ચાહત – ભરત કાપડીઆ 4


નિયતિ કેવી અજબ, કેવી નિતનિરાળી છે, એ અલગ અલગ સમયે અલગ અલગ સ્થાનેથી કાંઇક ને કાંઇક અચરજ ઉછાળતી રહેતી હોય છે. ક્યારેક તાતાથૈયા કરતી ખુશીની બૌછાર, ક્યારેક ઠંડા બરફ જેવી સ્થિર પણ સતત ઝમતી રહેતી ગમગીની, તો ક્યારેક still photograph જેવી શિલાની માફક ચોંટી રહેતી શૂન્યમનસ્કતા.

મોટે ભાગે એ અજનબીઓ જ અજનબીઓ સાથે મેળવ્યા કરે, જેમાં ન આપણે કાંઈ મેળવવાનું હોય કે ન પેલા અજનબીએ. રેલના પાટાની જેમ બસ બાજુમાંથી પસાર થઇ જવાનું. (દુર્ભાગ્યવશ, ક્યારેક કેટલાક લોકોને પોતાના પરિવારજનો સાથે એમ રહેતાં જોઈએ, ત્યારે આ અકળ નિયતિ પર હસવું આવ્યા વિના ના રહે.) પરંતુ, ક્યારેક તે પીડાદાયી સંબંધો આપે, એમ પણ બને. તો ક્યારેક હરિયાળીથી ભરપૂર બારમાસી લીલોતરી જેવા લીલાછમ નાતા પણ જોડી આપે. જેને ન આપણને ગુમાવવાનું પાલવે કે ન પેલા પ્રિયપાત્રને.

વિચારજો, તમારા જીવનમાં પણ આમ બનતું જ હશે. કેટલાક ખંખેરી નાખવા જેવા અજનબીઓ, તો કેટલાક ખંખેરી નાખવા જેવા સ્વજનો. કોક કોક ચીપકી રહેવા જેવા સ્વજન, તો કોક ચીપકી રહેવા જેવા દૂર-જન, યાદી કરજો. આંગળીના વેઢા તો ઠીક, ટેરવાં પણ વધી પડશે.

ક્યારેક લાગે કે કોક દૂરનું કે કોક નજીકનું પીડા આપવામાં નિમિત્ત બન્યું. જયારે ઊંડા ઊતરીએ તો ખ્યાલ આવે કે એ પીડા આપનાર કરતાં પીડા પામનાર આપણે એ પીડાના અહેસાસ માટે વધુ જવાબદાર હતા. ના, તેને નહીં ઓળખવા બદલ કે તેને આપણને પીડા પહોંચાડવા જેટલા નજદીક આવવા માટે નહીં, એ તો સ્વાભાવિક જ બનતું હોય છે. ક્યારે કોણ કેટલું નિકટ આવે, એ આપણા હાથમાં થોડું હોય છે ? આપણી લાગણીશીલતા, સામેના માણસનો ઝુકાવ અને નિયતિ તો ખરી જ. નિકટતા સ્થપાવાની હોય તો એને કોઈ ટાળી શકતું નથી. અને હરદમ સુરક્ષાકવચ ઓઢીને ફરવાનો મતલબ પણ નથી હોતો કે ના, હું કોઈને મારી નજીક જ ના આવવા દઉં કે જેથી પાછળથી મારે પીડાવું ન પડે. આખરે આ જિંદગી છે શાના માટે ? ગમતું કોઈક આપણને ચાહે અને આપણને એ ચાહતની પ્રતીતિ આપે, સામે આપણે પણ એ ચાહતને લાયક બનીએ.

ચાહવાની બાબતે ક્યારેય એવો ગર્વ ન કરી શકાય કે મેં વધુ કર્યું કે તેણે ઓછું કર્યું. સુન્દરમની એક મસ્ત કવિતા મને ખૂબ ગમે છે,

મેરે પિયા મૈં કછું નહીં જાનૂં,
મૈં તો ચુપચુપ ચાહ રહી.
મેરે પિયા, તુમ કિતને સુહાવન,
તુમ બરસો જિમ મેહા સાવન,
મૈં તો ચુપચુપ નાહ રહી.
મેરે પિયા તુમ અમર સુહાગી,
તુમ પાયે મૈં બહુ બડભાગી,
મૈં તો પલ પલ બ્યાહ રહી.
– સુન્દરમ

ચાહતમાં આપવાનું મહત્ત્વ હોય, પામવાનું નહીં. વરસવાનું હોય, ગણવાનું નહીં. આપણે આપણી મસ્તીમાં ચાહ્યે જવું. આપણી મસ્તી ક્યારેય કોઈ છીનવી શકે એમ ન બનવું જોઈએ. આપણી મસ્તી જીવતી રહે, પેલી વ્યક્તિના action-reaction આપણા વર્તનનો કે સુખી-દુઃખી હોવા માટેનો રિમોટ કંટ્રોલ ના બને એટલી સજ્જતા કેળવવી પડે.

જે. કૃષ્ણમૂર્તિએ સરસ કહ્યું છે, To love and be loved is the greatest happiness of existence.

શું તમને કોઈએ ચાહ્યા છે કે તમે કોઈને ચાહો છો?

– ભરત કાપડીઆ


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ચાહત – ભરત કાપડીઆ

 • Hitesh

  આપનિ મસ્તિ જિવતિ રહે અને આવ લેખો લખાવti રહે. …….આવા dyo…….

 • Harshad Dave

  અઢી અક્ષરનો શબ્દ બહુ વગોવાઈ ગયો છે તેથી ‘ચાહત’ (પ્રેમ/ઈચ્છા) ને- લઘુનિબંધકારે લલિત લયમાં સ્વેચ્છાએ સરકતા વહેણને- વહેવા દીધી છે. પ્રેમની અનુભૂતિ પામવી એ અઘરી વાત છે. ‘કિસીકે બસ કી બાત નહીં.’ તેને આ રીતે અક્ષર-સ્વરૂપ આપવું એ પણ સહેલું નથી. પણ શ્રી ભરતભાઈની મનોમય ભૂમિકા પાઠકને સહભાવક બનવા પ્રેરે છે અને તેથી તે સહ-અનુભૂતિ પામે છે….બહુ જ સુંદર ભાવાભિવ્યક્તિ…વહેતી રહે …વહેતા રહો…આભાર-અભિનંદન.-હર્ષદ દવે.

 • Kalidas V. Patel { Vagosana }

  સમગ્ર જગતને ચાહવાનું ચાલુ કરો , પછી જુઓ તમારે કોઈ ફરિયાદ કરવાની રહેશે જ નહિ. બલ્કે સમગ્ર વિશ્વ તમને ચાહતું દેખાશે. … આ તો પડઘા જેવું છે. જેવું બોલો તેવો જ પડઘો સામે પડે ! … બસ, હવે તમારે નક્કી કરવાનું છે કે … કેવું બોલવું ?
  મજાનો લેખ આપ્યો, ભરતભાઈએ. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}