યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૧) 1


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

બપોરે ટાપુઓ વચ્ચે દોડતી એક નાનકડી બોટમાં બેસીને મારા ઘર તરફની મારી લાંબી યાત્રા શરૂ કરવાની હતી. આગલી રાત્રે હું બરાબર સૂઈ શક્યો ન હતો. કલાકો સુધી એમ જ બેઠા રહીને વાતાવરણનો ઘંટડીઓ જેવો મીઠો અવાજ હું સાંભળતો રહ્યો. આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર આથમી ગયો, ત્યાં સુધી એ અવાજ આવતો રહ્યો! શેગ અમે મેમ ઘર અને ફળિયા વચ્ચે અસ્વસ્થ થઈને ફરતાં રહ્યાં. એક વખત તો શેગ આવીને ક્યાંય સુધી મારા પલંગ પાસે ઊભો રહીને મચ્છરદાનીની આરપાર મને જોઈ રહ્યો. આટલી વફાદારીપૂર્વક મારી સાથે રહેલા આ બે સાથીદારોને શું ખબર પડી ગઈ હશે કે! બંનેની ઉંમર થઈ ગઈ હતી, અને મેમ તો વળી બહુ જ બિમાર પણ હતી. એની જીવનરેખા કદાચ પૂરી જ થઈ ગઈ હતી. એનું શું કરવું એનો નિર્ણય કરવામાં મને ઘણો સમય લાગ્યો હતો. ડૉ. રેવિનોએ એ સમયે મારી મદદ કરી. મેમ બહુ જીવવાની ન હતી. વર્ષોનો એનો સાથીદાર પણ એનાથી વધુ જીવી નહીં શકે. જતાં પહેલાં હું એમને સુવડાવી દઈશ. પણ એ કસોટી બહુ હૃદયદ્રાવક નીવડવાની હતી!

વરંડામાં ટોમસ ત્વરાથી, પણ હળવાશ અને સ્વસ્થતાથી નાસ્તાનું ટેબલ સજાવી રહ્યો હતો. આંખના ખૂણેથી એ મને જોઈ લેતો હતો એની મને ખબર હતી. એની આંખો ભીની થઈ ચૂકી હતી. વાદળી રંગની થાળીઓ ટેબલ પર ગોઠવતાં એના હાથ ધ્રૂજી ઊઠ્યા. એના હાથમાંના બાઉલમાં વાદળી ઓર્કિડનો ગુચ્છ હતો!

“નાસ્તો તૈયાર છે, સાહેબ.” એનો અવાજ જરા ધ્રૂજતો હતો. ઠંડીને કારણે ચમકતી કેરી હાથમાં લઈને હું રમાડતો રહ્યો. મારી સામે એણે મારી પસંદગીની બધી જ વાનગીઓ ગોઠવી દીધી હતી. હું તો બહુ થોડું જ ખાઉં છું! ટેબલ પાસે બેસીને હું ફળિયામાં જોવા લાગ્યો. વાડ પર ઊગેલા ઊંચા જાસૂદ પર રાતની ઠંડક હજુ પણ મોજુદ હતી. એર પ્લાંટમાંથી ટોમસે પાયેલું પાણી હજુયે નીતરતું હતું. તાડનાં પાન ઘસાવાથી વરસાદ જેવો આવાજ હજુ પણ આવી રહ્યો હતો. સવારના પડછાયાઓમાં ક્યુલિઅન ભૂખરા રંગે રંગાઈ ગયો હતો. ઊગતા સૂર્યની સાથે કોરોનની ટોચ ધીરે-ધીરે સોનેરી રંગ પકડી રહી હતી. હમણાં દિવસ ઊગી જશે! હમણાં ઉષ્ણકટિબંધની ઠંડક પશ્ચિમ ભણી સરકી જશે અને ગરમી દરિયાની માફક ધસી આવશે અને બધા પર ફરી વળશે! ક્યુલિઅન ખાતેનો મારો છેલ્લો દિવસ શરૂ થઈ ગયો હતો.

*

કેટલીક બાબતો મેં છેલ્લી ઘડી સુધી બાકી જ રાખી હતી.  મેન્સન અને પાદરીને મળવા જવું હતું. બંને મારા પરમ મિત્રો હતા. મારા સારા સ્વાસ્થ્ય માટે બંનેએ ખૂબ મહેનત કરી હતી. મને લાગે છે કે મેન્સન એમ માનતા હતા, કે હું એમના ધર્મમાં માનતો થઈ ગયો છું. અને કદાચ એ બાબતે એ સાચા પણ હોઈ શકે છે. આટલા વર્ષો સુધી મને કંઈક તો મદદ મળી જ હતી એમના તરફથી. આજે આ દરવાજામાંથી બહાર નીકળી રહ્યો છું ત્યારે પણ મને કોઈકનો સહારો તો મળી જ રહ્યો હતો. મારી કાર મેં જોઝને આપી દીધી હતી. આ સફર પર તો હું પગપાળા જ જવાનો હતો!

કૂતરાં મારી સાથે જ હતાં. એમને પાછાં મોકલી આપવાની મારી હિંમત ન હતી. મેમ માટે આ સફર લાંબી થઈ પડશે, પણ એ સાથે આવવા જીદ કરી રહી હતી! બંને એ જાણતાં હતાં કે વસાહતમાં ફરવા જતી વખતે હું એમને સાથે લઈ જતો ન હતો… પણ એ બંને જાણતાં હતાં કે આજે કંઈક જુદું બની રહ્યું છે. રિઝાલ પ્લાઝા તરફના માર્ગ તરફ અમે ત્રણેય ચાલતાં થયાં. વનરાજીમાં આવતાં દરેક પોલાણ પાસે ઊભા રહીને હું દરિયાકિનારાને જોઈ લેતો હતો. અપ્રતિમ સુંદરતા! દિવસ અને રાત, દિવસ અને રાત આ સુંદરતાનું મેં પાન કર્યું હતું! રસ્તો પ્રોટેસ્ટંટ દેવળ પાસે અટકીને વળાંક લઈ રહ્યો હતો. ધીમેથી હું દેવળનાં પગથિયાં ચડ્યો. દરવાજામાંથી આવતા મેન્સનના મદદનીશ લિઓન સામે જ મળી ગયા.

“કેમ છો, મિ. ફર્ગ્યુસન. તમારી ખોટ અમને બહુ જ સાલવાની છે.”

“મજામાં છું. તમે કેમ છો, લિઓન! રેવરેન્ડ અંદર છે કે?”

“એ ચર્ચમાં જ છે. તમે અંદર જ જાઓ.”

ઊંચી છતવાળા એ મકાનમાં કેટલી ઠંડક અને શાતાભર્યું વાતાવરણ હતું! ઝાંખા પ્રકાશમાં બાંકડા અને પ્રવચનની જગ્યા ધૂંધળી દેખાતી હતી. મેન્સન પૂજાની જગ્યાએથી નીચે આવ્યા.

“તમે આવ્યા એનો મને ખૂબ આનંદ છે, નેડ. તમારી મુસાફરી સુરક્ષિત અને આનંદદાયક રહે એની પ્રાર્થના કરવા માટે આજે તો હું વહેલો-વહેલો અહીં આવી ગયેલો.”

મારી તો જીભ જાણે ઝલાઈ જ ગઈ હતી. શેગના માથા પર હાથ પસવારતાં હું કંઈક બોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. મેન્સન જ આગળ બોલવા લાગ્યા. “છેલ્લે મનિલા ગયો ત્યારે હું તમારા માટે જ આ લાવ્યો હતો. મારા તરફથી આ શ્રેષ્ઠ ભેટ છે તમારા માટે, બાઇબલ.”

મારા બેડોળ હાથોમાં એમણે કાગળમાં વીંટાળેલું પડીકું મૂક્યું. અચકાતા-અચકાતા મેં એમનો આભાર માન્યો. હું ધ્રૂજતો હતો એ એ જોઈ શક્યા. જાણતા હોવા છતાં, બોટ ક્યારે આવવાની છે એ બાબતે મને પૂછવા લાગ્યા. અમે આવજો કહી જ ન શક્યા! શબ્દો જ જાણે ખોવાઈ ગયા હતા! મેન્સને ક્ષણભર માટે મારા ખભે હાથ મૂક્યો, બસ એટલું જ!

*

કેથલિક દેવળ સુધીનો રસ્તો ખાસ્સો લાંબો હતો. આખા રસ્તે મિત્રો મળી રહ્યા હતા. ડોક હલાવીને, ‘કેમ છો’ ગણગણીને હસી દેતા હતા. અંદરના આવેગોને એ લોકો શાંતિથી ખાળી રહ્યા હતા. કોઈ વાત કરવા ઊભા રહેતા ન હતા એથી હું ખુશ થતો હતો.  હું આ બધું બહુ સહન કરી શકું એમ ન હતો! મારો તો અવાજ જ ખોવાઈ ગયો હોય એમ લાગતું હતું. એમને જવાબ આપતાં હું તો માથું નમાવીને મૈત્રીભાવે માત્ર હાથ જ હલાવી શકું એમ હતો. છેવટે દેવળે પહોંચીને હું એના લાંબાં-પહોળાં પગથિયાં ચડવા લાગ્યો. ઉપરથી એક મધુરો અવાજ સંભળાયો. મેં માથું ઊંચું કરીને ઉપર જોયું. પાદરી મને મળવા સ્વયં સામે આવી રહ્યા હતા. ઝડપથી પગથિયાં ઊતરવા જતાં એમનો સફેદ કૂર્તો પગ સાથે અથડાઈ રહ્યો હતો.

“નેડ, બદમાશ! મને મળ્યા વગર તું ન જ જઈ શકે, ખરુંને? એકાદ ઘૂંટડો વાઇન પીવા માટે આવ્યો છે, કે પછી આ બુઢ્ઢાને મળવા માટે આવ્યો છે તું? એમણે મૈત્રીભાવે મને એક ઠોંસો મારી દીધો. સાલા નાસ્તિક, તને શું ખબર પડે! તારા માટે તો આજે સવારના પહોરમાં મેં પ્રાર્થના કરી લીધી છે!”

એક ડૂસકું તો હું ગળે ઉતારી જ ગયો. એ મારા કામ વિશે વાતો કરતા રહ્યા. મારી લાયકાત કરતાં પણ વિશેષ મહત્વ મને આપતા રહ્યા! હું કોઈ બીજા ધર્મનો માણસ છું એ બાબત આટલા વર્ષોમાં એમને કોઈ રીતે અસર કરી શકી ન હતી. બીજો ધર્મ? એ એક ક્ષણમાં જ મને એક વાતનો સાક્ષાત્કાર થઈ ગયો, ધર્મ તો બધે એક જ છે!

હું એમને એ કહેવા ઇચ્છતો હતો, પણ મારો સ્વર કંપવા લાગ્યો હતો, અને આ બધી બાબતમાં મારાથી વિશેષ જ્ઞાની એવા એ મારી સામે જોઈએ માત્ર હસતા રહ્યા. “તું જા હવે. અને સંભાળજે! નહીં તો ફરીથી સાંકળે બાંધીને અમે તને ક્યુલિઅન પાછો લઈ આવીશું!” કહીને પગથિયાં ઊતરીને એ પોતાના રસ્તે આગળ વધી  ગયા.

જીવનનાં અડધેઅડધાં વર્ષ જ્યાં ઘર સમજીને રહ્યા હોઇએ, એ જગ્યાને છોડીને જવાની આ વાત એટલી સરળ તો નહોતીજને! હું ડૉ. ટેબોરડાની કચેરીએ જઈ રહ્યો હતો. પાદરીએ જે કહ્યું એમાંની એક વાત તો સત્ય જ હતી! મેં અહીં કોઈ ચોકકસ ઉદ્દેશથી કાર્ય કર્યું હતું.  જે શેરીમાંથી હું પસાર થઈ રહ્યો હતો એ શેરીને ઉજાળનાર વીજ પ્રવાહ! એ ખાદ્યાન્ન, જે બગડી જવાના ભય વગર બરફ વડે સચવાઈ રહ્યું હતું! દરિયાકિનારે ધમધમી રહેલા પ્લાંટને કારણે મળી રહેલી સુખસગવડો! આ બધી બાબતોમાં મેં ચાવીરૂપ ભૂમિકા નિભાવી હતી. ખેર, પ્લાંટ તો મારા વગર પણ ચાલશે જ! જોઝને બરાબર તાલીમ આપીને મેં તૈયાર કરી દીધો હતો.

દરિયાકિનારાના નીચેના રસ્તે હું ચાલવા લાગ્યો. હું અને બંને કુતરાં, અમે ત્રણેય ખૂબ થાક્યાં હતાં.

દરવાજા પાસેના મોટા વૃક્ષની નીચે ઠંડક હતી. ભોજન વહેંચવાનો સમય થઈ ગયો હતો અને લોકો પોતાના હિસ્સાના ભોજન માટે રાહ જોઈ રહ્યા હતા. જે થોડા લોકોની પાસેથી હું પસાર થઈ રહ્યો હતો, એ મને જોઈને સંકોચ અનુભવતા હતા, પણ બધા એકઠા થયા એટલે એમનામાં હિંમત આવી ગઈ. હું દરવાજામાંથી અંદર પ્રવેશ્યો એટલે કોઈ ‘ને કોઈ આવીને મારી સાથે વાત પણ કરવા લાગ્યું.

“મને પણ તમારી સાથે અમેરિકા લઈ જશો, મિ. ફર્ગ્યુસન?”

“તમે ક્યુલિઅનમાં જ રહી જાઓને!”

“ક્યારેક પાછા ક્યુલિઅન આવી જશો એવી અમને આશા છે.”

મુખ્ય કારકુનના ઘર સુધી પહોંચ્યો, કે શ્રીમતી વિલા વરંડામાંથી બોલ્યાં, “સાચવીને જજો. મને તો એમ થાય છે કે અમે પણ અમેરિકા જતાં રહીએ.”

પોસ્ટ-ઓફિસ પાસે ઊભેલા છોકરાઓ મોટેથી આનંદમાં બોલી ઊઠ્યા, “અમારી શુભેચ્છાઓ, મિ. ફર્ગ્યુસન!”

ફૂલોની હાર વચ્ચે થઈને વહીવટીતંત્રના મકાન તરફ  જતા રસ્તા પર હું અને કુતરાં વળ્યાં. ડૉ. ટેબોરડા એમની કચેરીમાં જ હતા. એકદમ સ્વચ્છ સફેદ લિબાસમાં સજ્જ થઈને બારી પાસેના ટેબલ પર વાંકા વળીને કામ કરતા એ દેખાયા. હું એમને બોલાવું એ પહેલાં જ એમણે ઊંચું જોયું. તત્ક્ષણ એ બારી પાસે આવી પહોંચ્યા.

“કેમ છે, નેડ!”

પ્લાંટ માટે છેલ્લી કેટલીક ગોઠવણ કરવાની હતી એ અમે જોઈ લીધી.

“જોઝ બધું જ સંભાળી લેવા માટે સક્ષમ છે.” મેં એમને ભરોસો અપાવ્યો.

હું આવવાનો હતો એ ખબર અહીં સુધી આવી ગઈ હતી, એટલે વહીવટીખાતાના બીજા કર્મચારીઓ પણ મને મળવા બારી પાસે આવી પહોંચ્યા. ડૉ. ટેબોરડાએ મારા કાર્યની પ્રશંસામાં એક નાનકડું વક્તવ્ય આપી દીધું. તાળીઓના ગડગડાટ વચ્ચે એમણે મને વિદાય આપી.

પાછા ફરતી વેળાએ, એક જ જગ્યાએ લાંબો સમય સુધી રહીને અને કામ કરીને નિવૃત્ત થઈ રહેલા કોઈ સાજા માણસની સાથે હું મારી જાતને સરખાવવા લાગ્યો. બસ, એક જ વાતનો ફરક હતો અમારી વચ્ચે! અમે લોકો બારીની સામસામી બાજુએ રહીને વાતો કરી રહ્યા હતા!

પાવરપ્લાંટ સુધીનો રસ્તો આમ તો લાંબો હતો, પણ સમુદ્રના સ્તરે જ હતો. ઉપર ચડતી વખતે ધીમે જ ચાલવું પડતું હતું. મેમ થાકી ગઈ હતી. આ જગ્યા મને મારી પોતાની લાગતી હતી! અહીંયા પહોંચીને હું એકદમ ઉત્સાહમાં આવી ગયો. મશીનો ધમધમી રહ્યાં હતાં, અને માણસો પોતપોતાનાં કામમાં વ્યસ્ત હતા. સફેદ દંતાવલી આખી દેખાઈ શકે એવા પોતાના પ્રચલિત સ્મિત સાથે જોઝ સતર્ક હતો. નવા મેનેજર તરીકે જૂના મેનેજરને એણે થોડા સંકોચસહ આવકાર્યો. હું આમતેમ ચક્કર લગાવવા લાગ્યો. મને જોઈને કર્મચારીઓ ઘુસપુસ કરતાં ટીખળ કરવા લાગ્યા.

“ચીફ, તમે જરા તમારી ઓફિસમાં આવશો?” જોઝ વિનંતીભર્યા સ્વરે બોલ્યો. હું એ કમરામાં પ્રવેશ્યો. આ કમરો હજુ પણ મને મારો જ લાગતો હતો. મારું ટેબલ સાફ થઈ ગયું હતું. એની મધ્યમાં અમારા જૂના પ્લાંટની, એ પહેલા પ્લાંટની લાકડામાંથી કોતરી કાઢેલી પ્રતિકૃતિ ગોઠવેલી હતી, એ જૂના પ્લાંટે જ તો ક્યુલિઅનમાં ક્રાંતિ આણી હતી! આબેહૂબ એવી એ પ્રતિકૃતિમાં એક વધારો કરવામાં આવ્યો હતો. એના નાનકડા દરવાજા પર એક વધારાની લીટી ઉમેરવામાં આવી હતી.

કોલોની ઇલેક્ટ્રિકલ પાવર અને ફીશિંગ કંપની

નેડ ફર્ગ્યુસન – સહુના પ્રિય અધિકારી

આ પ્રતિકૃતિ મારા માટે હતી, મારે એને સ્ટેટ્સમાં લઈ જવાની હતી. બહુ જ સુંદર રીતે કોતરીને એને બનાવવામાં આવી હતી. મારા કર્મચારીઓની સામે ઊભો રહીને હું એ મેલાઘેલા રક્તપિત્તિયાં ઇજનેરો અને કામદારો સામે જોઈ રહ્યો હતો, જેમણે આટઆટલાં વર્ષો સુધી મારી સાથે કાળી મજૂરી કરી હતી! એ લોકો મારી રાહ જોઈ રહ્યા હતા. બોલવા માટે મેં મારું મોં ખોલ્યું, પણ એક શબ્દ પણ એમાંથી બહાર ન આવ્યો. અને ટેબલ પર હાથ પછાડીને મેં બૂમ પાડી.

“ઊભા છો કેમ અહીં બધા. જાઓ, ‘ને કામ પર ચડો…”

ખડખડાટ હાસ્ય સાથે બધા વિખેરાઈ ગયા. હું અને જોઝ એકલા પડ્યા.

“અમે આને બોટ પર પહોંચાડી દઈશું, ચીફ!” એણે મને ખાતરી આપી. “તમે જશો ત્યારે…”

*

હું ઘેર પાછો ફર્યો ત્યારે દૂર સરકી રહેલા જહાજ “ડોન જુઆન’ની વ્હિસલ હળવી-હળવી સંભળાઈ રહી હતી.

એકાદ કલાક જેટલો સમય જ બાકી હતો. કુતરાંને મારા શયનખંડમાં બોલાવીને મેં દરવાજો બંધ કરી દીધો. બહાર નીકળીને મેં ખાડો ખોદવાની તૈયારી કરી લીધી. ટોમસ દેખાતો ન હતો. ‘ડોન જુઆન’ ખડકો પાસેથી પસાર થઈ રહી હતી. આ જ યોગ્ય સમય હતો. મેમને બહાર કાઢીને મેં એને થપથપાવી, અને એ સાથે જ ડૉ. રેવિનોએ આપેલી નાનકડી સોયનું ઇન્જેકશન એને આપ્યું. ડૉ. રેવિને કહેલું કે એને ખબર પણ નહીં પડે, બધું ઝડપથી પતી જશે, અને એ દયાનું કાર્ય હશે. પણ આટલું ઝડપી!

ખાડામાં એના દેહને સુવડાવીને મેં એના પર માટી વાળી દીધી. હું ઢીલો પડી ગયો હતો, પણ મારી જાતને હું વધારે સમય ફાળવી શકું એમ ન હતો. હું શેગને લઈ આવ્યો. જેવો હું એના પર નમ્યો, એણે આંખો ઊંચી કરી, બંધ કરી દીધી, અને એક ઊંડા શ્વાસ સાથે એ ઢળી પડ્યો. ભલે મારી મુક્તિ આવી હજો!

પુરબહારે ખીલેલા જાસૂદની નીચે માટીના એ ઢગલા પાસે થોડી વાર હું બેઠો રહ્યો. ટોમસ હજુ દેખાતો ન હતો, પણ હું જાણતો હતો, કે ક્યાંક છુપાઈને એ આ બધું જ જોઈ રહ્યો હતો. નાનકડી આગબોટની લાંબી વ્હિસલ વાગી. કિનારા પાસે એ આવી ગઈ હોય એમ લાગ્યું. ઊભા થઈને મેં મારા આખા બગીચા પર નજર ફેરવી લીધી. જાતને સંભાળીને મેં શેગ અને મેમને મેં આવજો કહી દીધું. વરંડામાં ટોમસ રાહ જોઈ રહ્યો હતો.

“તમારો સામાન તૈયાર છે, સાહેબ. બોટ સુધી પહોંચાડી દઉં?”

“ના, ટોમસ, મેં જુદું વિચાર્યું છે. તું હમણાં તો અહીં જ રહેવાનો છે એમ મને લાગે છે. આ તારું જ ઘર છે. કારમન પાસે જતાં સુધી તું અહીં ક્યુલિઅનમાં જ રહેવાનો છે.”

હંમેશા ફટાફટ જવાબ આપનારા ટોમસને આજે શબ્દો શોધતાં મુશ્કેલી પડી રહી હતી.

“તમે હંમેશા મારા પર લાગણી રાખી છે. સાહેબ, આ ઘર હંમેશા તમારું જ રહેશે.”

“તારે ક્યુલિઅન છોડવાનું થાય ત્યારે તારા માટે મેં થોડું આયોજન કરી રાખ્યું છે. મુખ્ય અધિકારીને એની જાણ મેં કરી છે.”

પગથિયાં પાસે એક છોકરો આવીને ઊભો રહ્યો. એણે એક ચિઠ્ઠી કાઢીને આપી. ડો. ટેબોરડાએ એ મોકલી હતી.

“આપણું આયોજન થોડું બદલાયું છે. બલાલાના કિનારેથી બોટ પકડવાને બદલે, આપણી વસાહતના ધક્કેથી જ નાનકડી બોટમાં બેસીને તમને લઈ જવાનું વિચાર્યું છે. સામાન ખસેડવાની તકલીફ લેશો નહીં. અડધાએક કલાકમાં કિનારે આવી જશો.”

*

વિદાય પાછી ઠેલાઈ હતી, પણ કોઈ છૂટકો ન હતો. એક અડધો કલાક વધારે! હું આંટા મારવા લાગ્યો. ઘરમાં, વરંડામાં, દીવાનખંડમાં, રસોડામાં… આ મારું ઘર હતું. બીમારી, એકલતા, નિરાશા… અને કેટકેટલી હું લડાઇઓ લડી ચૂક્યો હતો, જેના બદલામાં મને મળેલું આ ઘર! મને મારા આ ઘર પ્રત્યે અનેરો ગર્વ હતો!

“ડોન જુઆન”ની વ્હિસલનો ટૂંકો અવાજ આવ્યો. મારો અડધો કલાક પૂરો થઈ રહ્યો હતો. ટોમસ ઝાંપે ઊભો હતો. ભુંગળાના કર્કશ અવાજથી શાંતિમાં ખલેલ પડી હતી. ક્ષણભર હું ટોમસ સામે જોઈ રહ્યો, અને પછી ખડખડાટ હસી પડ્યો. જોઝ મારી જૂની કાર લઈને મને લેવા માટે આવ્યો હતો. હવે એ કાર એની હતી. પણ જો જોઝ લઈને આવ્યો ન હોત, તો હું એ કારને ઓળખી પણ શક્યો ન હોત! આગળ રેડિએટરથી લઈને છેક પાછળ ટેઇલલાઇટ સુધી રંગબેરંગી રિબનથી લાલ, સફેદ અને વાદળી રંગની પતાકાઓથી આખી કારને એણે શણગારી દીધી હતી. બે મોટા ધ્વજ, એક ફિલિપાઇનનો, અને બીજો મારો તારલા અને પટ્ટીઓવાળો અમેરિકન ધ્વજ રેડિએટરની આગળના ભાગમાં ચોકડી આકારે ફરકાવેલા હતા. રેડિએટરની બરાબર ઉપર કોઈએ દોરી આપેલું વિદાયમાનનું ચિત્ર! ડાબી અને જમણી બાજુએ વિસાયન અને તાગાલોગ ભાષામાં, અને પાછળના ભાગમાં ઇલોકેનો ભાષામાં લખાયેલા મારી યાત્રા સુરક્ષિત રહે એ માટેના શુભેચ્છા સંદેશાઓ! ફિલિપાઇનની ત્રણેય ભાષામાં વસાહતના સાત હજાર દરદીઓ તરફથી મને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું ગળું ભરાઈ આવ્યું! જોઝે અતિ ઉત્સાહમાં એવી તો જોરદાર બ્રેક મારી, કે કાર રેતીમાં ફસાઈ ગઈ.

“હું તમને કિનારે લઈ જવા આવ્યો છું,” એણે જાહેર કર્યું. કુદકો મારીને એ નીચે ઊતર્યો, વાંકા વળીને અદબથી એણે પાછળનું બારણું મારા માટે ખોલી આપ્યું. ઝાંપામાંથી બહાર નીકળતી વેળાએ પાછળ વળીને હું બોલ્યો.

“ટોમસ, મારા દિકરા, આવજે! હું ક્યારેય પ્રાર્થના નથી કરતો. પણ આજથી હું દરરોજ પ્રાર્થના કરીશ, કે તારી અને કારમનની શ્રદ્ધા ફળો, અને બહુ જલદી તમે મળી શકો!”

એના અવાજને હું જરા જેટલો જ સાંભળી શક્યો. “આવજો સાહેબ!”

હું હસતો હતો, રડી ન પડાય એ ખાતર જ! “ધડામ” કરીને કારનો પાછળનો દરવાજો મેં બંધ કરી દીધો, જોઝને આગળની બેઠક પર ચડાવી દીધો, અને આગળ એની બાજુમાં જઈને બેસી ગયો. ટોમસ સામે હાથ હલાવ્યો, અને કાર મારી મૂકી. જોઝ આખે રસ્તે હૉર્ન વગાડતો રહ્યો. ટેકરી ઊતરીને રિઝાલ પ્લાઝા પાસે થઈને નીચે અખાતની અંદરની તરફ અમે રવાના થયા.

*

દિવસના આ સમયે હોય એથી તદ્દન વિરુદ્ધ, શેરીઓ ખાલીખમ હતી. સમુદ્રકિનારા તરફ વળાંક લીધો, કે તરત જ ખાલી શેરીઓનું રહસ્ય મને સમજાઈ ગયું. વસાહત આખી સમુદ્રકિનારા પર ઊમટી પડી હતી. રસ્તા પરથી અમે પસાર થયા એટલે બંને બાજુએ સ્વયંસેવી યુવક-યુવતીઓ અમને ગંભીર ચહેરે સલામી આપી રહ્યાં. કિનારા પર બેંડ તૈયાર ઊભું હતું. જોઝે જેવી કાર ઊભી રાખી, એ સાથે જ એમણે “સલામત રહો આપ સાહેબ અમારા!” વગાડવું શરૂ કરી દીધું. ટોળાએ હાથ હલાવીને શોરબકોર કરી મૂક્યો. કિનારો નાની-નાની હોડીઓથી ભરાઈ ગયો હતો. રંગબેરંગી ઝંડા અને ધજાપતાકાથી શણગારેલી સોએક નૌકા અને તરાપા એકઠાં થઈ ગયાં હતાં. સેબેસ્ટિઅન લાનોસ, જે હવે મંડળના પ્રમુખ હતા એમનું પ્રવચન ગોઠવ્યું હતું. પ્લાંટ દ્વારા મળેલી સુવિધાઓ અને અમારા ભાઈચારા અંગે ટૂંકમાં એમણે પ્રવચન આપ્યું. બંને હાથ ઊંચા કરીને વસાહતના રહેવાસીઓ તરફ, કિનારા પર એકઠી થયેલી નાવો તરફ, બેંડ અને પેલા સ્વયંસેવક છોકરા-છોકરીઓ તરફ એમણે હાથ હલાવ્યા. એકઠાં થયેલાં બધાં તરફથી એમણે જાહેર કર્યું, “તમારી ખોટ અમને બધાંને સાલશે.”

એમની શુભેચ્છાઓનો મેં પણ જવાબ વાળ્યો. ખાસ પ્રવચન જેવું કંઈ બોલી ન શકાયું, પણ મારા જીવનભરના મિત્રોને છોડતાં મને જે દુઃખ થઈ રહ્યું હતું એ વ્યક્ત કર્યું. મારી લાગણીને એ સમજી શકતા હતા. મેં બોલવાનું બંધ કર્યું, એ સમયે ઘડીભર કોઈ કંઈ જ બોલ્યું નહીં. થોડીવારે પ્રેસિડેન્ટ, પોલિસ ચીફ અને જોઝ સાથે મળીને મને વસાહતની બોટ સુધી મૂકવા આવ્યા. પાણીમાં એકઠી થયેલી નાવોને ખસેડીને મારી બોટ માટે રસ્તો ખુલ્લો કરવામાં પોલિસદળ વ્યસ્ત થઈ ગયું. મોટરની ઘરઘરાટી શરૂ થઈ. બોટના ચાલકોએ છેલ્લી તૈયારી કરી લીધી, અને ધીમે-ધીમે અમે બોટમાં રવાના થયા. બેન્ડ વાગી રહ્યું હતું, “તારલા પટ્ટીઓ અમર રહો…” જોખમ છતાં સાવચેતી જાળવીને હું બોટમાં ઊભો થઈને હાથ હલાવવા લાગ્યો. કિનારા પરથી અને અમારી સાથે રહેવા માટે ઝડપથી પેડલ મારવા મથતી નાવો પરથી લોકો ચિચિયારીઓ પાડવા લાગ્યા. અને આમ, આ વિજયી જહાજીકાફલાથી ઘેરાયેલો હું, ક્યુલિઅન નામે રક્તપિત્તની વસાહતની મારી છેલ્લી ક્ષણોને નિહાળી રહ્યો.

દસ મિનિટ બાદ તો હું “ડોન જુઆન” પર સવાર હતો. તૂતકના પાછળના ભાગે મને એક જગ્યા ફાળવી આપવામાં આવી હતી. મારો સામાન મારી પાસે આવી ગયો હતો. જહાજના કઠોડા પાસે ઊભા રહીને મેં બલાલાના કિનારા પર નજર નાખી. મારા આશ્ચર્ય વચ્ચે ત્યાંના લગભગ બધા જ ડૉક્ટર અને નર્સ, મેન્સન, પાદરી, સિસ્ટર વિક્ટોઇર અને એમના સહયોગીઓ, ટાપુ પર અમારી દેખરેખ રાખી રહેલા સાજા હતા એ બધાં જ મને વિદાયમાન આપવા આવી ગયાં હતાં! ડૉ. ટેબોરડા અને ડૉ. રેવિનો મને કઠોડા પાસે ઊભો જોઈને હાથ હલાવી રહ્યા હતા. એમને જોઈને બીજા બધા હાથ હલાવવા લાગ્યા. મારું હૃદય જોરશોરથી ધડકવા લાગ્યું હતું. હું શું કરી રહ્યો હતો એની જાણ વગર જ, મારો હાથ હવામાં ઊંચકાયો અને એક સૈનિકની અદામાં એમને એક જોરદાર સલામી મેં આપી. અને બરાબર એ જ ક્ષણે દોરડાં પાણીમાં પછડાયાં, અને આગબોટ સરકવા લાગી. પ્લાંટ પર વ્હિસલ વાગી રહી હતી, જમીન દૂર-દૂર સરકી રહી હતી. કિનારા પરના લોકો ટચુકડા થવા લાગ્યા હતા.

*

એક વ્યક્તિએ આ ટાપુ પર પસાર કરેલાં પચ્ચીસ-પચ્ચીસ વર્ષો…  શું ફલશ્રુતિ હતી એની? જહાજનો કઠોડો પકડીને ઊભા-ઊભા હું એવો બુદ્ધિહીન વિચાર કરી રહ્યો હતો. પણ આટઆટલાં વર્ષોથી મારી ભીતરમાં આકાર લઈ રહેલો, મારા આ પ્રશ્નનો પ્રત્યુત્તર બહાર આવવા માટે ઉછાળા મારી રહ્યો હતો. જીવન ભલે ગમે તે રીતે જિવાયું હોય, એ એક રહસ્ય સ્વરૂપે જ રહે છે. જે રીતે આવતું રહ્યું હતું, બસ એ જ રીતે મેં સ્વીકાર્યું હતું જીવનને! કોઈ પ્રકારની યાચના કર્યા વગર! અને સતત સંઘર્ષોમાં રહીને લડાઈ લડતા રહીને! બસ એ જ તો વીતી ગયેલી પા સદીએ આખરે આપ્યું હતું મને! પચ્ચીસ વર્ષ રક્તપિત્તિયાંની વસાહતમાં પસાર કર્યા બાદ જીવનનાં પલ્લાં સમતોલ કરવાના આયાસોમાં આ રક્તપિત્તિયો એ જાણતો હતો, કે સૌથી પહેલાં તો પોતે એક માણસ છે, અને એ માણસ માટે આ જીવન જીવવા લાયક રહ્યું હતું. છેલ્લી સલામ, ક્યુલિઅન!

ક્રમશ:

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩૧)