છેલ્લા વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન – પી. કે. દાવડા 12


સામાન્ય માણસ લોર્ડ માઉન્ટબેટન વિશે આટલું જ જાણે છે કે એ હિન્દુસ્તાનના છેલ્લા વાઈસરોય હતા, એમણે હિન્દુસ્તાનના બે ટુકડા કરીને આઝાદી આપી અને એમના પત્ની અને નહેરૂ વચ્ચે પ્રેમનો સંબંધ હતો.

ઈતિહાસનો ઊંડો અભ્યાસ કરીએ તો હકીકત કંઈક અલગ છે. માત્ર ૪૭ વર્ષની વયના આ છેલ્લા વાઈસરોય એમની અગાઉના અનેક વાઈસરોય કરતાં હિન્દુસ્તાનના વધારે હિતેચ્છુ હતા. ભલે લંડનમાં બેઠેલી અંગ્રેજ સરકારે, હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાનો નિર્ણય લઈ લીધો હોય, પણ એ નિર્ણયનો અમલ બીજો કોઈ  અંગ્રેજ વાઈસરોય આટલી સજ્જનતાથી ન કરત.

૨૨મી માર્ચ ૧૯૪૭ ના હિન્દુસ્તાનમાં આવીને એ તરત દેશને અંગ્રેજીરાજ માંથી સ્વતંત્ર કરવાની યોજનામાં લાગી ગયા. વાઈસરોય તરીકે સોગંદ લીધા પછી તરત જ એમણે હાજર રહેલાઓને સંબોધીને કહ્યું હતું, “મારૂં કામ કેટલું મુશ્કેલ છે તે બાબત હું જરા પણ ભ્રમમાં નથી. તે કામ પાર પાડવામાં મારે વધુમાં વધુ સંખ્યામાં ભલી લાગણીઓની જરૂર પડશે.” એ શરૂઆતથી જ પ્રોટોકોલની પરવા કર્યા વગર નેતાઓને મળતા. એકવાર તો એ જવાહરલાલ નહેરૂના ઘરે પહોંચી ગયા અને  એમનો હાથ પકડીને ખબરઅંતર પૂછેલા. એમની ઈચ્છા હતી કે છેલ્લે છેલ્લે એ કંઈ એવું કરતા જાય, જેથી અંગ્રેજો પ્રત્યેની નફરત થોડી ઘટે અને ભવિષ્યમાં બે દેશો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધ રહે.

એમની ઉમ્મર માત્ર ૪૭ વર્ષની હતી. પોતાનાથી વયમાં ઘણાં મોટા અને ઈંગ્લેંડમાં ભણેલા ચાર બાહોસ વકીલો સાથે તેમને વાટાઘાટ કરવાની હતી. આ ચાર વકીલ હતા, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરૂ, વલ્લભભાઈ પટેલ અને મહંમદઅલી ઝીણા. માઉન્ટબેટન હિન્દુસ્તાનના વાઈસરોય નિમાયા ત્યારે હિન્દુસ્તાનમાં રાજકીય નકશો કેવો હતો એ પણ સમજી લેવાની જરૂર છે. આસરે ૬૦ % જમીન ઉપર અંગ્રેજોનો સંપૂર્ણ કબ્જો હતો, તો ૪૦ % જમીન ઉપર રાજા-રજવાડાઓનો કબ્જો હતો. અંગ્રેજોના સંપૂર્ણ નિયંત્રણવાળો પ્રદેશ બ્રિટીશ ઈન્ડિયા તરીકે ઓળખાતો, અને રજવાડા સહિતનો સમગ્ર પ્રદેશ ઈન્ડિયા તરીકે ઓળખાતો.

આ રાજા-રજવાડાઓએ અનેક પ્રકારની સંધિઓ દ્વારા અંગ્રેજોનું વાલીપણું સ્વીકારેલું. મુખ્યત્વે પરદેશ સાથેના સંબંધો, સંચારના સાધનો, સંદેશ વ્યહવારના સાધનો વગેરે ઉપર અંગ્રેજોનું કડક નિયંત્રણ હતું, પણ બાકીની આંતરિક બાબતો જેવી કે ન્યાય વ્યવસ્થા, પોલીસ ખાતું, કરવેરા, વગેરે બાબતોમાં રાજાઓને ઘણી છૂટછાટ હતી. આવા નાના મોટા રાજ્યોની સંખ્યા ૫૬૩ હતી. એટલે અંગ્રેજોએ દેશના ટુકડા પાડ્યા એમ કહેવું સાચું નથી, કારણ કે અંગ્રેજોના પ્રદેશ સહિત દેશના ૫૬૪ ટુકડા તો પહેલેથી જ હતા. માત્ર પાકિસ્તાન નામનો એક ટુકડો વધીને ૫૬૫ ટુકડા થયા.

હવે પાકિસ્તાન શા માટે થયું એની વાત કરીએ. માઉન્ટબેટન અને કોંગ્રેસના નેતાઓ હિન્દુ-મુસલમાનના ધર્મના આધારે અલગ અલગ રાજ્યો થાય એની વિરૂધ્ધ હતા. ગાંધીજીએ તો એટલી હદે કહ્યું હતું કે દેશનું વિભાજન મારા મૃતદેહ ઉપર થશે. પણ મહમદઅલી ઝીણા જીદ પકડીને બેઠા હતા કે મુસલમાનોને અલગ સત્તા જોઈએ. ગાંધીજીએ તો એટલી હદે કહ્યું કે બધી સત્તા ઝીણાને આપી દો, પણ કોંગ્રેસ આના માટે તૈયાર ન હતી. માઉન્ટબેટનને દેશમાંથી અંગ્રેજોનું શાશન જલ્દીમાં જલ્દી હટાવી લેવું હતું. કોંગ્રેસને પણ લાગ્યું કે આ તક જતી રહેશે તો સવતંત્રતાનું સપનું વર્ષો સુધી આગળ ધકેલાઈ જશે, એટલે કોંગ્રેસે એનો સ્વીકાર કર્યો.

૩જી જુન ૧૯૪૭ ના સાંજે સાત વાગે, માઉન્ટબેટન, નહેરૂ અને ઝીણાએ ઓલ ઈન્ડિયા રેડિયો ઉપરથી આની જાહેરાત કરી. તરત એમને ગાંધીજીનો સંદેશો મળ્યો કે હું કોંગ્રેસથી અલગ થાઉં છું, અને આવતી કાલે પ્રાર્થના સભામાં આનો વિરોધ કરીશ. ૪થી જુને માઉન્ટબેટને ગાંધીજીને ચર્ચા કરવા બોલાવ્યા. સાંજે છ વાગે ગાંધીજી આવ્યા. માઉન્ટબેટને એમને સમજાવ્યા કે તમે જ ઇચ્છો છો કે અંગ્રેજો અહીંથી જલ્દીમાં જલ્દી ચાલ્યા જાય, અને આમ કરવાનો આ એક માત્ર રસ્તો છે. એજ દિવસે સાંજે સાત વાગે પ્રાર્થના સભામાં ગાંધીજીએ કહ્યું, “આપણે ભાગલા બાબત વાઈસરોયને દોષ ન દઈ શકીએ. જે બન્યું છે એ બાબત દરેકે પોતાના અંતરને જ પુછવાનું છે.” બીજે દિવસે માઉન્ટબેટને સ્વતંત્રતા માટે ૧૫ મી ઓગસ્ટની તારીખ જાહેર કરી.

માઉન્ટબેટને ૧૫મી ઓગસ્ટ એટલા માટે નક્કી કરી કે બીજા વિશ્વયુધ્ધમાં જાપાને મિત્રદેશો પાસે પોતાની હારનો સ્વીકાર ૧૫ મી ઓગસ્ટે કરેલો. આ યુધ્ધમાં માઉન્ટબેટને મોટી જવાબદારી સંભાળેલી.

એ સમયના આપણા બધા નેતાઓનું દિલ માઉન્ટબેટને જીતી લીધેલું, અને એટલે જ એમને સ્વતંત્ર ભારતના પહેલા ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા. સરદાર પટેલે એમના નજદિકી લોકોને કહેલું, “રજવાડાંના વિલીનીકરણનો સમગ્ર યશ તમે મને આપતાં રહ્યા છો, પણ એ ઠીક નથી. એ યશ લોર્ડ માઉન્ટબેટનને પણ મળવો જોઈએ. રાજાઓને સલુકાઈથી, સફળતાપૂર્વક વિલીનીકરનના પક્ષમાં લઈ આવવાનું શ્રેય લોર્ડ માઉન્ટબેટનના ખાતે છે. સમજાવટ અને રાજકીય કુનેહની એમનામાં જે શ્રેષ્ઠ નૈસિર્ગિક પ્રતિભા હતી, એ વગર આ સિધ્ધિ શક્ય ન હતી. અત્યાર સુધી અંગ્રેજોની શેહમાં રહેલા રાજાઓની માનસિકતાનો પણ માઉન્ટબેટને ફાયદો લીધો. સમગ્રપણે જોતાં ભારતના નાયકોની પંગતમાં માઉન્ટબેટનનું સ્થાન છે.”

સરદારે માઉન્ટબેટનને લખેલા પત્રમાં કહ્યું હતું, “તમારા વાઈસરોયપદના છ મહિનાનો ઇતિહાસ લખાશે ત્યારે અનેક પ્રકારનાં મુશ્કેલ કાર્યો જે રીતે સિધ્ધ થયાં અને ભારત-બ્રિટન સંબંધોમાં તળિયાથી ઉપર લગી જે પરિવર્તન આવ્યું, તેના યશનો મોટો હિસ્સો ઈતિહાસ તમારા નામે ફાળવશે.”

-પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

12 thoughts on “છેલ્લા વાઈસરોય : લોર્ડ માઉન્ટબેટન – પી. કે. દાવડા

  • Pravin Shah

    ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન વિશે ઘણેી વાતો જાણવા મળેી.

  • Dhirajlal Vaidya

    લોર્ડ માઉન્ટબેટન અને નહેરૂજીના સંબંધો, તેમજ નહેરૂના અને મીસીસ માઉન્ટબેટનના સુંવાળા સંબંધો વિષે પણ વાંચેલું. અને દેશના ભાગલા ખરેખર ટૂકડા કરવામાં માઉન્ટબેટન નો હાથ ન હતો પણ મહમદ અલી ઝીણા નો નીજી સ્વાર્થ હતો. હિન્દુસ્તાનના ટૂકડા સ્વિકારવા એ તરણોપાય હતો, એ વાત પણ જાણતો હતો. પણ રજવાડાઓને એક કરવામાં તેમનો હાથ જ નહીં બુદ્ધિ ચાતુર્ય પણ હતું તે વાત અને સરદાર જેવા આખા-બોલા અને અંગ્રેજો પ્રત્યે કટ્ટરતાવાદી સર્વમાન્ય નેતા ની શ્રી માઉન્ટબેટન માટેની ટીપ્પ્ણી જેવી બાબતો આ લેખથી જ જાણી………… આ ખૂબ જ ઝીણવટભરી ઐતિહાસિક તવારિખ જણાવવા બદલ શ્રી દાવડાજીનો ખૂબ આભાર.

  • Kalidas V. Patel { Vagosana }

    પી.કે દાવડાસાહેબ,
    ખૂબ જ અગત્યની અને અજાણી ઐતિહાસિક હકીકત સૌ સમક્ષ મૂકવા બદલ આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • gopal khetani

    ઇતિહાસ ભુલાવો ન જોઇએ અને આ કાર્ય આપ જેવા ઇતિહાસ જાણકારો જ કરી શકશે એવી શ્રદ્ધા છે.

  • Ashish

    સાચી વાત. ઈતિહાસ માં રસ ધરાવતા લોકો માટે આ વિષયમાં વધારે જાણવા માટે ગુજરાતી ભાષામાં આનુવાદિત પુસ્તક “અડધી રાતે આઝાદી”
    (અનુવાદ – અશ્વીની ભટ્ટ) ખુબ મદદરૂપ થશે.