યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧) 6


Who Walk Alone - Cover Front-LR ક્યારે અને ક્યાંથી શરૂઆત થઈ એ ઘટનાની, એની તો મને ક્યારેય ખબર ન પડી, પણ એ ઘટનાએ મારા જીવનને સાવ નષ્ટપ્રાય કરી નાખ્યું! અને મને એની ખબર પડે પણ શી રીતે? બે ઘટનાઓઃ એક, કોલોરાડોના સ્વયંસેવકો સાથે કેવાઇટ ખાતે હું ઊતર્યો એ; અને બીજી, ફિલિપાઇન્સના બળવાના અંતે હું ઘર તરફ રવાના થયો; બસ, આ બે ઘટનાઓ વચ્ચે ક્યારેક કંઈક બન્યું હશે! અને આવું કંઈક બન્યું છે તેની જાણ પણ મને છેક નવ વર્ષે થઈ! (કોલોરાડો – યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનું પશ્ચિમ-મધ્યે પથરાળ પહાડીઓ વચ્ચે આવેલું એક રાજ્ય, કેવાઇટ – ફિલિપાઇન્સના મનિલાના અખાતની દક્ષિણે ૩૦ કિલોમીટર દૂર આવેલ વિસ્તાર)

૧૮૯૮ની વસંત. હું કૉલેજના ત્રીજા વર્ષમાં હતો. એ દિવસે હું મારા ઓરડામાં બેઠો-બેઠો કેમિસ્ટ્રીના પુસ્તકમાંથી કંઈક શોધવાનો પ્રયત્ન કરતો, લંચબેલની રાહ જોતો બેઠો હતો. અચાનક બેલ વાગ્યો અને બગાસાં ખાતો હું ઊભો થયો. ફૂટબોલ કોચે અમને સવારના પહોરમાં પ્રેક્ટિસમાં બોલાવ્યા હતા. છતાંયે બેલ કંઈક વહેલો વાગ્યો હોય એવું લાગ્યું. એટલામાં ક્યાંકથી સાયરનનો અવાજ આવ્યો. બેલનો અવાજ પણ જાણે ચારે તરફથી પડઘાવા લાગ્યો.

શું થયું હશે, એ જાણવાની ઉતાવળમાં ચાર-ચાર પગથિયાં હું એક સાથે કૂદી ગયો! છેલ્લા પગથિયે પહોંચતાં જ મારો રૂમ-પાર્ટનર બોબ સેલાર્સે મારી સાથે થઈ ગયો. યુનિવર્સિટિની ટીમમાં બોબ ‘ફૂલબેક’ પરથી રમતો અને હું ‘એન્ડ’નો ખેલાડી હતો. (ફૂલબેક અને એન્ડ – ફૂટબોલની રમતમાં મેદાન પરના ખેલાડીઓના સ્થાનો.)

“આપણે જવાનો સમય આવી ગયો, નેડ!” એણે બૂમ પાડી. “સ્પેન સામે લડાઈ શરૂ થઈ ગઈ છે!”

અને એ સાથે જ અમે કૅમ્પસમાં ધમાચકડી કરી મૂકી. ચારે તરફથી વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા. બૅંડ વાગવું શરૂ થઈ ગયું અને અમે બધા એની પાછળ જોડાઈ ગયા. બધી ફૅકલ્ટીઓને ન ગણીએ તો પણ પાંચસોએક વિદ્યાર્થીઓ તો ભેગા થઈ જ ગયા હશે!

અત્યાર સુધી તો બૅંડ જાણે કે ટેં-ટું-ટેં-ટું અને પોં-પોં કરતું હતું, પણ અમને બધાને એકઠા થતા જોઈને બૅંડ માસ્ટર ડેક્સ્ટરે બૂમ પાડી. અમને પહેલાં તો કંઈ સમજાયું નહીં, પણ બૅંડના સભ્યો એનો ઇશારો સમજી ગયા. ડેક્સ્ટરનો ઊંચો થયેલો હાથ એક ઝાટકા સાથે હવામાં જાણે વીંઝાયો અને એ સાથે જ ‘જૂના નગરની રાતમાં, એવો ગરમાવો હશે…” ગીત હવામાં લહેરાવા લાગ્યું.

અમે બધા પાગલ બનીને ગામની સડકો પર કૂચ કરતા નીકળી પડ્યા. ગામના લોકો સડકની બંને બાજુએ કતારબંધ ઊભા રહીને અમારા ઉત્સાહમાં ઉમેરો કરતા હતા. બે કલાક સુધી ચાલેલી આ ધમાલના અંતે બધા જ થાકીને લોથ થઈ ગયા હતા, સિવાય કે એક પ્રેક્સી! સિત્તેરે પહોંચીને પણ એ હજુ થાક્યો ન હતો! ઊંચું મોં અને આગળ પડતી દાઢી! અમારા બધામાં એ સૌથી મોહક દેખાતો હતો! અમારું એ નાનકડું જૂનું કૉલેજ બૅંડ કદાચ એટલું સારું ન હતું, પણ એ દિવસે અમે યુદ્ધપથ ઉપર કુચ કરતા હોય એવો પ્રભાવ તો એ ચોક્કસ પાડી શક્યું હતું!

અને સ્પેન તો ચોક્કસ પોતાનાં કર્મોની સજા ભોગવવાનું જ હતું! એણે અમારાં કેટલાંયે જહાજો ડુબાડ્યાં હતાં! અરે, નાનકડા ક્યુબાને તો એણે ચીંથરેહાલ કરી મૂક્યું હતું! એને એનાં કર્મોની સજા ચોક્કસ મળી રહે એ માટે અમે વિદ્યાર્થીઓ અમારાથી જે કંઈ પણ થઈ શકે તે કરી છૂટવાના હતા!

અને એને માટે અમારે બહુ રાહ પણ ન જોવી પડી! અંકલ સેમ તરફથી પંચોતેર હજાર સ્વયંસેવકો માગવામાં આવ્યા! કોલોરાડોમાં રેજિમેન્ટની સ્થાપના થઈ અને અમારામાંથી ઘણાએ પોતાનાં નામ એમાં નોંધાવી દીધાં. થોડા સમયમાં તો અમે કૅમ્પમાં પણ પહોંચી ગયા, અમને એક ગભરુ જવાનમાંથી ખડતલ સૈનિક બનાવવા માટેની તાલીમ પણ કેમ્પમાં શરૂ થઈ ગઈ. બંદુક તો અમે બધા જ ચલાવી જાણતા હતા, પણ એ સિવાય કોઈની પાસે સૈનિક તરીકેનો અનુભવ ન હતો.

સેન એન્ટોનિઓ ખાતે ચાલતા એક તાલીમસ્થાન અંગે અમારી વચ્ચે ખૂબ ઉત્સાહપૂર્વક ચર્ચાઓ થતી હતી. ‘રુઝાવેલ્ટ્સ રફ રાઇડર’ના નામે ઓળખાતા કાઉબૉય્ઝ અને ઇન્ડિયન લડવૈયાઓ ત્યાં તાલીમ લેતા હતા. એક જમાનામાં ન્યુયોર્કનો ટેડી રુઝાવેલ્ટ નામનો એક રંગીન-મિજાજ આદમી ઘણી વખત અહીં જંગલી ઘોડાઓની સવારી કે ગ્રીઝલીના શિકાર માટે આવતો હતો. એના નામ પરથી એ નામ પ્રચલિત થયું હશે! એ કેમ્પના કર્નલનું નામ હતું લિયોનાર્ડ વૂડ! એમના વિશે અમે ઘણી બધી વાતો સાંભળી હતી. આર્મિમાં એ એક ડૉક્ટર હતા. ઇન્ડિયન્સ અને ખાસ કરીને ‘ગેરોનિમો’ સામે લડવામાં એમણે બહુ નામના મેળવી હતી. તક મળે તો એમની ટુકડીમાં જ સામેલ થઈ જવાનું મેં નક્કી કરી લીધું હતું! બોબ સેલાર્સનો વિચાર પણ કંઈક એવો જ હતો. એવામાં અમને ખબર પડી, કે સેન એન્ટોનિઓ જતી વેળાએ કર્નલ વૂડ અહીં રોકાઈને અમારી ટુકડીનું નિરીક્ષણ કરવાના હતા. કોઈ પણ રીતે એમનો સંપર્ક કરીને, અમને એમની સાથે લઈ જવાની વિનંતી કરવાનું અમે નક્કી કરી લીધું હતું. પરંતુ કમનસીબે અમને એવો મોકો મળ્યો જ નહીં! હા, કર્નલના એક મદદનીશ સાથે વાત કરવાનો મોકો મને મળ્યો ખરો! એની પાસેથી ખબર પડી કે કર્નલ પાસે તો પહેલેથી જ ક્ષમતા કરતાં ઘણા વધારે જવાનો હતા. અમારે રાહ જોવી જ રહી! (ગ્રીઝલી – પશ્ચિમ-ઉત્તરીય અમેરિકાની પહાડીઓમાં જોવા મળતાં તપખીરિયા રંગનાં શક્તિશાળી રીંછ, ગેરોનિમો – અમેરિકાની મૂળ પ્રજાતિના મુખ્ય નેતા જેણે મેક્સિકો અને અમેરિકા સામે કેટલાય દાયકાઓ સુધી મૂળ નિવાસીઓની જમીનમાં અમેરિકાની ઘૂસણખોરી વિરુદ્ધ લડાઈ કરેલી.)

કર્નલના મદદનીશ સાથે વાત કરીને મારા તંબુ તરફ જવા માટે હું હજુ તો પાછો જ ફરું છું, ત્યાં સામે જ કર્નલ વૂડ મળી ગયા! શું રુઆબદાર માણસ હતા! સાગના સોટા જેવો પાતળિયો બાંધો, તાડ જેવા ઊંચા અને શ્યામવર્ણ, આપોઆપ નેતૃત્વની આભા ઊભી કરે તેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ! ઝડપભેર બાજુ પર ખસીને મેં એમને સલામ આપી. ગંભીરતાપૂર્વક વળતી સલામ આપીને એમણે મારા પર ઝીણવટભરી નજર ફેરવીને સ્મિત આપ્યું. એમની નજર માત્રથી મારામાં જુસ્સાની એક લહેરખી ફરી વળી! પછી તો એ તરત જ ચાલ્યા ગયા, પણ એમનું એ મોહક સ્મિત… ક્યારેય ભૂલાય નહીં તેવું હતું! જાણે કહેતું હોય કે ‘એક સૈનિક તરફથી બીજા સૈનિકને…!’ એ સ્મિતે તો મને બસ, જકડી જ લીધો! તેમની સાથે જવા માટે હું કંઈ પણ ભોગ આપવા તૈયાર હતો!

બે-ચાર અઠવાડિયાં અમને કૅમ્પમાં માંડ થયાં હશે, ત્યાં જ અમારે ફિલિપાઇન્સ જવાનું થશે એવી વાતો અંદરોઅંદર ફેલાવા લાગી. ઉત્સાહની એક લહેરખી અમારામાં ફરી વળી! મનિલાના અખાતમાં સ્પેનની નૌસેના ઉપર ડેવીએ મેળવેલા વિજયના સમાચાર હમણાં જ આવ્યા હતા. એ સમાચારના સથવારે એક તો પહેલેથી જ અમારી કલ્પનાના ઘોડાઓને પાંખો ફૂટી નીકળી હતી! એમાં વળી ત્રણ દિવસની એકસામટી રજાઓ અમને આપવામાં આવી, એટલે અમને પાકી ખાતરી થઈ ગઈ કે બસ, હવે જવાનું નજીક જ છે!

રજાના એ ત્રણ દિવસોમાં મારે ઘેર રહેવાનો ખાસ સમય તો મને ન મળ્યો, તે છતાં જેટલો પણ સમય મળ્યો, એનો મેં બરાબર ઉપયોગ કરી લીધો. મિસૌરીના ઉઝાર્ક પહાડની તળેટીમાં મારું કુટુંબ રહેતું હતું. એ જૂનું-પુરાણું મકાન ત્રણ-ત્રણ પેઢીઓથી અમારા લેંગફર્ડ કુટુંબનું આશ્રયસ્થાન હતું. ત્યાંથી નજીકમાં નજીકનું શહેર એટલે દસેક માઇલ દૂર આવેલું ઝેરિકા!

સ્ટેશન પર હું ઊતર્યો, ત્યારે તમે જોયું હોય તો જાણે કોઈ રાજકુમાર મુલાકાતે આવ્યો હોય એવું ઉત્સવનું વાતાવરણ હતું! સ્ટેશન આખું ખીચોખીચ ભરેલું હતું! મારા પિતા છાતી ફુલાવીને મારી માતાની બાજુમાં જ ઊભા હતા. તેમની પાછળ મારો ભાઈ ટોમ અને બહેન મેબલ ઊભાં હતાં. ઘરથી સ્ટેશન એકાદ માઇલ જેટલું જ દૂર હશે, અને છતાંયે એ લોકો ઘોડાગાડીમાં આવ્યાં હતાં! ઘોડાની બાજુમાં જ, મોટા જમીનદારની અદામાં અમારા વયોવૃદ્ધ કોચવાન વૉશ ઊભા હતા. સ્ટેશન પર અમસ્તા રખડતા રહેતા છૂટાછવાયા લોકોની સંખ્યામાં પણ આજે પચાસેકનો અણધાર્યો વધારો થઈ ગયો હશે! સંકોચનો માર્યો હું તો છુપાઈ જવા ઇચ્છતો હતો, પણ પિતાજી સામેથી દોડી આવ્યા, અને મારો હાથ પકડી લીધો! મારી માએ તો ત્યાંને ત્યાં જ મને છાતીએ વળગાડી દીધો! માને તો શરીર આખામાં ઝણઝણાટી થઈ આવી! ટોમ અને મેબલ તો મારાથી એટલાં શરમાતાં હતાં, જાણે હું એમનો મોટો ભાઈ નહીં, કોઈ સાવ અજાણ્યો માણસ ન હોઉં!

*

બે દિવસ હું ઘેર રહ્યો. બસ, એ પછીનું કંઈ યાદ હોય તો માત્ર એ જ, કે જનરલ ગ્રીનના ફ્લૅગશિપ જહાજ ‘ચાઇના’ પર હું સવાર હતો! ગમે તેવી મુસીબતોને પણ માત આપી શકે તેવું અમારા બેડાનું એ સર્વશ્રેષ્ઠ જહાજ હતું. હજારેક ઉપરાંત માણસો એના પર સવાર હતાઃ ફર્સ્ટ રેજિમેન્ટ, કૉલરાડો વૉલન્ટીઅર (એટલે કે અમે), યુ. એસ. ઇન્ફન્ટ્રિની અડધી બટૅલિયન અને યુ. એસ. એન્જિનિઅર્સની એક ખાસ નાનકડી ટુકડી.

અમે રવાના થઈ રહ્યા હતા. ‘ચાઇના’ અને ‘સેનેટર’ જહાજો અખાતની બહાર પશ્ચિમ ભણી સરકી રહ્યાં હતાં. ડેક પર ઊભા-ઊભા મારા પગ નીચે અનુભવાતા એન્જિનના થડકારા અદ્દલ મારા હૃદયના ધબકારા જેવા જ ભાસતા હતા!

‘અરે ઓ દરિયાથી અજાણ માનવ, બહુ દિવસ પછી હવે તને તારા વતનની આ સોહામણી ભોમકા જોવા મળશે…!’ વ્હિસલમાંથી વછૂટતા વિસ્ફોટક સુસવાટાથી આખું જહાજ જાણે ધ્રૂજી ઊઠયું હતું. એ સાથે જ બીજી નૌકાઓ પણ અમારી સાથે જોડાઈ ગઈ! ચાર હજાર સૈનિકોથી ખીચોખીચ ભરેલો અમારો નૌકાકાફલો મનિલા તરફ નીકળી ચૂકયો હતો. ‘કોલન’ અને ‘ઝીલેન્ડિઆ’ જહાજો અમારી પાછળ પાછળ નીકળ્યાં, અને અમે ગોલ્ડન ગેટ તરફ રવાના થયા.

પહેલા એકાદ કલાક સુધી તો હું કામમાં એટલો બધો વ્યસ્ત રહ્યો કે બીજા જહાજો તરફ નજર સુદ્ધાં કરી શક્યો નહીં! અમારા જહાજ પર એક બટકો કૉર્પોરલ બહુ ઉદ્ધત હતો. એના મળતિયા સિપાહીઓ સાથે મળીને એ મારી પાછળ પડી ગયો હતો. યુદ્ધનો આ અનુભવ મારા જેવા નવા સવા સૈનિક માટે દુ:ખદ બની રહે એવો એનો ઇરાદો લાગતો હતો. છેક ચોથા દિવસ સુધી અમારો ઝગડો સપાટી પર ન આવ્યો. પણ એ દિવસે અમને અમારા રોજિંદા કામકાજમાંથી છુટ્ટી અપાઈ હતી. બસ, એનો જ એણે લાભ લીધો. આજ સુધીના નાના-નાના અનેક મતભેદો ખૂલીને બહાર આવવા જાણે તલપાપડ થઈ રહ્યા હતા. હું અને બોબ તો લોકોની નજરથી દૂર જહાજના પાછળના ભાગે તૂતક પાસે ઊભા હતા. મૂળ વાત એમ હતી, કે અમને ઘર બહુ યાદ આવી રહ્યું હતું! એ ત્યાં સુધી, કે અમારાં મોં પર પણ એ દેખાઈ આવતું હતું!

‘માની યાદ આવે છે, બચ્ચુ?’

મેં ઊંચું જોયું, તો બંને હાથ કેડ પાછળ ટેકવીને કૉર્પોરલ હસતો-હસતો મારી સામે જ ઊભો હતો. તેની વધારે પડતી હોશિયારી સહન કરી શકું એવી મારી હાલત ન હતી. એક ઝાપટ મેં એના મોં પર વળગાડી દીધી, પણ એને તો એણે એવી સિફતપૂર્વક બાજુ પર ખસીને ચૂકાવી દીધી કે મને ખબર પણ ન પડી! ઉપરાંતમાં જવાબરૂપે એવી તો જોરદાર ઝાપટ એણે મારા ડાબા જડબા પર લગાવી દીધી, કે મને ધોળા દિવસે તારા દેખાવા માંડ્યા! લડાઈ હવે ખુલ્લેઆમ બહાર આવી ગઈ હતી. સાધારણ દેખાતા એ સૈનિકો આમ બહુ મજબૂત હતા. મારું એટલું સદભાગ્ય, કે હું પૂરતી તાલીમ પામ્યો હતો!

બોબે બૂમ પાડીને મને ચેતવ્યો, ત્યાં સુધી અમારા બથ્થંબથ્થાં ચાલ્યા. “એને પછાડી દે…” અને મેં હવામાં ઊછળીને એની કેડ પાસે એક જોરદાર ટક્કર મારી. અમે બંને જમીન પર ગબડી પડ્યા. એ મારી નીચે આવી ગયો હતો અને એનો શ્વાસ ચડી ગયો હતો. અત્યાર સુધી ઊભા-ઊભા તમાશો જોતા તેના એક મળતિયાએ એની મદદે આવવાનો પ્રયત્ન કર્યો, પણ બોબે ખભો પકડીને એને રોકી પાડ્યો.

“શાંતિ રાખજે, આમાં તારું કામ નથી.”

“નીચે ઉતર મારા પરથી! ફૂટબોલ રમવા આવ્યો છે કે શું? સૈનિક હોય તો સૈનિકોની જેમ લડ.” હું એના પરથી નીચે ઊતરી ગયો. અમે બંને ઊભા થઈ ગયા. એ હજુયે ખંધુ હસતો હતો. પંજો ખુલ્લો કરીને એણે મારી સામે તાક્યો.

“ઠીક છે, બચ્ચા. તને વાંધો નહીં આવે. માઠું ન લગાડતો.” અમે બંનેએ માથું ધુણાવીને એકબીજાને સ્વીકૃતિ આપી.

દક્ષિણ તરફ એકધારી ગતિએ અમે સરકી રહ્યા હતા. ઉષ્ણકટિબંધની રાત કેવી હોય તેનું ભાન અમને હવે થઈ રહ્યું હતું. રાત્રીના ભૂખરા આકાશમાં પૂનમનો ચંદ્ર ઉપર ચડી રહ્યો હતો. આખુંયે આકાશ રૂપેરી ચાંદનીની ચાદરમાં એવું તો લપેટાઈ થઈ ગયું હતું કે તારલાઓ પણ તેની સામે ફિક્કા પડી જાય! જ્યારે-જ્યારે સમય મળે, ત્યારે જહાજ પર લાઇફબોટની ઓથે એક જગ્યાએ હું બેસી પડતો. બેઠા-બેઠા ઘરને યાદ કરતો, માને અને પિતાજીને યાદ કરતો, એક છોકરીને યાદ કરતો… જો કે એ છોકરી સાથે મારે કંઈ લાગતું-વળગતું ન હતું, પણ આવી મધુર રાતે કોઈ છોકરીને યાદ કરવી જોઈએ, એટલે…!

*

સામે મનિલાના અખાતના પ્રવેશદ્વાર પાસે આવેલો કોરિજીડર ટાપુ કોઈ નીલમ જેવો સુંદર ભાસી રહ્યો હતો! ટાપુ જેમ-જેમ નજીક આવતો ગયો તેમ-તેમ અમે તૂતક પાસે એકઠા થતા ગયા.

“અરે વાહ!,” બોબે કહ્યું. “અખાત બહુ સુંદર છે, નહીં?” અખાત ખરેખર સુંદર હતો! પ્રવેશની પંદરેક માઇલ પાછળ, ઉપર સુધી શું છે તે કળી શકાતું ન હતું. હાલક-ડોલક થતા જહાજમાં પૂર્વ તરફ વળીને ત્રીસેક માઇલ દૂર આવેલા મનિલા ભણી અમે પ્રયાણ કર્યું. જહાજ પરથી બંદર તરફ નજર કરતાં બંદરની પાછળની લ્યુઝનની પહાડીઓ દેખાતી હતી. યુદ્ધ ચાલુ હશે કે નહીં તેના કુતૂહલમાં અમે સૌ તૂતક પર ઊભા હતા. નજીક પહોંચતાં જ એક સંદેશવાહક નાવે આવીને યુદ્ધ ચાલુ હોવાનો સંદેશો આપ્યો! ભલે ત્યારે, અમે તો તૈયાર જ હતા!

કેવાઇટ ટાપુ પર અમે ઉતર્યા. બંદરનાં શાંત જળની સપાટી ઉપર યુદ્ધ દરમિયાન ડુબાડી દેવાયેલાં કાળાં-કાળાં સ્પેનિશ જહાજો તરતાં હતાં. એ રાત્રે કેમ્પ ઊભો કરતાં-કરતાં ઉષ્ણકટિબંધના વિસ્તારના વરસાદનો માઠો અનુભવ પણ અમને થઈ ગયો! અનરાધાર વરસતા વરસાદે અમે કાદવમાં ખરડાતા રહ્યા. અમારા નાના-નાના તંબુ અને ધાબળા ભીના-ભીના થઈ ગયા. વરસાદની સાથે ગરમી પણ એટલી હતી, કે બધા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા! આગ પેટાવવા મથામણ કરતા અમારા રસોયાઓ બૂમરાણ કરતા હતા.

સવાર પડતાં સુધીમાં જોકે વરસાદ રોકાઈ ગયો. બધાએ ઉષ્ણકટિબંધના તડકાની મજા લીધી. થોડા દિવસ રોકાઈને અમે મનિલા તરફ રવાના થયા. સ્પેનિશ પાયદળ મનિલા શહેરની દીવાલો વચ્ચેની સંકડાશમાં શબ્દશઃ ફસાઈ ગયું હતું!

અહીં જો કે ખરેખર યુદ્ધ કહી શકાય તેવું બહુ જ થોડું હતું. અફસોસની વાત તો એ હતી, કે સ્પેનના કે અમારા, કોઈ માણસે જાન ગુમાવવો પડે એવી પરિસ્થિતિ જ ન હતી! એનું કારણ એ, કે શહેરની અંદર ફસાઈ પડેલા સૈનિકો માટે છટકી શકવાની કોઈ શક્યતા જ ન હતી! પાછળની બાજુએથી ફિલિપાઇને ઘેરો ઘાલ્યો હતો અને આગળના દરિયાઈ માર્ગે અમેરિકન પાયદળ અને નૌકાસૈન્ય. વચ્ચેના ભાગે તેઓ ઘેરાઈ ચૂક્યા હતા!

અમને તો એમ હતું કે મનિલા પર જીત મળે, એ પછી અમારે ઘર ભણી પાછા જવાનું બનશે. એક રીતે અમે સાવ નિરાશ થઈ ગયા હતા! દરિયા અને મનિલા શહેર વચ્ચેથી વહેતી પેસિગ નદીના વિસ્તાર સિવાય, ફિલિપાઇન્સને નિહાળવાનો મોકો અમને મળ્યો જ ન હતો! પણ અમારા આશ્ચર્ય વચ્ચે રોકાણ લંબાતું જ ગયું. ફિલિપાઇનના વતનીઓ સાથે પણ અમારો સંઘર્ષ થવાની અફવાઓ વહેતી થઈ હતી. ફિલિપાઇન્સ અમેરિકા પાસે તાત્કાલિક અસરથી આઝાદી માગી રહ્યું હતું અને અમેરિકન નેતાઓ એ આપવા તૈયાર ન હતા! બસ, એટલું જ અમને તો સમજાઈ રહ્યું હતું.

આ સમય દરમિયાન, હું અને બોબ, દીવાલોમાં કેદ એવા એ શહેરનો ભરપૂર આનંદ લઈ રહ્યા હતા. મનિલાની એ દીવાલો પાછળ ત્રણ સો વર્ષોનો ઇતિહાસ છૂપાયેલો હતો. કાંગરા ઉપર તોપમારા માટેનાં બાંકોરાં અને સંત્રીઓની જગ્યાઓ તો અમારા સમયમાં નવી જ બંધાયેલી હતી. પણ સૈકાઓ જૂનાં એ ભવ્ય મકાનો અને પૌરાણિક મહેલ! પેસિગ નદીના કિનારે શહેરની બહાર એક નવો મહેલ બંધાયો હતો, પણ જુનો મહેલ હજુ એવોને એવો અડીખમ ઊભો હતો! દેવળ તો સુંદર હોય, પણ અહીંના સરકારી મકાનો પણ અમેરિકાનાં સરકારી મકાનો કરતાં સુંદર હતાં. અમે જાણે કિતાબોમાં ચીતરેલા પરીઓના દેશમાં પહોંચી ગયા હતા! ઊંચી-ઊંચી દીવાલોને આંબતા ઢોળાવોવાળા લાંબા-લાંબા રસ્તાઓ, અને આ સુંદર સ્થળેથી દૂર-દૂર દેખાતા મનિલા અખાતને સામે છેડે લાંગરેલી ડ્યુઇની નૌસેનાને પણ જોઈ શકાતાં હતાં! પેસિગ નદીની સામે પાર ઊંડી ખાઈ ખોદીને બેઠેલા ફિલિપાઇન સૈન્યને પણ જોઈ શકીએ! અને સાચું ફિલિપાઇન્સ તો એની પણ પેલે પાર પથરાયેલું હતું!

ચાંદનીથી લથબથ એ ભવ્ય રાત્રિઓમાં હું અને બોબ જ્યારે-જ્યારે શક્ય બને ત્યારે એ ઊંચી દીવાલો પર ચડી જતા, ત્યારે નદીની સામે પાર ફેલાયેલા એ ગ્રામ્ય પ્રદેશમાં રહસ્ય અને સૌંદર્યનો સંયોગ પથરાયેલો નજરે પડતો! પેલે પાર શું હશે એ જાણવાનું કુતૂહલ અમને સતત તલસાવતું રહેતું. ફિલિપાઇનમાં જે-જે લોકોને અમે મળ્યા, એ બધા અમને બહુ જ ગમી ગયેલા. ભલા-ભોળા એ લોકો ખૂબ જ વિવેકી, પરગજુ અને માયાળુ હતા. મનિલા જતી વેળાએ રસ્તામાં એકાદ દિવસ માટે એક વૃદ્ધને ઘેર મને ઉતારો મળ્યો હતો. જુઆન નામનો એ વૃદ્ધ, અમેરિકન વિક્ટોરિયાની પ્રતિકૃતિ સમી, પણ તેનાથી સહેજ ઊંચી, એવી બે પૈડાંવાળી ઘોડાગાડી ચલાવતો. વહેલી સવારથી લઈને છેક મોડી રાત સુધી સતત દોડતી રહેતી એની ઘોડાગાડીનાં પૈડાં એનાં નાનાં-નાનાં વફાદાર પ્રાણીઓની પાછળ સતત ફરતાં રહેતાં. પગે ચાલવાની તો જાણે જુઆનને છૂટ જ ન હતી! પોતાની નાનકડી ખરીનો અવાજ બીજા ઘોડાની ખરીના અવાજ સાથે તાલ મિલાવતાં એના ઘોડા ચાલતા ત્યારે લાગતું કે જાણે મનિલાનું લયબદ્ધ સંગીત એની સાથે જ વહી રહ્યું છે!

જુઆનનું ઘર ફિલિપાઇનના અન્ય ગરીબોના ઘર જેવું સામાન્ય જ હતું. તાડીનાં પાંદડાં અને વાંસ વડે બનાવેલું એ મકાન થાંભલાઓની ઉપર જમીનથી ખાસ્સું ઊંચે બનાવેલું હતું. એક સીડી ચડીને ઉપર ઘરમાં જઈ શકાતું. ત્રણ નાના-નાના ઓરડા, એક નાનું રસોડું, સામાન ભરવા માટે એક ઓરડો, એક બેઠકખંડ અને એક શયનખંડ. એની ટાંચી આવકમાંથી એ પોતાના કુટુંબનું ભરણપોષણ કરતો હતો. સાદા શાકભાજી અને ચોખા, સંજોગવશાત્ ક્યારેક માછલી, અને ઘોડા માટે અનાજ એ માંડ ખરીદી શકતો હશે! પરંતુ મારા જેવા માથે મરાયેલા એક અજાણ્યા માણસને જે ભાવપૂર્વક એણે આવકાર્યો હતો, એની પત્ની રોસેરિયોએ મારી જે આગતાસ્વાગતા કરી હતી, એ હું ક્યારેય નહીં ભૂલી શકું! એમનાં બાળકો બહુ જ શરમાળ હતાં. ઘઉંવર્ણાં એ પાંચ-છ બાળકોને હું જે પ્રેમથી બોલાવતો હતો, એ જોઈને એ બંને બહુ જ હરખાતાં! ફિલિપિનો કુટુંબ સાથેની મારી એ સૌથી પહેલી ઓળખાણ! એ લોકો માયાળુ, ભલા અને મજાના માણસો હોવાની છાપ મારા પર પડી હતી, અને વર્ષો વીતવાની સાથે એ છાપ વધારે ને વધારે ઊંડી થતી ગઈ.

ઉનાળો આગળ ધપી રહ્યો હતો. ચોમાસુ શરૂ થવાનાં એંધાણ દેખાતાં હતાં. એ સમયે ફિલિપાઇન સૈન્ય સાથેના અમારા સંબંધો વધારે ને વધારે ગંભીર બનતા ગયા. ઊભા થયેલા એ સંજોગોમાં કોણ સાચું અને કોણ ખોટું, એની અમારા સૈનિકોમાંથી ભાગ્યે જ કોઈને ખબર હતી. દવાખાનાના કર્મચારી છોકરાઓ રાત-દિવસ દોડતા રહેતા. મોટાભાગે સફાઈનું કામ કરતા રહેતા એ લોકો દીવાલોથી ઘેરાયેલા શહેરની ફરતે ખોદેલી ખાઈ તરફના સમાચારો અમને પહોંચાડતા હતા. શીતળા અને ટાઇફૉઇડની મહામારી ચારે તરફ ફેલાઈ ચૂકી હતી. એશિએટિક કૉલેરાના વાવડ પણ ફેલાયેલા હતા. મહિનાઓ વીતી જવા છતાં અમે ઘેર પરત ફરી શકીએ, એવાં કોઈ એંધાણ દેખાતાં ન હતાં. આખરે, ફિલિપાઇનના સશસ્ત્ર સૈનિકોને અમારે અમારી તરફ ફરકવા ન દેવા એવા હુકમો છૂટ્યા!

અને એના થોડા સમયમાં જ છમકલાની શરૂઆત થઈ ગઈ! ચોથી ફેબ્રુઆરીની મધરાતે પૂલ પાસે ચોકી કરતા નેબ્રાસ્કાના એક સ્વયંસેવકે ફિલિપાઇનના ત્રણ સૈનિકોને અમારી સરહદમાં ઘુસતા જોયા. સ્વયંસેવકે એમને પડકાર ફેંક્યો, પણ ફિલિપાઇનના સૈનિકો રોકાયા નહીં એટલે એણે ગોળીબાર કર્યો. એક ઘૂસણખોર ઠાર થયો. બંને સીમાઓ એકાએક સળગી ઊઠી. છેલ્લા કેટલાયે મહિનાઓથી દબાઈને બેઠેલો ગુસ્સાનો જ્વાળામુખી અમેરિકન ક્રેગ અને બળવાખોરોની મોઝર બંદૂકો સાથે સરહદની બંને બાજુએ ભભૂકી ઊઠ્યો. હવે આ યુદ્ધ હતું, ખરેખરું યુદ્ધ! સવાર સુધીમાં તો અમેરિકન સૈનિકો નદીની સામે પાર ક્યાંય સુધી પહોંચી ગયા. કેલિફોર્નિઆની એક રેજિમેન્ટ ઉતાવળ કરવા જતાં અજાણ્યા વિસ્તારમાં ભૂલી પડી ગઈ! પછીથી એને યાદ કરી-કરીને છેક છેવટ સુધી અમે એમની મજાક ઊડાવી હતી.

પાયદળનું વ્યવસ્થાતંત્ર ફરીથી ગોઠવવાનું શરૂ થયું. અમારામાંથી જે સૈનિકોની ભરતીની મુદત પૂરી થઈ ગઈ હતી, તેમાંના ઘણાએ કાયમી લશ્કરી ટુકડીઓમાં નોંધણી કરાવી. અમેરિકન સરકાર સાથે સંલગ્ન એક પાયદળમાં હું પણ કાયમી ધોરણે જોડાઈ ગયો, અને પાછળથી ખૂબ પ્રખ્યાત થયેલા એમિલિઓ એગ્વિનાલ્ડોને પકડવાની નિષ્ફળ દોડાદોડીમાં લાગી ગયો. (એમિલિઓ એગ્વિનાલ્ડો – ફિલિપાઇનના જનરલ, રાજકારણી અને સ્વાતંત્ર્ય સંગ્રામના નેતા, જેણે સ્પેન સામેની ફિલિપાઇન ક્રાંતિમાં અને તે પછી ફિલિપાઇન પરના અમેરિકન કબજા વિરુદ્ધના ફિલિપાઇન-અમેરિકન યુદ્ધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી)

અમારી પહેલી રસાકસીભરી લડાઈ મનિલાની બહાર થઈ. બળવાખોરો તો જાણે અમારી રાહ જ જોઈ રહ્યા હતા! એ લોકો તો ખાઈની પેલે પાર પૂરેપૂરા સુરક્ષિત હતા. મારી ધારણા પ્રમાણે અમારી સાથે લગભગ વીસેક રેજિમેન્ટ હતી. અઢારેક માઇલ લાંબી સરહદ અમારે સંભાળવાની હતી. ધીરે-ધીરે અમે આગળ વધી રહ્યા હતા, પણ આ સફર થકવી દે એવી હતી. તેંતાલીસ દિવસો સુધી તો અમે ખાઈમાં પડ્યા રહ્યા હતા! દિવસના ચોવીસમાંથી વીસ કલાક તો વરસાદ વરસતો રહેતો! કીચડમાં આળોટતા, લસરતા, પડતા-આખડતા અમે બધા ભૂંડ જેવા કદરૂપા દેખાતા હતા.

છેક દસમા દિવસે અમે કાલુકેન સર કર્યું. (કાલુકેન – સાઉથવેસ્ટ લ્યુઝનમાં મનિલાનું એક ઉપનગર). એ દિવસે મારા માટે તદ્દન અનપેક્ષિત એવી ઘટના ઘટી ગઈ. મોન્ટના વોલેન્ટિઅર્સની એક ટુકડીને સંદેશો આપવા માટે મારા કેપ્ટને મને મોકલ્યો હતો. શક્ય એટલા લપાતા-છુપાતા રહીને ગ્રામ્ય વિસ્તાર તો હું વળોટી ગયો! રસ્તામાં કેટલીયે મુશ્કેલીઓનો સામનો કરતો-કરતો એક વાંસના ઝુંડ પાસે હું બહાર ખુલ્લામાં આવ્યો. ચોખાનાં ખેતરોની સામેના છેડે પત્થરોનું બનેલું મકાન મારી નજરે પડ્યું. મને લાગ્યું કે એ જ લશ્કરી થાણાનું વડું મથક હશે. નજર પડે ત્યાં સુધીના વિસ્તારમાં, શું મિત્ર કે શું દુશ્મન, કોઈ નજરે ચડતું ન હતું! સાવચેતીપૂર્વક નજર ફેરવતા-ફેરવતા ઘોડા પર બેઠા રહીને એ તરફ જવાની મેં શરૂઆત કરી. અંદર-અંદર મને એવો આભાસ થયો, કે જાણે કોઈક મારા પર નજર રાખી રહ્યું છે! મોઝર બંદુકની ગોળીનો તીણો સુસવાટો મને સંભળાયો અને મારો ચહેરો ધૂળથી ખરડાઈ ગયો! અને એટલામાં તો મારી ચારે તરફ ગોળીઓનો વરસાદ વરસવા લાગ્યો. હું જીવ બચાવીને ભાગ્યો. કોઈનો બરાડો સાંભળ્યો ત્યારે હું પેલા મકાનનો ઝાંપો વટાવી ચૂકયો હતો.

“અરે મૂર્ખ, ત્યાં ક્યાં જાય છે?”

“એ તો રક્તપિત્તિયાંઓનું ઘર છે.”

કોઈની સાથે જોરથી અથડાયો હોઉં એમ હું પાછો ઝાંપા બહાર કૂદી ગયો. હૃદય એક ધબકારો ચૂકી ગયું! રક્તપિત્તિયાંઓનું ઘર? મજાક તો નથી કરી રહ્યા? સન્ડે સ્કૂલમાં મેં રક્તપિત્તિયાં વિશે સાંભળેલું પણ મને સ્વપ્નેય ખ્યાલ ન હતો, કે આજે પણ એમનું અસ્તિત્વ હશે. (સન્ડે સ્કૂલ – મોટેરાં અને મોટાભાગે બાળકોને ખ્રિસ્તી ધર્મ વિશે જ્ઞાન આપવા માટે સ્થપાયેલી સંસ્થા). હું ઊભો હતો એ રસ્તાની સામેની બાજુએ એક કબ્રસ્તાન દેખાતું હતું. કબ્રસ્તાનની પત્થરની દિવાલોની પાછળથી અવાજો આવતા હતા. જરૂર મોન્ટાનાના સૈનિકો ત્યાં હોવા જોઈએ. ઝડપભેર હું સામેની બાજુએ અમેરિકન સૈનિકો પાસે પહોંચી ગયો. કબ્રસ્તાનની દીવાલની આડશે રહીને એ લોકો થોડી-થોડી વારે જંગલ તરફ ગોળીબાર કરી લેતા હતા. કેપ્ટનને મેં સંદેશો પહોંચાડ્યો. એમણે મને અહીં જ છુપાઈ રહેવાનો આદેશ આપ્યો. ગોળીબાર વધવાની સાથે-સાથે રસ્તાની સામે પાર, જાનવરની ખાલ એકઠી કરવા માટે સાવચેતીપૂર્વક ડરતાં-ડરતાં મેદાનમાં જતાં એ રક્તપિત્તિયાં દેખાતાં હતાં. એક વાત મને સમજાતી ન હતી કે એ રક્તપિત્તિયાંને બીજા લોકો કરતાં ગોળીબારનો ડર ઓછો કેમ લાગતો નહીં હોય? એમને મોત વહાલું કેમ નહીં લાગતું હોય? મને જો રક્તપિત્ત વળગે, તો ચોક્કસ હું જાતે જ ગોળી ખાઈને મોતને ગળે વળગાડું એવું મને થઈ આવ્યું!

એ પછીના મહિનાઓ મારા માટે અવિસ્મરણીય અનુભવોથી ભરપૂર રહ્યા. સાન જેસિન્ટોનું યુદ્ધ લડાયું અને જિતાયું, પણ પછી ખબર પડી કે એગ્વિનાલ્ડો ફરીથી છટકી ગયો હતો. અમારી મહેનત માથે પડી હતી. બળવાખોરો આ વિસ્તારના ભોમિયા હતા અને વીરતાપૂર્વક જોરદાર લડાઈ આપતા હતા. સતત લડતા રહીને અમે આગળ વધતા ગયા, અને એ ચતુર યોદ્ધો હંમેશા અમને ચકમો આપી છટકતો રહ્યો. અમને જાણ થઈ કે એ આ માનવશિકારી દેશના પાટનગર બોન્ટોકમાં છે, એટલે અમે બોન્ટોક જવા રવાના થયા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે બળવાખોરોની છેલ્લી ટુકડીને, દોઢેક માઇલ ઊંચે દેખાતી પર્વતમાળાની પણ ઉપર ઝળુંબી રહેલા માઉન્ટ પોલિસના શિખર તરફ જતી પગદંડીમાં વિલીન થઈ જતી અમે જોઈ શક્યા. થાક્યા-પાક્યા અમે શહેરની મધ્યમાં છાવણી નાખી. અમને જોવા માટે લોકો ટોળે વળ્યા. નાગાંપૂગાં બાળકો, શરીર પર માત્ર સરોંગ પહેરીને ફરતી સ્ત્રીઓ અને કેડે માત્ર પાતળી લંગોટ પહેરેલા પુરુષો. રૂપાળી દેખાતી કેટલીક સ્ત્રીઓની છેક નજીક જઈને જોઈએ, ત્યારે સતત સોપારી ચાવી-ચાવીને લોહીરંગી લાલ થયેલા એમના હોઠ જોવા મળે. (સરોંગ – કેડ ફરતે વીંટવાનું લુંગી જેવું એકવસ્ત્ર)

એક રાતનો આરામ, અને ફરીથી એગ્વિનાલ્ડોની પાછળનું અમારું ભ્રમણ શરૂ થઈ ગયું! ચાલાકી તો જાણે એના લોહીમાં હતી! માઉન્ટ પોલિસની ટોચથી લઈને બાના સુધી લંબાયેલી એની તલાશનો એ અનુભવ મારા જીવનના અંત સુધીનો એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે! દુનિયાની એક અજાયબી સમા ચોખાના ખેતરોમાંથી અમે પસાર થઈ રહ્યા હતા. ત્યાંની પ્રજાએ ત્રણ હજાર વર્ષો સુધી પહાડોના ઢોળાવોને જાતમહેનતે કોતરીને ખેતરોમાં પરિવર્તીત કર્યા હતા. સખત પરિશ્રમ દ્વારા પત્થરોને કાવડમાં ખભે ઊંચકીને એમણે પર્વતોના એ ઢોળાવો ઉપર ચડાવ્યા હતા. ખૂબ જ સંભાળપૂર્વક ગોઠવેલા એ પત્થરો ખેતરોને મજબૂતી આપતા હતા. પત્થરોની એ દીવાલો ઘણી વખત તો ત્રીસ, ચાલીસ કે પચાસ ફૂટ ઊંચી બની જતી! ચોખાના ખેતરોને ફળદ્રુપ બનાવવા માટે તનતોડ મહેનત કરીને એમણે માટીને પહાડો ઉપર ચડાવી હતી! પહાડી ઝરણાંને વાળીને સીંચાઈની વ્યવસ્થા કરી હતી! અનાજથી ભરપૂર ડૂંડાંથી છલોછલ ખેતરો નીચે તળેટીથી લઈને ઉપર ટોચ સુધીની બાજુઓ પર કાટખુણે લહેરાતા હતા. એકમેકની ઉપર ગોઠવાયેલા એ સેંકડો થરો, અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનને ટકાવી રાખવાની એ પ્રજાની જિજીવિષાની પુષ્ટિ કરતાં ઊભા હતા. એક અભણ અને જંગલી ગણાતી પ્રજાએ એકેક ભૂખ્યા જનનો જઠરાગ્નિ ઠારી શકાય એટલું અનાજ વેરાન પહાડોમાંથી પેદા કરવાની કુશળતા કેળવી લીધી હતી. (બાના – ફિલિપાઇન્સનો એક વિસ્તાર).

પણ એગ્વિનાલ્ડો ફરીથી અમને ચકમો આપીને નાસી ગયો. અમે ક્યારેય એની નજીક પહોંચી શક્યા નહીં. એ કામ અમારે ફન્સ્ટન માટે છોડવું પડ્યું હતું. પણ એક બાબતે અમે એગ્વિનાલ્ડોના ઋણી હતા. એગ્વિનાલ્ડોને કારણે જ પૃથ્વી પરના સૌથી સુંદરતમ દેશોમાંના એકમાં અમને રખડવા મળ્યું હતું. અમે મનિલા પાછા ફર્યા, એના થોડા સમયમાં જ એ પકડાઈ ગયેલો અને એમનો બળવો પડી ભાંગેલો. છુપાઈ-છુપાઈને ગેરીલા લડાઇઓ તો હજુ પણ ચાલુ જ હતી. દક્ષિણી ટાપુઓ પર થોડા સમય માટે અહીં-તહીં મને ફેરવવામાં આવ્યો. અમારી ટુકડીને ખાસ કામો માટે અલગ પાડવામાં આવી હતી. અમારો ઉતારો ફિલિપાઇનના ઘરોમાં આપવામાં આવ્યો હતો. હું એક નોલેસ્કો કુટુંબ સાથે રહ્યો હતો. ઉચ્ચ વર્ગના એ કુટુંબનું ઘર અન્ય મકાનોના પ્રમાણમાં ખાસ્સી સગવડોવાળું હતું. લાકડામાંથી બનાવેલા એમના મકાનનું ભોંયતળિયું અન્ય સાધારણ મકાનોની જેમ વાંસને બદલે લાકડાનું બનાવેલું હતું. મહેમાનગતિ તો એ કુટુંબની ખાસિયત ગણાતી હતી. બધા જ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ એવો એક કમરો મને ફાળવી દેવામાં આવ્યો હતો. એમને એક પુત્રી હતી, કેરિટા! રૂપરૂપના અંબાર જેવી! મેં જોયેલી ફિલિપાઇનની કેટલીય રૂપાળી છોકરીઓની જેમ જ એ અતિશય સ્વરૂપવાન હતી. કેટલીક છોકરીઓ તો અમારા ડ્રેસડેનની છોકરીઓ જેવી જ રૂપાળી અને નાજુક હતી. કેરિટા પણ એવો જ સુંદર નાજુક ચહેરો ધરાવતી હતી. હું એના પ્રેમમાં પડી ગયો હોઉં એવું મને તો લાગતું હતું! એના વિશે મારી જાત સાથે હું કેટલીય વાર સંવાદો કરતો રહેતો. એક સમયે તો એની સાથે પરણીને અહીં ટાપુ પર જ સ્થાયી થવાનું મેં નક્કી કરી લીધું હતું. (ફન્સ્ટન – ફ્રેડરિક એન. ફન્સ્ટન, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના એક જનરલ).

પરંતુ બન્યું એવું, કે એ સમયે જ મારી ફિલિપાઇનની સમયાવધિ પૂરી થઈ ગઈ. પાછા જવાના સમાચારે અચાનક જ હું ઘેર જવા માટે બેબાકળો થઈ ગયો. માતા-પિતા, કુટુંબીજનો અને ગામના મિત્રોને મળવા માટે મારું મન તલપાપડ થઈ ગયું!

(ક્રમશઃ)

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ હવેથી દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૧)