પ્રસ્તુત લેખના શીર્ષકમાં જ મૂંઝવણ થાય એવા સવાલો મૂક્યા છે. પણ જ્યારે આ ભારતીય નૌસેનાની યુદ્ધપોતની હયાતી વિશેની મૂંઝવણ દરિયાઈ મોરચે દુશ્મન દેશના નાવિકોને રડારયંત્રમાં થાય ત્યારે આપણું સ્વદેશી શસ્ત્રદાર યુદ્ધ જહાજ તેની ભૂમિકા અદા કરવામાં સફળ દાવ ખેલી રહ્યું છે, તેમ કહેવાય.
સમુદ્રી મોરચે સંગ્રામ ખેલાય ત્યારે શત્રુજહાજની નજરથી ઓઝલ રહી મરણતોલ ફટકા મારી શકે તે માટે આઈએનએસ કોચીને સ્ટેલ્થ ટેકનોલોજી વડે બનાવવામાં આવી છે.
શું છે આ સ્ટેલ્થ ટેકનોલોજી?
નૌસેનાની આ ફ્રિગેટની રચના, માળખુ, આખાર તેમજ તેના પડખા પર લાગેલા ઑઈલ પેઈન્ટ તેની સ્ટેલ્થ રચના માટે જવાબદાર છે જે તેના પર શત્રુજહાજના રડાર દ્વારા પ્રસારિત માઈક્રોવેવ મોજાંને કાં તો વિચલિત કરવામાં અથવા શોષવામાં મદદ કરે છે, જેથી શત્રુ રડારને પ્રસારિત મોજાં, પરાવર્તિત કિરણો પાછા મળતા નથી અને ફ્રિગેટના સ્થાન, ગતિ, ઉદ્દેશ વગેરેનો અંદાજો લગાવવામાં એ થાપ ખાઈ જાય છે.
ભારતીય નૌસેનાના કાફલામાં ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ આઈએનએસ કોચીને યુદ્ધજહાજ સ્વરૂપે શામેલ કરવામાં આવ્યું. આ સાથે જ ભારતીય નૌકાદળ માટે સ્વદેશી મનવારો બનાવવાના ‘સ્કોરબોર્ડ’ પર એક અંક વધી ગયો.
આઈએનએસ કોચી એ આઈએનએસ કૉલકાતા પછીની કોલકાતા ક્લાસની બીજી મનવાર છે જે સ્વદેશી હોવાની સાથે બીજી પણ ઘણી વિશેષતાઓ ધરાવે છે. વજન ૯૫૦૦ ટનથી પણ વધુ, ૧૬૩ મીટર લંબાઈ (૫૩૫ ફૂટ, આશરે ૫૦ માળની ઈમારત જેટલી લંબાઈ) અને ૧૭ મીતર પહોળો મોભ ધરાવે છે.
આઈએનએસ કોચી દુશ્મન જહાજવિરોધી હુમલા કરવા માટે ૧૬ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલોની ક્ષમતા ધરાવે છે. બ્રહ્મોસના ખૂંખાર ખેલનો અંદાજ ન હોય તો જાણી લો કે ધ્વનિના વેગ કરતાં ૨.૮ થી ૩.૦ ગણી ઝડપે ધસી જતી આ મિસાઈલ ભારત – રશિયાના સંયુક્ત ઉપક્રમે બનાવવામાં આવેલી છે. ૩૦૦ કિમી જેટલા લાંબા અંતર સુધી જઈને શત્રુજહાજનો કે લક્ષ્યાંકનો પીછો કરી તેનો ખુરદો બોલવી શકે તે માટે તેની સ્વયંસંચાલિત વીજાણુ પરિપથ રચના અને વિનિમય ઉપકરણો જવાબદાર છે. વધુમાં દુશ્મન દેશની મિસાઈલ કે લડાયક વિમાનને હવામાં જ નષ્ટ કરી નાખવા માટે (એન્ટી એરક્રાફ્ટ પ્રકારની) બરાક ૮ જેવી ૩૨ મિસાઈલો સમાવી છે. એ.કે. ૬૩.૦ પ્રકારની ૪ અને ૧૩૩ મિમિની બીજી એક એક કુલ ૫ મશીનગન પણ ખરી જ!
શત્રુની સબમરીન આપણા રડારયંત્રમાં ઝડપાઈ જાય તો? એન્ટી સબમરીન જવાબ આપવા માટે ૪ ટોરપિડો ટ્યૂબ અને ૨ આરબીયૂ ૬૦૦૦ પ્રકારના રોકેટ વડે યુદ્ધપોતને લડાઈ માટે સક્ષમ બનાવાઈ છે.
હિંદ મહાસાગરની દરિયાઈ સીમાને સુરક્ષિત રાખવા માટે, ખૂબ દૂરના નૉટિકલ માઈલ સુધી જ્યારે પેટ્રોલિંગ કરવાનું થાય, તેમજ અન્ય માલસામાન અને રાહત બચાવકાર્ય માટે ૨ હેલિકોપ્ટર પણ જહાજ પર ખડેપગે હાજર રહે છે. પરિણામે નૈસેનાનું આ યુદ્ધજહાજ સમુદ્રમાં લાંબા અંતર સુધી પોતાની ચાંપતી નજર રાખી શકે છે; જે મુંબઈ શહેર પરના ૨૬/૧૧ જેવા આતંકી હુમલાની પ્રથમ કડીમાંથી મળેલો બોધપાઠ છે.
આઈએનએસ કોચીની ડિઝાઈન ‘ઈન્ડિયન નેવલ આર્કિટેક્ચર’ દ્વારા તૈયાર કરાયેલ છે. મુંબઈની મઝગાંવ ડોક લિમિટેડની ગોદીમાં તેનું બાંધકામ થયું છે. ભારત ઈલેક્ર્ટ્રોનિક્સ લિમિટેડના સહકાર વડે આ મનવારને રડાર, ટેલિમેન્ટ્રી અને મોનિટરીંગ સિસ્ટમ માટેના ઉપકરણોથી સજ્જ કરાઈ છે. ૩૫૦ જેટલા નૌસૈનિકો અને ૪૦ જેટલા લશ્કરી અધિકારીઓ ની ફોજ આ ફ્રિગેટ પર તૈનાત રહી શકે છે. જહાજનો મુદ્રાલેખ ‘Armed to conquer’ છે જે તેના લશ્કરી બ અળ અને શસ્ત્રસરંજામ જોતાં યથાર્થ જ હોય તેમ લાગે છે.
આમ જોતાં, છેલ્લા ઘણાં દાયકાઓથી સંરક્ષણની બાબતમાં ફ્રાન્સ, રશિયા, અને અમેરિકા જેવા દેશો પર નિર્ભર રહીને બેસી રહેવા કરતા આપણા દેશે સ્વદેશી યુદ્ધજહાજની રચના કરી સંરક્ષણક્ષેત્રે સ્વાવલંબનનું સાહસ ખેડી બતાવ્યું છે, જે બહુ ગર્વની વાત છે.
ખરું જોતાં છેક ૨૦૦૫ની સાલમાં બાંધકામના શ્રીગણેશ પામેલા આ જહાજને સેનામાં જોડાતાં ૧૦ વર્ષ લાગ્યા, જે ફરી ફરીને થયેલા વિલંબ પ્રત્યે અને સરકારી બાબુઓના કામ પ્રત્યે મનમાં શંકા જગાડે છે. આ જોતાં ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત સંરક્ષણ સંશોધન અને વિકાસ તથા સંરક્ષણ સાધનોના ઉત્પાદન ક્ષેત્રે પણ વહેલી તકે ખાનગીકરણ અમલમાં મૂકવું જ રહ્યું.
– અવધ પટેલ
અક્ષરનાદ પર શ્રી અવધ પટેલનો આ પ્રથમ લેખ છે અને આ દ્વારા સાહિત્ય ક્ષેત્રમાં ‘આઈએનએસ કોચી’ જેવા આપણા વિશિષ્ટ યુદ્ધજહાજ પરના સુંદર માહિતિભર્યા લેખ દ્વારા તેઓ પદાર્પણ કરી રહ્યાં છે ત્યારે તેમનું સ્વાગત છે અને તેમની કલમને અનેક શુભકામનાઓ. અક્ષરનાદ પર તેમનું સ્વાગત છે.
Nice one Avadh, keep it up
Thank You , Sir .. !! You Are My Inspiration For This .. !
અવધભાઈ,
બહુ જ સુંદર માહિતી સભર લેખ આપ્યો. … પરંતુ … શીર્ષકની સાર્થકતા બાબતે કંઈ સ્પષ્ટતા થતી નથી.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
પ્રિય વાંચકો ,
ખૂબ ખૂબ આભાર . મારી અપેક્ષા મુજબ સહર્ષ બધા એ લેખ માં વધાવી લીધો . પ્રિય વાંચક કાળીદાસ પટેલ શીર્ષક માં જે પ્રશ્નો રજુ કરાયા છે યુદ્ધજહાજ ની હયાતી વિશે શત્રુ ને થતી મૂંઝવણ ( સ્ટેલ્થ ટેક્નોલોજી ની વિશેષતા ને કારણે ) ના સંદર્ભ માં છે .
અવધ પટેલ .
Bahu જ saras. Bs aam જ lakhata raho
Very good artcle.
બહુ જ સરસ લેખ્.
ઘ્ણો જ સુંદર માહિતી સભર લેખ. ભાઈ શ્રી અવધને ધન્યવાદ સાથે અક્ષરનાદ પર આવકારતા આનંદની લાગણી થાય છે.
ઉમાકાન્ત વિ. મહેતા (ન્યુ જર્સી )
excellent article… proud to be an Indian.. Congratulations to Avadha Patel…. looking forward for more articles from you..