યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧૨)


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

બારી બહારથી આવી રહેલા કર્કશ અવાજોથી હું અચાનક જ જાગી ગયો. આટલો વિચિત્ર અવાજ મેં આ પહેલાં ક્યારેય સાંભળ્યો ન હતો. બારી બહાર નજર કરી તો હજુ ભળભાંખળું થતું વરતાતું હતું. બારીના ચોરસ ભાગમાંથી દેખાતું આકાશ કાળાશમાંથી ભૂખરો રંગ પકડી રહ્યું હતું. સવારના આવા વિશિષ્ટ અવાજોનો પરિચય વરસો અગાઉ આ જ ટાપુ પરના ગામડાઓમાં થયાનું મને યાદ આવી ગયું. પણ છતાંયે આજની આ સવાર સાથે એની સરખામણી થઈ શકે તેમ હતી જ નહીં! પછી મને ખબર પડી, કે અહીંના દરેક દરદી માટે એક લડાયક કૂકડો પાળવાનું જાણે ફરજિયાત હતું! અને એમાં પણ, બધા દરદીઓમાં એક એવો વણલખ્યો કરાર હતો, કે દરરોજ સવાર-સવારમાં એક સાથે બધા કૂકડા વચ્ચે લડાઈ શરૂ કરાવી દેવી! આજની સવારની મીઠી ઊંઘ તો બગડી જ ગણવાની હતી! પણ છેલ્લાં આઠ કલાકની ઊંઘને મેં ખૂબ માણી લીધી હતી. આખા અઠવાડિયામાં હું આવી ઊંઘ લઈ શક્યો ન હતો, એટલે ટોમસ શું કરે છે એ જોવા હું ઊઠી ગયો. જોયું તો એનો કમરો તો ખાલી હતો!

“ટોમસ… ટોમસ…!” કૂકડાના અવાજ વચ્ચે મેં મોટો ઘાંટો નાખ્યો.

“આવું સાહેબ, હું અહીં રસોડામાં છું, સાહેબ!” એનો ઝીણો દબાયેલો અવાજ સંભળાયો. દોડીને રસોડામાં જઈને જોયું, તો પેલા જૂના પ્રાઇમસની સામે ઘૂંટણિયે પડીને ટોમસ મથતો હતો.

“આ જુઓને, મેં જ બધી ગરબડ કરી નાખી છે. કેટલીયે દિવાસળી સળગાવી મારી, અને તોયે આ પ્રાઇમસ સળગતો નથી.”

ખડખડાટ હસતો હું ખુરસી પર બેસી પડ્યો. ટોમસ મારી નજીકમાં જ છે અને કોઈ તકલીફમાં નથી એ જાણીને હું ચિંતામુક્ત થઈ ગયો.

“જો ટોમસ. બર્નર પાસે પેલી નાનકડી ઠેસી દેખાય છે તને? એને જમણી બાજુ ફેરવ… વાટ બહાર નથી એટલી જ વાત છે! બ…સ, હવે તારી દિવાસળી સળગાવ, અને જો! સળગ્યોને તારો પ્રાઇમસ…!”

ટોમસ ઊભો થઈ ગયો, અને ખિન્નતાપૂર્વક મારી સામે જોઈ રહ્યો.

“હું તો સાવ ગમાર છું, સાહેબ. મને લાગે છે કે તમે મને બહુ જલદી કાઢી મૂકશો.”

“એવું ન બોલ, ટોમસ! કેમ તને એવું લાગ્યું! આપણે બન્ને તો મિત્રો છીએ! અને મિત્રો એટલે શું એ તો તને ખબર છે જ, નહીં?”

“અરે હા, સાહેબ! મને ખબર છે. મિત્ર એટલે… પાણી ભરવાની આ ડોલ, બરાબરને?”

“તું એને પણ મિત્ર કહી શકે છે. પણ હું કહું છું એ મિત્ર એટલે… ભાઈબંધ, લંગોટિયો યાર… કાયમ તમે સાથે-સાથે જ ફરતા હો, અને… મુશ્કેલીમાં તમને એ મદદ પણ કરે! તમારી કોઈક ખાનગી વાત પણ એ જાણતો હોય! તમને એની સાથે રહેવું બહુ ગમતું હોય, જાણે કે… જાણે કે તમારા ઘરનું જ કોઈ માણસ ન હોય!”

એનો ચહેરો ચમકી ઊઠ્યો.

“એટલે તમે એમ કહેવા માગો છો સાહેબ, કે આપણે પણ એવા મિત્રો બની શકીએ…!”

“બની શકીએ? અરે, તું મારો મિત્રો બની ગયો જ છે, ટોમસ! સાન લાઝારોથી જ આપણી દોસ્તી થઈ ગઈ હતી! અને ડૉક્ટર કહે છે એમ, તું ઇચ્છે ત્યાં સુધી અહીં મારી સાથે રહી શકે છે. અરે… આપણે તો હવે પાક્કા દોસ્ત છીએ, ટોમસ…!”

બિચારો નાનકડો છોકરો! માતાના હેત અને નાનકડી બહેનના પ્રેમથી વછૂટાયેલો હતો! એમની ખોટ તો હું પૂરી કરી શકું એમ હતો જ નહીં! પણ મિત્રતાની મારી દરખાસ્તને ખૂબ જ આતુરતાથી એ વળગી રહ્યો હતો!

પાણી ભરીને એ પાછો આવ્યો ત્યારે મેં એને અમેરિકન નાસ્તો કેવો હોય એ વિશે સમજાવ્યું. ન્યુયોર્કમાં એક વર્ષ ગાળ્યા પછી રસોઈમાં તો હું પાવરધો બની ગયો હતો, પણ બીજાની હાજરીમાં મેં ક્યારેય હાથ અજમાવ્યો ન હતો, એટલે હું થોડો અચકાતો હતો. એની ઉપર નજર રાખવા હું ઊભો ન રહ્યો. થોડું પાણી લઈને હું દાઢી કરવા જતો રહ્યો.

પાછો આવીને જોઉં છું, તો બેઠકખંડમાં એક નાનકડા ખોખા ઉપર મારા માટે એક મોટા વાડકામાં પાકી કેરી, પપૈયું અને લીલાં કેળાં સુધારીને એણે મૂક્યાં હતાં. લીલા રંગના એ પાકા કેળાં મારા માટે તો નવી જ જાત હતી! આ બધું એ ક્યાંથી લાવ્યો એ મેં પૂછ્યું નહીં. અમુક ફળ તો અહીં ઊગતાં હશે એમાંનાં જ લાગતા હતા, પણ અમુક એમાંનાં ન હતાં એવું મને લાગ્યું. એટલામાં એ ઈંડાં લઈને આવ્યો. એ રસોડામાં જાય ત્યાં સુધી મેં રાહ જોઈ. એના ગયા પછી મેં ઈંડું ચાખી જોયું. ભૂખરા રંગનું ઈંડું નક્કર હતું. એ સવારની ટોમસની રસોઈની બરોબરી કરી શકાય એમ ન હતું. બહાર વરંડામાં આંટાફેરા મારી રહેલા કૂતરા તરફ એક ઈંડું મેં સરકાવી દીધું. “હાઉ,” કરતો કૂતરો ઈંડા પાછળ દોડી ગયો. ઈંડું દડબડતું એક ઝાડી પાછળ પહોંચી ગયું. મેં બીજું ઈંડું પણ હાથમાં લીધું, પણ સમય વરતીને મારા ખિસ્સામાં સેરવી દીધું. ટોમસ પાછો આવી ગયો. મારી થાળીમાં ઈંડું કે એનાં છોતરાં પણ એને નજરે ન પડ્યાં. પોતાના હાથમાંની કોફી મારી સામે મૂકતાં એ હસ્યો.

“તમને ઈંડા બહુ ભાવતાં લાગે છે, સાહેબ! હું પણ ક્યારેક રસોઈ બનાવતા શીખી જઈશ કદાચ!” મને એટલું હસવું આવી ગયું, કે કોફીનો ઘૂંટડો મારા મોં માં જઈને ગળામાં જ અટકી ગયો. કોફી એકદમ કરકરી હતી. ટોમસ ચિંતાપૂર્વક જોઈ રહ્યો.

“કોફી બરાબર નથી કે સાહેબ!”

“અરે,” મેં ઉધરસ ખાધી, “બરાબર છે. બસ, હું કોફી થોડી જુદી પીઉં છું, એટલું જ! કોફી સાવ ઓગળી ગઈ હોય એવી મને ગમે છે. આવ હું તને બતાવું.” બચેલી કોફીમાં થોડું ઠંડું પાણી નાખીને ઓગાળીને હું પી ગયો.

દસેક વાગ્યા હશે. અમે પગથિયાનું સમારકામ કરતા હતા, ત્યાં ઝાડી-ઝાંખરાંમાં થઈને ડૉ. માર્શલ આવી પહોંચ્યા.

“કેમ છે!” એમણે કહ્યું.”કામ શરુ પણ કરી દીધું કે! મને ખબર પડી, કે તમને આ જગ્યા ગમી ગઈ છે.” એમની આટલી વાત જ, મારું મોઢું ખોલવા માટે પૂરતી હતી. આ ઘર માટે મેં જે કોઈ યોજના વિચારી રાખી હતી, એ બધી જ હું બોલવા લાગ્યો. હું આ કરીશ… હું પેલું કરીશ… એમને મારી વાતમાં રસ પડતો હતો.

“મનિલામાં તમને જે જોઈએ તે મળી રહેશે. કંઈ તકલીફ પડે, તો ડૉ. વિંટન પાસે પત્ર લખાવજો, હું મોકલવાનો પ્રયત્ન કરીશ. મને લાગે છે કે, આવતી વખતે હું આવીશ ત્યાં સુધીમાં તો તમે આ જગ્યાની શિકલ બદલી નાખી હશે! તમને ફરીથી મળવા આવવું જ પડશે મારે.”

ટોમસના શબ્દોમાં કહીએ તો, ડો. માર્શલને મારા માટે બહુ જ માયા હતી. બહુ અફસોસ સાથે હું એમને જતા જોઈ રહ્યો. ટટ્ટાર પીઠ અને પહોળા ખભા. રસ્તાના વળાંકે અદૃશ્ય થતાં પહેલાં પાછા ફરીને મારી સામે એમણે હાથ ઊંચો કરીને જોરથી હલાવ્યો… એમનું સંપૂર્ણ વ્યક્તિત્વ જીવંત ભાસતું હતું!

બપોર પછી ડૉ. વિંટન મળવા આવ્યા. ઘરની બાજુમાંથી પોતાની સાથે એ એક ખુરસી લઈને આવ્યા.

“વાહ, બહુ સારી પ્રગતિ કરી લીધી છે તમે તો. સરસ! હું ભૂલી જાઉં એ પહેલાં તમને કહી દઉં, આ ખુરસી એ અહીંનો એક બીજો રિવાજ છે. તમે જુઓ છો એ પ્રમાણે અહીં મુલાકાતીઓને આવવાની છૂટ છે. પણ ચેપ લાગે એવી પરિસ્થિતિ અમે બને એટલી ટાળીએ છીએ. મુલાકાતીઓને અહીંની ખાવા-પીવાની વસ્તુ આપવી નહીં. એ ઇચ્છે તો પોતાની વસ્તુ લઈને આવી શકે છે. એમના માટે અહીં પાછળના ભાગે નાનકડી ઝૂંપડીમાં ખુરશીઓ રાખેલ છે. તમે જોયું છેને એમાં?”

“ટોમસ અને હું ત્યાં જઈને એક નાનકડા કાણામાંથી જોઈ આવ્યા હતા. બારણું બંધ હતું એટલે અમે અંદર ગયા ન હતા.”

“એ ઝુંપડીમાં પડેલી વસ્તુઓ અમે જ મૂકી છે. કોઈ મહેમાન આવે તો એમણે માટે જાતે જ ખુરસી લઈ લેવાની, અને જતી વેળાએ પાછી ગોઠવી દેવાની. હું અને બીજા ડૉક્ટરો પણ આ નિયમનું પાલન કરીએ છીએ. સ્વાભાવિક રીતે જ, દરદીઓ આ ખુરશીને ક્યારેય અડતા નથી. કંઈ તૂટફૂટ હોય, કે બદલવી પડે, તો મને જણાવી દેજો.”

તમારા ખોરાક બાબતે હું જરા ચિંતિત છું, નેડ. કોલોની તરફથી ભોજન વહેંચવામાં આવે છે. પણ તમે કદાચ અહીંનો સ્થાનિક ખોરાક પસંદ નહીં કરો. તમને એની આદત નથી. છેવટે થોડા સમય માટે પણ તમે અમેરિકન ખોરાક ઉપર રહો એ સારું રહેશે. તમારી આર્થિક સ્થિતિ કેવી છે એ મને ખબર નથી, તમારે જે જોઈતું હશે એ બહુ મોઘું નહીં પડે અહીં. ટોમસ માટે તો કૉલોનીના ભંડારમાંથી ભોજન મળી જશે. એ પોતાનું રોજિંદું ભોજન જ પસંદ કરશે. અને હા, તમને પેન્શન મળે છે કે?”

“ના, મેં ક્યારેય અરજી નથી કરી. એવી કોઈ જરૂર જ ન હતી…” પણ જો ટોમને કંઈ થઈ જાય તો… “અરજી કરી દેવી સારી રહેશે. જોકે, અહીંયાં હું ખોટા નામ સાથે રહું છું, અને વળી અરજી કઈ રીતે કરવી એની મને  કંઈ ખબર પણ નથી.”

“કંઈ નહીં, એ તો બધું કરી લઈશું આપણે. કંઈ જ જાહેર કરવાની જરૂર નહીં રહે. આ રહી તમારા વિશેની બધી જ નોંધ. મારા ખ્યાલથી તમને મહિને પંચોતેર ડૉલર મળી શકશે, એટલે કે એકસો પચાસ પેસો. એમાં આ જગ્યાનું સમારકામ પણ થઈ જશે, ટોમસને પણ કંઈક આપી શકાશે, અને તમારો ખાધાખોરાકીનો ખર્ચ પણ નીકળી જશે.”

“તમને આ બધામાં ખાસ્સી તકલીફ તો પડશે જ, ડૉ. વિંટન, પણ પૈસા મળી જાય તો સારું જ છે. મારો ભાઈ પૈસા મોકલાવે છે, પણ હું ઇચ્છીશ કે એ બંધ કરી શકાય. થોડાં પૈસા મારી પાસે છે. એ ખૂટી જાય એ પહેલાં કદાચ પેન્શન શરૂ થઈ જાય.”

“તો પછી હું અરજી કરી જ દઈશ. તમને આ વસાહતના ચલણની ખબર તો હશે, નહીં? જુઓ, અહીં અમારું પોતાનું ચલણ અમલમાં છે. તમારા અમેરિકન ચલણને વાપરવા માટે તમારે અહીંના ખાસ સિક્કામાં એને બદલવું પડશે. અમારી પાસે ધાતુના સિક્કા જ છે, કાગળની નોટો નહીં. વસાહતની ઓફિસમાં એ મળી જશે તમને. કોઈને પણ પૂછજો, બતાવી દેશે. હવે અનાજ-કરિયાણાની વાત કરી લઈએ. તમારે શું શું જોઈશે એ મને જરા કહી દેવું પડશે.”

અમે બંનેએ મળીને એક લાંબી યાદી તૈયાર કરી. યાદી લઈને એ વ્યવસ્થા કરવા ચાલ્યા ગયા, કારણ કે મોટરબોટ તે દિવસે જ પાછી જવાની હતી.

“આટલો સામાન આવી જાય ત્યાં સુધી હું મારામાંથી તમને થોડી વસ્તુઓ મોકલી આપીશ. અને હા, હું તો તમને કહેવાનું જ ભૂલી ગયો. ફાધર મેરિલોએ કહેવડાવ્યું છે કે તમારો એકાંતવાસ પૂરો થાય એટલે એ તરત જ તમને મળશે.

મેં એમનો આભાર માન્યો, અને એ સડસડાટ ચાલ્યા ગયા. મને નવાઈ એ વાતની લાગતી હતી, કે આ ડૉક્ટરો આટલી આવ-જા શી રીતે કરતા હશે, અને એ પણ આટલા તાપમાં!

* * * *

બીજી સવારે એમણે ઘણાં ઓજારો મોકલ્યા, અને અમે ઉત્સાહપૂર્વક કામે ચડી ગયા. બારી-બારણાં અને ફર્નિચરનું સમારકામ પતાવીને અમે રસ્તા વાળી-ચોળીને સાફ કરી નાખ્યા. ખાસ્સા દિવસો સુધી એ કામ ચાલતું રહ્યું. ટોમે પણ ઘેરથી બીજી કેટલીયે વસ્તુ સાથે નવાં પુસ્તકો મોકલ્યાં હતાં. એ બધું જોવાનું તો બાકી જ હતું. કામ કરીને થાકું, એટલે પરસાળમાં બેસીને, એક સિગાર સળગાવીને હું કાં તો એ પુસ્તકો વાંચતો, કે પછી થાળીવાજું સાંભળતો. એ પુસ્તકો સાથે હવે મારા જીવનનો કોઈ મેળ પડતો ન હતો. કંઈક જુદી જ દુનિયાની વાતો એમાં લખેલી દેખાતી હતી. મારા હાથમાં ‘સિસ્ટર કૅરી’ નામનું પુસ્તક હતું. એમની કે પછી એ પુસ્તકમાંના અન્ય કોઈ પાત્રની યુરોપના દેશોમાં કોઈને પડી ન હતી, છતાં પણ અમેરિકામાં એ પુસ્તકે બહુ જ ચર્ચાઓ જગાવી હતી. કોઈકનો અવાજ સાંભળીને મેં પુસ્તક બાજુએ મૂક્યું.

“કેમ છો? હું અંદર આવી શકું કે?” ફાધર મેરિલો નાનકડો ઝાંપો ખોલીને અંદર આવીને અમે હમણાં જ સાફ કરેલા રસ્તા પર આવીને ઊભા રહ્યા.

“બસ, એકદમ મજામાં,” મેં ઉત્સાહપૂર્વક કહ્યું. “મને હતું જ કે તમે હવે આવશો.” પાછળ જઈને એ એક ખુરશી લઈને પાછા આવ્યા, અને વરંડામાં ખુરશી ગોઠવીને બેઠા. માથેથી ટોપી ઉતારીને બાજુ પર મૂકી. આટલી સખત ગરમી હતી, પણ અફસોસ એ વાતનો હતો, કે હું એમને પાણી પણ આપી શકું એમ ન હતો!

“તમે ચિંતા ન કરો, હું મારો રસ્તો કરી જ લઉં છું,” હસતા-હસતા એમણે કહ્યું. “વિલ્કિંગ્સન મારા દેવળનો સભ્ય હતો. ટાપુ પર સહુથી ઠંડી જગ્યા હોય તો બસ આ જ છે! અને…” ચારે બાજુ જોઈને એ બોલ્યા, “બહુ મહેનત કરી છે તમે તો! આખી જગ્યા સાવ બદલાઈ જ ગઈ છે.”

“આ તો શરૂઆત કરી છે, ફાધર. હજુ તો બહુ કામ કરવાનું બાકી છે.”

ફાધર હસતા-હસતા મારી સામે જોઈ રહ્યા. “તમારે અમારા આ કામ માટે મારે આશીર્વાદ આપવા પડશે. છેવટે ટોમસને એનાથી બહુ આનંદ થશે.”

ટોમસને સાવ ભૂલી જવા બદલ મને અફસોસ થયો.

“ફાધર, ટોમસે તો બળદની જેમ કામ કર્યું છે.” ટોમસની તુલના બળદ સાથે કરતો જોઈને ફાધર મારી સામે મલક્યા. “ફાધર, તમને ટોમસ સાથે વાત કરવી ગમશે. હું એને બોલાવી લાવું. અને તમે અમારા આ કામ માટે તમે પ્રાર્થના કરો ત્યારે હું જરૂર હાજર રહીશ.”

“તમે ધક્કો ન ખાશો. હું મારી જાતે જ એને શોધી કાઢીશ. અને તમે અમારા દેવળના સભ્ય નથી છતાં આવડી નાની અમથી વિધિમાં હાજર રહેશો એ જાણી મને આનંદ થયો.”

* * * *

ખુરશી જાતે જ ઉપાડીને એ લઈ ગયા. થોડીવાર પછી મને શોધતો-શોધતો ટોમસ દોડતો આવી ચડ્યો. એની મોટી-મોટી આંખો ચમકતી હતી. ચાલતા-ચાલતા અમે દરિયાકિનારે પહોંચ્યા. દરિયાકિનારે પહોંચીને ફાધર મેરિલોએ અમને આશીર્વાદ આપ્યા. અમારી તકલીફો દૂર થાય, અમને અને અમારા સાથીદારોને આ ભૂમિ અને આ ઘર ફળે એવી પ્રાર્થના એમને કરી. અમારાં સુખ-સમૃદ્ધિ માટે એમના આશીર્વચન સાંભળીને હું અને ટોમસ ગદગદ થઈ ગયા. ફાધર મેરિલો સાથે હું વરંડામાં પાછો આવ્યો. પાછા આવ્યા બાદ ફાધરનું મારી સાથેનું વર્તન બદલાઈ ગયું હતું.

“આવતી કાલે આપણે સાંચોને મળવા દવાખાને જઈશું? ડૉ. વિંટન કહેતા હતા કે આપણે મુલાકાતીઓના સમય પહેલાં પહોંચી જઈએ તો સારું. એ સમયે તો બહુ જ ગિરદી રહે છે.”

“હું ચોક્કસ આવીશ -મારે જવું જ છે. એની તબીયત કેવી છે?”

“મને બહુ દુખ થાય છે તમને આ જણાવતાં. એની તબીયત બહુ ખરાબ થઈ ગઈ છે. એને ટયૂબર્ક્યુલોસિસ થયો છે એ તો તમે જાણતા હશો! એની તબીયત આટલી જલદી ખરાબ થઈ ગઈ એનું આ ક્ષય પણ એક કારણ હોઈ શકે છે. રોગનો સામનો કરવાની શક્તિ એનામાં બચી જ નથી. એને મળવા જવું તમારા માટે સહેલું નહીં હોય. વળી એને એમ લાગે છે કે એને કારણે જ તમને ચેપ લાગ્યો છે.”

“અરે, એ તો કેટલી ખોટી વાત છે, ફાધર. એ સમયે અમે તો આખા ટાપુમાં ફરતા હતા. એમના ઘરમાંથી જ મને રોગ લાગ્યો એવું માનવાનું કોઈ કારણ જ નથી. મારે સાંચો સાથે વાત કરવી જ પડશે.” મારે બીજી એક વાત પણ જાણવી હતી. “ફાધર – સાંચોને એક બહેન પણ હતી -કેરિટા…”

“હા, દીકરા. એને પણ રક્તપિત્ત થયો છે. બાળકને જન્મ આપતી વખતે એને ચેપ લાગ્યો હતો. ઘણીવાર આવું બને છે.”

“ના-ના, એવું ન બને. એ કેરિટા નહીં હોય. હું તમને કહું… એ ક્યાં છે? અને એને પણ રક્તપિત્ત થયો હોય, તો એ અહીં કેમ નથી?”

“એ તો કંશેપ્શિઅન નામની જગ્યાએ શિક્ષિકા હતી, અને સેબુના રક્તપિત્તના દવાખાનામાં એને દાખલ કરી છે.”

“એને કેમ છે? ક્યાંક સાંચોની જેમ એને પણ…”

“ના, દીકરા. સાંચોની સરખામણીએ એને કંઈ જ નથી થયું. તમારે આ બધું આટલી ગંભીરતાથી લેવું ન જોઈએ. અહીંયાં પરિસ્થિતિ આથી પણ વધારે ગંભીર થઈ શકે છે.”

મેં હસી દીધું, પણ એ હસવામાં કોઈ હળવાશ ન હતી.

“આથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ આવી શકે, નહીં! એને રક્તપિત્ત થયો છે, અને તમે કહો છો કે આથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ આવી શકે? એ બિચારી સુંદર નાનકડી મજાની છોકરી, કેટલી સરસ છોકરી… તમારા ભગવાનને એટલી પણ ખબર પડતી નથી કે આટલી સુંદર છોકરીને…”

“ઈશ્વરની લીલા કોણ સમજી શક્યું છે, દીકરા…”

“ઈશ્વરની લીલા,” હું બરાડ્યો. “વાહ, કેવો ઈશ્વર છે, કે જે ખરા સમયે સાંચો અને કેરિટા જેવા બાળકોને મદદ કરવાને બદલે એના તરફથી મોં ફેરવી લે છે! આવા ઈશ્વર વિશે મને કંઈ જ ન કહેશો…!”

એ કંઈ જ ન બોલ્યા.

અચાનક જ મને ક્ષોભ થઈ આવ્યો. હું ચૂપ થઈ ગયો. એમણે પણ કંઈ જ ન કહ્યું. છેવટે હું ધીમા અવાજે બોલ્યો. “મને બહુ શરમ આવે છે. તમે તો મારા ઘરમાં મહેમાન થઈને આવ્યા છો.” એ ફિક્કું હસ્યા. પણ એમના ચહેરા પર ધૈર્ય ફેલાયેલું દેખાતું હતું.

“અને મેં આ ઘરને મારા આશીર્વાદ આપ્યા છે, મારા એ જ ઈશ્વરના નામે. આશીર્વાદ કદી પણ નિષ્ફળ નથી જતા. અને હું અહીં જ તો બેઠો છું તમારી સામે. મને કોઈ માઠું નથી લાગ્યું!”

વધારે સહન કરી શકવાની મારી શક્તિ ન હતી. ઊભો થઈને હું બારી પાસે જતો રહ્યો, અને વીખરાયેલા બગીચાને જોવા લાગ્યો. ઘણા સમય સુધી એ રાહ જોતા રહ્યા. મને ખબર પણ ન પડી કે એ ક્યારે મારી પાસે આવીને ઊભા રહી ગયા. મારા ખભે એમના હાથનો સ્પર્શ વર્તાયો.

“આવા ઘા તો ખમવા જ રહ્યા, દીકરા! મને થયું કે આપણે ત્યાં જઈએ એ પહેલાં તમને સાંચોની આ પરિસ્થિતિની જાણ હોય એ સારું થશે. સારું ત્યારે, ચાલો. હું જાઉં છું. ઈશ્વર તમારી રક્ષા કરે. શુભ રાત્રી.”

* * * *

ગુસ્સામાંને ગુસ્સામાં, કબાટમાંથી વ્હિસ્કીની બોટલ કાઢીને હું બગીચામાં જતો રહ્યો. કાયદો કાયદાની જગ્યાએ ભલે રહ્યો, અત્યારે તો મારે આ શરાબનો સહારો લેવો જ રહ્યો! બોટલ લઈને હું પાછો ઘરમાં આવ્યો. ટોમસ મારું ભોજન લઈને મારી પાસે આવ્યો, પણ હું તેની સાથે વાત પણ ન કરી શક્યો. મારા હાથમાં વ્હિસ્કીની બોટલ જોઈને એની આંખમાં સમજદારીભરી ચમક આવી ગઈ.  ધીરેથી એ ચાલ્યો ગયો. બહારથી કોઈ ઘરઘરાટવાળા અવાજો સતત મને બોલાવતા રહ્યા. એમને જવાબ દેવાનો મેં પ્રયત્ન કર્યો, અને પછી અચાનક હસી પડ્યો. એ અવાજ તો ગેટકો નામની એક મોટી ગરોળીનો હતો. ફિલિપાઇન્સના ઘરોમાં એ ગરોળી ઘણી વખત દેખાતી.

વહેલી પરોઢ થઈ હોય એમ કુતરાંના ભસવાનો અને રડવાનો અવાજ આવતો હતો. એના જવાબરૂપે એથી પણ ભયંકર લાગતો જંગલી કુતરાંના રડવાનો અવાજ સંભળાયો. એ શિકારી કુતરાં પહાડો પરથી કબ્રસ્તાનમાં રખડવા રાત્રે આવી ચડતા હતા. બોટલ ઊંચકીને મેં મોઢે માંડી. આ ભયાનક વાતાવરણમાંથી બહાર આવવાનો એ એક માત્ર ઇલાજ દેખાતો હતો.

ઊંઘ આવે એ પહેલાં જ હું શરાબના નશામાં ધુત થઈ ચૂક્યો હતો.

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.

આપનો પ્રતિભાવ આપો....