છેલ્લી બાજી… – સમીરા પત્રાવાલા 13


વહેલી સવારે છાપાં પર નજર કરી. પોલિટિકલ ન્યુઝ આમ તો મને ઉડતી નજરે જ જોવા ગમે છે, પણ આજે કંઈક અલગ જ હતું! મહિલા મોરચા ની વિશેષ કામગીરીએ એક ઉંચી વગનાં બળાત્કારીને સજા અપાવી હતી એના એ સમાચાર હતાં. ઉડતી નજરે પણ મોટા મોટા નામો અને અમુક ફોટાઓ વચ્ચે એક ચહેરા પર નજર અટકી પડી. એ ચહેરા સાથે નામ હતું કોર્પોરેટર “નસીમ શેખ”

મારા માટે આ ચહેરો અજાણ્યો ન્હોતો. નસીમ મારી નજર સામે મોટી થઈ હતી અને આજે મોટા માણસો વચ્ચે ઉઠતા બેઠતા પણ થઈ હતી મારા માટે એ ગર્વની વાત હતી. નસીમ મારી કામવાળી નૂરબેનની સાવકી ઓલાદ હતી. એની માનાં મોત પછી એની માસી જ એની નવી મા બની ગઈ હતી. એના અબ્બા પણ ચપ્પલ સીવી ગુજરાન ચલાવતાં. નસીમ એમની આંખોનો તારો હતી. માનું વર્તન એની હાજરીમાં ખુબ સારું હતું પણ નસીમ એટલી નસીબદાર ન્હોતી. નવી માનાં આવ્યાના થોડા વર્ષોમાં એનાં અબ્બા પણ ગંભીર બિમારીમાં અલ્લાહને પ્યારા થઈ ગયાં, નૂર ખરાબ મા તો ન્હોતી, પણ મા જેવો પ્રેમ આપવામાં નિષ્ફળ જ હતી. ક્યારેક કહેતી ગરીબ માણસ પોતાનું પેટ માંડ પાળી શકે ત્યાં સાવકી ઓલાદ ને ક્યાં નિભાવે?!! આ તો નસીબ ફૂટલા અમારા કે ગરીબીને લીધે બીજવર મળ્યો. ગરીબીએ એને કર્કશા બનાવી દીધી હતી. પણ નસીમ એની જ દુનિયામાં રહેતી.

નૂર ને પોતાને બે દીકરાઓ હતાં. મોટો દીકરો નસીમથી ઉમરમાં પાંચ વરસ નાનો હતો. ગરીબીને લીધે નૂરે નસીમને પણ બાળપણથી કામે લગાડેલી. મા દીકરી કામ કરતાં અને બે છોકરાઓ ભણતાં. નસીમ એની મા સાથે મારા ઘરે આવતી પણ એનું ધ્યાન આસપાસની દરેક વસ્તુઓ પર રહેતું. એને નવી નવી વસ્તુઓ જાણવાનો, નવું શીખવાનો ખૂબ જ શોખ હતો. આસપડોસનાં પણ કામ કરી દેતી. લેવા મૂકવાનું તો એમ જ કરી નાખતી અને સૌને ખુશ રાખતી. થોડું ઘણું વાંચતા આવડતું તો ક્યારેક જૂની ચોપડીઓ, પસ્તી પણ વાંચવા લઈ જતી. અને જાણવા જેવું પૂછતી પણ! એ ગમે તે પરિસ્થિતિમાં ખુશ જ દેખાતી. નૂર એને કંઈ ન બોલતી. એક્વાર નસીમ ક્માઈને લાવવા લાગી એટલે નૂર ની નજરમાં જાણે ઉઠી ગઈ હતી. એકવાર નસીમે એમ જ પૂ્છી લીધું, “દીદી હું તો ભણી નથી પણ મારે મોટું મા’ણા બનવું સે હોં. તમે મને થોડું ભણાવશો. ટુશનનાં પૈસાનાં બદલે હું કામ કરી દઈશ તમને.”

નસીમનો ખંત જોઈ મેં એને એમ જ ભણાવવાનું શરુ કર્યું. ક્યારેક ઘરનાં નાના મોટા કામ જ કરી દેતી. ક્યારેક ના પાડો તો પણ માથું દબાવી દેતી… તેલ મસાજ કરી દેતી. એક વાર હું વ્હાલથી બોલી ઉઠી, “વાહ નસીમ! તારા તો હાથમાં જાદુ જ છે. તારે તો પ્રોફેશનલ મસાજ શરુ કરવું જોઈએ.” બસ! એના ઉત્સાહી જીવે આ વાત પકડી લીધી. નસીમે મસાજ લેવાનાં શરુ કર્યા અને એમાં આગળ વધતી ગઈ. એને અંગ્રેજી બોલવાનો અજબ લગાવ હતો. કોઈ કહે તો કેહતી કે “હું ‘પોફેસનલ મસાઝર’ છું.” એની મહેનત રંગ લાવતી જોઈ અનેરો આનંદ આવતો. સમય વીતતો ગયો, એના ભાઈઓ મોટા થતાં જતા હતાં, મા વૃદ્ધ અને નસીમ જવાબદાર! જવાની આંગણે ઉભી હતી પણ નસીમ એનાથી ક્યાંય બેખબર ઘરનો કમાતો પુરુષ બની બેઠી હતી. પહેલા ઘર-ઘરનાં કપડાં ધોતી, વાસણ માંજતી, રસોઈ કરતી, એ છોડીને પછી મસાજ કરતી, મ્હેંદી લગાવતી, બ્યુટી પાર્લરમાં કામે લાગી તો થોડું પાર્લરનું પણ શીખી હતી. આ બધામાં ભણતર ક્યાંય ભૂલાઈ ગયું હતું. પણ એ અલગ અલગ લોકોને મળતી અને દરેક પાસેથી કંઈકને કંઈક શીખતી. અનુભવ એની શાળા હતી અને એને મળનાર એના શિક્ષકો!. લોકો એના ખંતને નવાઝતાં અને આમ એ સામાન્ય લોકોથી અલગ જ હતી. ૧૭ વરસની નસીમ એક વખત આમ જ મળી ગઈ રસ્તામાં. “કેમ નસીમ કેમ ચાલે છે તારી પાર્લરની નોકરી?” મેં પૂછેલું.

“દીદી, નોકરી તો સારી ચાલે છે. હવે કપડાં વેચવાનું ચાલું કરીશ. એક કાકીનો બિજ્નેશ છે એમાં મદદ કરીશ. દુવા કરજો… મારે ભાઈઓનાં ખર્ચા વધે સે ને પાછા.”

હું બોલી ઉઠી હતી, “તને આગળ વધતા કોણ રોકી શકે ભલા?”

પણ મારો હરખ બહુ ન ટક્યો. એક દિવસ કુતુહલવશ એની મા નાં ઘરે જઈ ચડી અને ખબર મળ્યાં નસીમનાં નિકાહ થઈ ગયાં હતાં. મને એ નિકાહ પણ ન લાગ્યાં. ઉંચા શહેરો નાં નઠારા – બગડેલાં છોકરાંઓને કોઈ બિરાદરીમાં છોકરીઓ ન દે તો એ અજાણ્યાં ગામ – શહેરોમાંથી દહેજ ન લાવી શકનાર ગરીબ છોકરીઓને પૈસા આપી વરે છે. આવું જ નસીમ સાથે થયું હતું. એની મા પર ઘૃણા જનમતી હતી મને… જે ઘરનો અને નાના ભાઈઓનો બોજ ઉઠાવતી હોય એનો દહેજનો બોજ હોય ખરો? એ યુ.પી.નાં કોઈ બુટુઆ ગામ જતી રહી હતી. મનમાં ને મનમાં મેં હમેંશા માટે એને અલવિદા કહી દીધી.

વર્ષો વીતી ગયા… અને આજે એ જ ચેહરો નામચીન બની ગયો હતો! એને આ સ્થાને જોઈને મને જરા પણ નવાઈ નહોતી લાગી છતાં મારું મન એની યશગાથા સંભળવા આતુર હતું. મોકો પણ મળ્યો મને. એક વખત એનો ભાઈ મળી ગયો. એ તો હવે કોઈ સારી જગ્યાએ નોકરી કરતો હતો. મેં એને નસીમનાં ખબર પૂછ્યા. એ લોકો હવે એની ઝૂંપડી છોડી વિકસિત વિસ્તારમાં આરામથી રહેતાં હતાં. મને એમાં રસ ન્હોતો, મેં એની પાસેથી નસીમનો નંબર માંગી લીધો. પણ ફોન ના કર્યો એ વિચારીને કે હવે એ બહુ વ્યસ્ત હશે રાજકારણમાં અને કદાચ ન ઓળખે તો?

એક દિવસ સરકારી કામે મ્યુનિસિપાલીટી ઓફિસ જવાનું થયું ત્યાં એ મળી ગઈ… દૂરથી ભાગતી આવી મારી પાસે “દીદી, કેટલા વરસે તમને જોયા? મને ઓળખી કે?”

મારી સામે શિષ્ટ ભાષામાં બોલતી એક માભાદાર વ્યકિત ઊભી હતી. “હા કેમ નહીં? બહુ મન હતું તને મળવાનુ નસીમ. પણ તું તો લગ્ન કરી યુ.પી. જતી રહી હતીને?”

“હા, દીદી! પણ પાછી આવી ગઈ…” હસતાં હસતાં બોલી. ચાલો ઘરે કોફી પીવા જઈએ. પાસે જ છે મારું ઘર.

“પણ મારે તો કામ પતાવવાંનું છે”

“અરે દીદી આ તમારું કામ તો એક મિનિટમાં પત્યું સમજો. હું શાને છું ?”

એ ઓફિસમાં અધિકારી પાસે ગઈ અને જરુરી કાગળિયાં આપ્યાં અને વિગતે વાત સમજાવી દીધી. મારા બે-ત્રણ ધક્કા અને બહુ બધો સમય બચાવી લીધો. એની વગનો મને અંદાજ આવી રહ્યો હતો. છેવટે એ મને એની ગાડીમાં બેસાડી એના ઘરે લઈ ગઈ. હું એની મને ઘર બતાવવાની હોંશ સમજી ગઈ. એક સારા એવાં મધ્યમવર્ગી વિસ્તારમાં એનું ઘર હતું. ટીવી, ફ્રિજ, એ સી અને જરુરી સવલતોથી ભરપૂર! ઘર માં આવતાં જ એક બાઈ આવી મારી સરભરા કરવા લાગી.

“દીદી, મારા લગ્ન પછી આપણે પેલ્લી વાર મળ્યાં ને?”

“હા…!” મેં ઘરમાં ચારેબાજુ નજર ફેરવતાં કહ્યું… “પણ તારો પતિ અને પરિવાર ક્યાં છે અને કેટલાં બાળકો છે તારે?”

“એમાંનું કોઈ નથી મારે ! હા બાળક છે….એક દીકરી છે. એડોપ્ટ કરેલી. પરી નામ છે એનું! “ એની ભાષા સુધરી હતી હવે.

“પતિએ તો મારા જીવનનો રસ્તો જ બદલી દીધો. અહીંથી ગઈ ત્યારે તો એકની જ પત્નિ બનીને ગઈ હતી પણ સાસરિયે….” એ થોડી અચકાઈ… “ત્યાં એમનાં ઘરનાં બીજા બે પુરુષો સાથે પણ પત્નિધર્મ નિભાવવાનો હતો મારે. આખરે મારા પૈસા આપ્યાં હતાં! પણ હું તો ગરીબી અને તકલીફોમાં જ ઉછરી હતી, સંઘર્ષ ત્યાં પણ સાથે આવ્યો. હું એમને નમી નહીઁ અને ત્યાંથી મોકો મળતાં જ ગામની બહાર ભાગી ગઈ. ત્યાંથી ઘરવાળાને જાણ કરી તો બદનામીના ડરે નાતો જ તોડી નાંખ્યો. અજાણી જગ્યાએ થોડો આશરો મેળવી ફરીથી કામ શરુ કર્યુ, એ જ માલિશનું!” એણે હાશકારો અનુભવ્યો. હું એને અચરજથી સાંભળતી હતી.

“દીદી, હંમેશાની જેમ છેલ્લી બાજી મને મળી! એક ખાટલાવશ રિટાયર શિક્ષિકાને સંભાળવાનું કામ મળ્યું. એમણે દીકરીની જેમ મને મારી પીડામાંથી બહાર આવવા હિંમત આપી. સાસરિયાંઓને મહિલા મોરચાંની મદદથી જેલ ભેગા કર્યા. પડોશમાં વેચાયેલી ૭ વરસની છોકરીને પણ બહાર કાઢી અને દત્તક લીધી. ત્યારથી જીવનને સૌની સેવામાં સમર્પિત કર્યું. એ ગામમાં હવે કોઈ દીકરી વેચાતી નથી. અમારી મહિલા ઝુંબેશમાં મોખરે રહી ને એકવાર સરપંચ બની. પણ વતન પાછું આવવું હતું… માથી હિસાબ હજી બાકી હતો.”

એનો અવાજ ગુસ્સો, જુસ્સો અને ઉદાસી જેવા કંઈ કેટલા ભાવો સાથે બદલાતો રહી હવે ઠંડો પડ્યો હતો. “મા તો પગની બિમારીમાં પથારીવશ થઈ ગઈ હતી. મજબૂર પરિવાર ને હવે બદનામી ન્હોતી નડતી. મારા આવતાં એમને હિંમત આવી. નાનાં ભાઈની જ્વાબદારી માથે આવતાં મોટો ભાઈ ગેરેજ જવા લાગ્યો હતો. શું કરું મારા સિવાય એમનું કોણ હતું. મેં એમને માફ કરી દીધા. મેં એને ફરી ભણાવી, મારી વગથી સરકારી નોકરી અપાવી. લગ્ન કરાવ્યા અને નાનો એન્જિંનિયરીંગમાં ભણે છે. મેં પણ શહેરમાં વસવા વિચારીને અહીં મહિલા મોરચો સંભાળ્યો. હવે સ્થાનિક સરકારમાં કોર્પોરેટર છું. અને કાપડનો ધંધો અને ગ્રુહઉદ્યોગથી પણ કમાઉ છું. બસ હવે પરીને ખૂબ જ ભણાવવી છે. અને…..”

“અને મને ખબર છે નસીમ! આ છેલ્લી બાજી પણ તું જ જીતશે.” હુ વચ્ચેથી જ બોલી ઉઠી. હસતાં હસતાં એની આંખો ભીની થઈ ગઈ હતી. થોડી વાતો કરી મેં વિદાય લીધી…

ઘર જતાં મને એનું બાળપણ, એની જવાની, એની ખુમારી અને આકાશને આંબવાની આકાંક્ષા તાદ્રશ થતી હતી. એ ત્યારે પણ એવી જ હતી અને આજે તો એ કંઈ કેટલીયે મજબૂત બની હતી. એનાંમાં લડવાની અને માફ કરવાની – બંન્ને શક્તિ હતી.

મને ફરી યાદ આવ્યું, બાળપણમાં જ્યારે એ મારી પાસેથી ચેસ રમવાં શીખતી હતી, શરૂમાં હમેશા હારતી.. પછી જ્યાં સુધી જીતતી નહિં ત્યાં સુધી રમતી.,, રમતનાં અંતે બોલતી જરૂર.. “દીદી! છેલ્લી બાજી તો હંમેશા હું જ જીતીશ.”

– સમીરા પત્રાવાલા


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

13 thoughts on “છેલ્લી બાજી… – સમીરા પત્રાવાલા