લગ્ન સંસારનો રોજમેળ નથી… – રમેશભાઈ ચાંપાનેરી 6


ચમનીયો કહે, ‘માન કે ન માન. પણ વિરોધ પક્ષની, મૂડીવાદી વાળી બૂમરાણ ખોટી તો નથી જ! સાલા કાગડા કૂતરાનો કોઈ ભાવ નથી પૂછતું અને સરકાર સિંહની વસ્તી ગણતરી કરવાં નીકળી! શાના માટે ભાઈ? એ જંગલનો અનિલ અંબાણી છે એટલે? અરે જંગલનો રાજા હોય તો એના વનમાં. આને મૂડીવાદ ના કહેવાય તો શું સમાજવાદ કહેવાનો.? શું કૂતરા, કાગડા, કબૂતરા, ને બિલાડાને જીવ નથી? બિચારા રાજા નથી તો શું થયું, “એમ.ઓ.યુ” તો એની સાથે પણ કરવાં જેવાં ઘણાં છે. ક્યારેક ભિખારીઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક ગાંડાઓની વસ્તી ગણતરી કરી છે? ક્યારેક રાજમાં વાંઢાઓની વસ્તી ગણતરી કરી છે? ન જ કરી હોય. કરતી હોય તો કહેવાય કે સરકાર સાલી દિન દુખિયાની પડખે પણ છે! બિચારી રખડતી ગૌ માતાની જેમ કોઈ એનું વિચારતું જ નથી. હવે તમે જ કહો, એ બિચારા ‘મનકી બાત’ કોને કહેવા જવાના? એમના પણ કોઈ ખૌફ તો હોય જ ને? એ ક્યાં કાઢે? તો અમારાં ઉપર કારણ હવે તો એમને પણ ખબર પડી જ ગઈ છે કે, અમે જ મત આપીને આ સરકાર બનાવીએ છીએ!

જેને આટલું જ્ઞાન લાધ્યું હોય એ પછી અમને છોડે? કોલાઓ આઈ મીન પેલાં શીયાળવાઓ આખી રાત સુવા નથી દેતાં. જાણે મહાન સંગીતકારની જેમ રાત થાય ને ગુલતાન બની જાય, ઊંઘવા જ ન દે! જે કબૂતરાઓને શાંતિના દૂત કહીને માથે ચઢાવેલા, એ પણ ખીજાયા છે. ચરકી ચરકીને અમારાં ધાબાના કલર બગાડી નાંખે છે. કાગડાઓ ચતુર એટલે લાગ જોઈને જ લાકડું ફાડે. જોયું કે આ બરમુડો બની ઠનીને લગનમાં જતો લાગે છે. ત્યારે જ કપડાં ઉપર પોતાની ઓળખ ફેંકીને ને આપણા કપડાં બગાડે! એમાં કૂતરા તો આજકાલ એવાં બગડ્યા છે કે અમે ભલે સરકારનું ગળું પકડતાં હોઈએ, પણ એ પાપીઓ અમારા પગની પીંડી જ પકડે. બિલાડાઓ અમારો દૂધપાક બોટીને બગાડે ને ભિખારીઓ તો હદ કરી નાંખે. ભર બપોરે આપણે તાણીને ઊંઘ ખેંચતા હોય ત્યારે જ જાણે કોઈ નામાંકિત કાર્યકર્તા આવ્યો હોય એમ, ‘જયશ્રી રામ’ નો ઘોષનાદ કરે. આગળ જા કહીએ તો કહે, પાછળ વાળાએ જ આગળ મોકલ્યો છે.! તારી ભલી થાય તારી ચમનિયા, કપાળમાં કાંદો ફોડું કે?

કહેવાનો મતલબ, માત્ર સિંહની નહીં, આ બધાની પણ વસ્તી ગણતરી કરવામાં જાય છે શું? એમને પણ એવું ન લાગે કે સરકાર મૂડીવાદીની જ છે. વિચાર તો કરો કયા પક્ષે પેલાં વાંઢાઓના ઉદ્ધાર માટે, શ્વેતપત્ર બહાર પાડ્યું? એમાં કેટલાંક તો બિચારા વરસોથી ‘કેરીડ ફોરવર્ડ’ થાય છે. અમારાં ચમનિયાની જ વાત કરો ને! અડધી સદીથી વાંઢો છે. એણે એના માલિકીના પોતાના દેવ બનાવ્યા, “વેલેન્ટાઈન દેવ!” બિચારો રોજ ‘વેલેન્ટાઈન ચાલીસા’ વાંચે, અને ‘વેલેન્ટાઈન દેવ’ની જ પૂજા કરે, છતાં પચાસ વરસે પણ અડધીયા વગરનો છે. એના આધાર માટે બહુ રજૂઆત કરી ત્યારે સરકારે એને આધાર કાર્ડ આપ્યું. તમે જ કહો, એનાથી સંસાર મંડાય? આજે અડધી સદીથી આધાર કાર્ડ સાથે નિરાધાર છે! બધાં જ પક્ષ એવાં. આપણા રાજમાં વાંઢાઓ કેટલાં છે એની કોઈને ચિંતા જ નથી? સિંહને બદલે આવાઓની વસ્તી ગણતરી કરવી જોઈએ અને તેમના પ્રશ્નો હલ કરવાં જોઈએ તો કહેવાય, સરકાર માત્ર મૂડીવાદીઓની નથી. દશા-વીસી ને ત્રીસી તો બધાને આવે. જ્યારે યુવાની ફાટ ફાટ થતી હતી ત્યારે લોકો આ ચંપકને, ‘ચંપકભાઈ’ કહીને તેનો આદર કરતાં. પછી જોયું કે, ભાઈ પાસે ‘વાઈફ’ નો સ્ટોક તો મુદ્દલે નથી એટલે ચંપકભાઈમાંથી ખાલી ‘ચંપક’ થયો, પછી ચંપકડો થયો, અને અત્યારે બધાં ચંપુ થી જ બોલાવે છે.

ચંપક એટલે ચમનિયાનો દૂરનો ભાઈ થાય. દૂરનો એટલાં માટે કે એ બંનેના જનમ વચ્ચે બીજા સાત થી આઠ ભાઈ બહેનનો સ્ટોક આવેલો છે. બાકીના તો બધાં પોતપોતાની મોસમ પ્રમાણે ઠેકાણે પડી ગયેલા, આઈ મીન પરણી ગયેલા. એમાં ખાલી રહી ગયો આ ચંપુ. કેટલાંક તો એને ઓવરટેઈક કરીને ઠેકાણે પડેલા. રામ જાણે આ ધતૂરાને કોની નજર લાગી કે પાંચ-પાંચ દાયકાનો થયો છતાં કન્યાની વાત તો પછી, હજી એ એની સાસુની શોધમાં છે. બસ ઉઠે-બેસે ને બધાને એક જ સવાલ પૂછે કે, ‘મારામાં ખામી શું છે? સાલું, આ દુનિયામાં મારું કોઈ કદરદાન જ નથી?’ અમે તો એને સમજાવ્યો પણ ખરો કે, ‘લગન લગન શું કરે છે? લગન નથ હોતા તો ગભરાતા કાયકુ? લગન વગરનાઓનું ભવિષ્ય કેટલું ઉજળું છે તેનું કદી વિચાર્યું? અટલ બિહારી બાજપાઈ ભારતના વડાપ્રધાન બનેલા અને ભારત રત્નનો એવોર્ડ પણ મળ્યો. ડૉ. અબ્દુલ કલામ આઝાદ ભારતના રાષ્ટ્રપતિ બનેલા! માયાવતી મુખ્ય પ્રધાન અને સલમાનખાન સુપરસ્ટાર અને હમણાં તો એ જેલમાં જતો જતો પણ બચી ગયો.

મને કહે, “બસ બસ બૂચાઓ! આમાને આમા મારી અડધી સદીનો ખાત્મો બોલી ગયો. હવે તમે શું એવું ઈચ્છો છો કે હું આ જ હાલતમાં સેન્ચુરી મારી દઉં? તમે લોકોએ આવા સુફીયાણા દાખલાઓ આપી આપીને જ મારાં કુંડામાં ગુલાબ વાવવાને બદલે ધંતૂરો વાવ્યો છે. અને થયું એવું કે એ જ વખતે એક ભિખારી રસ્તા ઉપર ગાતો હતો. “ગરીબોંકી સુનો, વો તુમ્હારી સુનેગા. તુમ એક પૈસા દોગે, વો દસ લાખ દેગા! મને કહે, “જો સાંભળ… આ સાંભળીને તો આપણું કંઈ કરો?

જો કે, એની ના નથી કે ચમનિયાએ છોકરીઓ શોધવા પાછળ ટાંટીયા તો બહુ જ તોડ્યા. હું તો કહું છું એ માટે એને શોધખોળનો “કોલંબસ એવોર્ડ” આપવો જોઈએ. લેકિન સુનતા કૌન હૈ? જેવી લગનની સીઝન ફૂટી નીકળે, એટલે ફરી પરણવાનો વાયરસ ફેલાય. ઠરીઠામ થયેલાં હુમલાઓ ફરી ખરજવાની જેમ ઉભરવા માંડે. લગનના જમણવારમાં રીંગણ – બટાકા ને ટામેટાની જે રીતે કત્લેઆમ થાય એમ એના દિલના પણ કટકા-કટકા થવા માંડે! સવારમાં ઊઠીને પ્રભાતિયાં ગાવાને બદલે બિચારો દર્દીલા ગીત ગાય, ‘રોઈ રોઈ કોને હંભળાવું, એવાં દ:ખડા કોની આગળ ગાઉં.” આપણને પણ એમ થાય કે આપણે એના માટે ઝોળી પણ આખરે ફેરવીએ, પણ કંઈ કરવું તો જોઈએ. આપણાથી એની દશા જોવાય નહીં બોસ… દશા જોઈએ તો સોનાને પાયે બેસે તો ચાલશે. રૂપાને પાયે બેસશે તો પણ ચાલશે. અરે લોખંડના પાયે બેસશે તો પણ ચલાવી લેવાય. પણ હે વેલેન્ટાઈન દેવ, કુંવારાના પાયે તો સાત જનમમાં દુશ્મનને પણ દશા ન બેસાડતા! મને કહે, ‘હાર્ટ-અટેક’ તો જેને હાર્ટ હોય એને જ આવે ને? નક્કી મારામાં હાર્ટ જ નથી એટલે જ મને હાર્ટ અટેકનો હુમલો નથી આવતો! તારી ભલી થાય તારી ચમનિયા. હવે તમે જ કહો આ કાંદો, એના કપાળમાં ફોડાય કે એના માથામાં?

મને કહે, હાર્ટ અટેક તો સારો. બલૂન મૂક્યું કે પત્યું! પણ લગનના હુમલા તો બહુ ઝેરી. મને તો હવે એવો ડાઉટ જાય છે કે, મારી સાસુનો જ જનમ નથી થયો. મે દેખાવે ભયંકરમાં ભયંકર જ્યોતિષોને બતાવ્યું કે મારાં હાડકે પીઠી લાગવાની છે કે નહીં? થયું એવું કે જેને બતાવ્યું, એ બધાં આજે નિશાળ ખોલી શકાય, એટલાં છોકરાં લઈને બેસી ગયાં. પણ આ બંદા હજી અણનમ છે! મને કહે, “મંદિર એટલા પૂજ્યા દેવ, તોયે ના ખાધો આપણો મેળ” ગામ પરગામ અને જાત કજાતના મેરેજ બ્યુરોમાં અથડાઈ – અથડાઈને હું તો હવે ત્રાસી ગયો છું. સાલું બધેથી જ ‘સેમ્પલ’ રિજેક્ટ થાય? હવે તો કોઈ પણ મેરેજ બ્યુરોમાં જાઉં તો સામેવાળો સંચાલક એવું પૂછે કે, ‘ વડીલ! મુરતિયો લઈને આવ્યાં છો કે? તારી ભલી થાય તારી ચમનિયા! એને કેમ સમજાવવું કે જે કંઈ છે તે હું જ છું ભાઈ!” ઘણાં તો મને જોઈને જ અંદરો અંદર ગુસપુસ કરવા માંડે, “એઈઈઈ પેલો જૂનો કેસ આવ્યો જો.”

‘બિનુ હરિકૃપા મિલહૂ નહિ સંતા.’ એમ જ્યાં મારાં ભાગ્યમાં જ ભમરડા ફરતાં હોય ત્યાં કોણ આવીને આપણો ડોરબેલ વગાડીને કહેવાનું કે, ‘મે આઈ કમ ઇન સર?’ આપણે પણ સ્વીકારી લેવું પડે બકા કે આના નસીબમાં “અચ્છે દિન” છે જ નહીં. લગન એ કંઈ રોજમેળ થોડો છે કે ગમે તેમ મેળ પાડીને હિસાબનું પડીકું વાળી દેવાય.?

– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “લગ્ન સંસારનો રોજમેળ નથી… – રમેશભાઈ ચાંપાનેરી

  • Natubhai Modha

    રોજમેળતો રોજ ખુલે. ભલે હિસાબ ન લખો, પણ પુરાંત તો જોવી પડે! હવે આ ચમનીયાના રોજમેળની સિલકમાં ક્યાંય પીળુ પાનું, એટલે કે એના હાથ પીળા થાય એવું છે કે નહિ!

  • Hiren dholakia

    એક કુવારા માણસ ની મનોદશા ની ખૂબ જ સુદર રીતે રજૂ કરેલ છે. લેખક ને ખૂબ ખૂબ અભિનંદન.