૧.
સતત કોઈ અજ્ઞાત ભયમાં જીવું છું,
કદીક જે થશે તે પ્રલયમાં જીવું છું.
હવે મારા મૃત્યુ નો તું શોક ના કર,
હવે તો હું તારા હૃદયમાં જીવું છું,
બધાં પર્ણ પીળાં, બધાં વૃક્ષ સૂક્કા,
હું તારા વિનાના સમય માં જીવું છું,
મિલાવી શકીશ તાલ કેવી રીતે તું?
હું અત્યંત આડી લય માં જીવું છું.
– વિભાવન મહેતા
૨.
દીકરી, મારા જીવન ઉદ્યાનનું પતંગીયું,
મારા જીવન સંગીતની સિતાર,
મારા કુંટુંબ માળાની કોયલ,
મારા સ્વપ્નોની આંખ,
એની બા નો તો જીવતરનો શ્વાસ,
અમારા હૈયાની ઉલકત,
અમારા જીવનનો ઉત્સવ,
અરેરે! અલ્યા રિદ્ધિ સિદ્ધિના દાતા,
તુંને શી પડી ખોટ?
કે ડૂબાડી ને લઈ ગયો ભેળી સ્વરગ કોર,
રે રે મારી દિકરી,
હવે આ આંબાવાડીયું, નાળીયેરીના બગીચા,
જાણે જીવતરની મોલાત વચ્ચે ઊભો હું એક ચાડીયો,
સૂની આ સડક ને સૂની પડી સીમ,
ઝાકળ ભીનાં આ નેવાં રુંએ ને,
આ ભૂરી ને ભગરીની આંખ્યું અનરાધાર,
વાસીદું કરતી ધન છે તારી મા ને,
કરતી હળવો પોકાર,
મારીય હતી એ આત્મને પારણ,
પણ હવે આ અઘલાનો કરો વચાર,
મેલી એને નિહારે ને તમ જાવ ખેતરે,
પૂરો કરો જીવતરનો ભેખ,
ઊના નિઃશ્વાસે ને કંપતા હાથે,
મારી મે હોંડાનીં કીક,
લ્યો ચાલુ થઈ જીવનની રીત,
પણ દિકરી, હૈયાંની હરએક ધડકને,
ફુટે છે એક નવી લોહીયાલ ટીશ,
બસ આજ બચી છે આયખું પૂરુ કરવાની રીત.
– હિતેશ ત્રિવેદી
૩.
માતૃભૂમી હતી એ સૌની, ન હતી કોઈની જાગીર,
માભોમ કાજે લડવા ઉભો હતો એકે એક શૂરવીર.
લક્ષ્ય હતું એ જ, ન જકડાય કદી ગુલામીની ઝંઝીર,
વિશ્વાસ હતો ખુદ પર, ન હતું કોઈ શંશયનું તિમિર.
ન હતી ખુદની કોઈને પરવા, ન ડર્યા એ લગીર,
અડીખમ હતા એ ન જોઈ કદી ગ્રીષ્મ હતી કે શિશિર.
કેવું હતું એ ઝનૂન, ને કોઈ જોબનવંતુ ખમીર,
પલટી નાખી પળવારમાં રણભૂમીની તાસીર.
વહાવ્યું રક્ત એટલું જેટલા નદીઓનાં નીર,
આત્મા રહેશે જીવંત એમનો, ભલે નહીં શરીર.
પૂજતા રહેશે સહુ કોઈ એમની મલકાતી તસ્વીર
ને શત શત નમન કરતો રહેશે સદાય આ ફકીર.
– વિરલ ત્રિવેદી
૪.
કાળની કંઈ થપાટો સહી તું ગયો,
સામા વ્હેણે સમય ના વહી તું ગયો.
નાવ એના જ નામે ઉતારી હતી,
નામે એના જ દરિયો તરી તું ગયો.
એ ઈશારો કહી શું ગયો આંખનો?
એ ઈશારા ભરોસે રહી તું ગયો.
સામે ચાલી મળી તારી મંઝીલ તને,
કોણ જાણે? એ ટાણે, ડગી તું ગયો.
આશ તારી લગાવી ભજી સૌ રહ્યા,
“સંભવામિ યુગે” એ કહી તું ગયો.
કાન ક્યે રાધા ને “શું હવે રહી ગયું?”,
તું બની હું અને હું બની તું ગયો.
એક તું, તું જ તું, ફક્ત તું છે બધે,
શોધું તો પણ તને, શું ખોવાઇ તું ગયો?
૫.
એક સંયોગથી આપણે મળ્યાં,
એક સમજણ થી છૂટાં પડ્યા,
અને મારે એ દરવાજા
કસીને બંધ કરવા પડ્યા.
કે ક્યાંક તારી યાદ અંદર ન આવી જાય,
ને ક્યાંક મારી વેદના બહાર ન નીકળી જાય.
એજ દરવાજાં સામેની દિવાલ ને ટેકે બેસીને,
આ આયખું તો નીકળી ગયું.
પણ,
હવે ડર સતાવે છે,
કે જીવનની આ સમી સાંજે આવીને,
તું “ડોરબેલ” ન વગાડે તો સારૂં,
ને વર્ષોથી એ બંધ દરવાજે અટવાયેલો ડૂમો
તને તાણી ન જાય તો સારૂં.
– વિશાલ પારેખ
આજે જે મિત્રોની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે એમાંથી ફક્ત હિતેશભાઈ ત્રિવેદી સિવાય બધાંયની અક્ષરનાદ પર પ્રથમ કૃતિ છે. પાલડી, અમદાવાદના વિભાવન મહેતાની રચના, જુનાગઢમાં ચાર દિકરીઓની હોનારતને લઈને લખાયેલી જીએચસીએલમાં કેમિસ્ટ હિતેશ ત્રિવેદીની કૃતિ, માતૃભૂમીના નરબંકાઓનું યશોગાન કરતી વિરલ ત્રિવેદીની રચના અને વિશાલ પારેખની બે રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. આશા છે આપ આ સર્વે નવોદિતોને વધાવશો અને તેમની રચનાઓ આપને ગમશે. અક્ષરનાદમાં સૌનું સ્વાગત અને તેમની કલમને શુભેચ્છાઓ.
ખુબ જ સરસ !!! અભિનન્દન …
હિતેશ ત્રિવેદેી નુ કાવ્ય અદભુત લાગ્યુ..
Rachnao sundar. Vishal parekhni bnne rachanao sparshi jay chhe. Aksharnad navoditone aavkari protsahan aape chhe.e motu kam chhe.
ખુબજ સરસ રચનાઓ
નવોદિતોની કવિતાઓ ગમી. સૌને અભિનંદન. … માત્ર એક વસવસો રહી જાય છે કે — આજકાલ છંદોબધ્ધ અને લય તાલ વાળી ગેય કવિતાઓનો દુકાળ સર્જાયો છે, તે કોણ પૂરો કરશે ? ” જે ગવાય તે સચવાય ” ના ન્યાયે જૂની ગેય કવિતાઓ આખેઆખી યાદ છે, જ્યારે આજની અર્વાચીન કવિતાઓમાંથી કેટલી યાદ રહે છે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
Khub j Saras rachnao