‘સર્જન’ સામયિકનો પ્રથમ અંક.. 16


૧૫ ઓગષ્ટ, ૧૯૪૭..
એક વિશાળ, પરંતુ બંધિયાર પ્રદેશ મુક્ત થયો, કલ્પનાની કેડી સાથે પ્રતિભાની પાંખો પસારવાં..! ધરબાયેલું તો ઘણું ધન પડ્યું હતું એનાં અંતરમાં, પણ એક પથ કરી આપ્યો એ આઝાદીએ જ. પથ.. ખીલવાનો, નિખરવાનો, અને પાંગરવાનો!

અને આજે,
૧૫ ઓગષ્ટ, ૨૦૧૬
ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું છે, એકવાર ફરી..!

આવું જ એક, લેખન કળાની અનન્ય પ્રતિભાઓથી પરોક્ષ રીતે પુરાયેલું સંગઠન, નવી ક્ષિતિજ ભણી ઉડાન ભરી રહ્યું છે… અને એ છે ‘સર્જન’.

સર્જન વિચારોનું, સર્જન વાતોનું, અને સર્જન વાર્તાઓનું.. નાની-નાની, અતિ નાની, એવી ‘માઈક્રોફિકશન’ વાર્તાઓનો સમુદાય લઈને આજે રજુ થઇ રહ્યું છે એક સામયિક, નામે ‘સર્જન’.

શાળાના વર્ગખંડમાં છેલ્લી પાટલી પર બેસીને, એક-એક લીટીના રમુજી ટુચકાઓ હવામાં છોડવાનું બહુ સરળ અને દરેકની પોતાની નજરમાં મહાન કાર્ય ગણાતું આવ્યું છે. પરંતુ એ જ ટુચકાઓ જયારે શિક્ષકની સમકક્ષ, આખાં વર્ગના બધાં વિદ્યાર્થીઓની સમક્ષ ઉભાં રહીને બોલવાના આવે, ત્યારે છેલ્લી પાટલીના એ દરેક વક્તાઓ મૂક શ્રોતા બની જતાં હોય છે, અને કોઈ પણ લીટી એમની ‘પર્સનાલિટી’ નથી પાડી શક્તી, કે નથી કોઈ પણ વિચારોને વાચા મળતી.

બસ, ભૂતકાળની આવી જ કંઇક પાંગરવા વગર રહેલી પ્રેરણાઓ, તથા વજન વગર રહેલાં વિચારોને, વાર્તાનું એક નક્કર સ્વરૂપ આપી રહેલાં વોટ્સએપ ગ્રુપ ‘સર્જન’ના પ્રયાસોનું પરિણામ એટલે જ,

‘સર્જન’ સામયિક..!

..અને હવેથી દર માસે નવા અંક સાથે રજુ થનારું આ સામયિક પીરસશે નાવીન્યસભર માઈક્રોફિકશન વાર્તાઓ, કે જેમાં આપ સૌ મિત્રોને, વાંચનના રસિયાઓને, તથા નિત નવું જાણતાં અને માણતાં આવેલાં જિજ્ઞાશુઓને લ્હાવો મળશે ટચૂકડી પરંતુ ‘ટચ’ કરી જાય એવી વાર્તાઓ મમળાવવાનો.! આવી ‘અતિ-અતિ-નાની’ વાર્તાઓ એટલે જ માઈક્રોફિકશન, કે જેમાં ૬ થી લઈને ૧૦ શબ્દો, ૫૫ થી લઈને ૧૦૦ શબ્દો, ૨૦૦ થી લઈને ૩૦૦ શબ્દો સુધીની મર્યાદાવાળી.. એમ વિવિધ અવકાશવાળી વાર્તાઓ આવરી લેવામાં આવશે. આ લ્હાવો આપ સૌ મેળવી શકશો દર મહિને પ્રકાશિત થનારાં ‘સર્જન’ સામયિક દ્વારા.

આ માસિક સામયિકનું મૂળ એવું વોટ્સઅપનું ગ્રુપ ‘સર્જન’ અને એનાં સભ્યોની વાર્તાઓ રચવાની, તેમજ રચાયેલી વાર્તાઓ પર ચર્ચા-વિચારણા કરવાની કાર્યપ્રણાલી પણ એકદમ શિસ્તબદ્ધરીતે રોજિંદા લેખનની નીતિ પ્રમાણે ચાલે છે.

જે રીતે કોઈ વ્યાવસાયિક એકમ પોતાના દરેક કાર્યોનું વિભાગવાર સંચાલન કરે છે, બસ એજ રીતે આ ગ્રુપમાં અઠવાડિક સમયપત્રક મુજબ માઈક્રોફિક્શન વાર્તાઓ રચાય છે. જુદી જુદી થીમ (વિષયવસ્તુ) પર આધારિત, જુદાં જુદાં પ્રોમ્પટ (સંવાદ) પર આધારિત, ફિલ્મ કે ફિલ્મી ગીત પર આધારિત, ચિત્ર પર આધારિત, વગેરે વગેરે.. વિષયોનું રસપ્રદ સંકલન એટલે જ ‘સર્જન’.

આજે રજુ થઈ રહેલાં આ સામયિકમાં વાચકમિત્રો મેળવી શકશે માઇક્રોફિકશન વાર્તાઓ અંગેની સંપૂર્ણ જાણકારી.. આ માઈક્રોફિક્શન વાર્તાઓ એટલે શું..? એનાં પ્રકારો કેવાં હોય..? આટલી અમસ્તી ટચૂકડી વાર્તાઓમાં વાર્તાતત્વ કેવું હોય..? લેખક ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરી વધુમાં વધુ અસરકારકરીતે આવી નાનકડી વાર્તાઓમાં કેટલો ભાવ સમાવી શકે..? ..આવા અને આ પ્રકારના બીજા ઘણાય વણઉકેલ્યાં પ્રશ્નોનું નિરાકરણ આપ મેળવી શકશો આજના ‘સર્જન’ના અંકમાં..!

આપ સૌ મિત્રો, વાંચનના શોખીનો, સાહિત્યપ્રેમીઓ, ગુજરાતી ભાષાના જાણકારો તથા હિમાયતીઓ.. આપ સૌ વાર્તાઓનાં એવાં તો ઘણા સમયિકોનું નિયમિતરીતે પઠન કરતા આવ્યાં જ હશો, એમાં બેમત પણ નથી.. પરંતુ સર્વેથી કંઇક અલગ પીરસવાની અમારી ઘેલછા કહો કે બધાંથી નોખું તારવીને વાચકને મનોરંજન સાથે મનોમંથનરુપી એક ચમકારો આપવાની અમારી લાલસા કહો, અમે આ ‘સર્જન’ સામયિકના પ્રચાર, પ્રસાર અને પ્રકાશનથી કંઇક અલગ કરવા, કંઇક અનુપમ, આહલાદક, અને અવિસ્મરણીય આપવા જઈ રહ્યાં છીએ..

આજના સ્વાતંત્ર્યદિનના શુભ પર્વ નિમિત્તે ‘સર્જન’ સામયિકનો આ પ્રથમ અંક આપ સૌ સમક્ષ મૂકતાં અમારું ‘સર્જન’ ગ્રુપ અપાર ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે. અને એક વિશ્વાસ સાથે એક પગલું આગળ ધપાવીને આપ સૌ વાચકમિત્રોની અપેક્ષાએ અમૂલ્ય અને અદ્વિતીય કરવાનો એક મક્કમ નિર્ધાર કરીએ છીએ..!

અસ્તુ..!

– ધર્મેશ ગાંધી
(‘સર્જન’ ગ્રુપ વતી)
૧૫ ઓગષ્ટ ૨૦૧૬

આજના અને આજ પછી પ્રસિદ્ધ થનારા સર્જન ગુજરાતી માઈક્રોફિક્શન સામયિકના બધા અંકોની પીડીએફ ફાઈલ તેના નિઃશુલ્ક ડાઉનલોડ પેજ પરથી મેળવી શક્શો. કડી છે.. http://www.aksharnaad.com/sarjan-microfiction-magazine/


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “‘સર્જન’ સામયિકનો પ્રથમ અંક..