યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩) 2


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

આગ પછીના મહીનાઓ સતત વ્યસ્તતામાં વીત્યા. વિમાના દાવાની પતાવટ, આગ સામે રક્ષણ આપે એવા નવા મકાનનું બાંધકામ, નવી ગાડીઓ અને વાહનોની ખરીદી… મારા દિવસો ભરચક કામમાં વીતતા હતા. ખરીદીમાં બે મોટર ટ્રકો પણ હતી. ઘોડા માટે તો અમને બહુ ગર્વ હતો, પણ આ નવાં સ્વયંસંચાલિત વાહનો આવનારા ભવિષ્યમાં સામાનની હેરફેરમાં બહુ ઉપયોગી સાબિત થવાનાં હતાં. અમે બે ટ્રક ખરીદ્યા ત્યારે આખા દેશમાં આ પ્રકારનાં માત્ર છ હજાર વાહનો જ હતાં. સાચું કહું તો, આ નવાં વાહનો વારંવાર ખોટાકાઈ જતાં હતાં અને એને કારણે અમને તકલીફ પણ બહુ પડી રહી હતી. કોલેજ પૂરી કરીને ટોમ આવા એકાદ ઓટોમોબાઈલ બનાવતા કારખાનામાં કંઈક શીખવા મળે એ ખાતર જવા માગતો હતો. એનો વિચાર અમને બધાને ગમી ગયો, કારણ કે વાહનોને કારણે, કુટુંબના બધા લોકો ઓછા-વત્તા અંશે હેરાન થઈ ગયા હતા. ત્રણ મહિનાની તાલીમના અંતે ટોમ થોડાંક જ્ઞાન અને અપાર ઉત્સાહ સાથે પાછો આવ્યો. આવતાની સાથે જ એણે એક વધારે ટ્રક ખરીદવા માટે મને મનાવી લીધો. અમારી પાસે હવે ત્રણ વાહનો હતાં. એણે તો મને પણ વાહનોની આંતરિક રચના, તેના સમારકામ અને એને કઈ રીતે વાપરવા એવી બધી જ બાબતોમાં પૂરતો રસ લેતો કરી દીધો.

ભવિષ્ય હવે ઉજળું દેખાઈ રહ્યું હતું. જેન છેલ્લા વર્ષનો અભ્યાસ પૂરો કરવા જતી રહી હતી. જૂનમાં લગ્ન કરવાનું અમે નક્કી કર્યું હતું. મારી મા અને મેબલને પણ જેન ગમી ગઈ હતી. મેબલની પોતાની પણ એક પ્રેમકહાણી હતી. એને કારણે જેન સાથે તેના સંબંધો ગાઢ સખી જેવાં અંગત થઈ ગયાં હતાં. પત્રો દ્વારા એ બંને સતત એકમેકના સંપર્કમાં રહેતાં હતાં. જેન પાછી ગઈ, એ પહેલાં જ અમે અમારા ઘરનું સમારકામ શરૂ કરી દીધું હતું. અમારું ઘર દક્ષિણ વિસ્તારમાં નદી કિનારે જંગલોની નજીક હતું. કામકાજની દેખરેખ રાખવા માટે મારે દરરોજ ત્યાંની મુલાકાત લેવી પડતી હતી, એટલે એકલા પડવાનો સમય ભાગ્યે જ મળતો હતો. બાંધકામ પર નજર રાખવા માટે મારે ગામ અને ખેતર વચ્ચે મારે સતત આવ-જા કરવી પડતી હતી.

ટૂંકા સમયમાં જ દાઝવાના ઘા તો રુઝાઈ ગયા હતા, પણ બાવડા પરની પેલી વિચિત્ર સંવેદનવિહીન જગ્યા એમ જ રહી ગઈ!. હોરેસ વિન્ડેલને ખાતરી હતી કે એનું કારણ, ચોક્કસ કોઈ ભૂલાઈ ગયેલો ઘા જ હોવો જોઈએ!

ક્રિસમસના તહેવાર પર જેન પાછી મારી પાસે આવી ગઈ. એ દિવસો અને રાતો બહુ જ મજાનાં હતાં. ટોમ ઉપર જવાબદારી નાખીને હું તો ધંધામાંથી ગાપચી મારી લેતો હતો. ઠંડીના એ દિવસો હતા. હું અને જેન દિવસ દરમિયાન અમારા અડધા ચણાયેલા મકાનના કામમાં વ્યસ્ત રહેતાં. પણ રાત્રે અચૂક કોઈને કોઈ પાર્ટીમાં પહોંચી જતાં!

ક્રિસમસ પછી જેનને પાછી જવા દેવી મારા માટે બહુ કપરું હતું, પરંતુ આ છેલ્લી વાર છે એમ સમજીને મેં મન મનાવી લીધું. હવે માત્ર પાંચ મહીના જ તો બાકી રહ્યા હતા! એની ટ્રેન રવાના થઈ. ડબ્બાના બારણે ઊભી રહીને હાથ હલાવીને વિદાય આપતી એ દૂર ક્ષિતિજમાં વિલીન થઈ ગઈ. હું ઓફિસે પરત આવ્યો ત્યારે બોબ સેલાર્સનો પત્ર પડ્યો હતો. બોબ ફિલિપાઇન્સમાં લગભગ સ્થાયી થઈ ગયો હતો. પોલીસદળમાં એ મેજરની પદવી સુધી એ પહોંચી ગયો હતો. છેલ્લા કેટલાંક વર્ષોમાં ઘણો સમય એણે દક્ષિણી ટાપુઓ પર, ખાસ કરીને મિન્ડાનાઓ ટાપુ પર મોરોસ લોકો સાથે પછાત વિસ્તારમાં વિતાવ્યો હતો. ખૂબ જ ઝનૂની સ્વભાવના એ મુસ્લિમો સ્વર્ગ મેળવવા માટે નાસ્તિકોને ધારદાર શસ્ત્ર વડે રહેંસી નાખવામાં માનતા હતા. એમની દૃષ્ટિએ નાસ્તિક એટલે અમેરિકા કે ફિલિપાઇનના ખ્રિસ્તી! એ વાંચીને મને હસવું આવ્યું. શું દુનિયા હતી! અમે એ લોકોને નાસ્તિક કહેતા હતા, અને એ લોકો અમને નાસ્તિક ગણીને છરો લઈને ફરી વળતા હતા! (મિન્ડાનાઓ – દક્ષિણી ફિલિપાઇનનો સૌથી મોટો ટાપુ, મોરોસ – ફિલિપાઇન્સનો મુસ્લિમો)

બોબે એ પત્રમાં મારા જૂના મિત્રો અંગે કંઈ જ લખ્યું ન હતું, પરંતુ એક મહિનામાં જ એનો બીજો પત્ર આવી પડ્યો. કેરિટાના ભાઈ સાંચોને ક્યુલિઅન નામના ટાપુ પર મોકલી આપવામાં આવ્યો હતો. અમેરિકનોએ એ અંતરિયાળ ટાપુ ઉપર રક્તપિત્તિયાંની વસાહત બનાવી હતી. મનિલાની દક્ષિણે બસ્સો માઇલ છેટે ‘ચાઇના સી’ના કાંઠે એ ટાપુ આવેલો હતો. બોબના કહેવા પ્રમાણે ત્યાં કુશળ ડૉક્ટરો દર્દીઓની સારવારમાં તૈનાત હતા, અને એ વિચિત્ર રોગનો ઇલાજ મળી આવવાની ડૉક્ટરોને બહુ જ અપેક્ષા હતી. કેરિટા અંગેના બહુ આશ્ચર્યજનક સમાચાર તેના પત્ર દ્વારા મળ્યા. થોડા સમય પહેલાં જ કોઈની સાથે લગ્ન કરીને એ સેબુ ચાલી ગઈ હતી. થોડા સમય બાદ તેનો પતિ અવસાન પામ્યો હતો. એક બાળક પણ એમને થયેલું. એ પણ ન જીવ્યું! કેરિટાને હું કોઈ રીતે મદદ કરી શકું તેમ હોઉં તો બોબને પત્રમાં મેં એક વખત પુછાવ્યું, મેક્સિમિનો અને કેરિટાને પણ મેં પત્રો લખ્યાં. એ પત્રોમાં, બોબ કે એણે જણાવેલી બાબતોનો ઉલ્લેખ મેં કર્યો નહીં, પણ આડી અવળી વાતો લખી અને હું તેઓને યાદ કરતો હતો એવું લખ્યું. (સેબુ – મધ્ય ફિલિપાઇનનો એક ટાપુ)

વસંત આવી રહી હતી. થોડા મહિનાઓમાં જ જેન ટ્રેનમાં બેસીને ઘેર આવતી રહેશે, અમારે ઘેર!

એક દિવસ નહાતી વેળાએ ગણગણતાં મને બાવડા પરના પેલી જગ્યા વિશે વિચાર આવ્યો. હું તો ભૂલી પણ ગયો હતો એને! બાવડું ફેરવીને મેં નજર નાખી.

એક વિચિત્ર લાગણી, ઠંડા પાણીની જેમ, હૃદયથી શરૂ કરીને મારા શરીરની રગેરગમાં ફરી વળી. ખભાના ઉપરના ભાગમાં એક બીજી જગ્યાએ પણ એવું જ ચાઠું હોય એવું મને લાગ્યું! ચકાસવા માટે મેં એક આંગળી એ ચાઠા ઉપર રાખીને નખથી દબાવીને જોયું. અગાઉના ચાઠાની જેમ જ આ જગ્યા પણ સાવ સંવેદનવિહીન હતી. ફૂવારામાંથી બહાર નીકળીને અરીસા સામે જઈને હું ઊભો રહ્યો. નખ સાફ કરવાની ખોતરણી કાઢીને એ નવી જગ્યાએ સફેદ ભાગની વચ્ચોવચ ખોસી જોઈ. હવે કોઈ જ સંશય ન હતો. ત્યાં કોઈ જ સંવેદન ન હતું!

શક્ય એટલી ઝડપથી હું તૈયાર થઈ ગયો. માને કહી દીધું કે નાસ્તા માટે મારી રાહ ન જુએ, હું બહાર નાસ્તો કરી લઇશ. કાર લઈને હું સીધો જ વિન્ડેલને ઘેર પહોંચી ગયો. એની પત્ની કેથરિને દરવાજો ખોલ્યો. એક ડૉક્ટરની પત્ની હોવાને કારણે સવાર-સવારમાં મને આવેલો જોઈને તેને નવાઈ ન લાગી. ઓફિસમાં મને બેસાડીને એણે વિન્ડેલને બોલાવ્યો.

વિન્ડેલના આવતાંવેંત હું બોલી ઊઠ્યો, “આ જો, પેલા જેવો વધારે એક ભયાનક ડાઘ નીકળ્યો છે મને.”

બિલોરી કાચ વડે એણે બંને ડાઘને ફરી-ફરીને તપાસ્યા. પછી લેબોરેટરીમાંથી એક લાંબી સોય લઈ આવ્યો. “કદાચ થોડી વાગે પણ ખરી આ. આપણે જરા જોઈએ.”આંખો મીંચીને મેં એને પોતાની રીતે તપાસ કરવા દીધી.

“કંઈ અનુભવાય છે?”

“ના. શું હોય એવું લાગે છે?”

“કંઈ સમજાતું નથી મને, નેડ. પણ એમ ગભરાવાની જરૂર નથી. પણ, મને સમજાતું નથી એટલે એવું ન સમજવું, કે કંઈ જ નથી. ચામડીની તકલીફો કેટલીયે જાતની હોય છે અને સમજવી મુશ્કેલ હોય છે. તારે આ બાબતના કોઈ નિષ્ણાતને બતાવવું પડશે. હું ઇચ્છીશ કે તું ડિક્સનને મળી લે. તું એને ઓળખે છે.”

ડિક્સન હમણાં જ અમારા ગામમાં નવોસવો આવ્યો હતો. હું એને ખાસ ઓળખતો ન હતો.

“તું કહે તો હું એને ફોન કરી દઉં, નેડ.” શર્ટ પહેરતાં-પહેરતાં મેં જવાબ આપ્યો.

“મારી જિંદગીમાં હું ભાગ્યે જ બિમાર પડ્યો હોઈશ, હોરેસ. ફિલિપાઇન્સમાં મેં કેટલાં વર્ષો કાઢ્યાં છે! બધાને કેટલાયે રોગ થયેલા, પણ હું સાવ બચી ગયેલો. અને અમે ત્યાં જીવતા હતા! ખેર, તને કહું તો તું નહીં માને, પણ જીવતા રહેવા માટે કેટલીક વખત અમારે શું-શું કરવું પડેલું! મારે મને કંઈ જ થવા દેવું નથી. ઠીક છે, તું ડિક્સનને ફોન કર. એ કહે તો હું અત્યારે જ તેને મળી લઉં છું.”

અડધા કલાક બાદ ડિક્સને મને તપાસી લીધો હતો. એ પણ મુંઝવણમાં પડી ગયો હતો એ સ્પષ્ટ દેખાતું હતું.

“આ શું છે એ હું જાણું છું એમ હું કહીશ, તો એ બરાબર નહીં કહેવાય. પ્રામાણિકપણે કહું તો… મને ખબર પડતી નથી. આવો કિસ્સો મેં ક્યારેય જોયો નથી. તમારી જગ્યાએ હું હોઉં તો કોઈ મોટા શહેરમાં જઈને કોઈ વધારે અનુભવીને બતાવી જોઉં.”

બસ, તો આમ વાત હતી. આખી જિંદગી મારે કોઈ ડોક્ટરની જરૂર પડી ન હતી! અને જ્યારે પડી, ત્યારે એ કહેતા હતા, કે એ મને કંઈ જ મદદ કરી શકે એમ ન હતા!

હું ઘેર ગયો. ફરીથી નહાયો. છોલાઈ જાય એ હદ સુધી બાવડાને ઘસ્યે રાખ્યું. એના પર ખૂબ ચોખ્ખો આલ્કોહોલ રેડી દીધો. એક પાટામાં બાવડું લપેટીને પાછો ઓફિસે પહોંચ્યો.

એ દિવસોમાં ખૂબ જ કામ રહેતું હતું, પણ પેલા ચાઠાંના વિચારો મને સતત કોરી ખાતા હતા. હું કઈ જ કામ કરી શકતો ન હતો. આગથી દાઝ્યાના ડાઘની મને ચિંતા ન હતી. એ તો મારી કમાણી હતી! પણ પેલા બે અણગમતાં ચાઠાં… કોણ જાણે ક્યાંથી મને વળગ્યાં હતાં, અને જવાનું નામ લેતા ન હતા. એ કંઈક જુદું જ હતું એ નક્કી!

ડિક્સનને મળ્યાના એક મહીના પછી અચાનક જ એક વાત મારા મનમાં ઝબકી. મારા અર્ધજાગ્રત મનમાં તો એ વિચાર કદાચ પહેલેથી જ રમતો હતો, પણ ડરના માર્યા મેં એને બહાર આવવા જ દીધો નહીં હોય! ડિક્સને કહેલી વાત સતત મારો પીછો કરી રહી હતી. જેન આવે એ પહેલાં સેંટ લુઇસ કે કેન્સાસ સિટી જેવા મોટા શહેરમાં જવાનો વિચાર મેં કરી જોયો. એક રાત્રે હું જુના પત્રો ફંફોસતો હતો. બોબના જૂના પત્રોમાંથી મોટાભાગના પત્રો તો મેં બાળી નાખ્યા હતા, ખાસ કરીને એ પત્રો, જેમાં સાંચો અને કેરિટાના ઉલ્લેખો હતા. ટોમ સિવાય કોઈની સાથે મેં એ વાતો કરી ન હતી, અને એમના એ દુર્ભાગ્ય વિશે બીજું કોઈ જાણે એવું પણ હું ઇચ્છતો ન હતો. જેનના પત્રો વચ્ચે પડેલો બોબનો એક પત્ર અચાનક મારા હાથમાં આવી ગયો. કોઈક રીતે સળગવામાંથી એ પત્ર બચી ગયો હશે. હાથમાં એ પત્ર રાખીને હું બેઠો રહ્યો. એ ક્ષણે બમણા જોરથી મારે સચ્ચાઈનો સામનો કરવો પડ્યો… નોલેસ્કોના ઘરના એ દિવસો… સાંચો, કેરિટા, મારા બાવડા પરનાં ચાઠાં…

બધા જ સૂઈ ગયા હતા. ઘરમાં એકદમ અંધારું ઘોર હતું. અંધારામાં જ ફંફોસતો હું સીડી ઊતર્યો, અને ખેતરોમાં આમતેમ રખડ્યો. આખી બાબત જ કેવી મૂર્ખામીભરી હતી! ઘેર પરત ફર્યે મને નવ-નવ વર્ષો થઈ ગયા હતા! હું સંપૂર્ણપણે સ્વસ્થ હતો! ડૉક્ટરોને પણ એ ચાઠાંમાં કંઈ ખાસ જણાયું ન હતું. હોરેસ વિન્ડેલને તો એ જૂની ઈજાના ડાઘા લાગ્યા હતા. ના -એને તો એવું પહેલી વખતે જ લાગ્યું હતું. અકસ્માત? એક વખત ફૂટબોલ રમતાં મને બાવડે વાગ્યું હતું… હા, પણ એ તો બીજા બાવડા પર… એક વખત મારો ઘોડો ખાડામાં ખાબક્યો હતો, અને મને નીચે પછાડી દીધો હતો. એ સમયની સ્મૃતિ તો સાવ ઝાંખી-પાંખી છે. યાદ આવતું નથી કે એ સમયે ક્યાં વાગ્યું હતું, કે પછી વાગ્યું હતું કે નહીં…!

પરોઢ થઈ આવ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો, કે હું આખી રાત રખડ્યો હતો, અને અમારા બંધાઈ રહેલા ઘર સુધી પહોંચી ગયો હતો. થોડી વાર માટે હું એ મકાનને જોઈ રહ્યો. પછી ઝડપથી ઘેર પાછો ફર્યો. એ ચાઠા તરફ નજર પણ ન કરી. પણ કોઈ વાતે મને શાંતિ ન વળી. એની સામે નજર નાખું કે નહીં, મારા મનમાંથી એના વિચારો હું દૂર કરી શક્યો જ નહીં!

નવા ગોદામના, આગમાં સળગી ન જાય એવા દરવાજાઓમાં મારે ફેરફારો કરાવવા હતા. કોન્ટ્રાક્ટર એને માટે આવ્યો હતો. એના ગયા પછી હું ટેબલ પાસે ઊંડા વિચારોમાં મગ્ન થઈને હું બેસી પડ્યો. બિમારી અંગે પૂછવું તો પણ કોને પૂછવું? મારી બિમારી વિશે ગામ આખાના ડૉક્ટરોને જાણ થઈ જાય ત્યાં સુધી પૂછતા રહેવું કે શું? લાયબ્રેરિમાં પુસ્તકો હતાં, પણ એમ પોતાને નાનપણથી ઓળખતા લાયબ્રેરિઅનને જઈને સીધું એમ થોડું કહેવાય કે, “મને બિમારી વિશેના પુસ્તકો જોઈએ છે, ખાસ કરીને ચામડીના રોગ વિશે…!”

ટોમ બિમાર પડેલા એક ઘોડા વિશે વાત કરવા મારી પાસે આવ્યો. મોટરો પ્રત્યે એને બહુ જ લગાવ હતો, પણ એથી કરીને ઘોડાઓ પ્રત્યેના એના પહેલા પ્રેમમાં કોઈ ઓટ આવી ન હતી. કાયમી ડૉક્ટર કરતાં ટોમ અને વૉશ પાસે ઘોડાની સારવાર કરાવવું હું વધારે પસંદ કરતો.
“સવાર-સવારમાં ઠંડી લાગે છે?”

“ના, કેમ પૂછવું પડ્યું?” આમ કહ્યા પછી મને ખ્યાલ આવ્યો, કે કાયમની માફક, આજે હું બાંયો ચડાવીને કામ પર નથી ચડી ગયો!

“ઓહ, આ? એ તો… સવાર-સવારમાં હેન્ડરસન આ બારણાં બાબતે વાત કરવા આવ્યો હતો.” ટોમ સીટી વગાડતા-વગાડતા ચાલ્યો ગયો. એ મારું ગીત હતું. મારું અને જેનનું. એ બદમાશ એમ કરીને મને ચીડવતો હતો. એ જાણતો હતો કે એ આ ગીત વગાડશે એટલે હું ઇર્ષાના માર્યા અકળાઇશ!
એ રાત્રે ઘેર પાછા ફરતી વખતે મને લાગ્યું, કે બાઇબલમાંથી મને આ બાબતે જરૂર કંઈક જાણકારી મળી રહેશે. જમી લીધા બાદ, મારા કમરામાં એકલા પડતાંવેંત મેં શોધ આદરી. બે-એક કલાકની મથામણ પછી પણ બાઇબલમાં મને કંઈ શંકાસ્પદ જણાયું નહીં. એ પછી મને ‘બેન હર’નો વિચાર આવ્યો. એ પુસ્તકમાં આ બાબતે કંઈક લખ્યું હતું ખરું! ઘરમાં એ પુસ્તકની એકાદ નકલ ક્યાંક જરૂર હોવી જોઈએ, કદાચ માળિયામાં! એક મીણબત્તી સળગાવીને હું ઉપર માળિયામાં ચડ્યો. ખોખાં અને કબાટોમાં ખાંખાંખોળા કર્યા પછી, ઠાંસોઠાંસ પુસ્તકો ભરેલી એક જૂની બેગમાંથી એક નકલ મળી આવી. ‘બેન હર’ લઈને હું નીચે આવ્યો, અને એ પાનું શોધી કાઢ્યું! બેન હર પોતાની માતા અને બહેનને શોધવા નીકળ્યો હતો. એ મળ્યાં ત્યારે તેનાથી દૂર ભાગી જઈને રડતાં-રડતાં “અપવિત્ર! અપવિત્ર!” એમ કહીને એને નજીક ન આવવા માટે વિનવતાં હતાં. એ વર્ણન વાંચીને એક રાહતના શ્વાસ સાથે મેં એ પુસ્તક નીચે મૂક્યું. હું જરા પણ એવો દેખાતો ન હતો. હવે ચિંતા કરવી એ ગાંડપણ હતું. સંતુષ્ટ થઈને હું પથારીમાં આડો પડ્યો, અને આગલી રાતનું વળતર વળે એમ શાંતિથી સૂઈ ગયો.

“બોલ, શું વાત છે, જેન તરફથી કોઈ સમાચાર છે કે!” બીજી સવારે હું અને ટોમ ગામ તરફ જઈ રહ્યા હતા.

“કોઈ સમાચાર નથી, કેમ?”

“લાવરીની જેમ ચૂંચળી આંખ કરીને સવારથી તમે આમ-તેમ ફરી રહ્યા છો! નહાતી વખતે સીટી વગાડવી એ આમ તો સામાન્ય ગણાય, પણ બે કોળિયા વચ્ચે પણ આમ ગીત ગણગણવું એ કંઈક જુદું જ બતાવે છે. મા તમારી સામે જે રીતે જોઈ રહી હતી એ જોતાં તો એ તમને પાગલ જ ગણતી હશે! મારા ભાઈ, તમને ખબર નથી, કે તમે બે પ્રેમી પંખીડાં તમારું ઘર પૂરું કરી રહેશો ત્યારે ઘરનાં બધાંને કેવી રાહત થશે!”

એની સામે હસી દઈને મેં વાત ઊડાડી દીધી.

એક અઠવાડિયા પછી, બાથરૂમમાં નહાતી વખતે, નાના ભાઈએ આપેલો સીટી વગાડવાનો હક્ક ભોગવતાં, શરીરના નીચેના ભાગ પર નજર પડી. પેલા બે ડાઘ જેવો ત્રીજો ડાઘ! આ ત્રીજો ડાઘ પગ ઉપર હતો. હું ગભરાઈ ગયો. ગુસ્સો પણ આવ્યો! ગુસ્સો એટલા માટે, કે કોઈ કારણ વગર આ ડાઘ આ રીતે વધતા જતા હતા! એક તરફ જ્યારે હું મારી મનગમતી જિંદગી માણવા જઈ રહ્યો હતો, ત્યારે જ આ વસ્તુ મારા જીવનમાં આમ ઘુસણખોરી કરી રહી રહી! અને ગભરામણ એટલા માટે કે આ ડાઘ શેના છે એ કોઈ જાણતું ન હતું! મારે તપાસ કરવી જ રહી!

ડિક્સનની ઑફિસમાં એમણે ત્રીજો ડાઘ તપાસ્યો.”ઘણાં સમય પહેલાં તમે મને કહેલું કે મારે કોઈ નિષ્ણાતને મળવું જોઈએ, ડૉક્ટર. મને કહો, કે મારે ક્યાં જવું જોઈએ. હું તૈયાર છું, આજે જ!”

“સેંટ લુઇસમાં એક નિષ્ણાત વ્યક્તિને હું ઓળખું છું. મેડિકલ સ્કૂલમાં હતો ત્યારે એમની સાથે મેં ખૂબ કામ કર્યું છે. વોશિંગ્ટન યુનિવર્સિટિમાં એ સાંજના સમયે ભણાવે છે. હું એમને તાર દ્વારા જાણ કરું છું કે તમે એમને મળવા આવી રહ્યા છો.”

ઑફિસે પાછા ફરીને મેં માને ફોન કરીને થોડાં કપડાં મોકલવા જણાવ્યું. માને તો મેં એમ જ જણાવ્યું કે ધંધાના કામે હું બહારગામ જઈ રહ્યો હતો, અને ઘેર આવવાનો સમય ન હતો. હકીકત એ હતી કે વિદાય વખતે એ મને ચૂમશે એનો મને ડર હતો. સદભાગ્યે ટોમ ગામમાં ન હતો. એક ચિઠ્ઠીમાં મેં, અમે જે વીમાના દર ઘટાડવાનો પ્રયત્ન કરતા હતા તેની વાત લખી, અને અમારા મકાનના સામાનમાં થયેલી ગરબડ સુધારવા માટે હું બહારગામ જઈ રહ્યો હોવાનું પણ લખ્યું.

એક વાગ્યે, હું ગાડીના ડબ્બાની બારીમાંથી ઝાંખી રહ્યો હતો. વિચારતો હતો કે કોણ જાણે ક્યારે, અને કેવા સંજોગોમાં હવે પાછા ફરી શકાશે!

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૩)

  • Sanjay Pandya

    અશ્વિનભાઈ ,
    સરસ અનુવાદ થયો છે …દરેક પ્રકરણમાં એકાદ શબ્દ અજાણ્યો લાગે એ બાદ કરતાં સરસ કામ થયું છે .
    અભિનંદન .
    સંજય પંડ્યા

  • અશ્વિન ચંદારાણા

    Who Walk Aloneનું ત્રીજું પ્રકરણ રજુ થઈ રહ્યું છે ત્યારે એક વાચક શ્રી રમેશભાઈ શાહનો ઈ-મેઈલ શ્રી જીજ્ઞેશભાઈએ મોકલાવ્યો છે.

    શ્રી રમેશભાઈએ લખ્યું છે, “એક અપ્રાપ્ય પુસ્તકના અનુવાદને આપ આ રીતે ક્રમશ: આપી રહ્યા છો….મારા જેવા અનેક રસિક વાચકો આભારી રહેશે.
    વર્ષો પહેલા આ પુસ્તકનો અનુવાસ કાકાસાહેબ+કિશોરલાલ મશરૂવાળાએ કરેલો, જે નવજીવન પ્રેસે છાપેલો (આ ઉલ્લેખ આપ અવશ્ય કરજો. ભાઈ ચંદારાણાને આની જાણ હશે જ.)

    શ્રી રમેશભાઈનો ખુબ-ખુબ આભાર.

    શ્રી રમેશભાઈની ખાસ ઇચ્છાથી મેં આ ઉલ્લેખ અહીં કર્યો છે. આ પહેલાં આ ઉલ્લેખ ન કરવાનું પહેલું કારણ એ, કે મૂળ અનુવાદ આખો મારા વાંચવામાં આવ્યો ન હતો. મૂળ અનુવાદનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીએ પ્રકાશિત કરેલું જે ત્રીસેક વર્ષ પહેલાં પહેલી વખત મારા વાંચવામાં આવ્યું ત્યારથી જ આ આખીયે કૃતિ વાંચવાની મારી ઇચ્છા હતી, પરંતુ મૂળ કૃતિ કે તેનો અનુવાદ પણ મને ત્યારે મળી શક્યો નહીં. બીજું કારણ એ, કે મૂળ ગુજરાતી અનુવાદમાં વપરાયેલી ગુજરાતી ભાષા, તેમાં વપરાયેલા શબ્દો અને વાક્યપ્રયોગોને કારણે મને વાચક તરીકે થોડી અજાણી લાગી હતી.

    પરંતુ આ કૃતિથી હું ખુબ જ પ્રભાવિત હતો, એટલે અનુવાદ કરવા માટે સૌથી પહેલી કૃતિ તરીકે મારી નજર આ પુસ્તક પર જ પડી હતી.

    મને વિશ્વાસ છે, કે આ કૃતિનો મૂળ ગુજરાતી અનુવાદ શ્રી રમેશભાઈના વાંચવામાં આવ્યો હશે, તો તેઓ જરૂર મારી વાત સાથે સહમત થશે, અને તેઓ આ કૃતિના મારા અનુવાદને પણ ચોક્કસ માણશે.

    શ્રી રમેશભાઈને વિનંતી કે તેમના અભિપ્રાય અહીં અક્ષરનાદ પર પણ જરૂર આપે, જેથી અન્ય વાચકો પણ તેને વાંચી શકે,

    શ્રી રમેશભાઈ અને શ્રી જીજ્ઞેશભાઈના ઋણ સાથે,

    અશ્વિન ચંદારાણા