મારી બે ગઝલરચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ 5


૧.

અક્ષરોમાં દર્દની જે આહ છે, એ તું જ છે,
આંસુઓને આગમનની રાહ છે, એ તું જ છે.

મહેફિલોમાં કૈં અજાણ્યા શખ્સ છો મળતા રહ્યાં
બસ હવે જે એક બાકી ચાહ છે, એ તું જ છે.

ચાર આંખો, ચાર વાતો, ને મિલનનો વાયદો
જે સબબથી આંખ આજે સ્યાહ છે એ તું જ છે.

દુ:ખ નથી કે આયખું આખું તને ઝંખ્યા કરી,
ઝંખનાની ભીતરે જે દાહ છે, એ તું જ છે.

કલમ જાણે કે અજાણે, હું ગઝલ મારી બન્યો
એ ગઝલના શે’રમાં જે વાહ છે, એ તું જ છે.

ચાલ યાદોના જગતમાં જીઁદગીને જીવીએ
આખરી શ્વાસોના બિસ્મિલ્લાહ, છે એ તું જ છે.

ઓળખે એ ક્યાં બધાંને, એમને બંદા હજારો,
બંદગી મારી અને અલ્લાહ છે, એ તું જ છે.

૨.

કોણ કોને શું કહે, એ વાતને શું જાણવી?
આપણી કે પારકી આ જાતને શું નાણવી?

શ્વાસ કોનો, મોહ કોનો, ડરને શાથી પાળવો?
ખુદની નાલેશીની ઘટના, આપણે શું માણવી?

આખરી ક્ષણ છે ખલાસી, દમ લગાવો જોરથી,
સોડમાં શાની નિરાશા, બીકને શું તાણવી.

હોંશથી લઈ તણખું ચકલી બારસાખે ચહેકી છે,
ઘરમાં ઘરની શક્યતાને આજ શું પિછાણવી?

ખુદને ખુદથી મેળવો એ ક્ષણ ભલે થીજી જતી,
ચાર દિ’ની જિંદગીને જન્મથી શું તાણવી?

– જીજ્ઞેશ અધ્યારૂ

લાંબા સમય પછી આજે મારી બે ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી રહ્યો છું. પ્રથમ રચના વિયોગમાં કે મોહભંગમાં ઝૂરતા એક પ્રેમીની સ્થિતિ બતાવે છે તો બીજી રચના જીવનના અનેક વળાંકો, અનેક ઘટનાઓ પર પ્રશ્નાર્થ મૂકે છે. સર્જન હમણાં ખૂબ ઘટી ગયું છે એવા અહેસાસ છતાં ગત અઠવાડીયે પૂર્ણ થયેલી આ બે ગઝલ રચનાઓ આપને ગમશે એવી આશા છે.


Leave a comment

Your email address will not be published. Required fields are marked *

 

5 thoughts on “મારી બે ગઝલરચનાઓ.. – જીજ્ઞેશ અધ્યારૂ

  • P.K.Davda

    જીગ્નેશભાઈ, બન્ને ગઝલ સરસ છે. ગઝલની ગઝલિયત પૂરેપૂરી માણવા મળી. પહેલી ગઝલમાં ગમની સાથે શબ્દોમાં દમ છે, તો બીજી ગઝલમાં મુશ્કેલીઓ સામે ઝઝુમવાની આરજૂ છે, અપીલ છે. તમે આટલી સરસ ગઝલ લખો છો એની મને આ અગાઉ ખબર ન હતી. ચાલો હવે શકૂર સરવૈયા અને મહેશ રાવલ સાથે ત્રીજા મિત્ર ગઝલકાર પણ મળી ગયા.