યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૫)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

“યુદ્ધના મેદાનમાં મળે છે શૌર્યચક્ર જે…”

આખી રેજિમેન્ટ સાવધાનની મુદ્રામાં ઊભી હોય, અને નીરવતાનીએ ક્ષણોમાં કતારબંધ ઊભેલા સૈનિકોની સાક્ષીએ, કર્નલ પોતાના હાથે સૈનિકના જેકેટ પર ચંદ્રક લગાવતા હોય! એ ચંદ્રક, કે જે આવનારા અનેક વર્ષો સુધી અનેક લોકોની સામે, એ સૈનિકની શૌર્યગાથા વર્ણવવાનો હોય! આજથી પચીસ વર્ષ પહેલાં ખખડધજ ‘ચાઇના’ જહાજ પર સવાર થઈને યુદ્ધ કરવા નીકળેલા અમારામાંથી કોણે આ ધન્ય પળોની કલ્પના નહીં કરી હોય? મને તો એ સદ્‌ભાગ્ય ક્યારેય પ્રાપ્ત ન થયું, પણ સ્વપ્નોમાં એ પળોને મેં અનેક વાર માણી હતી! અહીં ક્યુલિઅનમાં અમે પણ એક લડાઈ લડી રહ્યા હતા, અને અમારા આ યુદ્ધમેદાનની વિભીષિકા, ખરેખરા યુદ્ધથી જરા પણ ઓછી ગંભીર ન હતી. પણ અમારા આ લાંબા અને જીવલેણ સંઘર્ષમાં ગણ્યાગાંઠ્યા ચંદ્રકો જ અપાતા હતા! છેવટે એક ચંદ્રક તો અપાયો જ હતોઃ એક દિવસ અમારી પાસે વાત આવી કે દીર્ઘકાલીન એકનિષ્ઠ સેવાઓ બદલ સિસ્ટર વિક્ટોઇરને ગવર્નર જનરલ વૂડના હસ્તે ચંદ્રક અર્પણ કરીને એમનું સન્માન કરવામાં આવનાર હતું. શૌર્યભર્યા કાર્યોને પિછાણનારા એ જ તો એક વ્યક્તિ હતા!

સિસ્ટર વિક્ટોઇર બધામાં ખૂબ જ પ્રિય હતા. એમની લાગણીભરી આંખો, અને ચહેરા પરથી ક્યારેય ન વિલાતું એમનું એ સ્મિત, એમને એક અનુપમ સૌંદર્ય બક્ષતું હતું! ફ્રાંસના ચાર્ટ્રેસ નામના એક નાનકડા શહેરથી એ આવ્યા હતા. ક્યુલિઅનના શરૂઆતના દિવસોથી જ એ અહીં આવી ગયેલા. પહેલી બોટમાં આવી રહેલા દરદીઓ માટે વ્યવસ્થા કરવા માટે એમને અને અન્ય નર્સોને અહીં મોકલવામાં આવ્યાં હતાં.

ચંદ્રક અર્પણ કરતી વખતે વૂડે એક નાનકડું પ્રવચન આપ્યું. “સિસ્ટર, તમારી સમક્ષ આજે હું બે સ્વરૂપે ઊભો છું. પ્રથમ તો હું ઊભો છું અહીંના એક એવા રહેવાસીની હેસિયતથી, જે તમારા તરફનો પ્રેમ અને આભારવશતા વ્યક્ત કરવા માગે છે. અને બીજા સ્વરૂપે, તમે જે ટાપુની સેવા કરવા માટે આવ્યા છો, એ ટાપુના અને જે દેશની મદદથી આ કાર્ય શરૂ કરવું સંભવ બન્યું એ દેશના એક પ્રતિનિધિની હેસિયતથી હું તમારી સામે ઊભો છું. આ બંને સ્વરૂપે, વર્ષો સુધી આપે કરેલી અક્ષુણ્ણ સેવાઓની કદર રૂપે તૈયાર કરવામાં આવેલ આ ચંદ્રક તમને અર્પણ કરવાનું સન્માન મને પ્રાપ્ત થયું છે…”

જનરલ વૂડને પોતાના સફેદ પોષાક પર ચંદ્રક લગાડતાં વિક્ટોઇર જોઈ રહ્યા. એ સમયે એમના ચહેરા પર, એમનું એ જ લાક્ષણિક અને અ‌દ્‌ભૂત સ્મિત ઓપતું હતું. અમે બધા જ એ સ્મિતથી પરિચિત હતા.

“પ્રિય ગવર્નર જનરલ, આપનો ખૂબ ખૂબ આભાર. સાથે-સાથે આપ સર્વેનો પણ હું ખૂબ જ આભાર માનું છું.”

સન્માન સમારોહ પૂરો થઈ ગયો, એ પછી હું મુખ્ય વહીવટી અધિકારી તરીકે નવાસવા નિમાયેલા ડૉ. ડોમિનીગ્ઝને મળ્યો. ઘણા દિવસોથી હું એમને મારે ઘેર આવવાનું આમંત્રણ આપતો હતો, એ એમણે આજે સ્વીકાર્યું. ફિલિપિનોની કેટલીક લાક્ષણિકતાઓ મને બહુ જ ગમતી. એ લોકો બહુ જ શાંત અને ઔપચારિક રહેતા. આમંત્રણ વગર ફિલિપિનના લોકો ક્યારેય મારે ઘેર આવતા નહીં!

ડૉ. ડોમિનીગ્ઝ મને બહુ ગમી ગયા હતા. વધી પડેલી જવાબદારીઓને કારણે બોંડે મુખ્ય અધિકારી તરીકે રાજીનામું આપ્યું હતું. જતા પહેલાં એમણે કોઈક ફિલિપિનોને જ મુખ્ય અધિકારી તરીકે મૂકવાનો પ્રસ્તાવ મંજૂર રાખ્યો હતો. મને પણ એમનો વિચાર યોગ્ય લાગ્યો હતો. ફિલિપાઇન સરકાર આ સ્થળને સહાય આપતી હતી, અને મારા અને વૉલ્ટર સિમ્પસન સિવાય અહીંના બધા જ લોકો ફિલિપાઇન્સ ટાપુઓના જ વતની હતી, જેમાં મોટા ભાગના લોકો ફિલિપિનો, મોરોસ કે ચાઇનીઝ હતા.

ડૉ. ડોમિનીગ્ઝ જેવા સક્ષમ અને ધૈર્યવાન માણસ મળવા એ અમારા માટે સૌભાગ્યની બાબત હતી. રક્તપિત્તની સમસ્યામાં એમને સાચો રસ હતો. પોતાની જવાબદારીઓ અંગે એમના ઇરાદાઓ એકદમ શુદ્ધ હતા એ સ્પષ્ટપણે દેખાઈ આવતું હતું. અહીં આવવાને હજુ બહુ સમય પણ થયો ન હતો, કે એમણે ચૌલમોગરાના તેલને શરીરના રોગીષ્ઠ ભાગમાં સીધા જ દાખલ કરવાની સારવાર પદ્ધતિ પર પ્રયોગો શરૂ કરી દીધા. સ્નાયુમાં તેલ દાખલ કરવાની જૂની પદ્ધતિની સાથોસાથ આ નવી પદ્ધતિ એમણે અમલમાં મૂકી. ઘણા દરદીઓમાં આના આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા હતા. એમના શરીરમાંથી એ રોગીષ્ઠ ભાગ તદ્દન ગાયબ થઈ ગયો હતો.

ડૉ. ડોમિનીગ્ઝનું વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હતું. સાધારણ ફિલિપિનો કરતાં એમની ઊંચાઈ થોડી વધારે હતી. નક્કી કર્યા મુજબ સાંજે બરાબર ચારના સુમારે એ મારા ઝાંપે આવી પહોંચ્યા. આ અગાઉ ઘણા પ્રસંગોએ એ મને મળવા આવ્યા હતા, અને દરેક વખતે એ બરાબર સમયસર આવી જતા! મારા વ્યવસાયમાં મારી સાથે જોડાયેલા લોકો તો જાણી જોઈને જ મોડું કરવા ટેવાયેલા હતા. મને તો એમ થતું કે મોડું કરવામાં આટલી નિયમિતતા કેટલા બધા કાળજીપૂર્વકના આયોજન પછી જ થઈ શકે! જેસિલ્ડો સાથે ત્રણ વાગ્યે મળવાનું નક્કી કર્યું હોય, તો એ આવે છેક ત્રણ અને ઓગણસાઠ મિનિટે! અને ગમે તેટલો વિરોધ કરો, તો પણ એ કહેશે, કે હજુ ચાર તો નથી વાગ્યાને! એટલે કે, અમારા નક્કી કર્યા મુજબ ત્રણ જ વાગ્યા ગણાય! એને ફિલિપાઇન સમય કહેવામાં આવતો હતો. અમેરિકન સમય મુજબ બે વાગ્યા ઉપર સાઠ મિનિટ એટલે ત્રણ વાગવા, એ ત્યાં હાસ્યાસ્પદગણાતું હતું.

ડોમિનીગ્ઝ મારી બાજુમાં ફળિયામાં જ બેઠા.

“અહીં આવવું મને બહુ ગમે છે, મિ. ફર્ગ્યુસન. અહીં હંમેશા પવન વાતો રહે છે. ગરમી સામે અહીં જે રાહત મળે છે, એવું આખા ટાપુ પર બીજા કોઈ સ્થળે જોવા મળતું નથી. હું તમને સાચું કહું છું, કે બલાલા કરતાં પણ અહીં સારું છે. ત્યાં તો દિવસ હોય કે રાત, ગરમી જ ગરમી હોય છે. વર્ષાવનોમાં પણ એવું જ હોય છે.”

“ઘણા લોકોએ મને આ કહ્યું છે.” મેં જવાબ વાળ્યો. “મને આશા છે, કે જ્યારે પણ મન થાય, તમે જરૂરથી અહીં ઠંડક માણવા આવી જશો.”

અમે છાંયામાં બેઠા. ટોમસ અમારા માટે નારંગીનો રસ લઈ આવ્યો. ફિલિપિનો લોકો સ્થાનિક ટ્યુબા સિવાય ભાગ્યે જ કોઈ દારૂને હાથ અડાડે. નાળિયેરીના વૃક્ષની ડાળીઓમાંથી ટપકતા રસને આથો આવવા દે એટલે ટ્યુબા તૈયાર! મોટાભાગે ગરીબો જ આ શરાબ પીતા.

“આજનો પ્રસંગ બહુ સરસ રીતે ઊજવાયો, ડૉક્ટર!”

“સાચે જ, નહીં? સિસ્ટર વિક્ટોઇર અને એમના સહાયકો, અને પ્રોટેસ્ટંટ નર્સોએ બહુ અ‌દ્‌ભૂત સેવા કરી છે. મને તો એ વિચાર આવે છે, કે એમના વિના ડૉક્ટરો અને અન્ય નર્સોએ આટલા બધા દરદીઓને કઈ રીતે સંભાળ્યા હોત?”

“આટલા બધા કર્મચારીઓમાંથી કોઈને રક્તપિત્ત લાગુ પડ્યો છે?”

“ભાગ્યે જ! આખા વિશ્વની વાત કરીએ તો, સેંકડો, હજારો કાર્યકરોએ રક્તપિત્તના દવાખાનામાં કામ કર્યું છે. હું માનું છું ત્યાં સુધી, આ એક હાથની આંગળીના વેઢે ગણી શકાય એટલા જુજ લોકોને આજ સુધીમાં એનો ચેપ લાગ્યો હશે. એમાં પણ સેન લાઝારો જેવા અમુક દવાખાના તો બસો કે ત્રણ સો વર્ષ જુના છે.”

“તો પછી લોકો એનાથી આટલા ગભરાય છે કેમ?”

“એ જ તો નથી સમજાયું મને આજ સુધી! આ રોગ રહસ્યમય છે એની ના નહીં! પણ આ વિશ્વવ્યાપક ધૃણા તો એથી પણ વધારે રહસ્યમય છે! રક્તપિત્ત જેટલી જ, કે પછી એના કરતાં પણ વધારે ખરાબ દેખાતી હોય એવી અનેક બાબતો છે! દાખલા તરીકે સિફિલિસનો ગંભીર કેસ, કે પછી યૉઝ… તે ઉપરાંત, લોકો ભલે એવી વિચિત્ર વાતો કરે કે કોઈને માત્ર પત્ર દ્વારા એનો ચેપ લાગ્યો, કે પછી ચાઇનીઝ લૉન્ડ્રિમાંથી, પરંતુ આ એક હકીકત છે કે રક્તપિત્તનો ચેપ લાગવો અઘરી બાબત છે. અસલમાં આ ચેપ લાગવાનું કારણ શોધવા બેસીએ તો સામાન્ય સંપર્ક કરતાં ઘણા વધારે મહત્વનું અને વધારે વિશ્વાસપાત્ર કારણ મળી આવે ખરું!

થોડા વર્ષો પહેલા એવો એક કિસ્સો બનેલો. એ કર્મચારી અહીં વસાહતમાં નવા આવનાર દરદીઓ સાથે નવા ચલણના સિક્કાની લેવડદેવડનું કામ કરતો હતો. પહેલી નજરે તો એવું તારણ કાઢવામાં આવ્યું કે સિક્કાની લેવડદેવડમાં એને રક્તપિત્ત લાગુ પડ્યો હશે. પણ પછી આગળ જતાં એ વાતની ખબર પડી, કે એના કુટુંબમાં કોઈકને રક્તપિત્ત થયો હતો. એવું પણ બને કે એ અહીં આવ્યો ત્યારે રક્તપિત્ત લઈને જ અહીં આવ્યો હોય!”

“રક્તપિત્ત કેવી રીતે ફેલાય છે એ બાબતે શું કોઈ જ જાણકારી નથી?”

“વૈજ્ઞાનિક ચોકસાઈ સાથેની કોઈ જ જાણકારી નથી! અવલોકનોના આધારે બહાર આવેલા કેટલાક ચોક્કસ અભિપ્રાયો જરૂર છે આપણી પાસે. એટલી ખાતરી ચોક્કસપણે થઈ ગઈ છે, કે લાંબા ગાળાના તદ્દન નજીકના સંપર્ક દ્વારા જ એ ફેલાય છે. તદ્દન નજીકનાં અને એકસરખાં સામાજિક અને આર્થિક સ્તરનાં બે અલગ-અલગ સ્થળોને સરખાવતાં, એક સ્થળે રક્તપિત્તનો ખૂબ જ ફેલાવો જોવા મળે છે, તો બીજા સ્થળે નજીવો કે પછી કોઈ જ ફેલાવો જોવા મળતો નથી! એક બીજું અવલોકન પણ બહુ જ આશ્ચર્યકારક છે. જગતના જુદા-જુદા દેશોના રક્તપિત્ત નિષ્ણાતો પણ એ કબૂલે છે કે, રક્તપિત્ત ધરાવતા પતિ દ્વારા પત્નીને, કે પછી એનાથી ઊલટા પણ ચેપ લાગવાના કિસ્સા ભાગ્યે જ બને છે! એક સામાન્ય અંદાજ મુજબ આવું માત્ર પાંચ-છ ટકા કિસ્સામાં જ બને છે.”

“ક્યારેય એવો વિચાર કોઈએ કર્યો છે, કે ઉષ્ણકટિબંધમાં રહેવાને કારણે, કે પછી ખોરાકને કારણે રક્તપિત્ત થતો હોય?”

“જુદા-જુદા સમયે જુદા-જુદા વિચારો આગળ ધરવામાં આવતા હોય છે. ઉષ્ણકટિબંધમાં એનો ફેલાવો વધારે થયો છે એ વાત સાચી, પણ એમ જોવા જઈએ તો, આખા વિશ્વમાં રક્તપિત્ત જોવા મળે છે એ પણ એક વાસ્તવિકતા છે. અમુક પ્રકારના ખોરાકથી એ થાય છે એવા સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા છે અને એને માની લેવામાં પણ આવે છે. અરે! એક માણસ તો ખાતરીપૂર્વક એમ માનતો હતો, કે માછલી ખાવાથી એને રક્તપિત્ત થયો હતો. જો કે હવે એવી વાતોને ભાગ્યે જ કોઈ માનતું હોય છે.

“પણ એવું ન બને, કે વંદા કે માકડ જેવા જીવજંતુઓ આ રોગના વાહક હોય?”

“હા, શક્ય છે, ચોક્કસ શક્ય છે. અને ક્યારેક એવા પુરાવા મળે છે પણ ખરા! માણસ સાથે ગાઢ સંપર્કમાં હોય એવા માખી, મચ્છર અને માકડ જેવા જીવજંતુઓમાં રક્તપિત્તના જંતુ શોધવાના પ્રયાસો થયા છે પણ ખરા! પણ કેટલાક ગંભીર દરદીઓના સંપર્કમાં આવતાં આવાં જંતુઓમાંથી એવા કોઈ પુરાવા સાંપડ્યા નથી!”

“અને છતાં, એવી શક્યતા હોય, એવું ન બને?”

“હોઈ શકે! કોઈ જ શક્યતા નકારી નથી શકાતી. આમાંથી જો કોઈ એકાદ કે એકથી વધારે જંતુ પણ રક્તપિત્તના ફેલાવા માટે કારણભૂત હોય, તો મને લાગે છે, કે જે ઘરમાં જ રહેતું હોય, અને બહુ લાંબી મુસાફરી નહીં કરતું હોય. અને જો એવું કંઈ મળી આવે તો, એક જ ઘરમાં વધારે દરદીઓ હોય, અને એની પડોશમાં એક પણ ન હોય, એનો જવાબ પણ મળી શકે.”

“ડૉક્ટર, આનો જવાબ મેળવવાનો શું કોઈ જ રસ્તો નહી હોય?”

“હશે જ! મને ખાતરી છે કે આનો રસ્તો જરૂર હશે. ત્વચાના રોગોના એક નિષ્ણાત તરીકે મારું માનવું છે કે, ક્ષેત્રિય અભ્યાસની મદદથી આ બાબતે કોઈને કોઈ કળ જરૂર મળી શકે. મને લાગે છે કે, આને માટે, જુદી-જુદી પરિસ્થિતિ ધરાવતા વિશ્વના જુદા-જુદા વિસ્તારોમાં જઈને વૈદકીય પરીક્ષણો અને ભૂતકાળની કૌટુંબિક ઘટનાઓના અભ્યાસ કરવા જોઈએ. અને હા, રક્તપિત્ત ફેલાવો ખૂબ જ હોય ત્યાં, અને સાવ નજીવો હોય, એવી બંને જગ્યાએ આવા અધ્યયન થવા જોઈએ. ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં આવા વિસ્તારો નજીક-નજીક હોય, અને લોકો અને એમની જીવનરીતી સરખાં હોય! આ અભ્યાસમાં ખોરાક, હવામાન, સામાન્ય જીવન પદ્ધતિઓ, પ્રતિકારક શક્તિ ઓછી કરી દેતા બીજા રોગોની હાજરી, વગેરે બાબતોને આમાં સામેલ કરવાં જોઈએ.

“પણ એ તો બહુ લાંબો સમય માગી લેશે…!”

“હા. કેટલાયે લોકોની જીવનભરની તપશ્ચર્યા એમાં હોમાઈ શકે છે! પણ ધારો કે એ પણ કરીએ, તો શું સાચી માહિતી મળવાની કોઈ ખાતરી એમાંથી મળશે ખરી કે? એક લાંબા ગાળા સુધી આપણે આ પ્રયત્ન કરતા રહેવું પડશે. પણ હું માનું છું કે એક વખત મનમાં ઠાની લઈએ, તો એવો કોઈ રોગ નથી જેને નામશેષ ન કરી શકાય!”

એમના એ શબ્દો, એમની આંખમાં સળગી રહેલો એ અગ્નિ, એમણે દોરી બતાવેલું એ કાલ્પનિક ચિત્ર, એક એવા સમયની શક્યતા, જેમાં કોઈ પુરુષ કે સ્ત્રીને એના હક્કની જિંદગી પાસેથી છીનવી લેવામાં ન આવે… હું અંદરથી હલી ગયો હતો આ બધાથી…!

મારે ઘેરથી જવા માટે ડોમિનીગ્ઝ ઊભા થયા ત્યારે તાડના વૃક્ષોના પડછાયા લાંબા થઈ રહ્યા હતા.

***

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....