યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૫) 1


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ક્યુલિઅન આવ્યે લગભગ બે વરસ થયાં હશે. મારી મા મૃત્યુ પામ્યાના સમાચાર આપતો ટોમનો પત્ર આવ્યો હતો. એક તો માનું શરીર ક્યારેય કાઠું ન હતું. એમાં છેલ્લા એક વર્ષથી એ ધીમે-ધીમે નબળી પડતી જતી હતી. એટલી ઉંમર પણ ન હતી એની! હજુ સાઠ પણ પૂરા નહોતાં થયાં! મા વગરના ઘરની કલ્પના કરવાની મારી શક્તિ જ ન હતી…

“માએ ઘર માટે સાચવીને રાખી હતી,” ટોમે આગળ લખ્યું હતું. “એ વાદળી રંગની કાચની થાળીઓ હું તમને મોકલું છું. મને ખબર છે, તમને પહેલેથી જ એ બહુ જ ગમતી હતી.”

એ થાળીઓના ઉલ્લેખે હું ફરીથી મારી એ જૂની દુનિયામાં પહોંચી ગયો. મારી માને એ થાળીઓ એના લગ્નમાં ભેટ તરીકે મળી હતી. મને એ આટલું સ્પષ્ટ એટલા માટે યાદ હતું, કે એ થાળીઓ અમારા ઘરમાં બહુ જૂજ અવસરો પર જ વપરાતી હતી. ઘરમાં માતા-પિતાના લગ્નનો દિવસ હોય, કે પછી એમના જન્મદિવસ જેવો કોઈ ખાસ પ્રસંગ હોય, તો જ! ઇંગ્લિશ-ચાઇના પ્રકારની એ થાળીઓમાં સોનેરી ધારી અને વાદળી કિનારીની વચ્ચે સફેદ રંગની ઉપર લાલ અને વાદળી રંગના ફૂલોની ભાત પાડેલી હતી! એ થાળીઓને બદલે ટોમે બીજું કંઈ પણ મોકલ્યું હોત, તો હું કદાચ હું આટલો ખુશ ન થાત! બસ, હવે તો એ થાળીઓ આટલી લાંબી સફર ખેડીને હેમખેમ મારા સુધી પહોંચી જાય એટલે બસ!

હું ફરીથી પત્ર વાંચવા લાગ્યો.

ધંધો મુશ્કેલીથી ચાલતો હતો, પણ યુરોપમાં યુદ્ધને કારણે અમેરિકામાં તેજી દેખાશે એવી વાતો જોરશોરથી થતી હતી. પત્રના અંતે ટોમે લખેલી વાત પચાવવી મારા માટે અઘરી હતી.

“ઘણા લોકો કહે છે કે જો યુદ્ધ થશે તો આપણે એનાથી અળગા નહીં રહી શકીએ. જો યુદ્ધ થશે તો હું ચોક્કસ એમાં જોડાઈ જઈશ.”

મારા માટે આ આઘાતજનક વાત હતી. મને મારા કુટુંબ વિષે વિચારો આવતા હતાઃ ક્રાંતિ પછીના દરેક યુદ્ધમાં અમારા કુટુંબમાંથી કોઈને કોઈ શામેલ થયું હતું. હું કોઈ યુદ્ધ-વિરોધી માણસ ન હતો, પણ ગમે તેમ પણ ટોમ આ યુદ્ધથી દૂર રહે એવી મારી ઇચ્છા હતી. યુદ્ધ… હું મારાં ચાઠાં બાબતે વિચારવા લાગ્યો. મને વળગેલો આ રક્તપિત્ત, આ યુદ્ધની આડપેદાશ જ હતી; ખેર, ટોમ યુદ્ધમાં જશે તો યુરોપમાં એને રક્તપિત્તનો સામનો નહીં કરવો પડે.

અહીં આવ્યાના પહેલા અઠવાડિયાથી જ હું નિયમિત રીતે સારવાર લેતો હતો. વિંટને મને કહ્યું હતું કે દરદીઓને અલગ-અલગ જૂથમાં વહેંચવામાં આવ્યા હતા. દરેક જુથ અઠવાડિયે એક વખત સારવાર માટે દવાખાને આવતું. પુરુષો અને સ્ત્રીઓ અલગ-અલગ દવાખાને સારવાર લેતાં. આરોગ્યખાતાના નિયામકે એક નવી સારવાર પદ્ધતિદાખલ કરી હતી, પણ એનો ઉપયોગ મરજિયાત રાખ્યો હતો. નવી પદ્ધતિમાં ચોલમોગરાનું તેલ ઇન્જેકશન મારફત આપવામાં આવતું. મોં વાટે તેલ લેવામાં ઘણીવાર કોઈકને આડઅસર થતી હતી. આ નવી પદ્ધતિમાં એ આડઅસર નડતી ન હતી. ઘણા દરદીઓને ઇન્જેકશનનો ડર લાગતો હતો. એમને જૂનીપદ્ધતિ પ્રમાણે સારવાર લેવાની છૂટ અપાતી. મેં તો નવી પદ્ધતિ જ પસંદ કરી હતી.

ડૉક્ટર સાથેની મારી સૌથી પહેલી મુલાકાત માટે હું પહોંચ્યો, ત્યારે કેટલાયે દરદીઓ દવાખાનાના દરવાજા પાસે અથવા દવાખાના તરીકે વપરાતા એ ઓરડામાં ટોળું વળીને ઊભા હતા. વારો આવે એની રાહ જોતાં સરસ-સરસ ઓળખાણો થતી ગઈ. વસાહત વિશે, અહીંના રહેવાસીઓ વિશે, અને બીજી અન્ય બિનઅંગત વાતો થતી રહી. અમેરિકાની વાતોમાં એમને રસ તો પડતો હતો, પણ સીધી રીતે પૂછતાં અચકાય એટલા વિવેકી એ લોકો હતા. અને હું જ્યારે-જ્યારે વાત માંડતો, શ્રોતાઓ બહુ ઉત્સાહ અને ધ્યાનપૂર્વક મને સાંભળતા રહેતા.

અહીં એક કાર્યકારી ડૉક્ટર પણ હતા, ડૉ. ક્રિસોલ્ગો. ડૉ. વિંટનના સહાયક તરીકે એ કામ કરતા. એમની સહાયમાં એક તાલીમબદ્ધ નર્સની સગવડ પણ હતી. દવાખાનાના એ નાનકડા કમરાની દીવાલને અઢેલીને થોડી ખુરશીઓ અને બે-એક ટેબલ મૂકેલાં હતાં. એક ટેબલ પાસે બેઠેલ નર્સ પાસે કાર્ડ-ફાઇલ રહેતી. કાર્ડમાં દરેક દરદીઓનાં નામ અને તેમની વિગતો લખેલી રહેતી. હું અંદર આવ્યો, ત્યારે ટેબલ પર મારા નામનું કાર્ડ પડ્યું હતું. ડોક્ટર અને નર્સ બંનેએ મને મારું નામ દઈને સરસ રીતે મને આવકાર્યો. ડૉ. ક્રિસોલ્ગોએ પોતાના હાથ જંતુ રહીત કરતાં-કરતાં મને મારી હાલની તબીયત વિશે થોડા પ્રશ્નો પૂછ્યા.

“હું ધારું છું ત્યાં સુધી, મિ. ફર્ગ્યુસન, તમે તમારું મકાન અને જગ્યાની માવજત કરવામાં બહુ જ સક્રિય છો. મને વિશ્વાસ છે કે તમે જે ફેરફારો કર્યા છે તે જોવા આવવા માટેની અનુમતી મને કોઈક દિવસ જરૂર મળશે. ડૉ. વિંટન પોતે પણ બહુ ઉત્સાહી છે તમારું ઘર જોવા માટે!”

“તમે ગમે ત્યારે આવી શકો છો.” મેં પ્રત્યુત્તર આપ્યો.

એ પછી એમણે મને મારા ક્યુલિઅન આવ્યા પહેલાંની સારવાર અંગે લાંબી પૂછપરછ કરી, અને મારી બધી જ વિગતો મારા દફતરમાં નોંધી લેવામાં આવી.

“દર મંગળવારે આ સમયે સારવાર માટે આવવું ફાવશે કે તમને, મિ. ફર્ગ્યુસન?” નર્સે મને પૂછ્યું.

અરે ભાઈ, હું તો સાવ નવરો ધૂપ જ છું, તમે કહો ત્યારે આવી જાઉં! પણ એક વાત હતી, કે સામા માણસ માટે આટલું વિચારતાં માણસો મેં આ અગાઉ ક્યારેય જોયા ન હતા! એમની પાસે કર્મચારીઓના કરતાં દરદીઓ ઘણા વધારે પ્રમાણમાં હતા! અને છતાં એ લોકો મને મારા પસંદગીના દિવસ અને સમય અંગે પૂછી લેતા હતા!

“જરૂર અનુકૂળ રહેશે મને.” મેં નર્સને ખાતરી આપી.

ડો. ક્રિસોલ્ગોએ ખુલાસો કરતાં કહ્યું, કે મને ઇન્જેકશન સ્નાયુમાં આપવામાં આવ્યું છે.

“એવા તો ઘણા દરદીઓ છે જે કોઈ જ સારવાર નથી લેતા. મને દુઃખ થાય છે આ કહેતા, પણ હાલના તબક્કે અમે કોઈ પ્રકારનો આગ્રહ નથી રાખતા. તમે તો સમજો છો બધું, મિ. ફર્ગ્યુસન. મને આશા છે કે તમે નિષ્ઠાપૂર્વક સારવાર ચાલુ રાખશો. એ વાત પણ સાચી છે કે આ સારવાર હજુ નવી છે. પરિણામ અંગે જાણકારી મળતાં વાર લાગશે હજુ. પણ અમને બધાને સારા પરિણામો મળવાની આશા છે.”

“તમે નિશ્ચિંત રહો. હું નિયમિતપણે અહીં આવી જઈશ.” મેં એમને વચન આપ્યું.

ઇન્જેકશનની આડઅસર મારા પર બહુ નજીવી હતી. સોય ખમવાનો કોઈને શોખ તો ન જ હોય, પણ ઇન્જેકશન પછી મને થોડી અસ્વસ્થતા લાગતી. ક્યારેક કોઈકને તો ઇન્જેકશન પછી બહુ ખાંસીનો બહુ જોરદાર હુમલો થઈ આવતો, કે પછી ચક્કર આવતાં. સદભાગ્યે હું એ બંનેથી બચી ગયેલો. જેમ-જેમ હું સારવાર માટે જતો થયો, તેમ-તેમ બીજા લોકોને ધ્યાનથી નિહાળવામાં મને ખૂબ રસ પડવા લાગ્યો. આ બાબતે બધા જ દરદીઓમાં એક સામ્ય દેખાતું.

હું એમના ચહેરાઓનો અભ્યાસ કરતો રહેતો. સોય ઘોંચવાની પળે એ લોકો શું વિચારતા હશે એની ધારણા કરતો. એ લોકો નિરાશ થઈ ગયા હશે? કે પછી આશાનું કોઈ કિરણ જીવતું રહ્યું હશે એમનામાં! દુઃખભર્યા આ સમયની યાતનાઓ સહન કરતી વેળાએ, સાજા થઈને ઘેર પાછા ફરવાનું કોઈ શમણું એમની ભીતર સળવળતું હશે ખરું કે!

*

કામકાજ જેમ-જેમ ઓછું થતું જતું હતું, તેમ-તેમ અમારા કામના કલાકો પણ ઘટતા જતા હતા. જીવનના એ તબક્કે આવીને હું ઊભો હતો, જ્યાંથી જીવનની ઉત્પત્તિને હું સમજી શકતો હતો. મારું પોતાનું કામ તો મને સારું લાગવાનું જ હતું. ટોમસ માટે પણ એ એટલું જ સાચું હતું. આ ઘર જેટલું મારું, એટલું એનું પણ હતું, એ વાત એને સમજાવતાં મારે ઘણો પ્રયાસ કરવો પડ્યો હતો. પણ છેવટે એને આ વિચાર ગમી ગયેલો. એનું પોતાનું ઘર હોવાનો ગર્વ હવે એના મોં પર છલકતો જોઈ શકાતો હતો. પોતાના મિત્રોને એ બોલાવી લાવતો અને આખું ઘર બતાવી વળતો!

ક્યુલિઅનમાં ગાળેલા એ બે વર્ષો દરમ્યાન ટોમસનો વિકાસ બહુ સરસ થઈ ગયો હતો. પ્રયોગશાળાની ચકાસણીમાં હંમેશા પોઝિટિવ આવવા છતાં એના શરીર પર રોગ આગળ વધતો હોવાના કોઈ ચિહ્નો દેખાતાં ન હતાં. નજરે જોઈ શકાય એવો એકાદ ડાઘ એના ચહેરા પર, અને નિતંબ પર બે ડાઘ રહ્યા હતા. આ, અને પ્રયોગશાળાનાંપરિણામો સિવાય, એ સંપૂર્ણપણે સ્વસ્થ અને પ્રભાવશાળી દેખાતો હતો. પરિશ્રમની એના પર બહુ સરસ થઈ હતી. ઘર ચલાવવામાં ભાગ્યે જ એને મારી જરૂર પડતી હતી!

*

ઉનાળાના અંતિમ દિવસો હતા. દિવસના ધોમધખતા તાપમાં તપી ગયેલા વરંડામાં બેસીને, ટોમસ પત્ર લઈને આવે એની રાહ જોતો હું બેઠો હતો. સામેના ટાપુ પરથી આવતી નાનકડી આગબોટની તીણી સીટીનો અવાજ હજુ હમણાં જ સંભળાયો હતો. ઝાંપો ખૂલવાનો અવાજ સંભળાયો. આશાભરી નજરે મેં ફળિયાના ખૂણે નજર દોડાવી. ટોમસ તો આવ્યો ન હતો. એને બદલે એક અજાણ્યો, ઊંચો અને દાઢીવાળો જણ પગથિયા સુધી આવીને મારી સામે તાકતો ઊભો રહ્યો. દેખાવે એ અમેરિકન હોય એવું લાગતું હતું.

“તું તો મને ઓળખતો નથી, નહીં નેડ?” અવાજ! આ અવાજને તો હું ઓળખું છું. એનું નામ યાદ કરવા મારા ભૂતકાળને હું ફંફોસું એ પહેલાં જ એ બોલી ઊઠ્યો.

“બોબ છું હું, બોબ સેલાર્સ.”

“બોબ સેલાર્સ! અરે! તું ક્યાંથી આવી ચડ્યો અહીંયાં? તું… તું અહીંયાં ફરજ પર તો નથી નીમાયોને?”

“ના રે ના. બસ તને મળવા ખાતર જ આવ્યો છું અહીં.”

“બહુ આનંદ થયો તું આવ્યો તો, બોબ! મારી સાથે આવ, ત્યાં આંબા નીચે મુલાકાતીઓ માટેની ખુરશીઓ પડી છે.”

“મને કોઈ ડર નથી, નેડ! મને તો તારી ઇર્ષા આવે છે!” મેં એને માંડીને બધી વાત કરી. બોબ શરીરે બહુ જાડો-પાડો થઈ ગયો હતો, મારા કરતાં ઊંચો અને વજનદાર! મારું વજન તો માંડ નેવું કિલો જેટલું હતું. શરીરે તો એ બહુ સ્વસ્થ દેખાતો હતો, પણ એના કપડાં સાવ ચીંથરેહાલ લાગતાં હતાં.

“મારી ઇર્ષા કરે છે તું? તને તો ખબર છે, કે હું રક્તપિત્તિયો છું.”

“હા, ખબર છે મને. પણ હું પણ એક રક્તપિત્તિયા જેવો જ છુંને! મારો પોતાનો કોઈ દેશ નહીં! અને મારું પોતાનું કોઈ માણસ પણ નહીં! કેવી ખરાબ હાલત છે મારી! હું પાગલ જેવો લાગું છું, નહીં? પાગલ જ જાણ મને તું! હું પોલીસમાં હતો, ત્યારે હું અહીંની એક સ્થાનિક છોકરીને મળેલો. છોકરી બહુ સુંદર હતી! હું એના પ્રેમમાં પડી ગયો અને લગ્ન કરી લીધા. બહુ સરસ સ્ત્રી છે મારી પત્ની, નેડ! પોલીસની મારી નોકરી પૂરી થઈ ગયા પછી ઈલોઇલો ગામમાં મેં એક નાનકડો ધંધો શરૂ કર્યો, એક રેસ્ટોરન્ટ. ધંધો કંઈ ચાલ્યો નહીં બરાબર! અહીં ફિલિપાઇનના ઊંચા વર્ગના ખાતા-પીતા કુટુંબની એ છોકરી! પણ મારી કોઈ જ ઉપયોગીતા નહીં એમને! હું પૈસા કમાઈ શકતો નથી અહીં. પાંચ બાળકો છે અમારે! હું બહુ જ પ્રેમ કરું છું મારી પત્નીને, અને મને લાગે છે કે એ હજુ પણ મને પ્રેમ કરે છે. પણ… તને તો ખબર છે, આ ફિલિપિનોને પોતાના કુટુંબનું કેટલું મહત્વ હોય છે એ! એ ભાંગી પડી છે, નેડ; એ ભાંગી પડી છે. ઘણી વાર મને વિચાર આવે છે કે એને છોડીને હું ઘરભેગો થઈ જાઉં, તો ખરેખર એ સુખી થઈ જાય! પણ આ બાળકો… એ તો મારા જિગરના ટુકડા છે! એમને છોડીને કેમ જઈ શકું હું! વિચારી-વિચારીને મગજ બહેર મારી જાય છે.”

બોબ ત્રણ દિવસ રોકાયો. ડૉ. વિંટને બલાલામાં એના માટે રોકાવાની સગવડ કરી આપી. દરરોજ સવારના પહોરમાં એ આવી જતો. પોતાનું ભોજન એ થેલામાં સાથે જ લઈ આવતો. આખો દિવસ અમે જુના દિવસો સંભારતા રહેતા.

પહેલા દિવસે તો એ જાણે પહેલાનો બોબ લાગતો જ ન હતો! સાવ હિંમત હારી ગયો હતો એ! ચિંતાથી ઘેરાયેલા બોબની આંખો ઊંડી પીડાથી છલકાઇ આવતી હતી.

“નેડ, મને એક વાત કહે! તને ખબર પડી રક્તપિત્ત થયાની, પછી તું આમ ટકી કઈ રીતે શક્યો!”

“બિલ થોમ્પસન અને મારો ભાઈ! બસ આ બે લોકોને કારણે હું આપઘાત કરવામાંથી બચી ગયો. એમણે મારામાં ભરોસો મૂક્યો હતો; એમને નિરાશ કરવાની મારામાં તાકાત ન હતી.”

બિલે મને કહેલું, કે આ આઘાત પીઠ પર ખમીને હું નાસી પણ જઈ શકું, કે પછી સામી છાતીએ એનો સામનો પણ કરી શકું. એ વાત મેં બોબને કરી.

“તું તો બહુ હિંમતવાળો છે, નેડ!”

“તું પણ એવો જ હિંમતવાળો છે બોબ!” મેં એને કહ્યું. એની આંખોમાં ચમક ઊભરી આવી. “તને ખરેખર એવું લાગે છે, નેડ?”

એ આખો દિવસ એણે એ વાત ફરીથી ન કાઢી. પહેલા કરતાં પણ એ ઓછું બોલ્યો.

બીજા દિવસની સવારે એ જાણે સાવ બદલાયેલો લાગ્યો. એની ચાલમાં એક ચપળતા દેખાઈ આવતી હતી.

“નેડ, હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. બેંગ્યુએટ વિસ્તારમાં સોનાની એક નાનકડી ખાણ મળી આવી છે. કદાચ એમાં મને કંઈ કામ મળી જાય, તો પછી પાછળથી મારી પત્ની અને બાળકોને પણ હું ત્યાં લઈ જઈ શકું. બહુ સુંદર દેશ છે એ, એને પણ ગમશે. ખાસ કરીને જો હું કંઈ કમાઈ શકું તો…”

“બોબ, શરૂ કરવા માટે તારે પૈસા તો જોઈશેને! હું તને થોડી મદદ કરીશ. થોડી આવક થાય છે મારે અહીં, અને અહીં મારો ખર્ચ સાવ નહીંવત છે.”

“ના નેડ, હું તારી પાસેથી પૈસા ન લઈ શકું.”

“કેમ ન લઈ શકે તું મારી પાસેથી! લઈ જ શકેને તું! તું પૈસા લઈશ તો મને પણ એ ગમશે, બોબ!”

“તું કહેતો હોય તો ઠીક છે, પણ મારે બહુ થોડી જ રકમ જોઈશે. અને નેડ, જેમ બને એમ જલદી તને પાછા ચૂકવી દઈશ તારા પૈસા! નેડ, તેં તો મારી જિંદગી બચાવી લીધી છે.”

“ગાંડો થઈશ નહીં.” મેં જવાબ આપ્યો.

પછીના બીજા દિવસે તો એ ચાલ્યો ગયો.

એક સાજો નરવો માણસ, બસ્સો માઇલ દૂરથી મારી પાસે સલાહ લેવા આવ્યો હતો, એક રક્તપિત્તિયા પાસે! એ વિચારે જ મારો આત્મવિશ્વાસ ઊછળવા લાગ્યો હતો.

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૫)