રમૂજી ટુચકાઓ… – સંકલિત 8


સાહિત્યના શોખીન ડૉક્ટર હોસ્પિટલના રાઉન્ડમાં નીકળ્યા ત્યારે એક દર્દીને પૂછ્યું, ‘રાત્રે નિંદ્રાદેવી આવ્યાં હતા ?’
દર્દીએ યાદ કરીને કહ્યું, ‘ખબર નહીં સાહેબ, હું તો ઊંઘી ગયો હતો…!’

* *

શિક્ષક : બોલો બાળકો, ચીનની દીવાલની ગણના સાત અજાયબીઓમાં કેમ થાય છે ?
મગન : સાહેબ, કારણ કે એ એક જ એવી ચાઈનીઝ પ્રોડક્ટ છે, જે આટલા લાંબા સમય સુધી ટકી રહી છે.

* *

‘કહું છું, સાંભળો છો ? આજે બિરયાની બનાવું કે વઘારેલો ભાત ?’
‘તું પહેલાં બનાવ, આપણે નામ પછી આપીશું…!’

* *

નવા બંગલાની સજાવટ ચાલી રહી હતી.
ગેસ્ટરૂમની દીવાલ પર લગાવવા ચંદુ એક સુંદર પોસ્ટર લઈ આવ્યો,
લખ્યું હતું – જગતમાં પોતાના ઘર જેવું ઉત્તમ કોઈ સ્થળ નથી.

* *

સત્સંગમાંથી આવતાંવેંત સંતાએ પત્નીને તેડી લીધી.
પત્ની : કેમ આજે ગુરુમહારાજે રોમેન્સના પાઠ ભણાવ્યા છે ?
સંતા : ના રે ના, આજે ગુરુમહારાજે કહ્યું કે પોતાના દુઃખને પોતે જ ઉપાડવું… એટલે…

* *

‘ચાલીસ રૂપિયા ને સાત પૈસા ? આવી કેવી કિંમત રાખી આ પુસ્તકની ? ચાલીસ રૂપિયા જ રાખવા હતા ને ?’
‘હા, બરાબર, પણ પછી લેખકને શું મળે ?’

* *

‘અરે ! આટલું બધું કામ પડ્યું છે ને તમે આરામથી ઊંઘો છો, મિસ્ટર !’
‘સાહેબ, તમે જ કહ્યું હતું ને કાલનું કામ આજે કરો. કાલે રવિવાર છે એટલે આજે આરામ કરું છું !!’

* *

શિક્ષક : બોલો બાળકો, મેદાનમાં રમતાં રમતાં તમે જો ત્યાં કોઈ બોમ્બ પડેલો જુઓ તો શું કરશો ?
મન્નુ : સર, થોડી વાર તેને ત્યાં રહેવા દઈ દૂર રહીને જોઈશું ને કોઈનો હોય અને તે લેવા આવે છે તે લઈ જવા દઈશું, પણ કોઈ ન આવે તો પછી લઈને સ્ટાફરૂમમાં મૂકી દઈશું…..!!

* *

છગ્ન : બા, તમને વૉટ્‍સઅપ એટલે શું એની ખબર છે ?
બા : હા, ખબર છે ને ! અમે જે પંચાત ઓટલે બેસીને કરીએ તે તમે ખાટલે બેસીને કરો.. એ વૉટ્સઅપ…!

* *

શંકર પાર્વતી કમ્પ્યૂટર કેમ ન શીખી શક્યા ?
કારણ કે ગણેશ ‘માઉસ’ લઈને નાસી ગયા.

* *

પતિએ પત્નીને તમાચો માર્યો. પત્ની કાળઝાળ થઈ ઊઠી. પતિએ એને સમજાવી, ‘માણસ કોને મારે ? જેને એ પ્રેમ કરતો હોય તેને જ મારે ને ?’
પત્નીએ ડાબા હાથની બે ઝીંકી દીધી : તમે શું સમજો છો ? હું શું તમને ઓછો પ્રેમ કરું છું ?

* *

એક ગ્રાહક એક પાંજરાવાળાની દુકાને ગયો અને કહ્યું : ભાઈ, એક સારું પાંજરું કાઢી આપોને !
દુકાનદાર કહે : ઊભા રહો, આ ઘરાકને બતાવીને પછી તમને પણ બતાવું.
પરંતુ ઘરાક લપલપિયો હતો. એ બહુ ચીકાશ કરે. આખરે પેલા ભાઈ કંટાળ્યા. તેમણે દુકાનદારને કહ્યું : અરે દુકાનદાર ! તમે જલદી કરો ને; મારે દસની બસ પકડવી છે.
દુકાનદારે કહી નાખ્યું : માફ કરજો, ભાઈ ! બસ પકડાય તેવું મોટું પાંજરું મારી પાસે નથી.

* *

ટીચર (રામુને) : શું તું બે જીવિત પ્રાણીના નામ જણાવી શકે છે જેના દાંત નથી ?
રામુ : હા, મારા દાદાજી અને દાદીમા.

* *

શેઠ : (નોકરને) કાલે બગીચામાં પાણી કેમ ન નાખ્યું ?
નોકર : કાલે વરસાદ પડતો હતો એટલે શેઠ બગીચામાં પાણી નાખ્યું નહીં.
શેઠ : તો તારે છત્રી લઈને બગીચામાં જવું હતું, ફરજ બજાવતા શીખ.

* *

ઘરની બહાર નનામી રાખવામાં આવેલી. મૃતદેહનો ચહેરો ફૂલહારથી ઢંકાયેલો હોવાને કારણે સ્પષ્ટ દેખાઈ નહતો રહ્યો. ત્યાંથી પસાર થતા એક ભાઈએ નનામી પાસે ઊભેલા માધવને પૂછ્યું : કોણ ગુજરી ગયું ?
માધવે ભોળા ભાવે કહ્યું : આ જે નનામી પર સૂતા છે એ.

* *

વિજ્ઞાન શિક્ષક : બોલો બાળકો, કાગળથી કશું ગરમ થઈ શકે ? તમે ન સળગાવો તો પણ ?
રાકેશ : હા, મારા પરિણામપત્રકથી મારા પપ્પા એટલા ગરમ થઈ જાય છે કે ખાલી ધુમાડા નીકળવાના જ બાકી રહે છે.

* *

‘બેંકવાળા કેશિયરની શોધમાં છે.’
‘કેમ ગયા મહિને તો એમણે કેશિયર રાખ્યો હતો.’
‘હા, એની જ શોધમાં છે.’

* *

શેઠ : (નવા કર્મચારીને) તમને જ્યારે નોકરી પર લીધા ત્યારે તો એમ કહેતા હતા કે તમને ક્યારે પણ થાક લાગતો નથી અને આજે હું તમને ત્રીજીવાર ટેબલ પર સૂતા જોઈ રહ્યો છું.
નવો કર્મચારી : સાહેબ, આમ ટેબલ પર સૂવાને લીધે જ મને થાક લાગતો નથી.

* *

બાલ-સંગીતકારોનું એક સંમેલન મળ્યું હતું. એમાં એક બહેનને એક ગીત ગાવાનું હતું. પરંતુ એમને ઘણી શરદી થયેલી એટલે એમને ગાતી વેળા જરાક તકલીફ થતી હતી.
એમણે ગાવા માંડ્યું : ‘આશાપંખીને બેસાડી ઊંચી ઊંચી ડાળે… આ…ક…છી…!’
એમણે બીજી વાર ગાયું, ‘આશાપંખીને બેસાડી ઊંચી ઊંચી ડાળે… આ… આ… હ…!’
એમણે પછી ત્રણ વાર એ લીટી ગાવાની કોશિશ કરી અને દરેક વેળા નાકની કે ગળાની તકલીફ નડી.
એટલે છેલ્લી હારમાં બેઠેલો મનિયો પોકારી ઊઠ્યો : ‘આટલી બધી તકલીફ પડતી હોય તો આશાપંખીને જરાક નીચી ડાળે બેસાડો ને !’

* *

ન્યાયાધીશ : તેં પણ ગજબ કર્યો છે. લાયસંસ લીધા પછી આ પાંચમા માણસની સાથે તેં મારું વાહન અથડાવ્યું છે.
ડ્રાઈવર : માફ કરજો નામદાર, એ પાંચમો નથી પણ ચોથો છે. કારણ કે એમાંના એકને તો મેં બે વાર પછાડેલો.

* *

શિક્ષક : મનુ, જે વ્યક્તિનો જન્મ ૧૯૮૦માં થયો હોય તેની ઉંમર હાલમાં શું હશે ?
મનુ : સર,પહેલાં કહો કે તે વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ ?

* *

ઉમેદવાર : શેઠ, મને તમારે ત્યાં નોકરીએ રાખશો ?
શેઠ : ના ભાઈ, મને બધું જ કામ જાતે કરી લેવાની ટેવ છે.
ઉમેદવાર : એટલે તો હું તમારે ત્યાં નોકરી કરવાનું પસંદ કરું છું.

* *

ન્યાયાધીશ : (ટ્રક ડ્રાઈવરને) તમે ટ્રકવાળા હતા, તો પછી તમારી પાછળના ટેક્સી ડ્રાઈવરને હાથ કેમ ન બતાવ્યો ?
ટ્રક ડ્રાઈવર : હાથ શું બતાવાય કપાળ ! મારો આવડો મોટો ખટારો ન દેખાયો એને મારો હાથ શું દેખાવાનો હતો.

* *

ટીચર : ‘નેપોલિયનની ડિક્શનરીમાં ‘અશક્ય’ જેવો શબ્દ જ નહોતો.
મીત : સર, નેપોલિયને ડિક્શનરી બરાબર તપાસીને ખરીદવી જોઈએ ને !

* *

‘એના કહેવાથી તેં સિગારેટ છોડી ?’ ‘હા.’
‘અને દારૂ પણ ?’ ‘હા.’
‘જુગારની ક્લબમાં જવાનું બંધ કર્યું એ પણ એના કહેવાથી ?’ ‘હા, હા.’
‘તો પછી તું એની સાથે પરણ્યો કેમ નહીં ?’
‘સુધરી ગયા પછી લાગ્યું કે મને એના કરતાં વધારે સારી છોકરી મળી શકે એમ છે.’

* *

‘કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો?’ એ એક જ પ્રશ્નના કેટકેટલા રમૂજી જવાબો વોટ્સએપ અને ફેસબુક પર ફરી રહ્યા છે? ટુચકાઓ ક્યારેક મલકાવી જાય છે તો ક્યારેક ખડખડાટ હસાવી જાય છે. સોનિયાબેન ઠક્કર દ્વારા આજે અહીં સંકલિત અને પ્રસ્તુત થયેલા ટુચકાઓ જનકલ્યાણ, સહજ બાલઆનંદ, પુસ્તકાલય, તથાગત જેવા સામયિકોમાંથી લીધા છે. સહજ હાસ્ય અને નિર્ભેળ આનંદ પીરસતા આ હાસ્યપતંગો આપને ગમશે એવી આશા છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “રમૂજી ટુચકાઓ… – સંકલિત