યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૭) 4


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

ન્યુયોર્ક પહોંચતાં મને ઘણા દિવસો લાગ્યા, પણ છેવટે પહોંચી જવાયું! ટોડની ઑફિસ પૂર્વ-૪૦ વિસ્તારમાં હતી. કાર પાર્ક કરીને હું અંદર ગયો. હું સાવ ચીંથરેહાલ દેખાતો હતો. નર્સ ફર્ગ્યુસન નામથી પરિચીત હતી. એક લૅબોરેટરી જેવી જગ્યાએ એ મને દોરી ગઈ. પાંચેક મિનિટ પછી એક માણસ અંદર આવ્યો. મારા ગામના ડૉક્ટર કે પછી બીલ કરતાં એ સાવ જુદો જ લાગતો હતો. વ્યવસ્થિત કાતરેલી મૂછ અને બકરાદાઢીમાં એ ડૉક્ટરને બદલે કોઈ કૉલેજના પ્રોફેસર જેવો વધારે લાગતા હતા. પણ એ હતા બહુ માયાળુ.

“તમને નહાવાની ઇચ્છા હશે જ.” એમણે વિવેકપૂર્વક કહ્યું.

પેલા બારણાની બહાર જમણી બાજુએ જશો એટલે બાથરૂમ હશે.” નહાવાનું…! મને તો જાણે મોટો ખજાનો એમણે આપી દીધો હોય એવું લાગ્યું.

“હું મારાં કપડાંની બેગ લઈ આવું?” એમણે માથું હલાવ્યું. હું ઝટપટ નીચે કાર સુધી જઈને મારી બેગ લઈ આવ્યો. બાથરૂમમાં ફુવારાની સગવડ હતી. રસ્તામાં શરીર લૂછીને કામ ચલાવેલું એટલે નહાવાથી ખૂબ જ સારું લાગ્યું. મેલાં કપડાં બેગમાં ભરી લીધાં. ડૉક્ટરે કાળજીપૂર્વક મને તપાસ્યો. વાંસા પરના એક ચાઠાની જગ્યાએ તો એમણે ઘણીવાર સુધી તપાસ્યા કર્યું.

“હવે જઈને કપડાં પહેરી લો, પછી વાત કરીએ. એમની ‘વાત’ બહુ ઉત્સાહપ્રેરક ન હતી. એક નવો ડાઘ ઉભરતો હોય એવું એમને લાગ્યું હતું.

“તમે ઓછામાં ઓછાં છ મહિના તો અહીં રોકાઈ શકશો,” એમણે નિર્ણય જણાવ્યો, “અને જુઓ, કે કંઈ સુધારો દેખાય છે કે નહીં! સ્પષ્ટ વાત કરું તો… રોગ તો વધી રહેલો દેખાય છે. બોલો, તમે અહીં રહેવા માગો છો?” મેં સંમતી આપી.

“થોમ્પસન કહેતા જ હતા કે તમે રહેશો! એમણે મને તમારા માટે સગવડ કરી રાખવાનું કહેલું. અને મિ. નેડ ફર્ગ્યુસન, એ પ્રમાણે, ગ્રીનવીચ ગામમાં મેં તમારા માટે એક નાનકડું મકાન ભાડે રાખી લીધું છે. થોડી અલાયદી છે એ જગ્યા. તમારી રસોઈ તમારે જાતે કરવાની રહેશે, સાફસફાઈનું કામ પણ જાતે જ કરવાનું રહેશે. ત્યાં સુધી કે તમારા કપડાં પણ જાતે જ ધોઈ લેવા પડશે. પુરવઠાખાતાને મેં કાયમી સૂચના આપી દીધી છે, અને તમારા ખાધાખોરાકીની વસ્તુઓ તમારા બારણે મૂકી દેવામાં આવશે. એમાં કંઈ ફેરફાર કરવા હોય તો તમે મને ફોન કરી શકો છો; મારી નર્સ બધું સંભાળી લેશે. હા, ફોનની વ્યવસ્થા છે, અને એ ક્યાંય નોંધાયેલો નથી. ક્યારેય એ ખોટકાય, તો મને જાણ કરજો. પૈસામાં માત્ર સિક્કા જ વાપરજો, અને એની લેવડ-દેવડ પહેલાં આલ્કોહોલથી સાફ કરી લેજો. એ કરતા પહેલાં હાથમોજાં પહેરજો અને બહાર જતી વખતે હંમેશા હાથમોજાં પહેરજો. આ એ જગ્યાનું સરનામું છે. આ પરબીડિયાંમાં થોડી કૅપ્સ્યુલ છે. એ ચૌલમોગરા છે. દરરોજ બે કૅપ્સ્યુલ લેવાનું રાખજો. એનાથી ઊલટી થાય અને સહેવાય નહીં, તો બંધ કરી દેજો. દર શનિવારે સાંજે પાંચ વાગ્યે અહીં મારી પાસે આવી જાવ, એમ હું ઇચ્છીશ. એ સમયે અહીં બીજા કોઈ દરદી નહીં હોય.”

એક બોટલમાં તપખીરિયા રંગનું પ્રવાહી પણ એમણે મને આપ્યું.

“તમારી શક્તિ જળવાઈ રહે, એ પણ મહત્વનું છે. તમે શરાબ પીઓ છો?”

“પીઉં છું, પણ વધારે નહીં.”

“સારી વાત છે. કોઈ પણ બાબતનો અતિરેક તમારા માટે નુકસાનકારક સાબિત થશે. અને કોઈ પણ વ્યક્તિ સાથેના તમામ સંપર્કને ખાસ ટાળજો.”

કેવા ઠંડા કલેજાનો માણસ હતો એ! નર્સ આવીને મને કેટલીક ચાવીઓ પકડાવી ગઈ. કદાચ ડૉક્ટરે જ નર્સને બટન દબાવીને બોલાવી હશે! જવા માટે હું તૈયાર હતો.

“હું ધારું છું કે એ જગ્યા તમને પસંદ પડશે,” ઓચિંતા એમણે કહી નાખ્યું.”આપણી પાસે બહુ વિકલ્પો નથી હોતા. શક્ય હોત તો તમારી સાથે હું આવત, પણ… એકાદ કલાકમાં હું ફોન કરીશ.”

જગ્યા શોધતાં મને થોડી તકલીફ જરૂર પડી, પણ મળતાવેંત મને તો બહુ જ ગમી ગઈ! બહુ જ સુંદર જગ્યા હતી એ! હડસન નદીની સામે પાર એક લુહારની પૈડાના સમારકામની બંધ થઈ ગયેલી એ એક દુકાન હતી. વાહનોની ખૂબ આવન-જાવન હતી. દસેક ફૂટથી પણ સાંકડી અને દુકાનની એકબાજુના એકઢાળિયા જેવી જગ્યામાં એ રહેતો હતો. જૂની એરણ અને પૈડાં હજુ પણ દુકાનમાં જ પડ્યાં હતાં. બે માળના એ મકાનમાં ભોંયતળિયે રસોડા અને બેઠકખંડની વચ્ચે એક નાનકડી પરસાળ હતી. પરસાળમાંથી એક સીડી દ્વારા ઉપરના માળે બે ઓરડા અને બાથરૂમ સુધી જઈ શકાતું હતું. પરસાળમાંથી એક બારણું પાછળની બાજુએ ખુલ્લી જગ્યામાં ખૂલતું હતું. મોટાભાગની ખુલ્લી જગ્યામાં પત્થરોથી ફરસબંધી કરેલી હતી. વચ્ચે ક્યાંક-ક્યાંક ઈંટોની પાળી કરેલી ફૂલક્યારીઓ પણ હતી. એલિન્થસ પ્રજાતિનું એક વૃક્ષ પણ ફળિયામાં હતું. કમરાની બધી જ બારીઓ પૂર્વ દિશાએ ખૂલતી હતી. એ બાજુની બંધ દુકાન ખાસ્સી નીચી હતી, એટલે સવારનો કુણો તડકો મળી રહેવાનો હતો. જગ્યા સાફસૂથરી હતી. મારા માટે ખાધાખોરાકીનો સામાન પગથિયા ઉપર પડ્યો હતો. થોડી વાર માટે આમ-તેમ અંદર-બહાર ફરીને લાગ્યું કે રાચરચીલું પૂરતું થઈ રહેશે, એટલે બધો સામાન ઊંચકીને અંદર લઈ ગયો, અને એક ટેબલ પર ખડક્યો. ટાઈપરાઈટર, થાળીવાજું અને થોડાં કપડાં પણ અંદર લઈ આવ્યો. ડૉક્ટરને ત્યાં કાઢેલી કપડાની બેગ મેં કારમાં જ રહેવા દીધી. ખિસ્સામાંથી ટોમ જે પત્રો લાવ્યો હતો તેમાંથી જેનના ત્રણ પત્રો મેં કાઢી લીધા. એ સિવાયના પત્રો કારમાંની બેગમાં મૂકી દીધા. એટલામાં ડૉ. ટૉડનો ફોન આવ્યો. મકાન સારું હોવાની વાત મેં એમની સાથે કરી.

કાર લઈને હું નીકળી પડ્યો. મેનહટ્ટન અને પેલે પાર બ્રૂકલીન ફરતે ચક્કર કાપતા મને અંદાજ આવી ગયો, કે મારા ‘આપઘાત’નું દૃશ્ય ઊભું કરવું એટલું સહેલું નહીં બને! મારી ધારણા કરતાં આ શહેર બહુ મોટું હતું. ત્યાં જુઓ ત્યાં માણસો જ માણસો!

એક સુઘડ ડેરી સ્ટેન્ડ પરથી મેં દૂધની બોટલ ખરીદી. ત્યાં કાગળમાં વીંટાળેલી સેન્ડવિચ પણ મળતી હતી, એટલે બે સેન્ડવિચ ખરીદી. ખાઈ-પીને તાજા થઈને મેં ફરીથી શોધ આદરી. છેવટે એક યોગ્ય સ્થળ મળી ગયું. હાર્લેમની જમણી બાજુ નદી કિનારે હોડી ઊભી રાખવાનો એક ધક્કો હતો. ત્યાં પહોંચવાનો રસ્તો ખાસ વપરાતો ન હોય એવું લાગ્યું. સંતુષ્ટ મનથી હું મારા મકાને પરત આવ્યો. (હાર્લેમ – મેનહટ્ટનનો એક જિલ્લો)

રાત્રે બે વાગ્યે હું ફરીથી એ સ્થળે પહોંચી ગયો. એ સમયે રસ્તાઓ, કેડી, બધું જ સૂમસામ હતું. ધક્કા પર પણ કોઈ જ ન હતું. કારને ધક્કાના છેક છેવાડા સુધી હું હંકારી ગયો. એંજિન ચાલુ જ રાખીને બ્રેક છોડી દીધી, ગિયર પાડીને હું કારની બહાર કૂદી પડ્યો. કાર પાણીમાં પડીને પલટી ખાઈને છેક તળિયે બેસી ગઈ. એક માણસ દોડતો મારી દિશામાં આવતો દેખાયો, પણ એ સોએક વાર છેટે હતો. હું બાજુ પર થઈને ચૂપચાપ બહાર નીકળી આવ્યો, અને ચાલતો જ થઈ ગયો. કોઈનું ધ્યાન મારા તરફ ગયું નહીં.

સવારે બહાર જઈને છાપું ખરીદી લાવ્યો. છાપાવાળાને સિક્કા આપવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો. ટેવ ન હોવાથી હાથમોજા સાથે સિક્કો કાઢવામાં ભારે ફાંફાં મારવા પડ્યા! ચૌદમા પાને મારા ‘મૃત્યુ’ના સમાચાર છપાયા હતા. કાર બહાર કાઢવામાં આવી હતી. મારી બેગ, અને સાથે-સાથે પેલા મારા ઘરના સરનામાવાળા પત્રો પણ એમને મળી ગયા હતા, પણ શરીર ગાયબ હતું! હાર્બર પોલિસ પોતાની રીતે ધીમે-ધીમે તપાસ કરી રહી હતી, પણ જોરદાર ભરતીને કારણે મૃતદેહ ખેંચાઈને દરિયામાં તણાઈ ગયો હોવાની શક્યતા હતી!  મૃતદેહ બની જવાની કલ્પના માત્રથી મારા શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું.

એ પછી ન્યુયોર્કમાં હું એક વર્ષ રહ્યો. ટૉડ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો કરતા હતા. છેલ્લે-છેલ્લે તો એમની સાથેના સંબંધો ઠીક-ઠીક ગાઢ બની ગયેલા! એમણે રક્તપિત્તના બીજા દરદીઓની સારવાર કદાચ કરી પણ હશે; પણ મને એની કોઈ જાણકારી ન હતી. ખરેખર તો… એ પૂરા સમયગાળામાં હું કોઈનેય મળ્યો નહોતો, છેવટે નોંધ લેવાય એ રીતે તો નહીં જ! મારી આજુબાજુ પચાસ લાખ જેટલા જીવતા-જાગતા લોકો હરી-ફરી રહ્યા હતા, અને એમની વચ્ચે એકલવાયા બની રહેવાના પૂરતા પ્રયત્નો મેં કર્યા હતા! સબ-વે મારા માટે હંમેશા એક રહસ્ય જ બની રહ્યા! ટ્રૉલી અને ટ્રેનથી તો મારે બચીને જ રહેવાનું હતું! બેઝબોલની રમત પાછળ હું પાગલ હતો, એટલે, ચાલુ દિવસો દરમ્યાન પોલો ગ્રાઉન્ડમાં જઈને, બીજા પ્રેક્ષકોથી દૂર, છાપરા વગરની પાટલીઓ પર, સાથે લઈ ગયેલા છાપાને પાથરી, પગ ફેલાવીને બેસી જાઉં! આવતાં-જતાં હું ચાલતો જ જતો! બહુ સરસ ઋતુ હતી એ! મેકગ્રો ટીમના વિજેતાઓ ગર્વથી છાતી ફુલાવતા ફરતા હતા. ક્રિસ્ટી મેથ્યુસનના પિચિંગને જોવાની બહુ મજા આવતી. એ જોવા માટે સાત માઈલ આવતી વખતે અને સાત માઈલ જતી વેળાએ થઈ જતા, પણ એ વસૂલ થઈ જતા!

રાત્રે જ્યારે ઊંઘ ન આવે ત્યારે હું બગીચાઓમાં રખડ્યે રાખતો. ફિફ્થ એવન્યુના ખુણે વોશિંગ્ટન સ્ક્વેરથી લઈને ઓગણપચાસમી શેરી પાસે સેન્ટ્રલ પાર્ક સુધી, વળાંકોવાળા રસ્તાઓ ઉપર ચોફેર અને સામસામે. કે પછી બ્રોડવેની ચકાચોંધ કરી દેતી રોશનીમાં! એ રોશની જાણે બીજા બધાને માટે હતી, માત્ર હું જ એનાથી વંચિત રહેતો હતો! સ્ત્રી-પુરુષો રંગબેરંગી આકર્ષક પોષાકો પહેરીને આમ-તેમ આવતાં-જતાં, ખડખડાટ હસતાં…!

મને લાગે છે કે, હસવું કોને કહેવાય એ હું એ વર્ષે સદંતર ભૂલી ગયો!

*

એક વખત પ્રસિદ્ધ ઇટાલીઅન કંપોઝર કેરુસો મેટ્રોપોલિટનમાં ગાવાના હતા. મેં મનોમન જાતને સમજાવી દીધી, કે વહેલા જઈને પહેલી લાઈનમાં બેસી જઈશ, તો કોઈને કંઈ જ વાંધો નહીં આવે. હું વહેલો-વહેલો પહોંચી પણ ગયો. પણ લોકો આવતા જ ગયા, આવતા જ ગયા! બહુ જલદી મારી પાછળનો માણસ મને ધક્કા મારવા લાગ્યો. હું તરત જ કતારની બહાર નીકળી ગયો. મારી પાછળનો માણસ મને તાકી રહ્યો.

“કતારમાં આવી જા,” એણે બૂમ પાડી. “બહાર શા માટે નીકળી જાય છે? ટિકિટબારી હમણાં જ ખૂલશે…!”

એ રાતે હું ફરતો-ફરતો પાછો ઓપેરા હાઉસ ગયો. મોડું થઈ ગયું હતું, પણ ઓગણચાલીસમી શેરીની બાજુમાં ડઝનેક સ્ત્રી-પુરુષો એમ જ ઊભા હતા! એક પોલિસ પણ ચોકી કરતો ઊભો હતો. હું આમ-તેમ ફરતો હતો, ત્યાં જ એક સોનેરી જાદુભર્યો અવાજ સંભળાયો. હૂંફાળી રાત હતી, વેન્ટીલેટર્સ ખુલ્લાં હતાં. એમાંથી ચળાઈને અવાજ આવી રહ્યો હતો. ઊભા રહીને મેં સાંભળ્યા કર્યું. એ રાતે મને કેરુસોને સાંભળવાનો મોકો મળ્યો.

બીજા દિવસે ડૉ. ટોડનો ટેલિફોન આવ્યો. એમણે મને એમની ઑફિસે આવવા કહ્યું.

“મિ. ફર્ગ્યુસન,” એમણે કહ્યું. “તમારી તબીયતમાં કોઈ સુધારો થતો દેખાતો નથી. તમને આ કહેતાં મને બહુ જ દુખ થાય છે.” આ બાબતે જો મેં વિચાર્યું ન હોત, તો તો મને બહુ મોટો આઘાત લાગ્યો હોત! મેં મારો નિર્ણય લઈ લીધો હતો. આ વિશાળ શહેરની એકલતાને સહન કરવી, શહેરમાં રહેવું અને શહેરના ન રહેવું એ હવે શક્ય ન હતું!

“ડૉક્ટર, તમે બીલને પત્ર લખી જણાવશો? હું ક્યુલિઅન જવા માગું છું.”

ડૉક્ટર કબૂલ હતા. હું પાછો મારા એકદંડિયા મહેલમાં ભરાઈ ગયો. બીલે પોતાનું વચન પાળ્યું. તરત જ એમનો પત્ર આવ્યો. સેન ફ્રાન્સિસ્કોથી બહુ જલદી એક વાહન ઉપડવાનું હતું. શું હું એ પકડી શકીશ? મેં ટોડને કહ્યું કે હું પકડી શકીશ, પકડીશ જ! મેં મારા ભાઈ ટોમને મારો નિર્ણય લખી જણાવ્યોઃ

પ્રિય ટોમ,

હવે તો હું છેક છેવાડે પહોંચી ગયો છું! આ નાટકને લાંબું ખેંચવાનો પ્રયત્ન કરવો મારા માટે હવે હાસ્યાસ્પદ બની રહે છે. હું સાજો-સમો થઈ જઈશ, કે મારે સાજા થવું જોઈએ એવા એક મૂર્ખતાભર્યા જિજીવિષાભર્યા વિચારને હું વળગી રહ્યો છું! આવું કંઈ મારી સાથે બની શકે છે કે બની ચૂક્યું છે એવું માનવાનો ક્ષણે-ક્ષણ હું ઇનકાર કરતો રહ્યો છું!

અને એમ ક્ષણ-ક્ષણ કરીને એક આખું વરસ પસાર થઈ ગયું! રાતોની રાતો, એ અત્યંત કંટાળાભરી ક્ષણોની હારમાળા વચ્ચે મે પસાર કરી છે! ક્ષણે ક્ષણ મારી જાતને શાંત પાડતો મારી જાતને હું એવું ઠસાવતો રહ્યો છું, કે આવું કંઈ જ મારી સાથે ન બની શકે, નથી જ બન્યું! જેમ તું, કે મા, કે જેન, કે હોરેસ વિન્ડેલ કે બીલ થોમ્પસન સાથે આવું નથી બન્યું, એમ જ! તું કહે એના સોગંદ ખાઈને કહું હું, પણ દિવસોના દિવસો અને મહિનાઓના મહિનાઓ આ શહેરની ગલી-ગલીના એક-એક ફૂટનું અંતર કાપતાં હું એ જ અસત્ય અને એ જ અવાસ્તવિકતાને શ્વસતો રહ્યો છું, કે મને કંઈ જ નથી થયું, મને કંઈ જ નથી થયું! પણ હવે બસ! બહુ થઈ ગયું હવે!

મને રક્તપિત્ત થયો છે, ટોમ. ભલે ગમે તેટલી અવાસ્તવિક વાત લાગે આ, પણ મને રક્તપિત્ત જ થયો છે. હું એક રક્તપિત્તિયો છું. એવો રક્તપિત્તિયો, જે એક પૂરા વર્ષથી પોતે ઊભી કરેલી કાલ્પનિક ભ્રામક સૃષ્ટિમાં જીવી રહ્યો છે, અને એવું માની રહ્યો છે કે આજે નહીં તો કાલે, એક દિવસ હું જરૂર મારે ઘેર પાછો જઈશ, મા અને મેબલ અને તને મળીશ! હું જેનને મળીશ અને એ મને પૂછશે પણ નહીં કે આટલો સમય હું ક્યાં અને શા માટે જતો રહ્યો હતો! અમે ભેગા મળીને અમારું અધુરું ઘર પૂરું કરીશું, અને અમારું સહજીવન શરૂ કરીશું…!

પણ ટોમ, એવું કંઈજ બનવાનું નથી. એ વાત પૂરી થઈ ગઈ છે. પણ રખે માનતો, કે હું હારી ગયો છું! હા ટોમ, ખરેખર, હું મેદાન છોડીને ભાગી નથી રહ્યો! બે દિવસ પહેલાં જ તારો લાંબો મીઠો-મધુર પત્ર આવ્યો. પણ મને લાગે છે કે, હારીને હું આપઘાત કરી લઇશ એવો ડર રાખવાની તારે કોઈ જરૂર નથી! તું કહે છે એવું વચન આપવું એ જોકે નિરર્થક છે. આખરે એ જ એક માત્ર રસ્તો હશે કે નહીં એની ખાતરી કરવા માટે એવું વચન આપી દેવું, એ ઉપાય તો નથી જને! હું મારા મનને હંમેશા કાબુમાં રાખી શકીશ, એવું છાતી ઠોકીને કહી શકું એમ નથી! અત્યાર સુધી એવું કંઈ બન્યું નથી, એટલે એ એટલું સહજ એ નહીં બને એટલું માનું છું અત્યારે તો! મિસિસિપિના કિનારે વિતાવેલી એ પહેલી રાતે કલાકો સુધી એ ભયનો સામનો કરી ચૂક્યો છું હું! અને છેલ્લા એક વર્ષમાં એ રાત્રીને હું ભાગ્યે જ ભૂલ્યો હોઈશ!

બૅટરી-પાર્કથી કોની-સ્ટેન્ડ જતી સ્ટીમરમાં હું બેઠેલો એક વખત. મને હતું કે એ દરિયાઈ સફર, એ સંગીત, એ ઉલ્લસિત વાતાવરણમાં, ભલે થોડા કલાક માટે, પણ હું મારુ દર્દ ભૂલી જઈશ! પણ એ સફરે તો મારી વ્યથાને નાહક વધારી મૂકી હતી. ભીડ સાથે ભીંસાવાનું ટાળતાં એકાદ કલાક બોટ પર મેં પસાર કર્યો. મારી હરકતોથી લોકોનું ધ્યાન ખેંચાયું. લોકો મને શંકાની દૃષ્ટિએ જોવા માંડ્યા. હું મૂંઝાઈ ગયો હતો. મને સંકોચ પણ થતો હતો. છેવટે હું નીચલા ડેક ઉપર બોટના છેક છેવાડે જતો રહ્યો! અહીં હું સાવ એકલો જ હતો. એક ચોકીદાર થોડી-થોડી વારે મારી બાજુમાંથી પસાર થઈને જતો રહેતો હતો. સમય જતાં એને પણ મારા પર શંકા જવા લાગી હતી. કદાચ મુસાફરોમાંથી કોઈએ મારા તરફ આંગળી ચીંધી પણ હોય! અને ટોમ, એ સમયે પણ બહુ વાર ન લાગત! મારાથી થોડા જ અંતરે વહેતી પાણીની એ લહેર બહુ જ હૂંફાળી અને શાંત ભાસતી હતી! એની સાથે વહી જવું બહુ જ સરળ હતું! પરંતુ દરેક વખતની જેમ જ, એ સમયે પણ તું જ તો મારી વહારે આવ્યો હતો, ભાઈ! તેં કહેલી એ વાત ફરી-ફરીને મને યાદ આવી જતી હતી! તેં લખ્યું હતું એક વખત, “ક્યારેય હારી ન જતા…” યાદ છેને?

હું હારી ગયો છું એમ તારે માનવું પડે, એવું હું ક્યારેય નહીં ઇચ્છું! હું વચન તો નથી આપી શકતો, પણ વિશ્વાસ રાખજે, એ રસ્તે ન જવું પડે એ માટે મેં અથાગ પ્રયત્નો કર્યા છે!

એ રાત્રે બોટમાંથી બીચ પર ઉતર્યા પછી હું કંઈ જ ન કરી શક્યો. ઉત્સવના કોઈ પણ પ્રસંગે લોકો સાથે ભળવનું તો બને જને! મેં કેટલાયે પ્રયત્નો કરેલા, અને દરેક વખતે હું નિષ્ફળ ગયેલો! મારા આખા શરીરમાં તિરસ્કારની લાગણી ફેલાઈ ગયેલી. હું બોટ પર ફરીથી ગયેલો, પણ ખૂબ જ દીપ્તિમાન એવા એના તૂતકને જોઈને હું પાછો પડી ગયેલો! પીડા ભર્યો બીજો એક કલાક બોટ પર પસાર કરવા હું તૈયાર ન હતો. પાછો ફરીને રોશની ઓછી થતી ગઈ ત્યાં સુધી હું ચાલતો રહ્યો! શહેર માઇલો પાછળ છૂટી ગયું તે છતાં અંધારે-અંધારે આખી રાત ફરતો રહ્યો, ચાલતો રહ્યો, વિચારતો રહ્યો અને પીડાતો રહ્યો હું! એ એકલતા કેવી એકાકી હતી તેની તું કલ્પના પણ નહીં કરી શકે, ટોમ! લાખો માણસોની વચ્ચે તમારે ચાલવું પડે, જીવવું પડે, શ્વસવું પડે, જોતા-સાંભળતા રહેવું પડે, ટોમ, અને છતાં તમે એમાંના કોઈને સ્પર્શી ન શકો એ કેવું! કોઈ અજાણ્યો માણસ, તમારો ભેરું થઈ ન જાય એ ખાતર પણ એને ટાળતા રહેવું પડે, એ કેવું!? છેટા રહો, છેટા રહો… સદીઓ સુધી છેટા રહો…!

હવે તો વધુ એક દિવસ પણ સહન થઈ શકે એમ નથી! મારા જેવા બીજા અનેક પીડિતો જ્યાં વસે છે ત્યાં હવે તો હું જઈ રહ્યો છું, મારા જેવા બીજા હજારોની સંગાથે! જ્યાં મારે રસ્તે ચાલતાં સામે મળી જતાં માણસો સાથે વાત કરવામાં સંકોચાવું ન પડે, ટોમ! ટોમ, મારા ભાઈ, ભીડમાં કોઈ ધક્કો મારે તો બીકણ કુતરાની માફક દુમ દબાવીને મારે છુપાઈ જવું ન પડે!

એક સમયે મને પણ ઉન્માદ ઊપડતો હતો, યુનિયન સ્ક્વેર કે પછી બ્રોડવેના થીએટરની ભીડ વચ્ચે અડધી રાતે પહોંચીને એ નિશ્ચિંત થઈને મોજ-મજા કરતા હજારોના એ ટોળાને ચીસ પાડીને કહી દેવાનું ગાંડપણ! “જુઓ મારી તરફ! મારું નામ નેડ લેંગફર્ડ છે અને હું પણ એક માણસ છું. તમારી માફક હું પણ એક માણસ જ છું! એક સ્ત્રીને હું પણ ચાહું છું. એ મારી સાથે લગ્ન પણ કરવાની હતી, પણ હું એક રક્તપિત્તિયો છું, રક્તપિત્તિયો!” અને મારા પ્રતિકોપથી ભયભીત એવા એ ટોળાની નાસભાગના મારા કાલ્પનિક દૃશ્ય પર હું ખડખડાટ હસતો રહેતો!

અને છતાં ટોમ, મને એમની એ માનસિકતા ક્યારેય સમજાતી નથી! આ શબ્દથી આ લોકો શા માટે આટલા ભયભીત થઈ ઊઠે છે? આજે તું મને જુએ તો હું બિમાર હોઉં એવું જરા પણ ન કહી શકે! હું તને જરા પણ જુદો નહીં લાગું! મારા એ ચાઠાં કોઈ રીતે નજરે પડે એવાં નથી! વસ્તુત: ફર્ક માત્ર એટલો જ છે મારામાં, કે એક વધુ ચાઠું ઊભરી આવ્યું છે! ડૉક્ટર કહે છે કે આ રોગ ક્યારેક બહુ ઝડપથી વધી જાય છે, અને એ જ રીતે ક્યારેક એ બહુ જ મંથર ગતિએ વધતો રહે છે… વાત માત્ર એટલી જ છે કે એ રોગ હજુ પણ મારામાં જીવે છે, અને આ એક વર્ષની સારવારથી એને નાથી નથી શકાયો! આ રીતે ખેંચ્યે રાખવું માનવીય દૃષ્ટિકોણથી હવે શક્ય નથી લાગતું, ટોમ.

મોટા ભાગે તો હું બીજા લોકોથી બહુ સાવચેત રહેવાનો પ્રયત્ન કરું છું, પણ ક્યારેક હું સાવ ભૂલી જ જાઉં છું કે હું કોણ છું! ડૉક્ટરની ઑફિસે જતી વેળાએ પહેલી બે-ચાર વખત તો ભૂલથી હું લિફ્ટમાં ઘૂસી ગયેલો. એમાં એક વખત નર્સ લિફ્ટમાં મારી સાથે થઈ ગયેલી. એ દિવસે ડૉ. ટોડે મને પગથિયાનો ઉપયોગ કરવા કહેલું. બસ, એ દિવસથી મારા જીવનમાં ચડઊતર શરૂ થઈ ગઈ છે!

એક રાત્રે વોશિંગ્ટન સ્ક્વેર પર એક ખાલી બાંકડા ઉપર હું બેઠો હતો. ઘણીવાર હું એ બાંકડે ઝાંખા-પાંખા અજવાળે બેસીને ફિફ્થ‌ એવન્યુ સુધી પથરાયેલી લાઈટોને જોતો રહેતો.

ખાસ તો વરસાદી રાતે એ દૃશ્ય બહુ આહલાદક લાગે છે! ઘોડાગાડી, બસ, વિક્ટોરિઆ, અને ક્યારેક મોટરોની હેડલાઈટોના પ્રકાશમાં એ ફૂટપાથ કેલિડોસ્કોપ જેવાં દૃશ્યો ઊભા કરી દેતી હતી!

એ રાત્રે હું ત્યાં કલાકેક બેઠો હોઈશ! ઈસ્ટ રિવર તરફ મકાનોની ઉપર પૂર્ણિમાનો ચંદ્ર પ્રકાશિત હતો. હું બેઠેલો એ જ બાંકડાને સામે છેડે એક છોકરી આવીને બેઠી. મેં જોયું કે એનાં કપડાં સાવ ફાટ્યાં-તૂટ્યાં હતાં. ભારે મેકઅપ નીચે ઢંકાયેલો એનો ચહેરો સાવ શુષ્ક દેખાતો હતો. થોડી વારે એ મારા ભણી થોડી ખસી. “કેમ છો તમે?” એણે કહ્યું. “બસ, મજામાં,” મેં જવાબ આપ્યો. થોડી વાર એ કંઈ ન બોલી. હું કંઈક વાત કરું એમ કદાચ એ ઇચ્છતી હશે! પછી એ બોલી, “મજાની રાત છે, નહીં?” જવાબમાં મેં હા પાડી. “આટલામાં જ રહો છો કે?” મેં જવાબમાં કહ્યું કે હું થોડે દૂર હડસન નદી પાસે જ રહું છું. “તમારી સાથે કોણ રહે છે?” “કોઈ નહીં,” મેં એને કહ્યું. “અરે! એ તો બહુ ખોટું કહેવાય! મને તમારી સાથે લઈ જશો?”

ઉત્સુકતાપૂર્વક ક્યાંય સુધી હું એની સામે જોઈ રહ્યો. બહુ દેખાવડી તો ન હતી એ, પણ છેવટે એ એક જીવંત વ્યક્તિ તો હતી! મારી સાથે એ વાત તો કરતી હતી!

કેટલાયે સમયથી કોઈ મારી આટલું નજીક નહોતું આવ્યું! એ એક સ્ત્રી હતી. બહુ રૂપાળી નહીં, તોયે એક સ્ત્રી તો હતી એ! એ મારી સાથે આવી હોત તો મારા ઘરમાં એક સ્ત્રીના પગલાં પડ્યાં હોત! કદાચ એ ખડખડાટ હસતી હોત મારા ઘરમાં! મને હસવાનો અવાજ સાંભળવા મળ્યો હોત, એક સ્ત્રીના હસવાનો અવાજ! મને અચકાતો જોઈને એ ચિડાઈ ગઈ. “કેમ, શું વાત છે? મારાથી ડરે છે કે?” એનો સવાલ સાંભળી મને હસવું આવ્યું. “તારાથી ડર?”

એક પોલિસ ચક્કર મારતો આવી ચડ્યો એટલે એ ચૂપ થઈ ગઈ. પોલિસના ગયા પછી એ બોલી, “તું સમલૈંગિક લાગે છે, નહીં?” “હા, હું સમલૈંગિક છું.” “ખેર, મને વાંધો નથી. આપણે બધાં જ થોડાં-થોડાં તો… બોલ, શું કહે છે?”

પસાર થતા પોલિસને કારણે હું ભાનમાં આવી ગયો. મને ટોડ અને એમણે મારા ઉપર લાદેલાં નિયંત્રણો યાદ આવી ગયાં. “ઓહ! મને લાગે છે કે હું તને મારી સાથે નહી લઈ જઈ શકું?” “અરે! કેમ? કેમ નહીં? શું ખામી છે મારામાં? તને ગમે એવી નથી હું, હં? તું છે કોણ છેવટે? ભાડમાં જા તું…” અને એ સાથે જ ઊભી થઈને એ સડસડાટ ચાલી ગઈ.

હે ઇશ્વર, આ શું થઈ રહ્યું છે મારી સાથે? રસ્તે રખડતા ભિખારીની સ્થિતિ પણ મારા કરતાં સારી છે! અરે, પેલી છોકરી પણ શું મારી જેમ સાવ એકલી ન હતી! એક હું જ દુર્ભાગી આમ એકલવાયો રખડું છું! એ છોકરીને તો કોઈ આમ તરછોડતું નથી, કે નથી એ છોકરીને કોઈએ આદેશ આપ્યો કોઈને તરછોડવાનો!

એ રાત્રે હું મારા ખાલી-ખાલી ઘરમાં પાછો ફર્યો ત્યારે નિરાશા ચોફેરથી મને ઘેરી વળી હતી. જેમ પેલી ઝૂંપડીમાં રાત્રે ઉંદરને મારી નાખતી વેળાએ નિરાશા મને ઘેરી વળી હતી એમ જ!

અને ટોમ, એક બીજી વાત પણ હું તને કહેવા માગું છું. આ બધી જ વિટંબણાઓ વચ્ચે પણ, આજ સુધી મેં મારા હૃદયમાં જેનને સંઘરી રાખી હતી. હું માની જ નહોતો શકતો કે જેન હવે ફરી ક્યારેય નહીં મળે! પણ ટોમ, એનો પણ હવે અંત આવવો જ ઘટે! આ કાટમાળમાંથી હવે કંઈ જ બચાવી શકાવાનું નથી, મારી ઓળખને પણ નહીં! તું જેનનું ધ્યાન રાખજે હં કે ભાઈ! જીવનમાં એને કોઈ મદદની જરૂર ઊભી થાય, તો મને વિશ્વાસ છે, કે તું એને નિરાશ નહીં થવા દે!

આ પત્રનો જવાબ તું આપી શકે, એ પહેલાં તો કદાચ હું અહીંથી ચાલ્યો ગયો હોઈશ! મનિલા પહોંચવામાં બીલ મને મદદ કરી રહ્યા છે. તું હવે મને ક્યુલિઅનના સરનામે જ લખજે. અહીં મારા જૂના જીવનનો અંત આવી રહ્યો છે. આવતી કાલથી હું મારી નવી દુનિયાનો હિસ્સો હોઈશ!

જે દુનિયામાં હું જઈ રહ્યો છું, એ દુનિયા વિશે હું કાંઈ જ નથી જાણતો. ત્યાં પહોંચીને હું એ વિશે તને લખીશ. પણ ત્યાં સુધી તું એમ હરગિજ ન માનતો, કે હું હારી ગયો છું!  જેને બદલી શકવા હું અસમર્થ છું, એ નિયતિનો સ્વીકાર માત્ર હું કરી રહ્યો છું. મારું એ જીવન જે હું ખોઈ બેઠો છું… એને ફરીથી પ્રાપ્ત કરવાનો હું પ્રયત્ન કરી રહ્યો છું.

તારો પ્રેમાળ ભાઈ,

નેડ.

એ પત્ર પૂરો કર્યા પછી હું તૈયાર હતો. ફર્નિચરના ટુકડા કરીને એક નાનકડી સગડીમાં મેં બાળી નાખ્યા હતા. ટોડની સૂચના પ્રમાણે આખા ઘરને જંતુનાશક દવા નાખીને સાફ કરી નાખ્યું. મારી પાસે માત્ર મારી બેગ, ટાઈપરાઈટર અને મારું થાળીવાજું જ બચ્યાં હતાં. ટોડ એને ટ્રાન્સપૉર્ટ દ્વારા મોકલવાના હતા.

દરવાજે મારેલા તાળામાં ચાવી ફેરવીને હું ચાલી નીકળ્યો.

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૭)