સૂફી સંત રાબિયા – દર્શના ધોળકિયા 8


મધ્યકાલિન ભારતીય સાહિત્યમાં એક સમયે ભક્તિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજાં કરતાંયે વધુ અસરકારક જણાવ્યું, એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતું હતું. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ ‘સખા’ હતો, ‘પ્રિયતમ’ હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહી ને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિ વિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.

એક અભિપ્રાય પ્રમાણે ભારતમાં પ્રગટેલો આ નૂતન ભક્તિવિચાર મુસ્લિમોના આગમનને લઈને ફેલાયેલા સૂફી મતને કારણે ફેલાયો. એ વાત સંપૂર્ણપણે સાચી હોય કે ન પણ હોય પણ સૂફી મતમાં પણ આ પ્રકારનો ભક્તિવિચાર જોવા મળે છે એ ખરું.

સૂફી સંપ્રદાય એ મુસ્લિમ ધર્મના બે મુખ્ય ફાંટા શિયા અને સુન્નીનો એક ભાગ છે. સૂફી પંથની પણ પાછી મુક્ત કલ્લમ અને સૂફી એવી બે શાખાઓ છે. આમાંની પહેલી બાહ્ય ક્રિયાકાંડ પર ભાર મૂકે છે અને બીજી આત્મનિગ્રહ અને દેહદમનનું મહત્વ કરે છે. ‘હું’ પદનો ત્યાગ એ સૂફીઓની મોટામાં મોટી અભિલાષા હોય છે.

આ પ્રકારના સૂફી મતમાં હિજરીના બીજા સૈકામાં અદ્રૈતવાદનો વિચાર પ્રવેશ્યો જે રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મ માટે નવો હતો ને પરિણામે અસ્વીકાર્ય હતો. પ્રારંભકાલીન સૂફી મત દાર્શનિક કે ચિંતનાત્મક ન હતો પણ નીતિમૂલક હતો. એમાં ઈશ્વરના સ્વરૂપ વિશેની કોઈ ચર્ચા નથી પણ ઈશ્વરને મેળવવાના કેટલાક વ્યવહારુ ઉપાયોનું સૂચન માત્ર છે. આ વાતને જુનૈ હેએ સમજાવતાં નોંધ્યું છે : ‘અમને સૂફી મત ઉપવાસમાંથી અને જગતને તિલાંજલિ આપવામાંથી લાધ્યો છે; પરિચિત બંધનો તોડવામાંથી અને માણસો જેને પ્રેમ માને છે એના પરિત્યાગમાંથી મળ્યો છે, નહીં કે વાદવિવાદમાંથી.’

પાપ, નરક જેવા ખ્યાલોથી સજાગ સૂફીઓએ સંન્યસ્ત અને શમન અપનાવ્યા, પણ તેમનો સંન્યાસ શુષ્ક નહોતો. તેઓ માત્ર તપસ્વી અને ફકીર જ નહોતા પણ યોગી હતા. આ પંથમાં પશ્વાતાપ, ધૃતિ, કૃતજ્ઞતા, શ્રદ્ધા, ભીરુતા, સ્વેચ્છાપૂર્વકની અકિંચનતા, તપશ્વર્યા, ઈશ્વરની અનન્ય શરણાગતિ અને છેવટે પ્રેમ – એટલાં સોપાનો રહેલાં છે.

આ સૂફીવાદે ઘણા મહાન સંતોની ભેટ આપી છે જેમાં મહાકવિ સાદિ, હાફિજ, અમીરખુશરો, નિઝામી સનાઈ, ફરીદુદ્દીન અત્તાર, મોલાના ઝમીલુદ્દીન રૂમી, રાબિયા વગેરે મુખ્ય છે. આ સંતો એ પોતપોતાની રીતે ખુદાને ઉપાસ્યા છે. હાફિજના જીવનમાં મસ્તી છે. સાહિના જીવનમાં મસ્તી જ્ઞાનનું પ્રાધાન્ય તો ઝુલેખાના જીવનમાં પ્રભુપ્રેમ ખીલ્યો દેખાય છે. આ સંતોમાં રાબિયાનું વ્યક્તિત્વ તદ્દ્ન જુદું પડે છે. ગરીબ પરિવારમાં જ્ન્મેલી રાબિયાએ જીવનની અમીરાત શોધી છે અને એ શોધમાં સંપૂર્ણ સફળતા મેળવી છે. તેની શોધ સૂફી સિદ્ધાંતથી થઈ હોવા છતાં ‘વાદ’ના વાડાઓથી એનું અસ્તિત્વ સ્વતંત્ર રહ્યું છે. તેના વિચારોમાં, આચારોમાં, કથનમાં પરમાત્માએ તેને પસંદ કરી હોવાની ગંધ આવે છે. એક ચિંતકે આ પ્રકારના મનુષ્યો માટે ‘divine scavenger’ (‘દેવી હરિજન’) શબ્દ વાપર્યો છે, જેમને પરમાત્મા પોતાના તરફથી મન:શુદ્ધિ કરવા મોકલે છે. તેઓ પરમાત્માની જમાતના લોકો હોય છે. રાબિયા આ જમાતની લોક છે. સમકાલીન સૂફીઓમાં પણ એ વૈચારિક મૌલિકતાને લઈને ઘણી જુદી પડે છે.

એક આધાર તરીકે અરબસ્તાનની મરુભૂમિમાં ગરીબ પિતા ઈસ્માઈલને ધેર રાબિયાનો જન્મ થયેલો મનાયો છે. બીજી એક નોંધ પ્રમાણે એનો જન્મ તુર્કી રાજ્યના બસરા શહેરમાં દર્શાવાયો છે. પિતા આદિ કુટુંબના હોવાથી ઉત્તરાવસ્થામાં રાબિયાને લોકો ‘અલ આદાબિયા’ ને નામે ઓળખતા. અરબી ભાષામાં ‘રાબા’ શબ્દનો અર્થ ‘ચોથી’ એવો થાય છે. રાબિયા પોતાના નિર્ધન પિતાની ચોથી પુત્રી હોવાથી તેનું નામ ‘રાબિયા’ પડ્યું હોવાનું અનુમાન છે. તેની જન્મ સાલ ઈ.સ. ૭૧૭ ને મૂત્યુ સાલ ઈ.સ. ૮૦૧ આશરે મનાય છે. એક અનુમાન પ્રમાણે એનું અવસાન હિજરી સનના મધ્ય અને અંતિમ વર્ષના ગાળા (ઈ.સ. ૭૮૬ – ૭૧૫)માં થયેલું ગણાય છે.

બાળપણમાં જ માતાની હુંફ રાબિયાએ ગુમાવેલી. પિતાને અત્યંત ચાહતી રાબિયાના જીવનના પ્રારંભથી જ વાવંટોળ શરૂ થયો. તેના ગામની આજુબાજુ ‘બધુ’ જાતના લૂંટારાઓનો વાસ હતો. તેઓ વખતોવખત ગામમાં ધસી આવીને સ્ત્રી કે પુરુષ – જે હાથમાં આવે તેને પકડીને લઈ જતા તેમજ તેને ગુલમ તરીકે વેચતા અથવા પોતે રાખી લેતા. રાબિયાના પિતા ઈસ્માઈલ પણ લૂંટારાઓના હાથમાં ફસાયા ને રાબિયા એકલી પડી. કેટલાક વખત પછી તેના વૃદ્ધ પિતા પાછા ફર્યા ને આવતાવેંત પાણીની માગણી કરી. રાબિયાને પાણી લાવતાં થોડી વાર થઈ તે દરમિયાન પિતા મૃત્યુ પામ્યા.

આ પ્રકારના વિવિધ આઘાતોથી ઘડાતી રાબિયાએ યૌવનમાં પ્રવેશ કર્યો. દેખાવે તે સુંદર નહોતી. આથી લગ્ન વિશે તેણે કોઈ વિચાર જ કર્યો નહોતો. એકલતાની વચ્ચે તે જીવન ગુજારી રહી હતી ત્યારે ફરીથી લૂંટારુઓએ આવીને તેને પકડી તેમ જ તેને ગુલામ તરીકે વેચી દીધી.

ગુલામ બનવાની રાબિયાની નિયતિ તો હતી પરમ મુક્તિ પામવાની. તેના જીવનની આ વિરોધમૂલક ઘટના સાનંદાશ્વર્ય જગાવે એવી છે. એક દિવસ એના માલિક ઘરે એકઠા થયેલા મહેમાનોને મનુષ્યના શરીરની રચના જાણવાની ઈચ્છા થઈ. ત્યાં કામ કરતી રાબિયાને જોતાં જ એના માલિકે ચપ્પુ વડે રાબિયાના શરીરમાંથી ગાંઠ કાઢી. આ સમયે ત્યાં બેઠેલા મહેમાનો તો રાબિયાના શરીરની ગાંઠમાં રહેલું ઈશ્વરનું ઐશ્વર્ય નિહાળવામાં મશગૂલ હતા! આ મહેમાનો ને મોઢેથી ઈશ્વરનું નામ સાંભળીને રાબિયાના સૂતેલા સંસ્કાર જાગી ઊઠ્યા. કટોકટીની આ પળે તેના મુખ માંથી ‘શુક્ર ખુદા’ એવો ઉદ્દગાર નીકળ્યો. એણે કરેલી પહેલી પ્રાર્થના આ મુજબ હતી : ‘આજના દુઃખ વડે ઈશ્વરે મને સમજાવ્યું કે આટલા દિવસ તેણે મને કેવા સુખમાં રાખી હતી! આજે શરીરના એક અંગને દુ:ખી કરીને પરમાત્માએ મને જણાવ્યું કે એ સેંકડો પ્રકારે મારી રક્ષા કરતો હતો. તેની આટલી કાળજીથી હું શરમાઉં છું!’

રાબિયામાં જાગેલી પ્રારંભિક ભક્તિ શિશુવત થયેલા, નિર્દોષ ભક્તની હતી. આથી જ તેણે બીજાનું દુઃખ પોતા ઉપર નાખવા માટે પ્રભુની પ્રાર્થના કરી. આ ભક્તિના આધારે તે સઘળાં દુઃખોનો સ્વીકાર કરતાં શીખી. જીવન તરફનું તેનું દ્રષ્ટિબિંદુ હવે બદલાયું હતું. પ્રસન્નતાના પૂરમાં તણાયેલી રાબિયા દુઃખોની વચ્ચે કહેતી, ‘હે પ્રભુ, તે જ્યારથી મારા સામે ઝાંખ્યું છે ત્યારથી મારો હર્ષ માતો નથી. સૂર્યે શું કમળનું મુખ કદી મલિન દીઢું છે? આશકનું મોં નીરખ્યા પછી દુઃખ કદી ટકી શકે?’

વહેતી રફ્તારમાં બદલાઈ ગયેલી રાબિયાની પ્રાર્થના એક સમયે તેના શેઠે ચોરી છુપીથી સાંભળી. આ પ્રાર્થનામાં તેણે ઈચ્છયું હતું કે જો તમે સ્વતંત્ર હોવ તો ચોવીસ કલાક પ્રભુની ઉપાસનામાં ગાળી શકો. તેના શેઠે આ સાંભળીને તેને મુક્ત કરી. રાબિયા હવે પોતાના અસલ માલિક પાસે જવા રવાના થઈ. આ ક્ષણથી તેનો ભક્તિ વિચાર પ્રૌઢ થતો દેખાય છે.

ગુલામીમાંથી મુક્ત થયેલી રાબિયાએ તપસ્વી જીવન ગાળવા માટે રણને પોતાની સાધનાભૂમિ બનાવી. તપસ્યાના ગાળા પછી ફરી બસરા આવીને તેણે નિવાસ કર્યો. પાછી ફરેલી રાબિયા ‘સૂફી’ હતી – ફકીર અને તપસ્વીથી કંઈક વધારે એવી સૂફી. આ વધારાનું ‘કંઈક’ એને ફકીરોથી, યોગીઓથી, ભક્તોથી જુદું પાડનારું તત્વ તે એની મૌલિક વિચારધારા હતી. પોતાના વિચારો એણે ભાગ્યે જ પ્રગટ કર્યા છે પણ જ્યારે કર્યા છે ત્યારે તેમાં રહેલી નિર્બદ્ધતા અને પ્રવાહિતા એની ઊંચાઈનો માપદંડ નક્કી કરવામાં ભારે મદદરૂપ બને છે.

સૂફી મત સામાન્ય રીતે પશ્ચાતાપનું વધારે મૂલ્ય કરે છે. તેઓના મતે પસ્તાવો માણસને ગંભીર બનાવે છે અને પછી મસ્તીમાં લાવે છે. પણ રાબિયાએ પસ્તાવાનો અર્થ જુદો કર્યો છે. પોતાના પાપ માટે ઈશ્વર પાસે ક્ષમા માંગવાનો રાબિયાને કદી વિચાર આવ્યો નથી. પાપ તેને માટે એટલા માટે નુકસાનકારક છે કે તે મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અંતરાયરૂપ બને છે. આથી જ રાબિયાને મન, પસ્તાવા કરતાં પસ્તાવો કર્યા પછી લેવાનારા પગલાં, એટલે કે જાગૃતિ પ્રત્યેની ગતિ છે. આ પ્રકારનો પસ્તાવો તેને મન વિરલ છે. આ પ્રકારનો પસ્તાવો તો પ્રભુ તરફથી મળેલી ભેટ જ હોઈ શકે. એ જાતે મેળવાતો નથી. જાતે મેળવવા જો મથવામાં આવે તો વારંવાર પસ્તાવાની પરિસ્થિતિ આવી પડે એવી હળવી મજાક પણ રાબિયાએ કરી છે. તેની આ સમજને લઈને જ એક શિષ્યને તેણે કહ્યું છે તેમ, પસ્તાવો કરવાથી ઈશ્વર અભિમુખ થતો નથી. એ જો પોતે ઈચ્છે તો જ કોઈપણ મનુષ્ય પ્રતિ અભિમુખ થાય છે. રાબિયાનો આ વિચાર સ્પષ્ટ રીતે સૂચવે છે કે પરમાત્મા જ માનવીનું વરણ કરે છે. પ્રેમ કરવાની પહેલ પરમાત્મા દ્વારા જ થાય છે. મનુષ્યના વશની એ વાત નથી.

ધૈર્ય રાબિયાના ભક્તિ વિચારનું બીજુ લક્ષણ છે. એ ધૈર્ય તેણે કેળવ્યું નથી, પણ પરમાત્મા પ્રત્યેની ઊંડી શ્રદ્ધામાંથી જન્મ્યું છે. આથી જ તે કહે છે, ‘હું ઈશ્વરને અસંમત એવી એક પણ વસ્તુ ઈચ્છું તો હું અશ્રદ્ધા માટે અપરાધી બનું.’ આ શ્રદ્ધાએ જ તેના ભક્તિ વિચારને મજબૂત બનાવ્યો છે. શ્રી અબ્દુલ વાહેદે એક પ્રસંગ ટાંકતા નોંધ્યુ છે તે મુજબ, તેઓ અને સૂફિયાન માંદી પડેલી રાબિયાની ખબર કાઢવા ગયા અને સૂફિયાને તેમણે પ્રભુ પાસે સાજા થવાની પ્રાર્થના કરવા જણાવ્યું ત્યારે રાબિયાનો ઉત્તર આ હતો – ‘આ મંદવાડ મને કોની ઈચ્છાથી લાગુ પડ્યો છે તે તમે જાણો છો? ખુદાની ઈચ્છા વિરુદ્ધ, સંકલ્પ કરવો એ મારો ધર્મ નથી.’ આ જ સંદર્ભે તેમણે કહ્યું કે દસ વર્ષથી મને ખોર્મા (એક જાતના પાકા ફળ) ખાવાની ઈચ્છા છે પણ હજુ મેં એ મોંમાં મૂક્યા નથી, કારણ કે હું તેમની દાસી છું. દાસીને વળી સ્વતંત્ર ઈચ્છા કેવી?’

રાબિયાનું અધ્યાત્મ પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતામાંથી જન્મ્યું છે. આથી જ માત્ર સમૃદ્ધિ માટે નહીં, વિપત્તિ માટે પણ પરમાત્માનો આભાર માનવાનું રાબિયા સૂચવે છે.

ઈશ્વર પ્રત્યેની રાબિયાની ભક્તિ નિષ્કામ છે. ઈશ્વરને તેણે સમજપૂર્વક ચાહ્યો છે, એક તત્વ તરીકે પ્રમાણ્યો છે. તેને ચાહ્યા પછી બીજુ બધું છોડ્યું નથી પણ છૂટી ગયું છે. બ્રહ્મતત્વને પ્રમાણ્યા પછી તેને પણ જગત ‘મિથ્યા’ અર્થાત વ્યર્થ ભાસ્યું છે. આથી જ કોઈ યોગીને તેમણે કહેલું, ‘તમારો સંસાર ઉપર ઘણો જ પ્રેમ લાગે છે, જો તેવું ન હોત તો ખુદા વિશે વાર્તાલાપ કરવો મૂકીને તમે સંસારના દુઃખોનું પીંજણ ન પીંજ્યું હોત. જેઓ સંસારથી વિરક્ત છે તેઓ સંસારની ચર્ચા કરતા જ નથી. જેના ઉપર જેની પ્રીતી હોય તેની જ વાતચીત કરવાનું મન થતું હોય છે.’

રાબિયાની ભક્તિમાં વૈરાગ્યની સહોપરિસ્થિતિ છે. એક અર્થમાં તે સંપૂર્ણ સન્યાસીની જણાય છે. તેની વિચારધારામાં પડઘાતી બુલંદી તેને અવધૂત ઠેરવે એવી છે. મૌલાની તેની વ્યાખ્યા મૌલિક છે. તેમને મતે, ‘જે ખુદાની આગળ પ્રાર્થના કરીને તેના પાસેથી હ્રદયની પ્રાપ્તિ કરે છે અને તે હ્રદય ખુદાને પાછું આપી દઈને તેના હાથમાં સંરક્ષિત રહેવા દે છે તે મૌલા છે.’ રાબિયાની દ્રષ્ટિએ કોણ છે આ ખુદા? ‘જેને આંખ જોઈ શક્તી નથી, જેનો જીભ સ્વાદ લઈ શક્તી નથી, માત્ર હ્રદય વડે જેને અનુભવી શકાય છે; જાગૃત અંતર જ જેને માણી શકે છે, એવું જાગૃત અંતર જેને કોઈ સહાયક વિના જ ખુદાની પ્રાપ્તિ થાય છે.’

આવો ખુદા, રાબિયા કહે છે તેમ, મળે તો છે પ્રેમ કરવાથી પણ પ્રેમ સર્વગ્રાહી અને અનાસક્ત હોવો જરૂરી છે. સંતે એકલા ઈશ્વરનું અને ઈશ્વરનું જ ચિંતન કરવું જોઈએ, બીજા કોઈનું પણ નહીં. કારણકે ઈશ્વર ઈર્ષાળુ પ્રિયતમ છે. એ બીજા કોઈ હરીફને સાંખી લેતો નથી.

રાબિયાએ આવો સર્વગ્રાહી અને અનાસક્ત પ્રેમ કરી જાણ્યો છે ઈશ્વરના વિકલ્પે તેને સ્વર્ગની પણ કામના નથી. તેનો પ્રેમ નિઃસીમ છે. માત્ર પ્રભુ માટે રખાયેલી થાપણ છે તેની સાક્ષી આ પ્રાર્થના પૂરે છેઃ

મેં તેને દ્વિવિધ પ્રેમથી ચાહ્યો છે,
એક સ્વાર્થી પ્રેમ છે અને બીજો ઉદાત્ત પ્રેમ છે.
સ્વાર્થી પ્રેમમાં તારા સિવાય બીજુ બધું છાંડી
તારી યાદથી મારી જાતને હું ભરી રહું છું,
જ્યારે બીજો, જે તને શોભે એવો છે એમાં
હું તને જોઈ શકું એ માટે તું બુરખો ઊંચો કરે છે.
છતાં આમાં કે પેલામાં મારા વખાણ નથી,
પણ આમાં કે પેલામાં તારી જ પ્રસંશા છે.

રાબિયાના વૈરાગી વ્યક્તિત્વમાં ખુમારી છે, આત્મતત્વના જાણકારમાં જ હોઈ શકે એવી ખુમારી. આથી જ પ્રારંભે પ્રભુ માટે ઝૂરતી એવી રાબિયા અંતે ઈશ્વરના ઐશ્વર્યનું પણ અતિક્રમણ કરતા કહે છે,

‘ઓ મારા પ્રભુ, જો હું તને નરકની બીકે ભજતી હોઉં તો મને નરકમાં બાળી મૂકજે, જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં તો મને એમાંથી બાકાત રાખજે, પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં તો તારૂ અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’ આ પ્રાર્થનામાં પ્રભુ સાથે મૈત્રી માટે હાથ લંબાવતી રાબિયા દ્રષ્ટિગોચર થાય છે. આ તેની પ્રાર્થના નથી, પણ કરાર છે – અધિકારથી પ્રભુ પાસે માંગેલો હક્ક છે.

રાબિયાના સમર્પણમાં ગરિમા છે, ઉંચાઈ છે. મિતભાષી રાબિયા બોલે છે ત્યારે એના અવાજમાં એક નીવડેલી વ્યક્તિનું મહિમામંડિત વ્યક્તિત્વ છતું થાય છે. પોતાનું ઓજસ પ્રગટાવતા એ કહે છે, ‘જે વખતે લાલચ આવીને મને મોહમાં નાખવા ચાહે છે તે વખતે હું રડી પડું છું – દુઃખથી નહીં પણ અપમાનથી, કારણ કે લાલચને ખબર નથી કે મારો દોસ્ત તો ખુદા છે.’

પોતાના સદાય જાગૃત એવા ચિત્તને તેણે કદી ઊંઘવા દીધું નથી. શારિરીક દ્રષ્ટિએ સાવ થોડો આરામ લેતી રાબિયા જો વધારે ઊંઘી જવાય તો પણ પોતાના દેહ તેમજ આત્માને તરત જાગૃત ક્રે છે. હંમેશા આવનારી નિંદ્રા શરીર પર આક્રમણ કરે ત્યાં સુધી તે ચેતન રાખવા ઈચ્છે છે. શરીરના ધર્મોને તો તેમણે એટલા ઉલ્લંઘ્યા છે કે લોહી નીકળતી વખતે પણ તેઓ સ્થિર રહે છે અને જણાવે છે કે મને વેદના થતી નથી. કેમકે ભગવાને મને દુનિયાની ઈન્દ્રિયગમ્ય વસ્તુઓ કરતાં એવી અન્ય વસ્તુઓમાં રોકી રાખી છે.

રાબિયાનો પ્રભાવ સમકાલીન સૂફી સંતો પર પણ ઘણો વ્યાપક રહ્યો છે. હુસેન નામના એક ફકીર પોતાનો ઉપદેશ રાબિયા સાંભળે તેમાં જ રસ ધરાવતા. તેમના શ્રોતાઓ સમક્ષ એક વાર રાબિયાની ગેરહાજરીમાં હુસેને કથા કરવાની ના કહી ત્યારે શ્રોતાઓએ પૂછ્યું કે, ‘રાબિયા ન હોય તેથી શું? અમે તો છીએ!’ જવાબમાં હુસેને કહેલું, ‘જે શરબત મેં હાથીના ઉદર માટે તૈયાર કર્યું છે તેને કીડીના ઉદરમાં મૂકીને શું કરું?’ આ હતું રાબિયાનું તેના સંતોના હ્રદયમાં રહેલું સ્થાન.

લોકો સાથે પણ રાબિયાએ જે કેટલાક સંવાદ કર્યા છે તેમાં એક મૌલાની તાકાત વર્તાય છે. પાટો બાંધીને આવેલા એક માણસને ચેતવતા રાબિયાએ જણાવેલું કે માથું ન દુઃખ્યું તેની કોઈ નિશાની તમે મૂકતા નથી તો પછી એક દિવસ માથું દુઃખવાની ફરિયાદ રૂપે પાટો બાંધવાનો તમને શો હક્ક છે? બહારના વાતાવરણમાં વસંતઋતુની શોભા બતાવતા કોઈએ રાબિયાને જણાવેલું કે તેને તો પોતાની અંદર જ આવી શોભા દેખાઈ રહી છે. લગ્નની તેને કદી જરૂર ન જણાયેલી. તેણે તો પોતાનું શરીર પ્રભુને સોંપેલું. હવે કયું શરીર એ પતિને સોંપી શકે?

રાબિયાની આ હેસીયત, તેને આજથી આશરે બારસો વર્ષ પૂર્વે થયેલા હોવાનું નકારે તેવી છે, કેમકે તેના વિચારોની તાજગી, તેમનો પ્રતાપ, તેમની સમજ તેમને આધુનિક વિચારધારાના વાહક ઠેરવે છે. ગુરુ વિના, વિદ્યાભ્યાસ વિના, ગુલામીની જંજીરો વચ્ચે રાબિયાએ પોતાના સ્વત્વને જે રીતે ખીલવ્યું છે તે આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના છે. તેમના ચરિત્રને અંજલી આપતા તેમના ચરિત્રકાર પ્રસિદ્ધ વિદ્વાન ફરીદુદ્દીન અત્તાર નોંધે છે તે યથાર્થ જ છે, ‘પવિત્રતાની એકલતામાં રહેવા માટે પસંદ થયેલી એ, મઝહબી નેકીના બુરખામાં લપેટાયેલી એ, પ્રેમ અને ઝંખનાની આગમાં જલતી એ, પોતાના ઈશ્વરને જઈને ભેટવાની અને એની ભવ્યતામાં કુરબાન થઈ જવાની તમન્નાને વરેલી, દિવ્ય પ્રભુના ઐક્યમાં ખોવાઈ ગયેલી એ સ્ત્રી – માનવોએ સ્વીકારેલી બીજી નિષ્કલંક મેરી છે.

સૂફી મતને રાબિયાએ પોતાના નૂતન વિચારોથી પુરસ્કૃત કરીને ઈસ્લામની જે સેવા બજાવી છે તે સાચે જ, અનન્ય છે.

– દર્શના ધોળકિયા

(‘ચરિત્રસંકીર્તન’ – અખંડ આનંદ સામયિક, દીપોત્સવી અંક, ઓક્ટોબર – નવેમ્બર ૧૯૯૬, માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “સૂફી સંત રાબિયા – દર્શના ધોળકિયા

 • himmatlal aataa

  દેવેન્દ્ર દવેનો કાવ્ય સ્વાદ વાંચ્યો . મારા મૃત્યુ સમયની ઈચ્છા
  इतनातो करना यारब जब रूह बदनसे निकले
  निधिका(मेरी ग्रेट ग्रैंड डॉक्टर ) सरपे दस्त हो मेरा मन भजनमें मस्त हो
  सब आस मेरी नस्त हो जब रूह बदनसे निकले

 • Tausif Ahmad

  jyare tamaru mathu dukhtu nathi teni koy nisani nahi ……….its amazing u knw…….ek line ma aakhi zindagi ni muskeliono samno kari sakay evo vichar.

 • Ismail Pathan

  ખૂબ અભ્યાસપૂર્ણ લેખ…
  રાબિયા (ર.અ.) ની ભકિત એ પ્રેમની પરાકાષ્ઠા અને અનન્ય આત્મસમર્પણ…

 • Kalidas V. Patel {Vagosana}

  સમાજમાં વેરાયેલાં આવાં ગુપ્ત મોતીને વાચકો સમક્ષ મૂકવા બદલ આભાર, દર્શનાબેન.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 • himmatlal aataa

  પ્રિય સુરેશ ભાઈ અને પ્રિય દર્શના ધોળકિયા તમારા તરએથી સુફી બાઈ રાબીયા વિષે જાણવા મળ્યું તમારો હું ઘણો આભાર માનું છું .