મુશ્કેલીઓ.. – બી. કે. નીતા 7


યે મત કહો ખુદા સે, મેરી મુશ્કીલે બઢી હૈ,
મુશ્કિલો સે કહ દો કી, મેરા ખુદા બડા હૈ

જીવનમાં આવતી મુસીબતોથી ડરીને આપણે આપણા વિઘ્નો, સમસ્યાઓનું વર્ણન કરીને બીજાની દયા, હમદર્દી, લાગણી મેળવવા પ્રયાસ કરતા રહીએ છીએ. એ જાણતા હોઈએ છીએ કે જેની સામે આપણે સમસ્યાઓનું વર્ણન કરતા હોઈએ છીએ તેની પાસે કોઈ ઈલાજ નથી, છતાં પણ આદત મુજબ વર્ણન કરતા હોઈએ છીએ અને પહેલાંથી જ તેમની પાસે પોતાની અનેક સમસ્યાઓ છે. તેઓ આપણને કોઈપણ રીતે મદદ કરી શકવાના નથી. છતાં પણ આદત મુજબ આપને જે પણ મળે તેની આગળ દુ:ખનાં રોદણા રોયા કરીએ છીએ. એવું સમજીએ છીએ કે મારી પાસે રહેલી સમસ્યાઓ સૌથી મોટી છે. આમ ‘યેન કેન પ્રકારેણ’ સમસ્યાઓ વર્ણવીને અનેકોની હમદર્દીની ભીખ માંગતા રહીએ છીએ.

આપણને સદા એવું મનમાં રહેતું હોય છે કે બીજાની પાસે રહેલી સમસ્યા તો સાવ સરળ જ છે. પરંતુ મારી સમસ્યા ખૂબ જ કઠીન છે. આમ આપણે પોતાની સમસ્યા, વિઘ્નોનું વર્ણન થોડું વધારીને, મસાલા નાખીને, વાતને ટેસ્ટી બનાવીને બીજાની સામે રાખીએ છીએ. વિઘ્નો પાસ કર્યા પછી પણ પોતાની બહાદુરીના વર્ણન કરવામાં થાકતા નથી કે મેં જે પરીક્ષા પાસ કરી તે કોઈ ન કરી શકે. મારી પાસે આવેલા વિઘ્નો તો અલગ જ હતા તમારું કામ જ નહિ. તમે ન ટકી શકો. મેં જે પેપર આપ્યા છે…. આવી વાત કરીને આપણે પોતાની શક્તિ પ્રદર્શન અને હમદર્દી મેળવવાની કળા છતી કરીએ છીએ. આપણે લોકો આગળ તો દુ:ખો, સમસ્યાઓનું વર્ણન કરીએ જ છીએ. પરંતુ સાથે સાથે ભગવાન આગળ પણ એક એક વિઘ્નોને ખોલીએ છીએ. અને પ્રભુની દયા, કૃપા, રહેમ, મદદ માંગીએ છીએ. પરમાત્માની સામે રોજ આપણી મુસીબતોના ગીતો જ ગાતા રહીએ છીએ. અને પરમાત્માની કૃપા મેળવવા પ્રયાસ કરીએ છીએ. પરમાત્મ શક્તિ લઈને વિઘ્નોનો સામનો કરવા અથવા પરમાત્મા આપણા માર્ગના વિઘ્નો, મુસીબતોના પથ્થર હટાવે એવી ભાવના રાખી વર્ણન કરીએ છીએ.

નાના બાળકો રમતા રમતા પડી જાય ત્યારે રડીને માતાપિતાની સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરે છે. બાળકો જયારે પડી જાય અને કોઈએ જોયું ન હોય તો તરત જ ઉભા થઇ જાય છે, જો માતા પિતા એ જોયું હોય તો વધારે દર્દ જતાવી પ્રેમ મેળવવા પ્રયાસ કરે છે. થોડું દર્દ વધારે મોટું વર્ણન કરીને બતાવે છે. તેમ જ કદાચ આપણે પણ પરમાત્મા પાસે જઈને આપના દર્દ ના ગીતો જ ગાયા કરીએ છીએ. પરમાત્માને ક્યારેય એવું ન કહો કે “હે પ્રભુ મારી મુશ્કેલીઓ વધારે છે.” પરંતુ મુશ્કેલીઓને કહી દઈએ કે મારા પિતા કેટલા મોટા છે મહાન છે સર્વ શક્તિમાન છે.

આપણે બીજાઓ દ્વારા મળેલા થોડા દુ:ખનું ચિંતન કરીને જે મળે તેની આગળ દર્દનું વર્ણન કરીને દુ:ખને વધારીએ છીએ. મુસીબતોનું ચિંતન કરીને આપણે મુશ્કેલીઓને વધુ મહત્વ આપીએ છીએ અને આપણી શક્તિઓને ભૂલી જઈએ છીએ. જેથી પોતે કમજોર બની જઈએ છીએ અને પરિસ્થિતિ વધુ મજબૂત, પરંતુ જયારે આપણે આપણી શક્તિઓને, આપણા સર્વશક્તિમાન પરમપિતાની શક્તિઓને યાદ કરીશું તો!

ગમે તેટલી આંધી આપણા માર્ગમાં આવે તો પણ ડરવાની શી જરૂર? આગમાં તપીને જ સોનું વધારે નિખરે છે. વિઘ્નો પણ આપણી આત્મામાં નીખર લાવવાનું કામ કરશે તો પછી શા માટે ગભરાવું? સર્વ શક્તિમાન આપણી સાથે હોય પછી આપણે ચિંતા કરવાની શી જરૂર? આપને એક કદમ ચાલીશું તો પ્રભુ હજાર કદમ આપણી સામે આવે છે. ભગવાન દુ:ખના સમયે આપણને પોતાની ગોદમાં ઉઠાવી લે છે. આપણા પગથી ચાલવાની પણ તકલીફ આપતા નથી.

મુશ્કેલીઓ આપણા જીવન રૂપી હીરાને પોલીશ કરનારો પથ્થર છે જે આપણને થોડા સમય માટે દર્દ તો આપે છે પરંતુ ચમકાવીને આપનું મુલ્ય વધારી દે છે. પથ્થર પર પડતો દરેક હથોડો તેમાં રહેલી મૂર્તિ ને ઉજાગર કરે છે અને વધારાનો પથ્થર દૂર કરવાનું કામ કરે છે. જો પથ્થર હથોડાના ઘાથી ડરી જાય તો મૂર્તિ ન બની શકે. પરંતુ હથોડા સહન કરીને જ પથ્થર મૂર્તિ બને છે.

– બી. કે. નીતા

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, કુણઘેર ઉપ સેવાકેન્દ્ર, પાટણના બી. કે. નીતાજીએ અક્ષરનાદને આ લેખ પાઠવ્યો છે એ બદલ તેમનો આભાર અને શુભકામનાઓ. જીવનની મુશ્કેલીઓ અને તેની સામે લડવાની વાત સમજાવતો આ સુંદર લેખ આજે પ્રસ્તુત છે.


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “મુશ્કેલીઓ.. – બી. કે. નીતા

  • Kalidas V. Patel {Vagosana}

    બી.કે. નીતા,
    મુશ્કેલી વખતે ડરી જવાને બદલે તથા બીજાઓ આગળ રોદણાં રડવાને બદલે હિંમતથી તેમાંથી માર્ગ કાઢવાનો તથા પરમ કૃપાળુ પરમેશ્વર ઉપર પૂરી શ્રધ્ધા રાખવાનો આપનો વિચાર ઉત્તમ લાગ્યો. આભાર.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • બીકે હરીશ રાઠોડ

    નીતાબેનને અભિનન્દન, આવો સરસ લેખ આપવા બદલ !

  • jayendra

    વિપત પડે ના વલખીયે, વલખે વિપત ના જાય.
    વિપતે ઉધ્યમ કિજિયે, ઉદ્યમ વિપતને ખાય.