૧.
આભે જ્યાં ઉચ્ચારી વાણી,
ધરતી થઈ ગઈ પાણી પાણી!
ચાર હતી રાજાને રાણી,
સૌને થાવું’તું પટરાણી.
ચારેબાજુ જોઈ પાણી,
તરસ બિચારી બહુ મૂંઝાણી.
લાડ કરે બેસાડી ખભ્ભે,
જાણે લતા હો તરુની ભાણી.
હુકમ થયો છે ભરવાનો ને,
ડોલ મળી છે સાવ જ કાણી.
એકાદો જ્યાં શે’ર લખાયો,
લાગ્યું થઈ ગઈ આજ કમાણી!
સિંહાસને જ્યાં ખાંસી ખાધી,
ક્યાંની ક્યાં એ વાત ફેલાણી.
સૌની સામે હસતું રહેવું,
એક પ્રકારે એ ય છે લ્હાણી.
સહેજ કર્યું મેં મન મીઠું ત્યાં,
ફરી કીડીઓ ઊભરાણી!
ઘાટીઓનું મૌન સુણીને,
મેં મૂકી કોરાણે વાણી.
પાછું પંડમાં આવે બચપણ,
બા ફોડે જ્યાં ઘરમાં ધાણી.
વાદળ દે વરસાદી સિક્કા,
કરે કદી ના એ ઊઘરાણી.
૨.
કોઈ એમ કરે છે કોઈ આમ કરે છે
અંતે ઉજળા પોતપોતાના કામ કરે છે.
ડગલે પગલે લોકો ચક્કાજામ કરે છે,
સીધા સાદા રસ્તાને બદનામ કરે છે.
આખાયે જંગલનો ઊતરી જાતો થાક,
ડાળે બેસી પંખી કો’ આરામ કરે છે.
કૈંક કરે તું જુદું, તો આ દુનિયા માને,
આવું ને તેવું તો આખું ગામ કરે છે.
પાર કરે અંધાર ચરમને કરવા દેજે,
એ જ આખરે અજવાળાનું કામ કરે છે.
હોય નહીં એ કોઈ બીજાનું કામ કદી,
ડાબો જમણો હાથ મને બદનામ કરે છે!
૩.
જ્યારે કોઈ ઈંડુ ફૂટે,
માળો આખો છાતી કૂટે.
તું જો ઊભે સહેજ અઢેલી,
શીલાને પણ વાચા ફૂટે.
ફૂલો છે ખરવાની અણી પર,
કોઈ હવે તો આવી ચૂંટે.
એકલતાના ક ખ ગ ને,
ઘરનો ખૂણો કાયમ ઘૂંટે.
એના ચરણે જઈ બેઠો છું,
તેર ભલેને આજે તૂટે.
જન્મારાઓ ખૂટી જાતાં,
તો પણ ના ઈચ્છાઓ ખૂટે.
સ્પર્શ જરા બાળકનો થાતા,
ઠૂંઠામાંથી કૂંપણ ફૂટે!
૪.
જેને પોતાનું ઘર પણ છે,
એ જ માણસ દરબદર પણ છે.
ખાલીખમ છે એની કોઢી,
જેના નામે ખેતર પણ છે.
પૂગવાનું છે સાંજ સુધીમાં,
પગમાં પાછી કળતર પણ છે.
ત્યાં જ આવી નવી મુસીબત,
બે’ક હજુ તો પડતર પણ છે.
ફકીર બેઠો, તો પણ ભૂખ્યો,
એની પાસે મંતર પણ છે!
વચ્ચે કેવાં ફૂલો ખીલ્યાં,
ક્યારી ફરતે પથ્થર પણ છે.
મૌન રહેવું છે આજ નકર,
મારી પાસે ઉત્તર પણ છે.
કાગળ જેવા સંબંધો સૌ,
સૌની પાસે કાતર પણ છે.
– રાકેશ હાંસલિયા
નિશ્ચિત સમયાંતરે હું જેની રાહ જોતો હોઉં, અર્થસભર અને છંદારણમાં ગોઠવાયેલી ગઝલરચનાઓ રાકેશભાઈ હાંસલિયાની સર્જનક્ષમતામાં રસતરબોળ થઈને અને તેમના હસ્તાક્ષરમાં ઉતરીને જ્યારે પણ મળે, અત્યંત આનંદ આપે છે. રાકેશભાઈની ચાર સુંદર ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. વાચકોને પણ તેમની રચનાઓ માણવી ખૂબ ગમે છે એ તેમની ગઝલો પરના પ્રતિભાવો દર વખતે પૂરવાર કરી આપે છે. અક્ષરનાદને આ સુંદર ગઝલો પાઠવવા બદલ રાકેશભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.
રાકેશભાઈ,
મદમસ્ત ગઝલો આપી. આભાર.
અંગુલિનિર્દેશઃ ચોથી ગઝલની ત્રીજી લીટીમાં … ” કોઢી ” ને બદલે ” કોઠી ” હોવું જોઈએ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
જન્મારાઓ……..ખુટે. ઇચ્છાઓ પર લગામ એજ સુખનુ સરનામુ. ઉત્તર હોવા છતા મૌન રહેવુ એજ જીવન જિવવાની કળા…..સુન્દર રચનાઓ
સુન્દર્..રચનાઓ ….
વાહ સુન્દેર રચના
Every Rachana excellent one…ધરતી એ ઉચ્ચારી વાણી… wah maza padi gayee.. anek abhinandan
બહુ જ મસ્ત મસ્ત મસ્ત મસ્ત રાકેશભાઇ
એક એક શબ્દ જાણે વેદનો ભેદ