ચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી 3


આખ્ખે આખ્ખું જગત જાણે છે કે જેના બે હાથ ન હોય ને, એનું પણ ભવિષ્ય તો હોય જ બકા. પણ ભવિષ્ય જાણવાનો એક શોખ. ખબર નહીં ભવિષ્ય જાણીને આપણે શું કાંદા કાઢવાના છે. આ ભવિષ્યનું તૂત પૃથ્વીલોક ઉપર જ છે કે દેવલોકમાં પણ હશે, એની કોઈ માહિતી નથી. યમરાજા પણ ભવિષ્ય વાંચ્યા વગર જ પાડા લઈને નીકળી પડતાં હશે રે… આઈ ડોન્ટ બીલીવ કે એમણે એમનું કે પાડાનું ભવિષ્ય જોઇને ‘સિલેક્ટેડ’ પાડા ઉપાડ્યા હોય. છતાં એકેય દિવસ પાડો ખોટકાયો છે ખરો? યમરાજાને કોઈ ગ્રહ આડો ફરી વળ્યો હોય અને યમરાજા રસ્તામાં અટવાયા હોય, એવો એકપણ દાખલો બન્યો હશે ખરો? ઈમ્પોસીબલ.

દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિયે. કહેવાય છે ને કે “ઇન્સાનકો જબ અપને આપસે ભરોસા ઉઠ જાતા હૈ, તબ વો ભવિષ્યવેતાકા ગલા પકડ લેતા હૈ. અપના કુછ કરો બાબા. મૈ બહુત પાયમાલ હુઆ હું. અબ ન્યાલ કર દો બાબા.” થાય એવું કે, આવાને કોઈને કોઈ ‘પ્રેમલબાબા’ મળી પણ જાય. (આ ‘નિર્મલબાબા’ કોણ બોલ્યું? સખણા રહો ને યાર. હજી હમણાં જ હાડકાની હોસ્પીટલમાંથી બોડી સર્વિસ કરાવીને આવ્યો છું.) આપણી તો સાલ્લી કમબખ્તી જ છે. પેટ માટે પણ કકળાટ કરવાનો, અને ભવિષ્ય માટે પણ ભીખ માંગવાની. તારી ભલી થાય તારી ચમનીયા.
જુઓ ને.. દિવાળી હજી કાલે જ ગઈ અને પાછી આવી પણ ગઈ… છે એને કાંઈ શરમ જેવું? ઘણાની તો પિયર ગયેલી ઘરવાળી હજી પાછી ફરી નથી, ત્યાં દિવાળીએ પાછું ડોકું કાઢ્યું. એ તો વાઈફોનું નામ ‘કુંભમેળો’ રખાય નહીં એટલે, બાકી બાર વરસે આવે એવું જ નામ રખાય. શું કહો છો તમે?

જેવું સંવત બદલાય, એટલે ઊંધિયાની લારીની માફક જ્યોતિષવિદોની હાટડીઓ ધમધમવા માંડે. જે જ્યોતિષો અઠવાડિયે અઠવાડિયે રીટેઈલમાં ભવિષ્ય ભાખતા હતાં, એ હવે આખા વરસનું હોલસેલ ભવિષ્ય બતાવશે. જેમ કે, ‘આગામી સંવતમાં આપનું ગાડું કેવું ગબડશે? નવા સંવતમાં આપના પાપડ શેકાવાના છે કે લીલા રહીને ફૂગ મારવાના છે? વગેરે વગેરે.’ પણ આપણે પણ સીધા નહીં ને? ‘તાલાવેલી’ જ એવી કે માથું માર્યા વગર ચાલે જ નહીં. ચાલ ને જરા, ભવિષ્ય જાણવા માથું તો મારીએ. પછી તો આપૂનું ભવિષ્ય બાપૂ બતાવે, ઝીલ્લાલાલા. મળી ગઈ હોલમાર્ક ગેરેંટી.

આમ તો ચમનીયો ભૂતકાળમાં પણ ભવિષ્યવિદ નહીં હતો, વર્તમાનમાં પણ નથી, અને ભવિષ્યમાં પણ થવાનો નથી. આ તો રાબેતા મુજબના સમાચારો વાંચી વાંચીને એવો અકળાયેલો, કે ભવિષ્યની કોલમ વાંચતા વાંચતા, લોકોનું ભવિષ્ય બતાવવાના રવાડે ચઢી ગયો. એમાં ‘ભવિષ્યવિદ’ નું પાટિયું લાગી ગયું. મંગળ કે શનિ, માણસના ખોળે બેસે કે, એના માથે ચઢીને ભાંગડા કરે એની સાથે એને કોઈ લેવા દેવા નહીં. બસ એક જ સિધ્ધાંત, આપણા ખિસ્સા ન બેસવા જોઈએ એટલે જ તો એ ભવિષ્ય લખી શકે ખરો, બાકી ભવિષ્ય બનાવવાની બાબતમાં તો અલ્લાયો જ. એક તો એનો ચહેરો એવો કે, નરો ‘હોલવિન’ જ. અને ખરબચડો એવો કે હાથ ફેરવીએ તો હાથમાં છાલાં પડી જાય. બાકી ચાલાક તો બહુ. ચહેરો જો સુંદર હોત તો આજે એ ઘર કરતાં ટીવી ઉપર વધારે જોવા મળતે. એનું દાઢી રાખવા પાછળનું મૂળ રહસ્ય પણ એ જ કે દાઢીની ઓથમાં ખરબચડો ચહેરો ઢંકાયેલો તો રહે. દિવસે બિચારો છરા ચપ્પુ ઘસવાનો ધંધો કરે, ને નવરો પડે એટલે કોઈના પણ ભવિષ્યની ધાર કાઢવા માંડે. પણ વાવટા તો એવાં ફરકાવે કે જાણે બધા જ ગ્રહો એને ત્યાં છૂટકની નોકરી ન કરતાં હોય એમ જ ઠોકે. એના કપાળમાં કાંદા ફોડું..

આવા બેનમૂન ચમન ચક્કીએ આગામી સંવત ૨૦૬૮ નું આ ખડખડાટ ભવિષ્ય લખેલું છે. એણે લખેલું છે એ ગેરંટી છે, પણ જે લખેલું છે એના વિષે તો એ ખુદ પણ કોઈ ગેરંટી આપતો નથી. માત્ર વાંચીને હસી કાઢવાની ગેરંટી છે. બીજી કોઈ ગેરંટી નથી.

તેથી ભવિષ્ય વાંચતા પહેલા હાથે લીંબુ-મરચું બાંધવુ વાચકના માટે ફાયદાકારક રહેશે. ઘરમાં લીંબુ મરચું માંગવા ગયા અને ઘરવાળી બગડી, તો એની જવાબદારી સહિયારી નથી. પોતાની ઉપાધી પોતે જ ઉપાડવાની છે. ભવિષ્યનું જોવામાં વર્તમાન ધોવાઈ નહીં જાય એની જવાબદારી ભવિષ્યવેતાએ લીધેલી નથી. બી કેરફુલ. આવો આપણે જોઈએ તો ખરા, ચમનીયાનું ખડખડાટ રાશિ ભવિષ્ય છે શું? બોલો અંબે માતકી. જય!

મેષ : આ જાતકના માટે આ વર્ષ ઉત્તમમાં ઉત્તમ છે. જો એમાં પણ ઢીલા પડ્યા તો ખીલા વાગશે. નવમે કેતુ છે. એટલે પીડા કરાવશે. એનાથી બચવા ત્રણ બાબત ખાસ યાદ રાખવાની. જમણમાં પહેલાં બેસવું, ફોટામાં વચ્ચે બેસવું અને લડાઈ થાય તો છેલ્લા રહેવું. જે વારે જન્મ થયો હોય, એ વારે જમણમાં દાળ વગરનો જ ભાત ખાવો. દશે દિશામાં દેવતાઓનો વાસ રહેલો હોય, પાધરા રહેવું. સવારે દક્ષિણ દિશામાં દશ ડગલા ચાલ્યા પછી જ, બાકીની દિશામાં પગલાં પાડવા. સંવત ૨૦૭૨ નું વર્ષ એટલું સારું છે કે, કેતુ સિવાય કોઈ ગ્રહ તમારું કંઈ જ બગાડી શકે એમ નથી. કારણ કે તમારી પાસે બીજું છે પણ શું? જેમનું નામ ઉત્તમભાઈ હોય એવા ૧૧ ઉતમભાઈને એકાદ અગિયારસે આખા કાંદાના ભજીયા ખવડાવવાથી, ઉતમ ફળ મળવાના યોગ છે. વર્ષ દરમ્યાન ગેસટ્રબલ રહેવાના સંકટ છે. તેથી ગેસના ચૂલા કરકસરથી વાપરવા. દર બુધવારે ભાત સાથે આઈસ્ક્રીમ ભેળવીને ખાવાથી સમસ્યા હળવી થશે. દર પૂનમે ઘાસની પથારી ઉપર જ સુવું કારણ આપના ઉપર ઘાસચારાની પનોતી ટકોરા મારીને ઉભી છે. લાલ કલરના સાબુથી ન્હાવાની બાધા રાખવી.

વૃષભ : આપની રાશિ વૃષભ છે, એટલે વર્ષ દરમ્યાન થોડું તોફાન તો રહેવાનું. રખડતી ગાયોના પૂજન કરવા. સુરજ ઉગતાની સાથે બને એટલી વધુમાં વધુ ભેંસના દર્શન કરવા લાભકારક છે. જમવા પહેલા ‘ઔમ ભેંસવાય નમ:’ ના ૧૦૧ જપ કરવાથી પાચન શક્તિમાં સુધારો થવાની શક્યતાઓ છે. શિર્ષાસન થાય તો કરવા. ન ફાવે તો તમારો ફોટો ઉંધો મુકવાથી પણ ફળ મળશે. પડછાયાથી ડર લાગવાની પૂરી શક્યતાઓ છે. બાર બુધવાર કરવા અને તે દિવસોમાં, ટીવીમાં માત્ર હાસ્યના કાર્યક્રમો જ જોવા. કોઈપણ હાસ્ય કલાકાર સાથે શિર્ષાસનમાં ફોટો પડાવી, તે ફોટો પેન્ટના ડાબા ખિસ્સામાં રાખવો. ફાયદો થશે.

મિથુન : આ રાશિવાળા જાતકની કુંડળીમાં આ વરસે ત્રણ ગ્રહો ભેગા થાય છે. જેથી, કમર ઘૂંટણ અને માથાની બીમારીથી સંભાળવું. પત્નીથી છૂપાવીને હોટલમાં ઝાપટવા જતાં હોય તો બંધ કરવું. હવે પકડાઈ જવાના પૂરા યોગ છે. આ રાશિવાળી બહેનોને લગનના પૂરા યોગ છે. કોને હા પાડવી અને કોને ના પાડવી એ સમસ્યા પણ આવશે. જેના ડાબા ગાલે કાળો તલ હોય એવા ઉમેદવારને પસંદ કરવો નહીં. કારણ તમારા જીવનમાં આખું વર્ષ અમાસની છાયા છે. પરણેલી બહેનોએ ધણીને ધાકમાં રાખવા માટે ‘પતિદેવ શરણમ મમઃ’ ની દર ત્રીજા મંગળવારે ૧૧ માળા કરવી. પણ પતિની છાયાથી દુર રહેવું. દર રવિવારે ૪૧ મિનીટ મૌન પાળવું જેનાથી પતિ પત્ની અને પાડોશી દરેકને રાહત રહેશે.

કર્ક : આખું વર્ષ ફળદાયી છે. તેથી વધારેમાં વધારે ફળો જ ખાવા. પપમ ખાવાથી પૈસાની આવકમાં વધારો થશે. સરકારી કર્મચારીઓ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી છે. જેથી ‘જો સોવત હૈ વો ખોવત હૈ.’ એ ઉક્તિ યાદ રાખીને નોકરી દરમ્યાન ઊંઘવું કે ઊંઘતા હોવાની ચેષ્ટા કરવી નહીં. આ જાતકની બહેનોએ પેટ્રોલને બદલે ડીઝલવાળા વાહનોમાં મુસાફરી કરવી હિતાવહ છે. ઘરે આવતા છાપાં કરતાં પાડોશના છાપાં વાંચવાનો આગ્રહ રાખવો. ને ઘરના સિનીયર સીટીઝનોએ ‘શ્રી રામ શરણમ મમઃ’ ના રોજ ૧૧૧૧ જાપ કરવા જેથી નડતાં ગ્રહો અને લડતાં તત્વોથી રાહત મળશે. દર મંગળવારે પૂર્વ દિશામાં પાંચ માણસોને બેસાડીને હનુમાન ચાલીસાનું વાંચન કરવું.

સિંહ : સિનીયર સીટીઝન માટે આ વર્ષ મધ્યમ છે. ખાવાના ચટાકા બંધ કરીને એકાંતરે ઉપવાસ રાખવાની સલાહ છે. કેરીઓને બદલે ચીકુ વધારે ખાવા. રાતે સૂરણના મુઠીયા ખાવાથી ગ્રહો ગબડવાની શક્યતાઓ છે. આ જાતકના યુવાનોએ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની માથાકુટમાં બહુ પડવું નહીં. શુક્રવારે વાનરનું મોઢું ભૂલમાં પણ ન જોવાય એની ખાસ તકેદારી રાખવી. દર અઠવાડિયે કોઈને પણ એક પોસ્ટકાર્ડ લખવાનો આગ્રહ રાખવો. જેના થકી અમુક ગ્રહો આપોઆપ શાંત થશે. જેને નાક ઉપર કાળો તલ હોય, એમણે બને ત્યાં સુધી ઘરનું જ ભોજન લેવું. હોટલમાં જમવું નહીં. અને જાવ તો એટલી જ કાળજી રાખવાની કે, વેઈટરને આપવાની ટીપ કરતાં હોટલનું બીલ વધવું જોઈએ નહીં. આ જાતકની બહેનોએ શનિવારે અડોશ પડોશના બાળકોને ચોકલેટ વહેંચવી જેથી સંસારમાં મીઠાશ રહેશે.

કન્યા : આ જાતકની સાસુઓ માટે આ વર્ષ અતિ ઉત્તમ છે. આ વર્ષમાં અનેક યાત્રાધામની મુલાકાત લેવાના યોગ છે. ઘરમાં શાંતિ રહેશે. કરન્સી નોટ કરતાં ચલણી સિક્કાઓનો જ વધારેમાં વધારે ઉપયોગ કરવો. બારમે આવેલો રાહુ સાસુઓના મગજને ગરમ રાખશે. માટે શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ બંધ કરવો. વાહનની પાછલી સીટ ઉપર બેસનારને અકસ્માતના યોગ છે. તેથી ગાંધી ટોપી ઉપર હેલ્મેટ પહેરવી. કચુંબરમાં કોબીનો ઉપયોગ વધારે કરવાથી રાહુની દશા હળવી થશે. વૃદ્ધોએ ચૌદશને દિવસે ‘હેરડાય’ કરવી નહીં. અને કરવી જ પડે એવું હોય તો તે દિવસે રવૈયાનું શાક જ ઘરના તમામ સભ્યોએ ખાવું. બને તો નોમના દિવસે એકટાણાનો ઉપવાસ કરવો અને એક નાના છોકરાનું બેબી સીટીંગ કરવું.

તુલા: આ રાશિના જાતકોને આ વર્ષમાં આકરી ગ્રહદશા બેસે છે. તેથી જન્મદિવસ સિવાય આખું વર્ષ સફેદ વસ્ત્રો જ ધારણ કરવા. પણ જો ધોળા વાળ હોય તો કાળા વસ્ત્રો ધારણ કરવા. અને કાળા વાળ હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરવાની સલાહ છે. જેને વાળ નથી એમના માટે ચિંતાનું કોઈ કારણ નથી. પણ તેમણે ટાલપુરાણના પાઠો કરવા હિતાવહ છે. બને તો આખું વર્ષ સેકન્ડ કાંટા વગરની ઘડિયાળ જ પહેરવી. મહોલ્લાના પાંચ તોફાની છોકરાઓ અને પાંચ કલાકારોને આઈસ્ક્રીમ ખવડાવવાથી નડતાં ગ્રહોને ટાઢા કરી શકાશે. જો દિવસમાં ત્રણ કરતાં વધારે છીંક આવે તો તે દિવસે છીંક પછી નકોરડો ઉપવાસ કરવાનો રહેશે. રાતે હીંગની ફાકી મારવાથી ખરાબ સ્વપ્નાઓ અટકાવી શકાશે.

વૃશ્ચિક : આ વર્ષ આપના જીવન માટે ખૂબ જ ભાગ્યશાળી છે. છતાં આઠમે રહેલો ગુરુ અને બારમે રહેલો ચંદ્ર કોઈ અવળા પરિણામ લાવે પણ ખરો. કારણ એ બધા મનના રાજા છે. આ વર્ષે તમને કબજીયાતના પ્રોબ્લેમ રહેવાની પૂરી સંભાવના છે. તેથી રોજ સવારે સવારે સાયગલના બે ગીત અચૂક સાંભળવા. કબજિયાતમાં રાહત રહેશે. આ વરસે આપને ચંદ્રની મહાદશા હોય, ભૂલમાં પણ પાછલા ખિસ્સામાં કાંસકી રાખવી નહીં. અને ચંદ્રની હાજરીમાં વાળ ઓળવાની ચેષ્ટા કરવી નહીં. આખું વર્ષ માથે ટાલ રાખવી ઉતમ ઉકેલ છે. પગમાં બે પટીની ચંપલ જ ધારણ કરવી. યુવાનો માટે આ વર્ષની નવરાત્રી ભારી છે. ગરબા ગાવા જાવ તો ત્રણ તાળીના ગરબાનો ત્યાગ કરવો. રાત્રે ઉંદરમામા માટે સિંગદાણાનો ચોખ્ખા ઘીનો અડધો લાડુ મુકવાથી ચંદ્રની મહાદશામાં રાહત રહેશે. અડધો તામારી સાસુ કે સસરાને ખવડાવવો. ગેરંટી નહીં પણ પ્રયત્ન કરી જોવો.

ધન : આ રાશિના જાતકો ધન રાશિના હોવાથી ઇન્કમ ટેક્ષવાળાથી સાવધ રહેવું. શક્ય હોય તો ધર્મ પરિવર્તન, જાતિ પરિવર્તન, હૃદય પરિવર્તનની માફક રાશિ પરિવર્તન કરી શકાતું હોય તો જોઈ લેવું. ઉડતા વિમાન સામે જોવું શુકનિયાળ નથી. શનિની પનોતી છે, પણ હળવી છે. ગુટખા ખાતા હોય તો તત્કાળ એનો ત્યાગ કરીને, ગુટખાના તોરણ પહેરી એકવાર સસરાને પગે લાગી આવવાથી પનોતીમાં રાહત રહેશે. જેને સસરો જ નથી એના માટે ભવિષ્યપુરાણમાં બીજી કોઈ જોગવાઈ નથી. બ્રહ્મદેવતાઓ ગુટખા ‘ટચ’ કરતાં ન હોઈ, એમને દાનમાં આપવાની ચેષ્ટા કરીને પાપમાં પડવું નહીં. વૃધ્ધો માટે આગામી વર્ષ ખૂબ જ સુંદર છે. કોઈને પણ હોસ્પીટલમાં જવાના બિલકુલ સંજોગો નથી. પણ યમરાજની મુલાકાતો વધશે. ચેતીને રહેવું. બારણામાં કોઈ જગ્યાએ ‘ભલે પધારો’ ના પાટિયા કે લખાણ લખેલા હોય તો તાબડતોડ દુર કરવા. અને આંખો ખુલ્લી રાખીને ઊંઘવું.

મકર : ચેતતો નર સદા સુખી. આ વરસે નાણા મોટા કોઈપણ નેતાની અડફટમાં બને ત્યાં સુધી નહીં આવવું. ગાયનેક પ્રોબ્લેમ છે. આઈ મીન ગાયના શિંગડાથી હાથે પગે ઈજા થવાના યોગ છે. તેથી ગૌમાતા જ્યાં પણ મળે ત્યાં સાષ્ટાંગ પ્રણામ કરવા. અને પિતાને પણ વ્હાલ કરવાનું ટાળવું નહીં. જાતક ઉપર ધન રાશિની દ્રષ્ટિ પડતી હોવાથી જાવક કરતાં આવક વધશે. દેવાના બંધનમાંથી મુક્તિ મળશે. પણ આ રાશિવાળી બેંક ફડચામાં જવાની ખાસ રહેલી હોય, દાન ધરમ સિવાય નાણાંનો બીજો વિનિયોગ કરવો હિતાવહ નથી. પાન ખાતા હોય તો ચૂનો ચોપડ્યા વગર પાન ખાવું, નહીં તો ગમે ત્યારે તમને ચૂનો લાગી જવાની શક્યતા નકારી શકાતી નથી. પાનની પિચકારી સાસરીની દિશામાં નહીં મારવા ખાસ સલાહ છે.

કુંભ : આ વર્ષમાં તમે ફણીધરની જેમ ઘડામાંથી બહાર નીકળી રહ્યાં છો. બને તો દર પૂનમે પાડોશીને આઈસ્ક્રીમ ખવડાવશો. સંબંધ વધુ ઠંડા અને સ્વાદિષ્ટ બનશે. શનિની સાડાસાતી પૂરી થવાની તૈયારીમાં છે. ગોળના ખાલી માટલામાં ગુલાબનો છોડ રોપી પૂર્વ દિશામાં માટલું મુકવાથી ચિત્ત પ્રસન્નતા વધશે. શરીર નબળું પડવાના યોગ છે. પણ ભીમ એકાદશીના નકોરડા ઉપવાસ કરવાથી રાહત થશે. આ રાશિની સ્ત્રી જાતકો માટે આ વરસે એક ખાસ યોગ આવે છે. દર પૂનમે પતિ પાસે પોતાનું મંગલસૂત્ર ધોવડાવવાથી અને તેની પૂજા કરાવવાથી પોતાની આવરદા વધશે. કડવા ચૌથને દિવસે મનમાં કોઈપણ જાતની આગલી પાછલી કડવાશ રાખ્યા વિના પતિ પૂજા કરવાથી સારું ફળ મળશે. બીજું કે મંગળસૂત્ર સાચવવાની સાથે પોતાના ધણીને સાચવવાની પણ ખાસ કાળજી રાખવી. ચેતતી નારી સદા સુખી.

મીન : તમારી રાશિનો કેતુ આ વરસમાં ખાડે જવાનો છે. તેથી ખાડામાં પગ નહીં પડે તેની ખાસ કાળજી રાખવી. દેખો ત્યાંથી પૂરોની માફક, આજુબાજુના ખાડાઓ પૂરતા રહેવાનું. કયો ખાડો આપણા પગ માટે હાડકાંતોડ બને એ નક્કી નહીં. અકસ્માતથી ઉગરવાનો એક ઉપાય છે. દમણગંગા ટાઈમ્સ પેપરનું નિયમિત વાંચન કરવું. અને દર મંગળવારે અચૂક રમેશ ચાંપાનેરીની ‘હાસ્ય લહરી’ કોલમ વાંચવી. ભાત અને ખીચડીના ભેદ તમને આ વરસે સમજવાના યોગ છે. જો આ ભવિષ્ય વાંચતા તમને છીંક ન આવે તો માનવું કે, આ ‘ખડખડાટ’ કરાવનારું રાશિ ભવિષ્ય છે. રોજ રાત્રે ૧૩ મુખી રુદ્રાક્ષ દુધમાં બોળીને પીવાથી ફાયદો રહેશે.

– રમેશ ચાંપાનેરી


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “ચમન ચક્કી દ્વારા સંવત ૨૦૭૨નું રાશિ ભવિષ્ય – રમેશ ચાંપાનેરી

  • Kalidas V. Patel { Vagosana }

    રમેશભાઈ,
    બાપુ તમે જો આ ધંધો અપનાવો તો જક્કાસ સફળ જાઓ જ … એવું આપના આ લેખ પરથી લાગે છે. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા }