ચાલો! શાંતિ થઇ ગઈને? બાળી લીધો મને? હવે જાવ બધા પોતપોતાના ઘરે… ને જલસો કરો. આવતા વરસે પાછાં મળીશું. આ જ દશેરાએ ને આ જ સ્થળે! હહા હા હહા હા! (રાવણનું અટ્ટહાસ્ય) એક વાત કહું દોસ્તો? તમે એમ માનો છો કે હું બળી ગયો ને તમે બધાએ મને બાળી દીધો. મારું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું! ભૂલો છો, તમે તો માત્ર મારું શરીર બાળ્યું. જે મારું નહીં, પણ મને શ્રી રામ તરફથી મળેલી ભેટ કહેવાય. મારા દુર્ગુણોને તમે બાળો, તો માનું કે તમે શ્રી રામના સાચ્ચા અનુયાયી છો. બાળીને જતાં જતાં જરા તપાસી તો જુઓ, તમારામાં કોઈ મારા જેવા દુર્ગુણ વળગેલા તો નથી ને? હું ચેપી નથી દોસ્તો! મારા દુર્ગુણો ચેપી છે. એ એક એવી જીવાત છે કે જે હજારો વરસથી કોઈને કોઈના મગજમાં કબજો જમાવીને બેઠી છે ને નવા નવા રાવણો પેદા કરે છે. બાળવો હોય તો દોસ્ત! એને બાળો. હું તો શિવનો પ્રખર ભક્ત હતો. મારી ભૂલ એટલી જ ને કે હું ભક્ત હોવાનો દેખાડો નથી કરતો? મારો ગુનો શું? મા સીતાનું હરણ કર્યું એટલું જ ને? એ સિવાય બીજી કોઈ કનડગત કરી છે ખરી? ‘ભેંસના શિંગડા ભેંસને ભારી’ એમ સમજી મને માફ ન કરી શક્યા હોત? આપે એ કેમ નહિ જોયું કે, “મૈને સીતા હરી હૈ, હરિ કે લિયે!” મારા રાક્ષસકુળના ઉદ્ધાર માટે મારે હરિ જોઈતા હતી. હું જાણતો હતો કે મારી મા ને ઉઠાવી લાવું તો જ પાછળ પાછળ મારો બાપ લંકા સુધી આવવાનો છે. એ વિના શ્રી રામ લંકામાં આવ્યા હોત ખરાં?
દોસ્ત! સાડા પાંચ હજાર વર્ષ પછી પણ મને હસવું તો એ વાતનું આવે છે કે દશેરાને દિવસે તમને આ રાવણ જ યાદ આવે છે? કંસ કે હિરણ્ય કશ્યપ યાદ જ નથી આવતા? અધર્મી તો એ પણ હતાં! બાળવા માટે તમને એમના પૂતળા દેખાયા જ નહીં? તમારામાં રહેલા રાવણને બાળવા માટે શું કોઈ દશેરા આવતાં જ નથી? આ તો અદેખાઇ છે અદેખાઇ! રાક્ષસ કુળના માણસ પાસે સોનાની લંકા હોય, એની અદેખાઇ હતી? રાક્ષસ કુળનો લંકેશ શિવનો પ્રખર ભક્ત અને પંડિત હતો એની બળતરા હતી? દોસ્ત! બાકી હું અભિમાની છું જ નહીં. એ તો મારું ગૌરવ કહેવાય બચ્ચા! મારી પાસે તો સોનાની લંકા હતી, એટલે મારામાં અભિમાન હતું. હું શિવજીનો પરમ ભક્ત અને પંડિત હતો, એટલે મારામાં ઘમંડ હતું. તમારી પાસે છે શું? માત્ર પાશેરની પૂંજી અને સવાશેરની સતા! એમાં આટલા બધા બખેડા કરવાના? મારી જેમ એક વિભીષણ, એક ઇન્દ્રજીત કે એક કુંભકર્ણ તો ઊભો કરી બતાવો? મારી પાસે તો અભિમાની હોવાના કારણ પણ હતાં. તમે તો કારણ વગરના ઘમંડી. તમારા ઘમંડને બાળવા માટેનો દશેરો, તમારા કોઈ કેલેન્ડરમાં જ નથી? જાણે તમે કરો છો એ લીલા અને હું કરું એ રાવણલીલા! આખું વર્ષ કાળાધોળા કરીને દશેરાને દિવસે રાવણને બાળો એટલે વાર્તા પૂરી એમ જ ને? આ તો મારો ખુદનો ભાઈ વિભીષણ જ ફૂટી ગયો એટલે! બાકી મારો વધ શ્રીરામે ક્યાં કર્યો છે? આ તો “ભાઈને ભાઈકો મરવાયા હૈ…”
જેમ શ્રીરામનું અસ્તિત્વ છે એમ મારું પણ અસ્તિત્વ આ વિશ્વમાં છે. હું પણ હજી જીવું છું, માત્ર મારા નામ બદલાયા, ઠામ બદલાયા અને સ્વરૂપ બદલાયા! આજનો આતંકવાદ એ બીજું શું છે? રાવણલીલા જ છે ને? આજનો ભ્રષ્ટાચાર એ રાવણલીલા જ છે ને? પણ દુઃખની વાત એ છે કે તમને પેલા દસ માથા વાળા રાવણની જ ઓળખ છે. સાડા પાંચ હજાર વરસમાં એના માથા પણ હવે વધ્યા. દરેક ક્ષેત્રમાં માથા મારવાની એની ટેવને લીધે, એના અનેક માથાઓ જુદાં જુદાં ક્ષેત્રમાં છવાયેલા છે. એટલે જ હું વિદ્યાલયોના મેનેજમેન્ટમાં પણ જીવું છું અને રાજકારણીઓના કાદવ-કીચડમાં પણ જીવું છું. લેભાગુ બાવાઓની જમાતમાં પણ વ્યાપક છું અને ભયના ઓથાર બનીને પણ જીવું છું. બળાત્કાર, અપહરણ, લૂંટફાટ, ખૂનામરકી આ બધાં મારા સ્વરૂપો છે. તમામ ક્ષેત્રના ગરબડ ગોટાળા એ મારી રાવણલીલા છે. મારો કોઈ અંત જ નથી. હું અનંત છું માટે બાળવો જ હોય તો મને નહીં, આ બધાં બદતત્વોને બાળો. એનું નામ દશેરો છે. અને એનું નામ દિવાળી છે.
અટ્ટહાસ્ય તો મને એ વાતનું આવે છે દોસ્ત, કે બાળવા માટે પણ ઊંચામાં ઉંચો રાવણ બનાવવાનો સૌને શોખ છે. જેનો જેટલો રાવણ ઉંચો, એટલો એનો કોલર ઉંચો! નાનો રાવણ તો કોઈને ફાવતો જ નથી. જાણે કે તમારી પાસે મારી રાવણલીલાનું મેઝરમેન્ટ ના હોય? ગામમાં રાવણ નહીં પણ રામ જ ઉંચો હોવો જોઈએ? પણ
‘સમજાવ્યાં છતાં સમજે નહીં,
એ જનાવરની જાત,
અખો કહે એમાં અમે શું કરીએ,
એ નથી અમારી નાત!’
બચ્ચાંઓ! રાવણે ક્યારેય ચાવવાના અને બતાવવાના દાંત જુદા નથી રાખ્યા. ત્યારે તમારા તો ઓફિસના ચોપડા જુદાં, અને વ્યવહારના ચોપડા જુદા! ગરબડ ગોટાળાની જાણે ફેકટરી ન ખોલી હોય? ને બાળવા નીકળો ત્યારે તો જાણે એવી ખુમારી રાખો કે દશરથ રાજાની છેલ્લી પેઢીના સૂર્યવંશી મને બાળવા ન નીકળ્યા હોય? બાળતા પહેલાં મારું બારમું કરતાં હોય એમ એમ મારી પૂજા પણ કરે, અને પછી બૉંબ ફટાકડા ને રોકેટ મૂકીને મને ધડાકા-ભડાકા સાથે સળગાવે! તમારી ભલી થાય તમારી!
નવાઈ તો એ વાતની લાગે કે, દશેરાને દિવસે ફાફડા અને જલેબીનું તૂત કાઢ્યું કોણે? મારી લંકામાં તો એકપણ ફાફડા જલેબીની દુકાન હતી નહીં. કે ન કોઈ મારી પાસે એની એજન્સી હતી. ફાફડા જલેબીને રામ રાવણના યુદ્ધ સાથે લેવાદેવા શું? લોકોને ફાફડા જલેબી ઝાપટતા જોઉં છું, અને મને એવું ફિલ થાય છે કે, લંકેશ! ધિક્કાર છે તારા મૃત્યુને! કે. જ્યાં એક રાજાના મૃત્યુનો મલાજો નથી. મરશીયા ગાવાને બદલે ફાફડા જલેબી ઠોકે? પાછા દુકાનદાર ફાફડા જો ફાફડા જલેબીના પડીકાં વહેલા ન આપે, તો રાવણગીરી પણ કરી નાંખે! જાણે મને બાળવા માટે જ અનશન ઉપર બેઠા હોય, અને ફાફડા જલેબીથી જ પારણા કરવાના હોય, એમ ફાફડા જલેબી માટે અધીરા બની જાય કે ખુદ રાવણ થઇ જાય! ફાફડા જલેબી ઝાપટીને લોકો પોતાના કોઠા શું કામ બગાડતા હશે? એ તો સારું છે કે દશેરાના દિવસે ગલગોટાના જ તોરણ લગાવતા છે. ફાફડા જલેબીના તોરણ લગાવતા નથી!
બોલો જય શ્રી રામ!
– રમેશ ચાંપાનેરી
Typical reality has been depicted in for of Ravan Dahan on Dshhera. A nice article.
Excellent
સુરેશ જાનીના અભિપ્રાય સાથે સંપૂર્ણપણે સહમત થતાં, નીચેનું ઉમેરણ … કવિતારુપેઃ
મૂંઝવણ … !
રામ
સમજાઈ છે ભૂલ મને
સીતાહરણની …
માગવી છે
માફી મારે …
પરંતુ
મૂંઝાઊ છું … …
કયા મોંઢે માગું ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
વાહ ! કાલિદાસભાઈ, મજાનો શ્લેષ કર્યો. આપ માત્ર ભૂલો જ નથી કાઢતા પરંતુ અચ્છા હાસ્યકવિ પણ છો. અભિનંદન.
આમ બધાની પોલ ખોલી ન નાખોને ભૈ!
NICE HUMUROUS ARTICLE WITH LITTLE DIFEFRENT ANGLE OF PERCEPTION.. CONGRATULATIONS.
રાવણનેી તકલીફ ….
બિચારા રાવણની જીંદગીમાં કેટલી તકલીફો હતી એનો કદી વિચાર કર્યો છે?
– એને દર અઠવાડીયે નવી ટૂથ-પેસ્ટ લાવવી પડતી હતી.
– એને ‘હેડ-એક’ નહિ, ‘હેડ-અનેક’ થતો હતો.
– ટી-શર્ટ પહેરવા માટે રાવણે પહેલાં એમાં પગ નાંખવા પડતા હતા પછી શરીર પર ખેંચવું પડતું હતું.
– વાળ કપાવતાં દસ ગણો ટાઈમ લાગતો હતો.
– સ્કુલમાં સૌથી વધુ વાતો કરવા માટે એને જ સજા થતી હતી.
– એક્ઝામમાંથી દર વખતે એમ કહીને કાઢી મુકવામાં આવતો હતો કે તે બાજુવાળાના પેપરમાંથી બધું જોઈ લે છે.
– સમૂહગાન ગાવા માટે બિચારાને એકલો સ્ટેજ ઉપર ચડાવી દેવામાં આવતો હતો.
– અને જ્યારે જ્યારે રાવણને છીંકો આવતી ત્યારે લંકામાં રોગચાળો ફેલાવાનો ભય ફેલાઈ જતો હતો