નવા બનેલા હાઈરાઈઝ બિલ્ડીંગના બાવીસમાં ફ્લોરના ફ્લેટની વિશાળ બાલ્કનીમાં ઉભા ઉભા સેતુમાધવન નીચે તાકી રહ્યો હતો. અચાનક આવેલા ભૂકંપે એની બની બનાવેલી સૃષ્ટિને રાખના ઢેરમાં બદલી નાખી હતી. એક રાતમાં દુનિયા ઉપરતળે થઇ ચૂકી હતી. માધવને ચહેરા પર સ્વસ્થતાનો નકાબ લગીરે હટવા નહોતો દીધો પણ વર્ષો સુધી જેને પોતાનું માની લીધું હતું એ ઘર છોડવાનું આવ્યું ત્યારે રંજ તો પારાવાર થયો હતો.
‘… એ ઘર મારું ક્યારેય હતું જ નહીં તો એનો હરખ શોક શું કરવાનો?’ માધવન એકની એક વાત વારંવાર શમ્મીને કહી ચૂક્યો હતો. છેલ્લે તો શમ્મીની નજરમાં રહેલી સહાનુભૂતિને પારખી જઈ ચૂપ થઇ જવું પડ્યું : હવે તો આ દીવા જેવું સ્પષ્ટ થઇ રહ્યું છે કે શમ્મીને કહીને ખરેખર તો એ પોતાના જ મનને સાંત્વન આપી રહ્યો હતો.
હકીકત સાફ હતી. મધુરિમાએ ફોડેલા બોમ્બથી માધવનને હચમચાવી દીધો હતો. હતપ્રભ રહી ગયો હતો એ. આખી જિંદગી જે છોકરીને માધવન રઈસ પિતાની બદદિમાગ, મૂર્ખ, જીદ્દી સંતાન માનતો રહ્યો એ એવી અબૂધ પણ નહોતી, એને એક એક પગલું સાવધાનીથી લીધું હતું, જાણે જીવ પર આવી જઈને શતરંજ ખેલી રહી હોય. એની છેલ્લી ચાલે માધવનને ઊંઘતો ઝડપી લીધો હતો.
મધુરિમા સાથે કરેલ લગ્ન માત્ર ને માત્ર એક સમજૂતી હતી, જિંદગીમાં સફળતાના આસમાનને સ્પર્શવા સીધો શોર્ટકટ, પણ એ ગોઠવણ ધારી હતી એવી સહજ તો ક્યારેય ન રહી હતી.
માધવીને દગો આપવાની ગુનાહિત લાગણી તો મનને કોસતી જ રહેતી પણ સાથે સાથે મધુરિમાની નાદાનિયતે દિલમાં ક્યારેય સુખ જેવી અનુભૂતિ નહોતી થવા દીધી. વર્ષો વીતતાં ગયા એમ હૃદયમાં વારંવાર ચૂભાઈ જતી આરની ધાર પણ બધિર થઇ ચૂકી હતી. શરીરનું કોઈ અંગ નિષ્ક્રિય થઈ જાય ત્યારે એના વિના જીવવાની આદત પડી જાય એવી જ કોઈક વાત બની હતી. જિંદગીનો પૂર્વાર્ધ તો પૂરો થતો હતો પણ જિંદગીના ઉત્તરાર્ધે આટલું મોટું તોફાન આવશે ને સાથે બધું ઘસડી લઇ જશે એની કલ્પના તો કોઈ દુઃસ્વપ્ન તરીકે પણ નહોતી આવી.
માધવનનું મન કોઈ અજાણ ખારાશથી ભરાતું ગયું, જિંદગીના અઢી દાયકા જ્યાં વિતાવ્યા એ વ્હીસ્પરીંગ પામ્ઝ વિલા થોડે દૂર નજરે ચઢતી હતી. વિલામાં રહેલા પોતાના બેડરૂમમાંથી દેખાતાં સમુદ્રને બદલે બાવીસમા ફ્લોર પરથી આકાશ અને સમંદરની અફાટ સીમા નજરે ચઢતી હતી જે મનમાં રહી રહી ને ચચરાટ જન્માવી જતી હતી.
મધુરિમાએ તો એક જ ક્ષણમાં અઢી દાયકાનો સંબંધ ઝાટકીને તોડી નાખ્યો હતો. એ પણ કોઈજાતની પીડા કે રંજ વિના. એને તો એ પણ વિચાર ન આવ્યો હશે કે માધવન અચાનક છાપરું ક્યાં શોધશે? જો શમ્મી ન હોત તો? માધવનને એ વિચાર સાથે જ હળવી કંપારી છૂટી ગઈ. માધવનને યાદ આવી ગયો છેલ્લો સંવાદ, મધુરિમા આટલી ક્રૂર થઇ શકે?
‘તને ડિવોર્સ જોઈએ છે એટલે? તું મને છોડીને ક્યાં જઈ રહી છે?’ એટલું બોલતાં તો માધવનને લાગ્યું હતું કે એ કપરું ચઢાણ ચડી રહ્યો હતો.
‘મેં ક્યાં એવું કહ્યું?’ મધુરિમા સહેજ મલકીને બોલી હતી.
‘તો પછી?’
‘તો પછી એ જ માધવન કે મને ડિવોર્સ જોઈએ છે.’ મધુરિમાનો અવાજ નીચો પણ હતો ને સ્વસ્થ પણ, છતાં એમાં જે ધાર હતી તે તો હજી માધવનને છરકો કરીને જવાની હતી..: ‘અને હા, તારી સ્પષ્ટતા ખાતર કહું છું કે મારે તો ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી ને? જવું તો તારે પડશે ને? લગ્ન પછી ડોક્ટર કોઠારી અહીં શિફ્ટ થશે ને!’
ઝટકો ખાઈ ગયો હતો માધવન, ઓહ, મન તો સદંતર વિસરી જ ગયું હતો કે એ આટલા વર્ષો ઘરજમાઈ હતો. એ મધુરિમાએ સિફતપૂર્વક યાદ કરાવી દીધું હતું.
‘શું?’ માધવનનો અવાજ બેસી ગયો હોય એમ બોદો થઇ ગયો : હવે આ ઉંમરે આ દિવસ જોવાનો હતો?
‘ને એની પત્ની? એ જાણે છે આ બધું?’ માધવનના અવાજમાં રોષથી વધુ હતાશા હતી, ડૂબતો માણસ તરણું ઝાલવા માથે એવી.
જવાબમાં મધુરિમા માત્ર સ્મિત કરતી રહી પણ ડોક્ટર કોઠારીએ હવે પોતે મેદાનમાં ઝુકાવવું હોય તેમ ગળું ખોંખાર્યું. ‘હા, શક્ય છે તમને તો યાદ ન હોય પણ મારી પત્ની કૃતિકા કેન્સર સામે લડતાં લડતા બે વર્ષ પહેલા હારી ગઈ..’
ડોક્ટર કોઠારી વધુ કંઇક બોલે એ પહેલા મધુરિમાએ તેમની વાત આંતરી : ‘મેં જોયા છે ડોક્ટર કોઠારીને એક ડોક્ટર તરીકે ને પતિ તરીકે પણ . ને હા માધવન, હું તને એ કહેવું તો ભૂલી જ ગઈ… મધુરિમા બોલતાં બોલતાં માધવન અને ડોકટર કોઠારીની સામે વારાફરતી નજર કરી રહી.
‘અમારી વચ્ચે જે કંઇક થયું ને, તે ડોક્ટર કોઠારીના વાઈફ કૃતિકાના જવા પછી, બાકી તને ખબર છે ને કે મને પત્નીની પીઠ પાછળ રમત રમનાર માણસથી કેટલી નફરત છે? ડોક્ટર કોઠારી એ જમાતના હોત તો એમની સામે મેં જોયું સુધ્ધાં ન હોત. તું સમજી શકે છે ને એ વાત તો?’
મધુરિમાએ છેલ્લું વાક્ય હોઠ વંકાવીને પૂરું કર્યું, છેલ્લે છેલ્લે પણ કાચપેપર ઘસવાનું નહોતી ચૂકી.
હવે કોઈ અર્થ જ નહોતો સરતો, ન કોઈ કલહ ન સંધિ, ન કોઈ મનામણાં… આ બધી વાતોને ક્યાંય કોઈ સ્થાન ન હતું.
હવે ન તો કોઈ મધ્યસ્થીની જરૂર હતી, ન કોઈ વકીલોની. વંટોળ પૂરા જોરથી આવ્યો હતો એ માધવનની દુનિયા તબાહ કરીને જ જંપવાનો હતો.
બે દિવસમાં જ પોતાનો સમાન પેક કરી નાખવાનો આદેશ રાજેશને આપી ને માધવને ઉપડી ગયો હતો પોતાના ગામ, વર્ષોથી દીકરાની રાહ જોઈ રહેલી માને મળવા. પિતાના શ્વાસ તો વ્યસ્ત દીકરાની રાહ જોતાં જોતાં ખૂટી પડ્યા હતા, છતાંય દીકરાને ફુરસદ નહોતી મળી. પિતા તો જીવતાં હતા ત્યાં સુધી મળવા માટે તલસી રહ્યા હતા પણ અર્થી આપવા પણ સમયસર નહોતો પહોચી શક્યો. કરમાયેલાં સંબંધ પર જે કામ ઉપરાછાપરી નિષ્ફળ ફિલ્મો ન કરી શકી તે કામ મધુરિમાની ઉપેક્ષાએ કર્યું હતું.
નાગરકોઇલ નામના નાનકડા ગામમાં વસતી મા એને અચાનક જ યાદ આવી હતી. બધું પડતું મૂકીને માધવન નીકળી પડ્યો હતો, કદાચ માના આશીર્વાદ કોઈ ચમત્કાર સર્જી જાય.
શમ્મીએ યુધ્ધને ધોરણે ફ્લેટ શોધવાનું અભિયાન ચલાવ્યું હતું ને નસીબજોગે નજીકમાં જ મનને ગમે એવો ફ્લેટ ભાડે મળી ગયો હતો. વ્હીસ્પરીંગ પામ્સની બિલકુલ નજીકમાં.
માને મળીને મુંબઈ પાછા ફરેલાં માધવનની દુનિયા ગણતરીના દિવસોમાં ફરી ગઈ હતી. બે અઠવાડિયા પછી માધવન પોતાના નવા ફ્લેટ પર પહોંચ્યો ત્યારે એનો જરૂરી અસબાબ ગોઠવાઈ ચૂક્યો હતો.
નવી જગ્યા, નવું વાતાવરણ તો ઠીક હતું પણ માધવનનું મન એટલું તો ઘવાયું હતું કે પહેલા થોડા દિવસ તો બાલ્કનીમાં ઉભા રહીને નીચે નજરે પડતી વિલા સામે તાકી રહેવા સિવાય કશું સૂઝતું નહોતું.
બધું ગોઠવાતું જતું હતું ધીરે ધીરે, પોતાને પણ જાણ ન થાય તે રીતે આઘાત પણ આબાદ રીતે જીરવાઈ ગયો હતો.
માધવને સંતોષનો એક શ્વાસ લીધો. મનમાં રહી રહીને એક જ વાક્ય ઘૂમરાયા કરતું રહ્યું : ‘લાઈફ ઈઝ અ પેકેજ ડીલ.’
માધવી હંમેશા કહેતી હતી એ ફિલોસોફી આ નવા ફ્લેટમાં તો જાણે ચોવીસે કલાક પડઘાતી રહેતી. માધવી યાદ આવવાની સાથે જ મનમાં કશુંક ચૂભાયું. ક્યારેય ન યાદ આવતી માધવી આ બનાવ પછી રોજ જ યાદ આવતી હતી.
પહેલીવાર માધવનને પોતાની સ્વાર્થી મનોવૃત્તિ માટે શરમ અને પસ્તાવો અનુભવાયો. પોતે માધવીને જે અવસ્થામાં છોડી ને નીકળી ગયો એ હાલાત તો આ કરતાં કેટલાંય બદતર હશે! એ કઈ રીતે જીવી હશે? કેવી પરિસ્થિતિમાં જીવી હશે? એ વિચારથી માધવનના અંગ ઠંડા પડી જતાં લાગ્યા. એક સ્ત્રી, એકલી અને તે પણ પેટમાં એનું સંતાન લઈને ક્યાં ક્યાં રઝળી હશે? એના હિટલરમિજાજી ફાધરે શું કર્યું હશે? માધવન વિચારહીન નજરોથી ક્ષિતિજ નિહાળતો રહ્યો.. મધુ, હું ગુનેગાર છું તારો, ને કદાચ એટલે મોડે મોડે પણ કુદરતે સજા દંડસહિત વસૂલવા ધાર્યું લાગે છે…
‘સર, આમ ક્યાં સુધી ચાલશે? આમ તો બધું શીડ્યુલ પ્રમાણે જ છે, તો પછી…’ સવારની પહોરમાં શમ્મી કંપની આપવા ચા પીવાને બહાને આવી જતા શમ્મીએ માધવનને ખલેલ પાડી. બાલ્કનીમાં પડેલી ચેર એને જાતે ખેંચી લીધી ને માધવનના આદેશની રાહ જોયા વિના સામે બેસી ગયો.
શમ્મીએ પ્રપોઝ્ડ ફિલ્મ પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. એને માટે મુખ્ય ભૂમિકા માટે રિયા હતી અને સૌથી સારી વાત એ હતી કે એની પાસે હાથ પર સમય હતો. એ બીજી કોઈ કમર્શિયલ ફિલ્મ સાઈન કરે એ પહેલા તો કામ પૂરું કરવાનું હતું.
‘હા શમ્મી, હું પણ આજે એ જ વિચારતો હતો. બલકે હું તો વિચારતો હતો કે હવે તો બમણી ઝડપે કામ કરવું પડશે…’
‘એની ચિંતા ન કરશો, તમે કહો એટલી વાર.’ શમ્મી પાસે પ્લાન ઓફ એક્શન પણ રેડી હતો.
એ પછીના દિવસોમાં માધવનના ડીપ્રેશનનો ભુક્કો બોલી ગયો. એકવાર કામમાં પરોવાયા પછી માધવનને ન દિવસનો ખ્યાલ રહેતો ન રાતનો, ભૂખ તરસ જાણે સ્પર્શતાં સુધ્ધાં નહીં. રાજેશ પડછાયાની જેમ અડીખમ સાથે ને સાથે રહેતો. માધવન કામમાં પરોવાય પછી ખાવાપીવાનું વિસરી જાય એ વાતથી સહુ વિદિત હતા પણ જે રીતે પરિસ્થિતિએ આકાર લીધો હતો એવા સંજોગોમાં બ્લડ પ્રેશરનું ધ્યાન રાખવું પણ તો જરૂરી હતું ને!
બાફના પણ ખુશ હતા. પહેલીવાર એવું બન્યું હતું ક એ પોતાની શરતે માધવનને એ માનવી શક્યા હતા. બાફનાએ તો માત્ર પચાસ ટકા રોકાણ કર્યું હતું ને છતાં મલાઈદાર ટેરીટરીમાં વિતરણના હક્ક લઇ લેવામાં સફળ થયા હતા. બાકીના રોકાણ માટે માધવને પોતાના જોર પર ઉભા કરેલા નાણાં લગાવ્યા હતા.
હવે કોઈ પર્યાય જ નહોતો. આ ફિલ્મ એને તારવા કે ડૂબાડવા સમર્થ હતી. માધવન તો એ રીતે મચી પડ્યો હતો જાણે એની પહેલી ફિલ્મ હોય. આ એક ફિલ્મ પર હવે એનું ભાવિ ત્રાજવે તોળાઈ રહ્યું હતું એની જાણ ભલે સહુને ન હોય પણ અંદરના વર્તુળમાં તો હતી જ ને!
રિયા મુખ્ય ભૂમિકામાં હતી.. ફિલ્મ ફ્લોર પર જઈ રહી હતી, એક લક્ષ્ય સાથે.
‘શમ્મી, ફિલ્મ માત્ર ચાર મહિનામાં પૂરી કરવાની છે, વોટ્સોએવર… ખ્યાલ છે ને?’
‘જી સર, તો જ આપણે રિસ્ક તો કવર કરી જ શકશું પણ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી શકીશું ને! અને સર એ વખતે સોઢી એન્ડ સનના મોઢા જોવા જેવા હશે!’ શમ્મીને ટકોરાબંધ ખાતરી હતી.
‘હમમ…’ માધવને એ વિષે ખાસ પ્રતિસાદ ન આપ્યો. એના મનમાં પડેલી ગૂંચ સુલઝાવવા પ્રયત્ન કરતો હોય એમ એ વિચારતો રહ્યો.
‘શમ્મી, રિયા કોન્ટ્રેક્ટમાં લખેલી શરતો તો પૂરી કરે એવી છે કે પછી?’ માધવનના મનમાં ચાલી રહેલી ગડમથલ ન સમજે તે શમ્મી નહોતો.
‘સર, તમારા મનમાં રહી રહીને રિયા વિષે ચિંતા જાગ્યા કરે છે સાચું ને? કે એ કરણની વાતમાં આવીને ક્યાંક છેલ્લે ના ન ભણી દે…’
માધવનના મનને એ જ પ્રશ્ન મુંઝવી રહ્યો હતો પણ એને જવાબ ન આપ્યો.
‘હું સમજી શકું છું સર પણ મારો વિશ્વાસ રાખો, હું ખાતરી સહિત કહું છું કે રિયા એમ કરણની વાતમાં આવી જઈ દોરવાઈ જાય એ વાત જરા વધુ પડતી છે.’
‘કેમ? એ તો બંને એકમેકની અતિ નિકટ છે ને!’
‘વેલ, હતા, હવે નથી…’ શમ્મી જરા લુચ્ચું સ્મિત ફરકાવીને બોલ્યો.
માધવન આશ્ચર્યથી શમ્મી સામે જોતો રહી ગયો : ‘શું થઇ ગયું? બ્રેક અપ? કેમ?’
‘સાચું કારણ તો કોઈને ખબર નથી…’ શમ્મીએ ખભા ઉલાળ્યા. પછી અચાનક ગંભીર થઇ ગયો : કો’ને ખબર ફિલ્મ પ્રમોટ કરવા જ ત્યારે એ બધી વાતો ચગાવી હોય…’
‘શક્ય છે, હવે તો સમય જ એવો છે ને, એવરીથિંગ ફોર સેલ…’
‘એવું તો કંઇ નહીં, પહેલા પણ ક્યાં આવું નહોતું થતું? હા, પહેલા સિરિયસ ચિટીંગ થતી ને હવે ગણતરીપૂર્વકની, માર્કેટિંગ સ્ટ્રેટેજી… ‘ શમ્મી બોલ્યો હતો એકદમ સ્વાભાવિકપણે પણ માધવનને લાગ્યું કે ક્યાંક શમ્મી મહેણું તો નહોતો મારતો ને? એને ત્રાંસી નજરે શમ્મી તરફ જોયું. ચાના કપમાંથી ચૂસકી લઇ રહેલા શમ્મીનું ધ્યાન તો પોતાના કામના પેપર પર કેન્દ્રિત થયું હતું.
એ પછી દિવસો પાંખ લગાડીને ઉડી ગયા. માધવનની જિંદગીની સેકન્ડ ઇનિંગની શરૂઆત થઇ ચૂકી હતી અને તેના ભાગરૂપે હતો આ ડ્રીમ પ્રોજેક્ટ. શૂટિંગ પૂર જોરમાં હતું ને માધવન માટે સહુથી મોટી ધરપતની વાત એ હતી કે રિયા સહિત મોટાભાગના કલાકારો સમયના પાબંદ હતા. વ્યાજે લીધેલાં ફાઈનાન્સ પર ચડતું વ્યાજનું મીટર ક્યારેક માધવનને ફિકર કરાવી જતું પણ એ ચિંતા ગણતરીની પળમાં શમ્મી દૂર કરી નાખતો હતો. આખરે નિયત સમયમર્યાદામાં જો પ્રોજેક્ટ પૂરો થઇ શકે તો એ વાત જમા પાસું કહેવાય.
બીજ રોપાઈ ગયું હતું, વરસાદ ધારણા પ્રમાણે વરસી રહ્યો હતો અને ફસલ તૈયાર થવાની રાહ જોવાની હતી.
* * * * *
‘મમ, તમે પાછા ક્યારે આવશો?’ એરપોર્ટ પર મૂકવા આવેલી રોમા મમ્મીના જવાથી થોડી વિહ્વળ થઇ ચૂકી હતી.
‘અરે હા, પણ પછી ત્યારે આવું ને જયારે તું જવા દે…’ માધવીએ હસીને હથેળી રોમાના ચહેરા પર પસારી ચૂમી લીધી.
‘તારા કરતાં આ રિયા કેવી સમજદાર છે એ જો, ન એની ફિલ્મના પ્રીમિયરમાં ગઈ ન એની નવી ફિલ્મ વિષે કોઈ ઝાઝી પૂછપરછ કરી છતાંય એને કોઈ વાતે ઓછું આવે છે? ને તું જો કેવી નાની નાની વાતોમાં જીદ કરે છે…’
‘હમમ રોમા, શી ઈઝ રાઈટ…’ ડ્રાઈવ કરી રહેલા મીરોએ બાજુમાં બેઠેલી રોમાનો હાથ થપથપાવ્યો ને રીયર વ્યુ મિરરમાંથી માધવી સામે જોયું.
‘પ્રોબ્લેમ એ છે મોમ કે તમારી ડોટર હજી મોટી જ નથી થઇ.’
‘ઓહો મીરો, પ્લીઝ… મમ… મને ખોટી ન સમજો, પણ મને જરા ડર લાગે છે. પણ એની વે, જવા દો…’
રોમાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળ્યા પછી રિયા અને માધવી સીધા ઉપડ્યા હતા પેરીસ, ક્યાંક રોમા કોઈક તકલીફમાં કે અવિચારીપણે ખોટું કદમ ન ભરી બેસે, પણ એ તમામ ચિંતાઓને તો રુખસદ મીરોને જોતાં જ મળી ગઈ હતી. રિયાએ તો પોતાના પ્રીમિયરને કારણે મુંબઈ પાછા ફરવા સિવાય કોઈ છૂટકો નહોતો પણ માધવી રોમાની પાસે થોડો સમય રોકાઈ જવાનું મન ટાળી ન શકી. રોમાની તો ઈચ્છા હતી કે બાળક જન્મે પછી જ માધવી ઇન્ડિયા જાય પણ એ શક્ય નહોતું. માધવીને મળેલા વિઝીટર્સ વિઝાની ત્રણ મહિનાની અવધિ પતવા આડે ગણતરીના દિવસો રહ્યા હતા. એ પહેલા હવે ઇન્ડિયા જવા માટે માધવી આકળી થઇ ગઈ હતી.
‘એવું હશે તો તારી ડિલિવરી સમયે હું હોઈશ સાથે ને!’ ઉતરી ગયેલો રોમાનો ચહેરો માધવીને થોડો ઉચાટ કરાવી ગયો.
‘મમ, હવે આડે દિવસો કેટલા બાકી છે? શું જશો પછી પંદર વીસ દિવસમાં પાછું આવવું પડે તો આવી શકવાના છો?’
રોમાના પ્રશ્ને માધવીને ચૂપ કરી દીધી હતી. એની વાત તો સાચી હતી. ડિલિવરીનો સમય નજીક હતો પણ ત્યાં આરતી માસી પણ ઊંચાનીચા થઇ રહ્યા હતા. એમને હવે આશ્રમ સાદ દેતો હતો. કુસુમની મદદે તો જવું જ પડશે એવો મક્કમ નિર્ધાર કરીને માધવી મુંબઈ પાછી ફરે એની રાહ જોઈ રહ્યા હતા.
મુંબઈ એરપોર્ટ પર ઉતરતાંની સાથે ખારી ગરમ બદબૂભરી લહેરખી માધવી ને સ્પર્શી ગઈ. ત્રણ મહિના પેરિસમાં ગાળ્યા પછી પહેલીવાર ખ્યાલ આવ્યો કે મુંબઈની હવા ખારી ને ગરમ તો છે જ પણ એમાં કોઈક વિચિત્ર વાસ પણ ભળેલી હોય છે.. ગરમ હવા, રસ્તા પર ઉભરાતું માનવ મહેરામણ, કાર્બન મોનોક્સાઈડ છોડીને વાતાવરણને ઝેરી બનાવી રહેલા વાહનોની ભીડ… ને આખરે હોમ સ્વીટ હોમ.
આરતી માસી સવારથી જ તૈયારીમાં ગૂંથાયેલા હતા. માધવીને ભાવતી વાનગી બનાવવાની તો ખરી પણ એથી વિશેષ મહત્વની વાત હતી પોતાના સામાનના પેકિંગની.
ન જાણે આ વખતે આશ્રમમાં કેટલા દિવસ રહેવું પડે? મહિનો તો પાકો જ પણ કદાચ…
માધવી ઘરે આવી પછી તો પેરીસની વાતો ખૂટતી જ નહોતી. રોમા, મીરો, આવનાર બાળક, મીરોનું એક્ઝીબીશન…
‘અરે માસી આ બધું તો ઠીક છે પણ આ રિયા છે ક્યાં? સાડા નવ થવા આવ્યા…’ રાત્રે જમવાના સમયે પણ રિયા નજરે ન ચઢી એટલે માધવીએ પૂછવું પડ્યું.
માસી એક ક્ષણ માટે સ્થિર દ્રષ્ટિએ માધવીને તાકી રહ્યા : ‘એણે તને કંઈ કહ્યું નથી?’
‘શું? મને શું કહે? માસી, આજે જ તો હજી આવું છું, તમારી સામે તો જ છું…’
‘ઓહ હં, પણ ફોન પર પણ ન કહ્યું?’ આરતી માસી પોતે જ કોઈ અવઢવમાં લાગ્યા માધવીને.
‘શું છે? વાત શું છે માસી? એને તો મને કંઈ નથી કહ્યું પણ તમે કહેશો કે થયું શું છે?’ માધવીનો અવાજ જરા ચીડથી ઉંચો થયો.
‘મધુ, શાંત પડ, એને તને નથી કહ્યું એટલે એના મનમાં…?’
‘માસી, પ્લીઝ હવે જે કહેવાનું હોય તે કહી નાખો…’ માધવીની અધીરાઈ માઝા મૂકી રહી હતી.
‘મધુ, રિયા સેતુમાધવનની ફિલ્મ કરે છે હમણાં…’
‘વોટ?’ બારસો વોટનો શોક લાગ્યો હોય તેમ માધવીના હાથમાં રહેલી ચમચી પડી ગઈ. : ‘ને તમે આ વાત મને અત્યારે કહો છો?’
‘એ કહેતી હતી કે મમ રોમા સાથે ક્વોલીટી ટાઈમ માણે છે, એટલે હું મારી રીતે કહીશ…’
‘પણ માસી, એને નથી ખબર સેતુમાધવન કોણ છે, પણ તમે તો મને જાણ કરી શક્યા હોત કે નહીં?’ માધવીને માસી પર થોડો રોષ આવી ગયો.
આરતી નિષ્પલક માધવીને જોતી રહી. હવે એને કેમ કરીને જણાવવું કે આર સેતુમાધવન એટલે કે રાજા જ પોતાનો પિતા છે એ રાઝ રિયા જાણી ચૂકી છે…
ક્રમશ:
આજે માણો વેર વિરાસત નવલકથાનો નવો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર ચાલી રહી છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.