હું દરિયો માંગુ, ને દઈ દે ખાબોચિયું… – રમેશ ચાંપાનેરી 8


આમાં આદાન-પ્રદાનનો, આઈ મીન, આપવા લેવાનો કોઈ મામલો જ નથી. ભ્રષ્ટાચારીએ ખોટો ધક્કો ખાવાનો નહીં. મફતમાં મળતું હોય, તો લાઈન લગાવવામાં જાય શું? એટલે લાઈન લગાવવાની મજૂરી કરી. અહીં તો મફતમાં મળવુ જોઈએ. દરિયો નહીં તો ખાબોચિયું. મફતમાં કંઈ મળે તો છે ને? એટલું જ સાચવવાનું કે આપણી પાસેથી કોઈ લઈ ન જવું જોઈએ. મફત માટે તો ગમે ત્યાં તૂટી પડીએ ને? બાકી દુનિયાનો તો દસ્તુર છે કે તોપનું લાઈસન્સ માંગીએ તો જ ફટાકડીની પરવાનગી મળે. ખોટી વાત હોય તો પાછું.

આગીયાએ આગ લગાવવાના શપથ લીધા જેવી વાત છે. ખાબોચિયાને દરિયાના સ્વપ્ન આવે તેવી આ જોક્સ છે. એ તો આપણે કહીએ કે, ચોમાસું બેસી ગયું. પણ, માંડવા બહાર તેડાંની રાહ જોઇને ઉભેલાં વરરાજા જેવો નથી લાગતો? મેઘરાજા તો એને કહેવાય કે જે રંગ-રાગ જામી પડેલા જમાઈ જેવાં હોય. શું કહો છો?

રૂપ, રંગ, ચમકાટ અને ગડગડાટના વાઘા લગાવે, કાળો ડિબાંગ થઈને ડરાવે ખરો. હમણાં જાણે ખાબોચિયું દરિયો બની જશે એવો ડોળ કરે પણ વરસે ત્યારે ને? જેને અંધારામાં પણ મેઘધનુષ જોવાની આદત હોય એની હાલત તો હવામાન ખાતાની આગાહી જેવી થઇ જાય. મુશળધાર વરસાદને બદલે જાણે આપણા ઉપર સ્પ્રે ન કરતો હોય…

સાસુ, આંસુ ને ચોમાસું, નો સરવાળો એટલે જ જમાઈરાજ. એને તિથીતોરણ જેવું હોય જ નહીં. ફરક્યા તો ફરક્યા, અને વરસ્યા તો વરસ્યા… ટાણે આવવાનું એ ટાળે ને કટાણે એ ટુનટુનિયુ વગાડે. તારીખ વગર આવે ને તારીખ વગરના જ હુમલા કરે. આવે તો પણ દુઃખ, અને ન આવે તો પણ.. ચોમાસાનું પણ ભઈલા એવું જ… નેતાના ભાષણની માફક વાતાવરણ જમાવે, પણ વરસવા માટે કાકલૂદી કરાવે. લોકો પણ જ્ઞાની થઇ ગયાં કે, ‘દરિયો માંગીએ તો જ ખાબોચિયું મળે..’

ચોમાસા વગર વર્ષ જતું નથી. આંસુ વગરની કોઈ વ્યક્તિ નથી. અને સાસુ વગરનો કોઈ જમાઈ નથી. કળિયુગ હજી એટલો સધ્ધર નથી થયો કે, સાસુ વગર કોઈને પણ વાઈફ સિદ્ધ થાય. કોઈપણ પરણેલાઓના ચોપડા તપાસી જુઓ તો ખબર પડે કે, એમના લમણે, ઓછામાં ઓછી બે સાસુ તો હોય જ. એક એની પોતાની, અને બીજી એની વાઈફની….! જેની પાસે સમ ખાવા પૂરતી એક પણ સાસુનો ‘સ્ટોક’ ન હોય, એ પામર મનુષ્ય તો શું કરી શકે? મિનિસ્ટરની ચિઠ્ઠી લાવીએ તો પણ મેળ ન પડે. પુરાણના કોઈ ચોપડામાં પણ એની શાસ્ત્રોક્ત વિધિ બતાવી નથી.. છે, અમૂક શ્રીમંત ઘરાનાના પણ છે. કે જેની પાસે ઢગલેબંધ સાસુઓ છે, પણ કોઈ લેવાલ નથી. આવા લોકોને તો ‘સહનશક્તિ’ નો એવોર્ડ આપવો જોઈએ. આપણને દયા આવે કે બિચારા વગર બકનળીએ શ્વાસ કેમ લેતાં હશે.. ત્યારે અમૂક પરણેલાઓની કુંડળી તો એટલી પાવરફૂલ કે ચોરીના માંડવેથી જ એને, વાઈફ સાથે એક સાસુ પણ ‘ડિસ્કાઉન્ટ’ માં મળી હોય. જાણે એક પર એક ફ્રી…

આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે બીજું કોઈ નહિ પણ ધરતી ઉપરના સાસુ, આંસુ ને ચોમાસું… બધું અહીં જ હાજરા હજૂર. એક સર્જન કરે, બીજું સંવર્ધન કરે, અને ત્રીજું ભાંગીને ભૂક્કો કરે. જેવા અલુણા સ્ટાર્ટ થયાં, એટલે સારો પતિ મેળવવાની શાસ્ત્રોક્ત વિધિઓ શરુ. પણ સારી સાસુ મેળવવા માટે કોઈ જોગવાઈ નહિ. સાસુની કુંડળી જોયા વગર, ભાગ્યશાળીને જ વાઈફ અને સાસુ સારી મળે. પ્રત્યેક સાસુ એવું વિચારે જ છે કે પોતાના દીકરાને સારી વહુ મળે તો સારું. પણ એ વહુ જ્યારે સાસુ બને એટલે ઉપરવાસના હુમલા શરુ… સાસુ-સસરા બિચારા સાધુ, સંતો, મહંતો, બાવાઓના રવાડે ચઢી, આશરો પણ શોધવા જાય.પણ… બાવા જ સંસારના ત્રાસથી બાવા બન્યા હોય એ શું ઉકેલ આપવાના… એ તો એટલું જ કહેવાના કે, ‘મેરી તરહ બાવા બન જા, તો તું મુસીબતસે મુક્ત હો જાયેગા..’

આ બધા સંસારના ટોલ જકાતનાકા જેવા છે. આવતા જતાં હેરાન તો કરે જ. આકાશને પણ રડવાનો શોખ થાય, ત્યારે વરસાદ પડે. આકાશ ગળવાનું એટલે ગળવાનું. એમાં ઝારણ જેવું કંઈ આવે જ નહીં.. આપણે જ એટલાં જડ કે સમજણના ઝરા ફૂટે જ નહીં ને! દરિયા છોડીને ખાબોચિયામાં જ મોજાં શોધે. બાકી ચોમાસું એટલે કલરફૂલ મૌસમ. લીલા કપડા પહેરીને જો નીકળીએ તો લોક આપણને પણ ચોમાસું કહી દે. ચોમાસું છે, તો દેડકાઓની ઓળખ છે. દેડકાઓને આધારકાર્ડ લઈને ફરવું નથી પડતું. બાકી દેડકાઓને ચોમાસા સિવાય ઓળખે કોણ? ચોમાસું જાય, એટલે સાધના કરવા સીધા ભૂગર્ભમાં. અને જેવું ચોમાસું આવે એટલે સાધનાનો ત્યાગ કરીને, વાજતે ગાજતે ભૂગર્ભમાંથી બહાર… જાણે વેવાઈના જાનૈયા હોય એમ, અલમસ્ત બનીને ફરતા થઈ જાય. ને તે પણ શરીરે પીઠી લગાવીને. જાણે નગરચર્યા જોવા ન નીકળ્યા હોય.. વળી શિસ્ત તો એવી હોય કે તાજી ભરતી પામેલા વર્દીમાં ફરતા પોલીસ ન હોય? ચોમાસું બેસવું જ જોઈએ, એટલે જનરલ ડૉક્ટર, હાડકાના ડૉક્ટર, મોબાઈલ રીપેરવાળા, છત્રી-રેઇનકોટવાળા, રિક્ષાવાળા વગેરેની હાટડી શરીર ઉપર ઉભરેલા ખરજવાની જેમ, ધમધોકાર થવા જ માંડે. મચ્છર અને માખીઓ ઘર ઘરમાં હટવાડો માંડે. આ ધંધાવાળા આડે દહાડે ભલે માખી મારતા હોય, પણ ચોમાસામાં માખી કે મચ્છર મારવાનો પણ સમય ના મળે. પછી થાય એવું કે, એમની માખી અને મચ્છર આપણા ઉપર હલ્લાબોલ કરે…

ચોમાસું એટલે સરકાર સાથે સતત સંપર્કમાં રહેવાનો સુવર્ણ અવસર ને સરકારને ગાળો ખાવાનો અવસર. રસ્તા ખોદાઈ જાય, કે રસ્તા ઉપર પાણી ભરાઈ જાય, વાહન વ્યવહાર ખોટકાઈ જાય કે ખોરવાઈ જાય એટલે ખલ્લાસ.. લોકો વિવેક ભૂલી જાય. ‘રેસ્ક્યુ’ પોલના, ઢોલ વગાડવા માંડે. જો કે સરકારે તો થોડીઘણી પણ તૈયારી કરી હોય, પણ આપણે અભરાઈ પર ચઢાવેલી છત્રી કે રેઇન કોટ ઉપરથી ધૂળ પણ ખંખેરી ન હોય.

એક નહીં, બે નહીં.. અમારા ચમનીયાની છત્રીએ ચાળીસેક ચોમાસાનો માર ઝીલ્યો હશે. એમાં કેટલા સળિયા હતાં અને કયો કલર હતો એ પણ એને યાદ નથી. એણે બરાબરના છત્રીના પૈસા વસૂલ કર્યા એમ તો ન કહેવાય, કારણ પૈસા પણ ખર્ચ્યા હોય તો વસૂલ થાય ને! છત્રી તો એ જાહેર શૌચાલયના બારણા ઉપરથી કોઈની ઉઠાવી લાવેલો. એને એમ કે છત્રી કોઈ ભૂલી ગયું છે. વાસ્તવમાં છત્રીનો મૂળ માલિક તો બિચારો શૌચાલયની અંદર ત્યાગમુદ્રામાં બેઠેલો હતો. આજે પણ આ છત્રી અને એનો લગન વખતનો સૂટ. જગન્નાથ ભગવાનની રથયાત્રા માફક સમય આવે ત્યારે લોકદર્શન માટે બહાર નીકળે છે. જો કે ચમનીયો આમ તો શુદ્ધ દાનતવાળો. બીજાની માફક, એટલો બધો મેલી દાનતવાળો નહીં કે છત્રી બદલવા માટે એને મંદિર જવું પડે. ખાબોચિયા જેવો ખરો, પણ દરિયાઈ દીલવાળો. ચોમાસામાં ઉઘરાણીવાળાથી બચવા છત્રીની ઓથ એણે ક્યારેય લીધી નથી. પણ મજા તો રેઈનકોટમાં જ આવે. પહેર્યા પછી એના બાપુજીને પણ ખબર ન પડે કે આ નરોતમ છે કે નેપોલિયન.

– રમેશ ચાંપાનેરી ‘રસમંજન’


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “હું દરિયો માંગુ, ને દઈ દે ખાબોચિયું… – રમેશ ચાંપાનેરી