માધવી ઉઠી ત્યારે દિવસ ચઢી ગયો હતો. માથામાં તો જાણે હથોડાં વાગી રહ્યા હોય તેમ કોલાહલ મચ્યો હતો. બેડરૂમની બહાર આવીને જોયું તો માસી રોકિંગ ચેરમાં બેસીને જાણે કોઈ મંત્રજાપ કરી રહ્યા હોય તેમ બંધ આંખો કરીને ધ્યાનસ્થ થયેલાં દેખાયા, જેમને ધ્યાનભંગ કર્યા માધવીના આગમનના હળવા પગરવે.
જાણે કંઈ થયું જ ન હોય તેમ આરતીના ચહેરા પરની સ્વસ્થતા અકબંધ હતી, માધવીને બહાર આવેલી જોઇને એક હુંફાળું સ્મિત ફરકાવ્યું જે દિલને ભારે ધરપત આપી રહ્યું. કાલ રાતના બનાવ પછી ન જાણે આરતીમાસી કઈ રીતે વર્તે અને હવે પોતે કરવું શું એ વાતનો ભાર હજી તોળાયેલો હતો.
‘ફ્રેશ થઈને ચાનાસ્તો પતાવી લે માધવી, મારે એક અગત્યની વાત કરવી છે….’ આરતીમાસી ચેરમાંથી ઉભી થઇ માધવી બેઠી હતી ત્યાં આવીને ઉભા રહી ગયા.
‘એને માટે હું બ્રેકફાસ્ટ કરી લઉં ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી… તમે પણ આવો,’ માધવી ચેર ખેંચીને માસીને બેસવાનો વિવેક કર્યો.
‘તું બેસ અને સાંભળ… મારે તને કંઇક કહેવું છે…’ આરતીએ ઇલેક્ટ્રિક કેટલ ઓન કરી. નહીંવત સેકન્ડમાં ઉકળી રહેલાં પાણીનો અવાજ ઘરમાં ઘૂમરાઇ રહ્યો હતો જેવો ખળભળાટ જે માધવીના મનમાં હતો, ભલે છતો ન થતો હોય પણ આરતીમાસી એને આરપાર જોઈ તો શક્યા હતા.
‘મારું માને તો આજે આપણે એક મેડીકલ ઓપિનિયન લઇએ…. કોઈક સારા ગાયનેકોલોજીસ્ટ પાસે…’ આરતી હજી પૂરેપૂરું બોલી રહે એ પહેલા તો માધવીના ચહેરાના હાવભાવ ફરી ગયા.
‘હું કંઈ કહું?’ માધવીની આંખોમાં કોઈક સંદેહ તરી રહ્યો હતો એ સ્પષ્ટપણે દેખાતું હતું. આરતીએ માત્ર ડોકું હલાવી આંખોથી હા ભણી.
‘હું ઓલરેડી ડોક્ટરને મળી ચૂકી છું…’ માધવીના ચહેરા પર સ્વસ્થતા હતી : ‘થોડા દિવસ થયા એ વાતને, તે વખતે મને રાજાની નિયત માટે શંકા જાગી હતી. એટલે આ પ્રેમના અંશના નિકાલ માટે જ હું ગઈ હતી. પણ ત્યારે બે વાત બની..’ માધવી જરા રોકાઈ એણે જોયું કે આરતી વાત ધ્યાનથી સાંભળી રહી છે કે નહીં : એક તો હતો ડોકટરનો ઓપિનિયન, ડોક્ટર આશાલતા બર્વે જેની પાસે હું ગઈ હતી તેનો મત એવો હતો કે પ્રેગનેન્સીને બાર વીક કે કદાચ તેથી પણ વધુ સમય થઇ ગયો છે, એટલે અબોર્શન જરા જોખમી તો ખરું પણ… અને બીજી વાત છે મુખ્ય જે મારે તમને ખાસ કરવી રહી. હું તે દિવસે ઘરે પછી આવી ત્યારે રાતે જ રાજ સાથે મારી લાંબી વાત થઇ… માધવીની નજર આરતીમાસીના ચહેરા પરથી હટતી નહોતી જાણે તેના ચહેરા પર બદલાતાં ભાવ જોઇને આખી વાત કરવી હોય.
‘હા, પણ પછી શું? તો અત્યારે આવી સંતાકૂકડી કરવાનું કારણ શું?’ આરતીના સ્વરમાં અધીરાઈ નહોતી છતાં આતુરતા છતી થઇ રહી.
‘રાજનો પોઈન્ટ ઓફ વ્યુ એકદમ સાફ હતો અને માસી, સાચું કહું તો હું પણ એમ માનું છું કે વાત ઇમોશનલ થયા વિના વિચારીએ તો ખોટી પણ નથી…’ માધવી જાળવીને બોલી, પોતે જે બોલી એનું ક્યાંક કંઈ ખોટું અર્થઘટન આરતીમાસી ન કરી લે : અલબત્ત, રાજે મને ચોખ્ખું કહ્યું છે કે આખરી નિર્ણય તો મારો જ રહેશે અને એ એને માન્ય પણ રહેશે…. બાળક રાખવું – ન રાખવું… એનો નિર્ણય એ નહીં, હું લઈશ.
‘એમ? ક્યારે થઇ આ વાત?’ આરતીનો શક બેવડાયો હોય તેમ એની આંખો જરા ઝીણી થઇ.
‘અરે હમણાંની જ વાત છે, તમે આવ્યા એ દિવસ પહેલા…. તમે માની લો એવો નથી એ…. આરતીમાસીના મનમાં જામેલું કોઈ જાળું દૂર કરવા માંગતી હોય તેમ માધવી મથી રહી હતી.
‘હું તો કંઈ બોલી જ નથી. બલકે એના વિષે કશું જાણતી પણ નથી…. તો હું કોઈ તારણ પર કઈ રીતે આવી શકું? પણ માધવી જે રીતે તું દર થોડી થોડી વારે એને ક્લીન ચીટ આપવાનો વ્યાયામ કરે છે એ જ સાબિતી છે તારા દિલદિમાગમાં વ્યાપેલા ભયની..’ આરતીનો અવાજ સાવ સપાટ હતો પણ એમાં રહેલી ધાર માધવીને લોહીલુહાણ કરી નાખવા પૂરતી હતી.
ન જાણે કેમ પણ દિલના ખૂણેથી કોઈ હળવે અવાજે કશુંક કહી રહ્યું હતું : આરતીમાસીની વાત ખોટી તો નહોતી જ.
માધવીનો ચહેરો જરા ઝંખવાયો, એ આરતીમાસી સામે જોઈ રહી : જો પરિસ્થતિ આ હોય તો વિકલ્પ પણ શું બચ્યો છે?
‘હજી મોડું નથી થયું, મારું માને તો ડોક્ટરને મળવું એટલું જ જરૂરી છે, પછી તારી મરજી… પણ થોડાં દિવસની વાત છે જો એ હાથમાંથી નીકળી ગયા તો સમજી લે કે….’ આરતી વાક્ય પૂરું ન કરી શકી પણ એનો અર્થ ન સમજી શકે તેવી અબુધ માધવી નહોતી.
અધૂરા મૂકાયેલી વાતનો અર્થ સાફ હતો : રાજ લગ્ન કરે ને મામલો સારી રીતે ઉકલી જાય તો તો કંઈ વાંધો નહીં પણ જો એ નામક્કર જાય ને તો? તો કુંવારું માતૃત્વ, ફિલ્મની કારકિર્દી પર તો પાણી પણ ફરી વળે ને ડેડીની નામના તો ધોવાઈ જવાની, ઘરે પાછા ફરીને ડેડીના સપનાં પૂરાં કરવાની વાત તો બાજુ એ બારણું જ સદાકાળ બંધ, જડબેસલાક બંધ, ડેડીના દિલના દ્વારની જેમ.
‘તો શું કરું?’ અત્યાર સુધી મક્કમ રહેલો માધવીનો અવાજ જરા ઢીલો પડ્યો હતો તેમ આરતીને લાગ્યું.
‘કરવાનું શું છે? પેલી ડોક્ટરને ફોન કર ને અપોઈન્ટમેન્ટ લે ફરી, આ મામલે ઢીલ કરવી ન હરગીઝ ન પોષાય…’ આરતીએ મનમાં ઘૂંટાઈ રહેલી વાત કહી જ દીધી. પોતે ધાર્યું એ કરતા જલ્દી માની ગઈ, અન્યથા…
‘મિસિસ પ્રિયા માથુર….’ રીસેપ્શનીસ્ટે નામ ઉચ્ચાર્યું ને માધવી ઉભી થઇ. જે જોઇને આરતી માસીએ એક સૂચક નજર નાખી : પ્રેમમાં અગાધ વિશ્વાસ હતો તો નામ કેમ ખોટું લખાવ્યું?
‘ઓહ, તો તમે વડીલ ને સાથે લઈને આવ્યા એમ ને?’ કેબિનમાં પ્રવેશતાવેંત ડોક્ટર આશાલતા હસીને આવકાર આપતી હોય એમ બોલી.
‘જી, મારા… આ મારા મધર… મધર ને લઈને આવી છું…’ આરતીમાસીની ઓળખ આપતાં કહ્યું.
‘આઈ સી, આ સારું કર્યું તમે, જુઓ આજી… ડોકટરે પેશન્ટની બદલે તેની મા સાથે ચર્ચવી હોય તેમ આરતી સામે જોઇને જ વાત માંડી દીધી : તમને તો ખ્યાલ જ હશે કે પ્રેગનેન્સી ને બારથી વધુ અઠવાડિયાનો કે તેથી પણ વધુ સમય થઇ ચૂક્યો છે…’ જવાબમાં આરતીએ ડોક્ટરની વાત સમજી રહી છે તેમ આંખોથી હા ભણી.
‘તમે તો સમજી શકો છો ને વડીલ કે આ હવે જરા જોખમી છે…’ ડોક્ટર આશાલતા પોતાની નૈતિક ફરજ બજાવતી હોય તેમ બોલી : ભલે આવી જવા દો બાળક ને, સિવાય કે કોઈ ઘરની પરિસ્થતિ એવી હોય…
‘શું કરે છે તમારા હસબન્ડ?’ ડોક્ટર આશાલતાએ રોકિંગ ચેર ઘુમાવી ને માધવી સામે સ્થિર કરી.
‘ના, એટલે… એટલે…’ માધવી જવાબ આપવામાં ગોથાં ખાઈ રહી હતી.
‘ડોક્ટર, વાત જરા એમ છે કે..’ આખી વાત ડોક્ટરને શીરાની જેમ ગળે ઉતરી જાય તે રીતે સંભાળી લેવી હોય તેમ આરતીએ મામલો પોતાના હાથમાં લઇ લીધો : ‘પતિ પત્નીના લગ્નને ઝાઝો સમય નથી થયો અને આ પ્રેગ્નન્સી, બાકી હોય તેમ જમાઈનો મિજાજ પણ આકરો છે અને એમાં અત્યારે આ….’
‘એ બધી વાત સાચી વડીલ, પણ કુદરત તો એનું કામ કરે ને? આ વાત તમારે પહેલા વિચારવી જોઈતી હતી ને?’ ડોકટરે માધવી સામે જોયું : છેલ્લીવાર તમે આવેલા ત્યારે મેં શું કહેલું? કે પાંચમો મહિનો બેસી ગયો છે, બરાબર?’
માધવીના ચહેરા પરના હાવભાવ લગીરે ન બદલાયા ડોક્ટરની વાત સાંભળીને પણ આરતીની વ્યગ્રતા છતી થઇ ગઈ : તું આ જાણતી હતી માધવી?
‘… પણ એવી કોઈ નિશાની સુધ્ધાં જણાતી નથી.’ આરતીમાસીની એક નજર ઉદર તરફ ગઈ ને ડોક્ટર આશાલતાનો મત જાણવો હોય તેમ પૂછી રહી.
‘જરૂરી નથી… ઘણીવાર કોઈક કોઈકનું બંધારણ એવું હોય એમ બનવું સ્વાભાવિક છે, પાંચ છ મહિના સુધી ન જણાય પણ હવે દેખા જરૂર દેશે, એવા સંજોગોમાં….’ ડોક્ટર આશાલતા વધુ આગળ ન બોલી.
‘એવા સંજોગોમાં શું થઇ શકે ડોક્ટર?’ અચાનક માધવીની અધીરાઈ ઉછળી. ડોક્ટર આશાલતા જોઈ શકતી હતી કે બચારી ગર્ભ રાખવો કે પડાવવો એ વિષે નિર્ણય જ નથી કરી શકતી.
‘મારા મત પ્રમાણે તો એક જ વાત શક્ય છે…’ ડોક્ટર આશાલતા વારાફરતી બંને સામે જોઇ લીધું : બાળક આવી જવા દો. બોમ્બ ફૂટ્યો હોય ને પછી જે સ્તબ્ધતા છવાઈ ગઈ હોય તેમ વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો.
‘તમે હવે ચાહો તો નિયમિત ચેકિંગ માટે આવી શકો છો, હું અત્યારે થોડા સપ્લીમેન્ટસ લખી આપું છું. કેલ્શિયમ અને વિટામિન્સ…’ ડોક્ટર આશાલતા બોલતી રહી પણ ન એ માધવીને સમજાઈ રહ્યું હતું કે ન આરતીને. લાગતું હતું કે અચાનક જ તેની દુનિયા ૧૮૦ ડિગ્રીએ ઘૂમી ચૂકી છે.
મોડી સાંજે વરંડામાં રહેલા સ્વીંગ ચેરમાં ઝૂલી રહેલી માધવીને ખબર નહીં કેમ અકારણે જ રડવું આવતું રહ્યું. પોતે હવે કરશે શું? કદાચ એ પ્રશ્નનો જવાબ એવી અંધારગલીમાં છૂપાયો હતો કે મળતો જ નહોતો. જિંદગી એક ડેડએન્ડ પર આવીને અટકી ગઈ હતી.
‘અંધારામાં કેમ બેઠી છે?’ આરતીએ આવીને વરંડામાં રહેલી સ્વીચ ઓન કરી. પ્રકાશમાં માધવીના ચહેરા પર સુકાઈ ગયેલા આંસુ નિશાની છોડીને ગયા હોય તેમ સાફ સાફ દેખાતું હતું.
‘એમ હારી જવાથી થોડું ચાલશે?..’ આરતીએ પાસે આવીને માધવીના માથે વ્હાલથી હાથ ફેરવ્યો.
પાણીભરેલું વાદળ જાણે આ જ ઘડીની રાહ જોતું હોય તેમ તૂટી પડ્યું : ‘માસી, હવે હું કરીશ શું?’
‘એક વાત માનીશ?’ આરતીના અવાજમાં અજબ સંમોહન હતું, જેથી અજબ શાંતિ લાગી રહી હતી માધવીને.
‘જો, પહેલા તો જરૂરી છે કે તું પોતાની સાથે દ્વન્દ બંધ કરે…’
‘કદાચ તારા દિલમાં રહી રહી ને એક જ વિચાર આવે છે કે રાજા ક્યાંક ફસાઈ ગયો હશે ને એ પાછો આવશે અને પછી કદાચ આ અબોર્શન કરાવવાનો અપરાધ જીવનભરનો ભાર બની જશે. કદાચ એટલા જ માટે તે આટલી વાર લગાડી નિર્ણય લેવામાં… સાચું કે નહીં?’
માધવીએ એ નતમસ્તકે હા ભણવી પડી. આરતીમાસીની વાત તો સો ટકા સાચી હતી. મનમાં ઊંડે ઊંડે રાજા સાથે લગ્ન કરી બાળકને જન્મ આપવાની વાતને લીધે પોતે આટલી ઢીલ વર્તી હતી અને જોવાની ખૂબી એ હતી કે જયારે સૌથી મહત્વના નિર્ણય લેવાનો અવસર હતો ત્યારે જ રાજ પોતાની બાજુમાં ઉભો નહોતો.
‘હવે મોડું તો થઇ જ ચૂક્યું છે,’ આરતી કંઇક વિચારીને બોલી : ‘મને અંગત રીતે લાગે છે કે આ વાતની જાણ આરુષિને કરવી રહી… આખરે એ મા છે તારી …’ આરતીએ વ્યવહારુ વાત કહી હતી પણ માધવીને એ બિલકુલ અવ્યવહારુ લાગી’ .
‘ના.. ના.. પ્લીઝ, હરગીઝ નહીં… જો જો એવું રખે કરતાં…’ માધવીની મોટી મોટી આંખોમાં આંસુઓ તો ક્યારના સુકાઈ ગયા હતા ત્યાં હવે ડર અંજાયો: તમે ડેડીને નથી જાણતા માસી, મારી ભૂલ માટે એ મમ્મીને ક્યારેય માફ નહીં કરે. પ્લીઝ, તમે એવું કંઈ ન કરતા કે વાત બનવાને બદલે વણસી જાય..
‘અરે બેટા, તારી જાણ વિના એવું કંઈ નહીં કરું પણ હવે મને ચિંતા થાય છે… આરતીના અવાજમાં ખરેખરી ખેવના રહેલી હતી એટલું તો માધવી પામી શકી.
‘તમે મને મદદ કરી શકો?’ માધવીએ અચાનક જ પૂછ્યું, માસી પોતાને મદદ માટે ના નહીં જ ભણે એવી કોઈક આશા સાથે.
‘બોલ, મારાથી શક્ય બધું કરી શકું પણ આ…’
‘તમે મારી સાથે રહી શકો? થોડો સમય? પ્લીઝ?’
‘ખબર નહીં પણ અચાનક જ મને મારી જાતમાં રહેલો વિશ્વાસ ડગી ગયો હોય તેમ કેમ લાગ્યા કરે છે? જો તમે સાથે હશો તો મને લાગશે મમ્મી સાથે છે… પ્લીઝ..’ માધવીની યાચક નજર જોઈ ન શકી હોય તેમ આરતી આડું જોઈ ગઈ. આરતી જવાબ આપવાને બદલે ચૂપચાપ વિચારતી જ રહી, આ ખામોશી વાતાવરણને વધુ ભારેખમ બનાવતી રહી.
થોડીવાર રહીને માધવીએ મૌન તોડ્યું : ‘સોરી માસી, ખરેખર તો મારે સમજવું જોઈએ, તમે કહ્યું કે તમારા માથે પણ ઘણી બધી જવાબદારીઓ છે, આશ્રમની, ત્યાંના કામની… પણ મને થયું કે…’ આગળ વધુ એ બોલી ન શકી.
‘ના ના માધવી, તો તો તું કંઈ સમજી જ નહીં, હું મારા કામ માટે નહીં બલકે હું વિચારી રહી હતી કે હું અહીં તારી સાથે રહું એ બહેતર રહે કે તું મારી સાથે આશ્રમ આવે એ?’ આરતીએ જોયું, માધવી આ વાત સાંભળીને થોડી અચરજમાં તો પડી જ હતી.
‘જો, હું એમ વિચારતી હતી કે ધારો કે તું બાળકને જન્મ આપે ત્યાં સુધી હું અહીં તારી સાથે પણ રહું પણ એ યોગ્ય રહેશે? વિચારી લે!’ આરતીના કહેવા પાછળ ઉંડો અર્થ તો હતો જ.
‘અહીં આસપાસના લોકો, તારા સર્કલના લોકો બધા જાણે છે, અને માની લો કે આ તો તમારી આધુનિક સમાજની નિશાની છે એમ વિચારીને ચાલીએ તે છતાં તું એ ન ભૂલીશ કે કુંવારી માતા બનતી સ્ત્રીએ શું અપમાન અને અવહેલના સહન કરવા પડે!’ માધવીના મનમાં આરતી માસીની વાત ઉતરી તો રહી જ હતી. એ વાત વધુ જડબેસલાક માધવીના મનમાં બેસી જાય તેમ માસીએ એક વાક્યથી પૂરી કરી : ‘એક વાત યાદ રાખજે કે તારા કરતાં કંઈ ગણી વધુ અવહેલના ને અપમાન તો સહન કરશે આવનાર આ નિર્દોષ જીવ, જેને તો ખબર પણ નથી કે એનો ગુનો શું છે કે લોકો તેને ધુત્કારે છે! સમજે છે તું?’
‘હ્મ્મ, તો…’ માધવી વિચારી રહી : ‘તો તમે એમ કહો છે કે મારે બાળકને જન્મ આપી ને પાછા આવી જવું? તો ત્યારે પણ તો પરિસ્થિતિ તો એ જ રહેવાની ને? એને એ જ અણિયાળા પ્રશ્નોનો સામનો કરવો પાડવાનો ને?
‘મને સાચે તારું લોજીક નથી સમજાતું માધવી…’ આરતી ઉઠીને સામે ગોઠવાઈ : એક તરફ તને રાજા પર સંપૂર્ણ વિશ્વાસ છે, બીજી તરફ તું ધારી લે છે કે બાળકના જન્મ પછી રાજા એને નહીં સ્વીકારે? અરે! ત્યાં સુધીમાં તો એ પાછો ફર્યો હશે ને? અને તું જે વિશ્વાસથી માને છે તે રીતે તો બાળક આવ્યા પછી પણ એ પરણશે જ ને?
‘ઓહ આરતી મા.. યુ આર સો સ્વીટ… મને આ તો સૂઝ્યું જ નહીં!’ માધવી ઉઠીને માસીને વળગી પડી. માસી સંબોધનમાંથી પડતું મુકાયેલું સી અને રહી ગયેલું મા આરતીના મનને સ્પર્શી ગયું હોય તેમ એને માધવીનું માથું ચૂમી લીધું. અચાનક રાખોડી ભૂખરાં બોઝિલ ઉદાસ વાતાવરણમાં કોઈએ રંગની પીંછી ફેરવી દીધી હોય તેમ મન આનંદ આનંદ થઇ રહ્યું.
‘ઓહ, કાલે તો પ્રિયાની મંગની સેરીમની છે… હું જઈશ…. તો કાલે શું પહેરવું એ તો નક્કી કરું લઉં ને?’ આરતી જોતી રહી ખુશીથી ઝૂમી રહેલી માધવીને. અત્યાર સુધી એના કપાળ પર અંકાયેલી ચિંતાની ત્રણ લકીર અચાનક જ અદ્રશ્ય થઇ ગઈ હતી અને હોઠ પર આવી ગઈ હતી માસૂમ મુસ્કાન, જે કદાચ થોડા સમયથી ગુમાવી ચૂકી હતી.
‘માસી, આ જુઓ, સાડી પહેરું કે સલવાર કમીઝ?’ વોર્ડરોબ પાસે ઉભી રહીને માધવી પૂછી રહી હતી. એના એક હાથમાં હતી જરી બોર્ડરવાળી લાલ કાંજીવરમ સાડી ને બીજા હાથમાં હતા હળવા ગુલાબી રંગના સલવાર કમીઝ.
‘આ સાડી રાજાએ ગિફ્ટ આપેલી ….’ જાણે માસીમાં કોઈ સહેલી મળી ગઈ હોય તેમ માધવી ધીરે ધીરે ખુલી રહી હતી. : કહો ને , શું પહેરું ?
‘ સાડીમાં પેટનો ઉભાર ન છતો થઇ જતો હોય તો …’ આરતીએ તો ફક્ત શિખામણરૂપે કહ્યું હતું પણ ,માધવી એ ટ્રાયલ કરવાની તસ્દી પણ ન લેવી હોય તેમ સાડીવાળું હેંગર પાછું વોર્ડરોબમાં લટકાવી દીધું . તો પછી કાલે સાડી જ પહેરીશ ને !!
પિંક સલવાર કમીઝમાં માધવી ખરેખર ખૂબસૂરત લાગી રહી હતી : ઉભી રહે, કાળી ટીલી કરવા દે, ક્યાંક કોઈની નજર ન લાગી જાય… આરતીએ મેશની નાની ટીકી માધવીના કાન પાછળ કરી સ્મિત કર્યું. માસીના વ્યવહારથી વધુને વધુ અભિભૂત થઇ રહી હોય તેમ માધવી ઘરની બહાર નીકળી.
આરતી પંદર વીસ મિનીટ વિચારમગ્ન થઇ બેસી રહી. આખરે કોઈ વિચાર અમલમાં મુકવો હોય તેમ ઉઠી. ઝડપથી સાડી બદલી અને હાથમાં પર્સ લઇ નીચે ઉતરી. ડોક્ટરને ત્યાં જતી વખતે રસ્તામાં ડાબી તરફ વળતાં જ એક પીસીઓ ધ્યાનમાં રાખ્યું હતું. એને ત્યાં પ્રવેશતાં આગળ પાછળ જોઈ લીધું ફોન જોડ્યો.
‘આરતી, કેમ આટલી વાર કરી કોલ કરવામાં? બધું બરાબર તો છે ને?’ સામેથી આરુષિ પૂછી રહી હતી.
‘અરુ, આપણે ધારી હતી તેનાથી તો વાત ઘણી બધી આગળ વધી ચૂકી છે…’ આરતીએ તમામ પરિસ્થિતિનો ચિતાર ગણતરીની મિનિટોમાં આપવાનો હોય તેમ બોલી.
‘ઓહ, એટલે?’ આરુષિના અવાજમાં કુતુહલતા પણ હતી અને હતાશા પણ.
‘એટલે કે અરુ, આ તારી દીકરી પ્રેગ્નેન્ટ છે, ને…’
‘ને એટલે? આરતી?? ને એટલે શું? કોણ છે એ? પૂછપરછ કરી?’ આરુષિનો જીવ પડીકે બંધાયો હોય તેમ એનો અવાજ રૂંધાયો.
‘બધી પૂછપરછ કરી અરુ, પણ શું કહું હવે તને?’ આરતીનો નિશ્વાસ આરુષિ સુધી પહોંચ્યો : આપણે ધાર્યું હતું તેમ છે કોઈ ફિલ્મવાળો જ, વિશ્વજિત તો કલ્પી નહીં શકે.. અને વાત ત્યાં સુધી હોય તો તો ઠીક છે પણ…
‘પણ શું? આરતી તું જે હોય સીધું સીધું કહી દે, મારો જીવ મૂંઝાય છે…’ આરુષિની બેચેની વધી રહી હતી.
‘માધવી હજી એ સમજવા જ તૈયાર નથી કે પેલો જે કોઈ ફિલ્મ ડીરેક્ટર કે જે કોઈ હોય તે, રાજા… એને દગો દે છે… એ તો માને છે કે એ લગ્ન કરવાનો જ છે.’
‘તો તું એને મળવા તો બોલાવી લે આરતી… એમાં મને ફોન કરવાની વાટ જોઈ?’ આરુષિ જરા વ્યગ્રતાથી બોલી.
‘અરે બેન સાંભળી તો લે પૂરી વાત… ‘ આરતીને વાત ક્યાંથી શરુ કરી ને ક્યાં પતાવવી એ પ્રશ્ન થઇ પડ્યો.
‘થ્રી મિનીટ્સ ઓવર….’ અચાનક એસટીડી કોલ ઓપરેટર બંને બહેનોની વાતમાં વિક્ષેપ પાડતો હોય તેમ વચ્ચે ટપક્યો.
‘થ્રી મિનીટ્સ મોર પ્લીઝ….’ આરતીએ સૂચના આપીને યથાશક્તિ વાત ટૂંકાવી કહેવા માંડી : અહીં હું આવી ત્યારે એ તો મોઢામાંથી બોલી નહોતી, બલકે મને તો લાગ્યું કે મારા જવાની ઘડીઓ ગણી રહી છે, પણ મોર્નિગ સિકનેસે એની વાત બહાર પાડી દીધી.. મૂંઝાયેલી તો હતી જ, એટલે જરા મોટે માપે કામ લીધું ત્યારે બોલી…
‘આઈ સી, એટલે પેલા ફિલ્મવાળાને પરણાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ આપણી પાસે બચ્યો જ નથી એમ?’ સામેથી આરુષિ પૂછતી હતી.
‘એ વિકલ્પ પણ બચ્યો હોત ને આરુષિ તો ભગવાનનો પાડ માનત..’ આરતી ગર્ભિતરીતે બોલી.
‘એટલે?’ ચોંકી જવાનો વારો આરુષિનો હતો.
‘એટલે એમ કે આ જે રાજાના પ્રેમમાં પાગલ છે એના બાળકને જન્મ આપવા માંગે છે એ માણસની નિયત મને તો બરાબર લાગતી નથી.. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો સંદેહ ખોટો પડે, પણ…’ આરતીની આંખ સામે રાજાના આસિસ્ટંટે કરેલો ફોન તાજો થયો.
‘પણ તું એને મળી ખરી? શું કહે છે એ?’ માઈલો દૂર બેઠેલી આરુષિના અવાજમાં રહેલી ચિંતા જ કહી આપતા હતા કે એનું ચાલે તો એ પહેલી ફ્લાઈટ પકડી ઇન્ડિયા આવી જાય.
‘અરે અરુ, તું એમ માને છે કે મેં એ બધું નહીં કર્યું હોય? એ બધું કર્યું એટલે જ મારો સંદેહ મજબૂત થયો કે આ માણસ કોઈ સંજોગમાં લગ્ન નહીં કરવાનો…’
‘તો તો પછી આરતી, હવે કોઈ વિકલ્પ જ નથી પણ..’ અબોર્શન શબ્દ બોલતા પણ નાનમ લાગતી હોય તેમ આરુષિ અચકાઈ : ‘આરતી, મને ખ્યાલ છે કે તારી સાધના ને તારી તપસ્યા, ને હું તને કેવું પાતક કરવાનો અનુરોધ કરું છું પણ આ તો મારી દીકરીના જીવનમરણનો સવાલ છે, તું એની સાથે જઈને… ઈન્ડિયામાં અબોર્શન પર પ્રતિબંધ નથી ને?’
‘અરુ, અરુ… તું એમ માને છે કે માધવી મારી દીકરી નથી? પણ હાલ તો એ પણ શક્ય નથી કારણ કે દિવસો ચઢી ગયા છે… હવે જે કરવાનું છે હું મારી રીતે વિચારીને કરીશ અને તને શક્ય બને તેમ જાણ કરતી રહીશ…’ આરતી વધુ બોલે એ પહેલા ત્રણ મિનીટ પૂરી થઇ ગઈ હોવાની સૂચના સાથે ફોન કટ થઇ ગયો.
‘અરે, પાછો એ જ નંબર જોડી આપો, અરજન્ટ છે…’ આરતીએ પીસીઓ ચલાવતા માણસને અનુરોધ કર્યો.
‘મેડમ, હમણાં ને હમણાં નહીં જ લાગે… ને જુઓને લાઈન પણ વધી ગઈ છે… તમે આ બાજુ ખુરશી પર બેસો, હું બીજી લાઈનથી ટ્રાય કરું…’ પણ હઠીલી લાઈન મચક ન આપવા માંગતી હોય તેમ કોલ ન જ લાગ્યો.
પણ, તામિલનાડુના નાગરકોઇલ ગામમાંથી બેઠા બેઠા રાજાના કોલ અબીર સાથે ચાલુ જ હતા.
‘અબીર, મારે અચાનક ફાધરની તબિયત બગડી જવાથી નીકળવું પડ્યું એ માધવીને જણાવી દીધું હતું ને?’
‘અફકોર્સ બોસ… ત્યારે ને ત્યારે જ…’
‘કંઈ કહ્યું? મારા માટે કોઈ મેસેજ?’ રાજાએ અબીરને પૂછ્યું.
‘મેડમ તમારું ઠેકાણું પૂછતાં હતા, ગામનું નામ પૂછ્યું, તમારો કોન્ટેક્ટ નંબર જોઈએ છે.’
‘હં, પછી?’ રાજાના અવાજમાં જરા અધીરાઈ પ્રગટ થઇ રહી.
‘સર, મને તો તમારા નામના ગામની ખબર જ નહોતી ને એટલે આજે તમે અડ્રેસ લખાવો તો ભૂલ્યા વિના એમને જાણ કરી દઈશ.’ અબીર તરફથી કોઈ સૂચના મળે તેની રાહ જોતો હોય તેમ ખામોશ રહ્યો.
‘હા તો ઠીક…’ રાજાના સ્વરમાં હળવાશ હતી. ‘કંઈ પૂછપરછ કરે તો તરત જ મને જણાવજે, સમજ્યો? મને થોડાં દિવસ વધુ અહીં લાગી જાય એવું અત્યારે તો લાગે છે.’
‘જી સર’ કહીને ફોન તો મૂક્યો પણ અબીરના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો જરૂર : જો રાજા સર મને ફોન કરી શકે તો માધવી મેડમને ન કરી શકે?
(ક્રમશઃ)
આજે માણો વેર વિરાસત નવલકથાનો પાંચમો ભાગ. ફેમિના, મનોરમા, મનોહર કહાનિયાં (હિન્દી), ચિત્રલેખા, અભિયાન, ગુજરાત સમાચાર, સમકાલીન વગેરે પ્રકાશનોમાં સફળતાપૂઋવક કામગીરી બજાવનાર, જેમની ૨૦૦૩માં પ્રકાશિત નવલકથા ‘મોક્ષ’ને ગુજરાત અને મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કારો મળ્યા છે તેવા અનેક સુંદર પુસ્તકોના લેખિકા પિન્કી દલાલની કલમે અક્ષરનાદ પર શરૂ થઈ છે એક દિલધડક, રોમાંચક અને દરેક પ્રકરણે અનોખી ઉત્કંઠા જગાવતી નવલકથા ‘વેર વિરાસત’ અંતિમ પ્રકરણ સુધીના બધાં જ હપ્તા જેમ પ્રસ્તુત થતા જશે તેમ આપ વિશેષ સંગ્રહ પાના પર અહીં ક્લિક કરીને વાંચી શક્શો. અક્ષરનાદને આ નવલકથા સાથે સંકળાવાનો અવસર આપવા બદલ પિન્કીબેનનો આભાર તથા શુભકામનાઓ.
Nice story waiting for next part
When next part will come ???… I am eagerly waiting for it…. I come to aksharnad only because of your story ..
Release next part soooonnnn
યેસ્ હુ પન આતુર્તાથિ રાહ જોવ ચુ