણ થઈ જાય દસ મિનિટ) અને કટોરામાં ઢિલા-ઢફ્ફ ગૂંચળા પોતાની માથે ગરમ મસાલાનું આવરણ ઢાંકીને પડ્યા હોય નૂડલ્સ. આ નૂડલ્સને કોઇએ અવાજ કર્યો. નૂડલ્સ બોલ્યા “કોણ?” જવાબ આવ્યો, “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં લેકીન નામ હૈ સેવ-મમરા!”

અહીં જો કે મેગી કે અન્ય કોઈ નૂડલ્સને ખરાબ દેખાડવાનો ઉદ્દેશ્ય છે જ નહિ, મેગીએ કોલેજકાળમાં અમને સાચવ્યા છે. પણ સેવ – મમરાએ તો સૌથી વિષમ પરિસ્થિતીમાં પણ સાથ આપ્યો છે તેની વાત કરવી છે.

નાનપણમાં ઘરમાં પાંચસો ગ્રામની એક થેલી પડેલી હોય, જેમાં બ્રાન્ડનેમ છાપેલું હોય પણ નીચે એક વાક્ય લખેલું હોય “ગોંડલના પ્રખ્યાત મમરા”! કોઈ પણ બ્રાન્ડ લો.. ટેગ લાઈનતો એ જ! ભૂખ લાગી હોય તો હાથવગો નાસ્તો એટલે સેવ-મમરા. અને જો સેવ ઘરમાં ખૂટી તો પાંચ રુપીયા માંગી દોટ મૂકી ફરસાણની દુકાને જઈ નાયલોન સેવ લઈ આવવાની. કાચા મમરા, સેવ અને જો માથે “ટોપીંગ્સ” મુકવા હોય તો ટમેટા, કાકડી, કાચી કેરી અને ડુંગળી.

આ ન હોય તો યે સેવ-મમરા એકલાયે રાજકુમાર જેવા જ રુઆબદાર હોં!

ઘણાં લોકો અડદનો પાપડ શેકી, તેનો ભુકકો કરી સેવ-મમરાંમાં ભેળવે અને થોડું તેલ-મીઠું-મરચું પણ સાથે નાખે.. એ પણ સ્વાદીષ્ટ આઈટમ બને. મોંમા પાણી આવ્યું?!

રાજકુમારની જેમ તાજપોશી થાય એમ સેવ-મમરાની તાજપોશી એને વઘારીએ ત્યારે થાય! ગરમાગરમ વઘારેલા સેવ-મમરાની સુગંધ જ અદભુત હોય! તાવ કે શરદી હોય અને કોઈ પણ પકવાન મોઢે લાગતાં ન હોય ત્યારે આ વઘારેલા સેવ-મમરા (સહેજ મરીનો ભૂકો છાંટીને) “બેસ્ટ” નાસ્તો. દર્દી એની સોડમ નાકમાં લેતાં જ અડધો સાજો થઈ જાય. આ વઘારેલા સેવમમરા અન્ય વાનગીઓને પણ મોંઘેરી બનાવે હો! ઘરે જન્માષ્ટમી પર ચેવડો, ચવાણુ બને એમા સેવ-મમરા સાથ આપે. ફટાફટ ભેળમાં સેવ-મમરા અવિભાજ્ય અંગ.

ભગવાનને ધરાવાતા છપ્પ્નભોગમાં સેવ-મમરાનો ઉલ્લેખ થયો હોય તેવું જાણવામાં આવ્યું નથી આથી એમ લાગે છે કે છાસની જેમ સેવ-મમરા પણ દેવોને દુર્લભ જ છે! કોઈ ઈતિહાસકાર, પંડિત, ચારણ-ગઢવી ભાઈઓ ફોડ પાડે તો સેવ-મમરાને ઉચિત ન્યાય મળશે એવું મારુ માનવુ છે.

શાળાથી લઇને કોલેજ સુધી જ્યારે પરીક્ષા સમયે વાંચવા બેસતો ત્યારે કાચા મમરા અને સેવ પાસે રાખતો. સેવમમરા ખાતા ખાતા મને વધુ યાદ રહેતુ એવુ મને લાગતું. (આડ વાત – પરીક્ષા વાંચન સમયે જ તમને સૌથી વધુ ‘ઈનોવેટિવ” વિચાર આવતા હશે.. ખરું કે નહીં?) ભાવનગર કોલેજમાં હતો ત્યારે સેવમમરા સાથે લઈ જતો. બધા મિત્રોની પાસે સેવમમરા તો અચૂક હોય જ. વઘારેલા સેવ મમરા, લસણિયા સેવ મમરા અને અલગ અલગ ગામનાં સેવમમરા અમે પચાવતાં.

જે કંપનીમાં મને પહેલી નોકરી મળી એ કંપનીના એમ.ડી. સાહેબ પોતાની ચેમ્બરમાં એક નાનો ડબ્બો રાખતાં અને એમાં ઓફીસબોયને સુચનાં હતી કે દર અઠવાડીયે સેવમમરા (કાચા) એમાં ભરી દેવા. જૂના સેવમમરાનો લાભ અમે લઈ લેતા. હવે તો નામચીન કંપનીઓ પેકીંગમાં સેવમમરા લાવવા માંડી છે કારણકે ઘરોમાંથી આ “મિડલ ક્લાસ” નાસ્તાએ મૃતઃપ્રાય અવસ્થા પ્રાપ્ત કરી છે.

સેવમમરાને ફરી પ્રતિષ્ઠા અપાવવા હવે એક કહેવત વહેતી મૂકવી પડશે.. જેમ “સસ્તું ભાડુ ને સિધ્ધ્પુરની જાત્રા” તેમ “સસ્તું નાણું ને સેવમમરાનો નાસ્તો!”

મિત્રો આ સેવમમરાનો નાસ્તો પેટન્ટ કરાવવા જેવો, નહીં?

જતા જતા એક છમકલું..

“શિયાળે ઢોકળા ભલા ને ઉનાળે ઠંડી છાશ,
ચોમાસે ભજીયા વાલીડાં, સેવ-મમરા બારે માસ!”

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

32 thoughts on “નૂડલ્સના ‘પપ્પા’ સેવ મમરા – ગોપાલ ખેતાણી