તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ 3


image description

સરસતી હબકી ગઈ. પોતાએન પકડનાર કોણ છે તે જોવા પાછળ ફરવું તો ઠીક, મોં પણ ઊંચું કરી શકી નહીં. બે હાથ ચાળને પકડી રાખીને પોતાની મહેનતનાં ડૂંડાં તરફ જોતી રહી.

‘ચાળ બરાબર પકડ’, તેનું બાવડું પકડનારાએ કહ્યું.

સરસતીમાં જરા હિંમત આવી. તે ધીમે ધીમે પાછળ ફરી, સામે ઊભેલો માણસ ખેતરનો ધણી જ હોવો જોઈએ. પણ તેનો પહેરવેશ આજ સુધી જ્યેલા ખેડૂતો કરતાં જુદો છે. ચોરણીને બદલે લેંઘો, ઉપરનું પહેરણ લાંબી બાંયનું અને ગોઠણ સુધી લટકતી ચાળવાળું.

સતી કંઈક બોલવા ગઈ પણ બોલી ન શકી. અચાનક તેની આંખમાંથી આંસુ વહેવા માંડ્યાં. પછી ગળામાંથી ડૂસકાં..

‘ખોટી બી મરમાં. આટલાકમાં આમ ફાટી ન પડાય.’ પેલો જાણે કોઈ પાઠ શીખવતો હોય તેમ બોલ્યો. ‘મૂંગી રહેતાં શીખ. હવે રોઈશ તો પડશે ડાબા હાથની બે..’

સરાતી શાંત થવાને બદલે વધુ રડવા માંડી.

આ અજાણ્યાને કેમ સમજાતું નથી કે તેની – હવે રોઈશ તો – વાળી ધમકી સતીને કાનમાંથી સીધી ગળે પહોંચીને અટકે છે! નાનું બાળક પણ જાણે છે કે ગળું સખત દુઃખે, હીબકાં રોકાય નહીં, શ્વાસ રૂંધાય, ન જાણે શું શું થતું હોય ત્યારે ‘અવાજ બંધ, બિલકુલ બંધ.’ સાંભળવું પડે તે બાળજગતની સહુથી આકરી સજા છે.

અજાણ્યો અચાનક સતીની સામે ઊભડક બેસી ગયો અને તેને માથે હાથ ફેરવતાં પૂછ્યું, ‘મેં તને મારી? કે કાંઈ કીધું?’

સતીએ રડતાં રડતાં જ ડોકું ધૂણાવીને ના કહી.

‘તો પછી મારી મા, રોયા શું કામ કરે છે?’ બીજો પ્રશ્ન.

સ્વયં સરસ્વતી, હંસ પર બેસી આવીને પણ આનો જવાબ આપી શકવાનાં નહોતાં. સરસતીએ પણ ન આપ્યો. તેને પોતાને જ ખબર નહોતી પડતી કે સામેથી અભયદાન મળવા છતાં પોતે રડી શા માટે રહી છે. ભાઈને પડ્યો હતો એટલો માર પોતાને પડવાનો નથી. કામ કરતાં પકડાઈ જઈએ ત્યારે શરમ થવી જોઈએ તેવું તે શીખી નથી. નિષ્ફળતામાંથી નીપજતી નિરાશા અનુભવવા માટે તે હજી ઘણી નાની છે. ક્ષોભ એટલે શું તેનો જવાબ તેને આવડતો નથી. છતાં રડવું આવે છે. ખબર નથી શા કારણે?

કારણ તો માત્ર ધારી શકાય કે પોતે જેને હાથમાં રમાડી, સૂંઘી, વહાલાં કરીને ખોળામાં લે છે તે જાતે બનાવેલાં, માટીના ઢીંગલાની જેમ, હેતથી ચાળમાં લપેટ્યાં છે તે બધાંય ડૂંડાં હમણાં જ આ અજાણ્યાને આપી દેવા પડશે.

મોં નીચું રાખીને સરસતીએ ચાળ ખોલી બતાવી. અજાણ્યાએ કહ્યું, ‘અરે વાહ, કેટલાં ભેગાં કર્યાં?’

સતીને ગણતાં આવડતું નથી તે કંઈ બોલી નહીં.

અજાણ્યાએ કહ્યું, ‘આ તો થોડાંક જ છે.’ પછી પૂછ્યું, ‘થઈ રહેશે?’

આ પ્રશ્નથી સતી સ્વસ્થ થઈ, તેણે તરત કહ્યું, ‘ના, જાજાં જોઈએ.’

‘ચાલ.’ પેલાએ કહ્યું અને સતીનું બાવડું પકડી રાખીને તેને દોરી. ખેતરના સામેના છેડા તરફ જતાં તે માણસ કહેતો ગયો. ‘જો એક વાત સાંભળ, ક્યારેય નિરાશ ન થવું. કામ દર વખતે કંઈક રળી આપે તેવું નથી બનતું, ક્યારેક કંઈ પણ ન મળે.’

નિરાશ ન થવું એટલે કેવાં ન થવું તે સમજ સતીને નહોતી. હા, બીજી વાત તેને બરાબર ખબર હતી. પોતાનો બાપ રઘુનાયક અને બીજા, તમામ કામે નીકળે તે પહેલાં કેટલું, કેવું અને કેવી રીતે કામ કરવાનું છે તે નક્કી કરે છે. પરંતુ તેમાંથી શું મળશે તે વાત કોઈ કરતું નથી.

ક્યારેક કોઈએ ગણતરીપૂર્વક અંદાજ બાંધ્યો હોય તો પણ બધી ગણતરી સાચી પડી હોય તેવું નથી બન્યું, એ બધા નક્તચારીન (નિશાચર) તો ચક્રવ્યૂહ ભેદવા નીકળતા અભિમન્યુ જેમ નીકળી પડે છે. પરિણામ કંઈ પણ હોઈ શકે. તકેદારી, મહેનત, સાથીઓની મદદ કંઈ જ કામ ન આવે અને જીવ બચે તેને પણ ઉપરવાળાની કૃપા માનવી પડે તેવું ક્યાં નથી બનતું? કેટલાકે જીવ ખોયાના કિસ્સાઓ પણ કેટલાંય બન્યા છે.

સતી મૌન રહી, અજાણ્યો તેને આગળની તરફ નાની ઝૂંપડીએ લઈ ગયો. પાણી આપ્યું અને કહે, ‘આડોડિયણ છોને? કોની છોકરી?’

પારકા ગામના અને તે પણ ધારાગઢની સીમના ખેડૂત લાગતા માણસને પોતાની પાકી ઓળખાણ આપવી કે નહીં તે સતી નક્કી ન કરી શકી. તેણે પાણી પણ ન પીધું, ન નીચે બેઠી. ઊભા રહીને માત્ર એટલું કહ્યું, ‘હા’

ખેડૂત હસ્યો. ઘડીભર સતી સામે જોઈ રહીને પૂછ્યું, ‘તું કોની તે ન કહે તો કંઈ નહીં. તારું નામ તો કહે.’

સતીએ ડૂંડા ભરેલ ચાળ સાચવતાં કહ્યું, ‘સરસતી.’

અજાણ્યા જણે પ્રેમથી કહ્યું, ‘નીચે બેસવું ન હોય તો સામે, ખાટલે બેસ. તારા ડૂંડાં કોઈ લઈ જવાનું નથી.’

સરસતી દૂર સરકીને ખાટલે બેઠી. હવે તેના ડૂંડા પડે તેમ ન હતું. ડૂંડાં ખોળામાં રહેવા દઈને તેણે ઊંચે પકડી રાખેલી ચાળી છોડી દીધી અને પગ ઢાંક્યા. પછી અજાણ્યા પર, ખેતર પર અને દૂર દેખાતા ગામ પર નજર કરતી બેસી રહી.

ખેડૂતે કહ્યું, ‘બોલ હવે કહે, આ ડૂંડાં કોના છે?’

‘તારાં’ સતીએ જવાબ આપ્યો.

‘ખોટું’ ખેડૂતે હસીને કહ્યું, ‘આ કામ કરનારાએ એવું વિચારાય નહીં. તારું કામ જેવું તેવું નથી, તેં બહુ મહેનત કરી છે એટલે ખરેખર તો આ દાણા તારા છે.’

સરસતી જવાબ આપ્યા વગર બેસી રહી.

ખેડૂત આગળ બોલ્યો, ‘હું કહું છું તે ધ્યાનથી સાંભળ. જ્યારે પણ આમ મહેનત કરવા નીકળ ત્યારે એક વાત પાકી સમજજે કે તારી નજરે દેખાય છે તે અને નથી દેખાતું તે બધું તારું, તારા હકનું છે. દુનિયાના બધાં વાડી, ખેતર, ઘર, મહેલ કે મંદિરમાં અભરે ભરેલું છે એ બધામાં તારો ભાગ પણ છે. ગમે ત્યારે પૂછ્યા વગર લઈ લેતાં અચકાતી નહીં. હક્કથી લેજે.’

આટલું કહીને ખેડૂત ઝૂંપડીમાં ગયો અને પોટકી ભરીને બાજરી લઈ બહાર આવતાં સતીને કહ્યું, ‘લાવ, તારા ડૂંડાં. મૂક આમાં અને ઊપડે તો લઈજા. નહીંતર બે ફેરા કરજે. હું અહીં જ બેઠો છું.’

સતી પોટલી સામે જોઈ રહી અને કહ્યું, ‘ના, તું રાખ.’

ખેડૂત આનંદમાં આવી ગયો હોય તેમ હસ્યો અને સતીના ખભા પર હાથ મૂકીને બોલ્યો, ‘ખબર હતી, મને ખબર હતી કે તું લેવાની નહીં. નહીં લે.. તું માંગશે નહીં. કોઈનું આપેલું લેશે નહીં. એટલે તો કહું છું કે તું માલિક છે, માગણ નથી. આમ જ લેવાય. આમ જ અપાય. માલિકની રીતે. એ રીતે લેવાની અને દેવાની તાકાત તારામાં મેં જોઈ છે.’

આમાંનું કંઈ સતી સમજી હોય તો માત્ર એટલું કે સામે બેઠેલો કાં તેણે જોયેલાં માણસો કરતાં નોખી ભાતનો છે કાં તો તેને ન સમજાય એવું બબડવાની ટેવ છે.

– ધ્રુવ ભટ્ટ

(ધ્રુવભાઈની થોડા વખત પહેલાં જ પ્રકાશિત થયેલી સુંદર નવલકથા ‘તિમિરપંથી’ માંથી સાભાર. પુસ્તક એન્ડ્રોઈડ એપ્લિકેશન ન્યૂઝહન્ટ પરથી ઈ-પુસ્તક સ્વરૂપે ખરીદી શકાય છે, વળી ઘરે મંગાવવા +૯૧ ૯૧૭૩ ૪૦૪૧૪૨ પર ફોન કરીને કે ઓનાલાઈન ઓર્ડર કરીને મેળવી શકાય છે.)

આ વાત છે એક અજાણ્યા પણ જાણીતા લોકોની, નવલકથા ‘તિમિરપંથી’ એક એવા વર્ગની વાત કરે છે જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા લેખકે પ્રયત્ન કર્યો છે. રાતના અંધારામાં સિફતથી પોતાનું કામ કરીને ઓગળી જતા લોકો વિશેની વાયકાઓ અને ૬૪ કળામાં એક કળા ગણાયેલ આ માનવસમાજ વિશેની વાત ધ્રુવભાઈ આ પુસ્તકમાં કરે છે.

.

બિલિપત્ર

માણસો જમીન વિહોણાં, ઘર વિહોણાં, સ્થળ વિહોણાં હોઈ શકે, પૃથ્વી પર પેટ વિહોણાં જીવ હોવાનું જાણ્યું નથી.
– ધ્રુવ ભટ્ટ


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ

  • Sanjay Pandya

    ધ્રુવભાઈ મારા પ્રિય લેખક છે …એમની નવી નવલની આ આચમની ગમી. ભટકતી અને વિમુક્ત કેટલીયે જાતિને , આઝાદીના આટલા દાયકાઓ પછી પણ , આપણે મુખ્ય પ્રવાહમાં નથી લાવી શક્યા એ આપણી કમનસીબી છે .