જગતજનની પંથે… (અંબાજી) – દિનેશ જગાણી 11


છેલ્લા કેટલાય દિવસથી મન અંબાજી જવા માટે ઉતાવળું થયું હતું, ખાસ તો અંબાજી જતા માર્ગને નિહાળવા માટે. આમતો હું રહું છું ત્યાંથી અંબાજી માત્ર ૬૦ કી.મી.દુર હોઈ ગમે ત્યારે જઈ આવી શકાય. પણ જવાનું પાછું ઠેલાતું રહ્યું. બે દિવસ પહેલાતો નક્કી કરી લીધું કે આ શની-રવીની રજામાં જવુ જ છે પણ પાછો ચૈત્રની દઝાડતી ગરમીનો-બપોરનો વિચાર આવી ગયો. એમાંય ડુંગરાળ વિસ્તારમાં તો પથરા તપવાથી બફારો બહુ થવાનો. જો કે મારી મનની વાત માતાજી સુધી પહોચી ગઈ હોય એમ આગલા દિવસે માવઠું થયું. ચૈત્ર મહિનામાં વરસાદ! આખું વાતાવરણ બદલાઈ ગયું! ચોમાસા જેવો ગમતો માહોલ! ઠંડક પણ સારી એવી થઇ ગઈ.

પાલનપુરથી અંબાજી તરફ જતા માર્ગ પર બસ દોડી રહી છે. આમ તો આ એક સામાન્ય સ્ટેટ હાઇવે છે પણ મારા જેવા લાખો શ્રદ્ધાળુઓ માટે જગતજનની પથ. ભાદરવા મહિનાના પૂનમના દિવસોમાં તો આ માર્ગ પગપાળા યાત્રાળુઓથી છલકાઈ ગયો હોય. જ્યાં જુઓ ત્યાં ‘બોલ માડી અંબે, જય જય અંબે’ જયઘોષ સંભળાતા હોય. એ દ્રશ્ય જોયું હોય એને તો અત્યારે આ માર્ગ સુમસામ ભાસે.

બસમાં સૌથી છેલ્લી સળંગ સીટ પર બેઠો છું. બંને તરફ આખી ખુલ્લી બારીઓ. વળી બસની પાછળના કાચમાંથી પણ સરસ ‘વ્યુ’ મળે. પડી ગયેલા વરસાદના ભેજ વાળો ઠંડો વાયરો મોઢા પર અથડાય છે. મારી આગળની સીટમાં એક નવપરણિત જોડું બેઠું છે. બંને સીધા કોલેજમાંથી આવ્યા હોય એવા મુગ્ધ જણાય છે. પરણ્યા પછી પહેલી વાર અંબાજી જતા હોય એમ લાગે છે. હવે યુવતીએ પેલા યુવકના ખભે માથું ઢાળી દીધું છે. મધુર દામ્પત્યના સપના !

જમણી તરફની બારીમાંથી એક નાનો એકાકી પર્વત દેખાયો. અરે આ તો થુર (કે થુવર?) ગામનો પર્વત. એ પર્વતની તળેટીમાં થુર ગામ વસ્યું છે. મુખ્ય હાઇવેથી ૪૦૦ – ૫૦૦ મીટર દુર. ત્યાંથી એક સીધો રસ્તો આવી કાટખૂણે હાઇવે સાથે મળે છે. મારા ગામથી અંબાજી જવું હોય ત્યારે આ રસ્તે અવાય. હું અને મારા મિત્રો પાંચેક વાર આ રસ્તે અંબાજી ચાલતા ગયા છીએ. છેલ્લે ચાલતાં ગયાને કદાચ ત્રણ-ચાર વર્ષ થયા હશે.

અંબાજી ચાલતા જવાનું બચપણ થી આકર્ષણ. મારા ગામમાં કાળકા માતાના મંદિરે પદ યાત્રીઓ માટેનો કેમ્પ થાય. ભાદરવી પૂનમ પહેલાના એ દિવસોનું મહત્વ મારા માટે કોઈ મોટા ઉત્સવથી સહેજ પણ ઓછું નહિ. શાળામાં પણ મન લાગે નહિ, નજરતો સતત બારી બહાર મંડાયેલી હોય. શાળાથી ‘છૂટ્યા’ બાદ દફતર છુટું ફગાવી સીધા માતાના મંદિરે. અમે નાના એટલે ફક્ત પાણી આપવાનું કામ મળે. એમાંય ખુશ.

સિદ્ધપુર અને આસપાસના વિસ્તારના યાત્રિકો અહીથી પસાર થાય. પ્રથમ વાર ગામ બહારની દુનિયાની ઝલક અહી જોવા મળી, ખાસ કરીને શહેરી લોકો અને એમની સંસ્કૃતિ. હું મુગ્ધ ભાવે પસાર થતા લોકોને જોયા કરતો. કોઈ સ્મિત કે ચોકલેટ આપે એ દિવસ તો યાદગાર બની જતો. કેટલાક ચહેરા દિવસો સુધી યાદ રહી જતા. મોડી રાતે ચાંદનીના પ્રકાશમાં ચાલતા જતા એ લોકોને જોઈ મારું મન પણ અંબાજી તરફ જતા-હજુ ન જોયેલા રસ્તાઓ પર ભટકતું રહેતું. ઘણી વાર એ લોકો સાથે ચાલતાં થઇ જવાનું મન પણ થઇ જતું. હું મારા મોટા થવાની રાહ જોયા કરતો! અને એ દિવસ પણ આવી ગયો! પ્રથમ વાર ચાલતાં જવાનો રોમાંચ! પછી તો પાંચેક વાર ચાલતો ગયો છું. દર વખતે જુદા જ અનુભવ મળ્યા છે.

થુર ગામથી આવતો રસ્તો જ્યાં હાઇવે ને મળે ત્યાં બરાબર સંગમ સ્થાને એક બોરડીનું ઝાડ હતું. એક વાર લોંગ ડ્રાઈવ પર હું અને એક દોસ્ત અહીંથી નીકળેલા ત્યારે બોરથી ખિસ્સા ભરેલા! અત્યારે એ પસાર થયા પછી યાદ આવ્યું. હવે હું જમણી તરફની બારીએ સરકું છું. મુમનવાસ ગામના પર્વતો શરુ થઇ ગયા છે. પ્રથમ પર્વત તો રસ્તાથી ખુબ નજદીક લાગે. બસમાંથી ઉતરી હમણાં જ ત્યાં પહોચી જવાશે! પ્રથમ વાર અંબાજી ચાલતા ગયો ત્યારે કરનાળા ગામથી હાઇવેને મળતા ખેતરાઉ રસ્તા (-શોર્ટકટ) પરથી સુદ ૧૨ ની ચાંદની રાતે જોયેલું આ પર્વતોનું દ્રશ્ય મુગ્ધ કરી દેનારું હતું. એમાંય પર્વત પર સળગતા તાપણાનું દ્રશ્ય! એ વખતે મારા સહયાત્રી કમ ગાઈડ અને મારા પિતરાઈ (જેઓ એ વખતે વ્યવસાય અર્થે કરનાળા ગામમાં રહેતા હતા) ભરતભાઈએ માહિતી આપેલી કે ત્યાં એક સાધુ રહે છે.ઘણી વાર મોડી રાતે પર્વત પર તાપણું સળગતું જોવા મળે છે. મારા માટે તો જીવનમાં જોયેલું એક યાદગાર દ્રશ્ય બની ગયેલું. મોડી રાતે દુર હાઇવે પરથી આવતા યાત્રી કેમ્પોના લાઉડ સ્પીકરના અવાજ જાણે અમને ત્યાં બોલાવતા હતા!

હવે મુમનવાસ ગામના દુર પર્વતો સુધી વિસ્તરેલા લીલા ખેતરો પસાર થઇ રહ્યા છે. આ પણ ગમતું દ્રશ્ય. સામે પર્વત પર એક પથ્થરે ધ્યાન ખેચ્યું છે. આ પેલો પ્રખ્યાત મુમનવાસ ગામની ઓળખ જેવો ‘ઘોડા વાળો’ પથ્થર. હા, નામ પ્રમાણે આ પથ્થર અદ્દલ ઘોડાની ડોક જેવો દેખાય છે! ખાસ કરી ને ‘સાઈડ પોઝ’! મુમનવાસ ગામમાંથી જુઓ તો પર્વતમાંથી ડોક બહાર નીકાળતો અસલ ઘોડો જ લાગે! દુર પર્વતોની પ્રથમ રેખા પાછળ થી એક ઊંચું ચોરસ શિખર દેખાયું છે. ગુરૂ નું શિખર! અહી એ ‘ગુરૂ ના ભોખરા’ તરીકે પ્રખ્યાત છે. આ વિસ્તારનો સૌથી ઉંચો પર્વત. ઉપર ગુરૂ ધૂંધળીનાથ નું પ્રખ્યાત સ્થાનક આવેલું છે. કહેવાય છે કે શિખર સુધીનું ચડાણ ખુબ કઠીન છે.

આ પર્વતની અડધી ઉંચાઈ પર પાણીયારી આશ્રમ આવેલો છે. એ પણ રમ્ય જગ્યા .આસ પાસના લોકો માટે પીકનીક પ્લેસ. અહી રાત્રી રોકાણની વ્યવસ્થા પણ છે. આશ્રમ સુધી વાહન માં જઈ શકાય છે. તળેટીથી આશ્રમ સુધી ચઢાણ વાળો રસ્તો બંને તરફ શુદ્ધ જંગલ નો અનુભવ કરાવે. હકીકતમાં આ આશ્રમ ગુરૂ પર્વત અને પાસેના બીજા પર્વત વચ્ચે આવેલો છે. આશ્રમ બે ભાગ માં વહેચાયેલો છે. વચ્ચે થી મોટું ઝરણું વહી જાય છે-કદાચ આ બંને પર્વતો નું પાણી આ ઝરણા વાટે નીચે તળેટીમાં બનવેલા કુત્રિમ સરોવરમાં ભેગું થાય છે. હું એક વાર આશ્રમ સુધી ગયો છું. અંધારું થઇ ગયું હોઈ શિખર સુધી જવાનું રહી ગયેલું.

બસ પણ મારા મનની સાથે એકધારી ગતિએ આગળ વધી રહી છે. અચાનક એક પરિચિત ખુશ્બુની લહેર તન-મનને તરબતર કરી જાય છે. આ તો શિરીષ ની સુગંધ! હા, રસ્તાની બંને તરફ ઊંચા સુંદર શિરીષના વૃક્ષો પસાર થઇ રહ્યા છે. રસ્તા પર બધે શીરીષના કોમળ ફૂલ વિખરાયેલા પડ્યા છે. ઝાડા થડ વાળા ઊંચા વૃક્ષો મનને પ્રસન્નતાથી ભરી દે છે. લગભગ દાંતા સુધી આ વૃક્ષો કંપની આપવાના. બંને તરફ લીલા હરિયાળા ખેતર પસાર થાય છે! વચ્ચે-વચ્ચે ઝાંબુ, નીલગીરી અને મહુડાના ઝાડ દેખાઈ જાય. બસ થોડી ધીમી પડી છે. રસ્તા પર કપાયેલા ઝાડના થડ જેવું કૈક પડ્યું છે. હા, એજ છે. કેટલાક લોકો શિરીષ ના ઝાડ કાપી રહ્યા છે. આ જોઈ ખુબ આઘાત લાગ્યો છે. આટલા સુંદર વૃક્ષને કોઈ કેવી રીતે કાપી શકે? બીજું,ત્રીજું,…અરે અહીતો મોટી સંખ્યામાં ઝાડ કપાયેલા પડ્યા છે. એક ટ્રેક્ટર-ટ્રોલી માં કપાયેલા ઝાડના વિશાળ થડ ચડાવાય છે. હું ખુબ નિ:સહાય અનુભવું છું. આ ઝાડ કાપવાની પરમિશન કોણ આપતું હશે? આગળ અડધા કિલોમીટર પછી પણ એજ દ્રશ્ય.

બસ એક નદીના પુલ પરથી પસાર થાય છે. આતો પેલી અર્જુની નદી! નામ પણ કેવું કાવ્યાત્મક. અર્જુન સાથે આને કઈ સબંધ હશે? ઉત્તર દિશા તરફના કોઈ પહાડમાંથી નીકળી દક્ષીણે સરસ્વતી નદીમાં ભળી જાય છે. છેલ્લી વાર અંબાજી ચાલતાં ગયા ત્યારે અમે મિત્રો અહી પુલ પાસેથી નીચે ઉતરી નદીના વહેતા પાણીમાં દુર સુધી ગયેલા. સ્નાન પણ એકાદ કલાક કરેલું. એ વખતે તો નદી પુરા યૌવન માં હતી. સ્નાન કરતી વખતે તણાઈ જવાની પણ બીક લાગેલી! આ તો પહાડી નદી! નારી જાત! અત્યારે તો માત્ર રેત દેખાય છે. પુલના છેડે નદીને સમાંતર સુંદર ખેતર છે. શેઢા પરના સાગના લીલાછમ વૃક્ષો આંખોને આનંદ આપી ગયા. ફાર્મ હાઉસ પણ સુંદર. ઉતરી જવાનું મન થયું.

દાંતા ગામ આવી ગયું છે. દાંતા આવીએ એટલે અંબાજીના પ્રવેશદ્વારે હોઈએ એવું લાગે. અહીંથી અંબાજી સુધી વીસેક કિલોમીટરનો પહાડી રસ્તો શરુ થાય. ચાલતા જતા યાત્રિકો માટે સૌથી કઠણ માર્ગ. આસપાસ પેલા દાંતાના પ્રખ્યાત ડુંગરો દેખાય છે. બચપણમાં પ્રથમ વાર ડુંગરો જોયા હોય તો આ દાંતાના ડુંગરો. મમ્મી-પપ્પા સાથે બસમાં અંબાજી જતી વખતે સૌથી મોટું આકર્ષણ આ ડુંગરો જોવાનું. એમાંય બંને તરફના દ્રશ્યોનું એટલુંતો આકર્ષણ કે બસમાં એક તરફ બેઠા હોઈએ ત્યારે બીજી તરફના દ્રશ્યો ગુમાવ્યાનો વસવસો રહી જાય! અત્યારે તો આ ડુંગરો સુકા ભાસે, ખરી મજા ચોમાસામાં જોવાની આવે.

બંને તરફ ટેકરીઓ વચ્ચે બસ આગળ વધી રહી છે. ખાખરા-કેસુડાના સુકા ઝાડ પસાર થાય છે. ખાખરો આ જંગલ વિસ્તારનું પ્રમુખ વૃક્ષ. વચ્ચે –વચ્ચે ક્યાંક એકાદ ઝાડ પર ફૂલ પણ દેખાઈ જાય છે, વસંતના રહી ગયેલા પદચિન્હો! બસના એન્જીનનો અવાજ બદલાયો છે. ત્રિશુળીયા ઘાટનો ચઢાણ વાળો રસ્તો શરુ થઇ ગયો છે. જમણી તરફની ખીણ વધારે ઊંડી થતી જાય છે. નીચે ખીણમાં એક-બે આદિવાસીઓના ઝુંપડા દેખાય છે. એક વાર ચાલતાં જતી વખતે અહીંથી આજ દ્રશ્ય જરાક જુદુ લાગેલું. ચોમાસાનો સમય, લીલીછમ ખીણ. ઝીણા ફોરા વરસતા હતા. સવારના સમયે ઝુંપડામાંથી નીકળતો ધુમાડો ખીણમાં પ્રસરી જતો હતો. આજે સાવ જુદું(અને સુકું) દ્રશ્ય. સમય સમય બલવાન.

બસ હવે મહતમ ઉંચાઈ પર છે. સામે દેખાતા બીજા પર્વતનું શિખર લગભગ સમાંતર આવી ગયું છે. એ પર્વત જોઇને જ ઊંચાઈનો ખ્યાલ આવે. દુર બીજા એક પર્વતના ઢોળાવ પર સમથળ કરેલી જમીન-ખેતર જેવું કૈક દેખાય છે. એટલે દુર કોણ રહેતું હશે ત્યાં? હવે બંને તરફ થોડી પથરાળ સપાટ જમીન આવે છે. આદિવાસીઓના ખેતર અને ઝુંપડા દેખાય છે. છોકરાઓ રમે છે. હેન્ડ પંપથી એક કિશોરી પાણી ભરી રહી છે. આંગણામાં બકરી બાંધેલી છે. મરઘીઓ દાણા ચણે છે. રોડ પાસે ટોપલીમાં કેસુડાના ફૂલ અને મહુડા લઇ આદિવાસી સ્ત્રીઓ અને બાળકો બેઠા છે.

બંને તરફ ખજુરીના ઝાડ આવે છે. સીધા અને જુદા જુદા કોણે ઉગેલા ખજુર વૃક્ષો આખા વિસ્તારને કાવ્યાત્મક ‘લુક’ આપે છે. કેમેરો ભૂલી ગયાનો વસવસો થયો. આમ પણ પહાડી વિસ્તારને ખજુર અને બીજા પામ વર્ગના વૃક્ષો ચાર ચાંદ લગાડી દે છે. આબુ યાદ આવી ગયું. એક વાર ચાલતાં જતી વખતે, સુદ તેરસની રાતે આ આખો રસ્તો સ્વર્ગ તરફ જતા કોઈ માર્ગ જેવો લાગેલો. એમાંય ચાંદનીના ના બેકગ્રાઉન્ડમાં ખજુરીના વૃક્ષો! એટલેતો આ માર્ગનું, અંબાજી ચાલતાં જવાનું આટલું આકર્ષણ છે!

એક ગામ આવ્યું છે- પીપળા વાળી વાવ! અહીંથી એક રસ્તો દીવડી ગામે થઇ દાંતા નીકળે-એ પણ સુંદર પર્વતીય માર્ગ. બસની ગતિ સહેજ વધી છે. અંબાજી હવે આવવામાં છે. બંને તરફ ઝડપથી વૃક્ષો પસાર થાય છે. ગતિના લીધે પર્વતીય વૃક્ષોને ઓળખી શકાતા નથી. સામે સહેજ અણીદાર શિખર વાળો પર્વત દેખાય છે. અંબાજી આવી ગયું છે. આરસના કારખાના શરુ થઇ ગયા છે, માર્બલ ઉદ્યોગ અંબાજીની ઓળખ છે પણ, એને લીધે અહીના પર્યાવરણને પણ બહુ નુકસાન થયું છે. ખાસ કરીને કોટેશ્વર તરફ ના વિસ્તારમાં. મનેતો ડર છે કે આસપાસના પર્વતો ભવિષ્યમાં નષ્ટ તો નહિ થઇ જાય ને! સરકાર કોઈ નક્કર નીતિ નહિ બનાવેતો એવા દિવસો પણ આવવાના.અંબાજી આર્ટસ કોલેજનું બિલ્ડીંગ પસાર થઇ ગયું. ડાબી તરફ સુંદર બગીચાવાળી એક ધર્મશાળા દેખાય છે. નામ પણ કેવું સુંદર-‘સ્વર્ગારોહણ’. ક્યારેક એની મુલાકાત લેવી પડશે.

બસ સ્ટેશન આવી ગયું છે. નીચે પગ મુકીએ કે તરત જ ‘મંદિરનો રસ્તો આ તરફ’ એવું કહેતા લોકો ઘેરી વળે. પહેલી વાર અંબાજી આવતા યાત્રીકોને તો એમજ લાગે કે આ લોકો કોઈ શ્રદ્ધાળુ કે પછી ભલા માણસો છે જે સામેથી મંદિરનો રસ્તો બતાવે છે. પણ હકીકત એનાથી ઉલટી છે. આ લોકો વેપારીઓના એજન્ટો છે. જેવી કોઈ નવી બસ આવે કે આ લોકો યાત્રાળુઓને ‘ટાર્ગેટ’ કરે. મંદિરનો રસ્તો બતાવવાના બહાને આગળ-પાછળ સાથે સાથે ચાલે. ‘આરતીનો સમય થઇ ગયો છે’ એમ કહી ઉતાવળ કરાવે. એમની દુકાન આગળ પસાર થતા રસ્તા પર તમને લઇ આવે .પીવા- હાથ મો ધોવા પાણી આપે. બુટ ચંપલ,મોબાઈલ, સામાન અહી મૂકી દર્શને જાવ એમ કહી તમારો વિશ્વાસ જીતે. પછી બમણાથી ત્રણ ગણા પૈસે તમને પૂજાની સામગ્રી પકડાવે. જો તમે ન લો તો ક્યારેક દાદાગીરી પણ કરે. જેવો મુસાફર એવું વર્તન. અત્યારે પણ એ જ દ્રશ્ય. હું એ બધા ને અવગણી મંદિર તરફ ચાલી નીકળું છું. આખરે રસ્તો પૂરો થયો છે.. સામે મંદિરનું સુવર્ણ શિખર દેખાય છે. હું પણ શ્રદ્ધાળુઓના પ્રવાહમાં ભળી જાઉં છું.

– દિનેશ જગાણી

(સંપર્ક – ૧/૧૨, સરકારી વસાહત, સ્ટેટ બેંક સામે, વડગામ, જી.બનાસકાંઠા, ગુજરાત – ૩૮૫૪૧૦, મો. ૯૮૭૯૮ ૬૦૯૯૬)

પ્રવાસ વર્ણનનું નામ આવે એટલે મનમાં કેવા સુંદર દ્રશ્યો સર્જાય, ન જોયેલા ન જાણેલા માર્ગ પર પગરવ કરવાનો હોય કે વર્ષોથી જાણીતા માર્ગ પર વધુ એક યાત્રા, આપણા સાહિત્યમાં અનેક પ્રકારના અને સુંદર પ્રવાસ વર્ણનો ઉપલબ્ધ છે. આજે દિનેશભાઈ જગાણી તેમના ‘અંબાજીના પથ પર…’ ના અનુભવને પ્રસ્તુત કરે છે. અક્ષરનાદને સ સુંદર કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “જગતજનની પંથે… (અંબાજી) – દિનેશ જગાણી

  • ઉષા દેસાઈ

    ભાઈ શ્રી દિનેશભાઈ ,
    અંબાજી જવાની ઈચ્છાને તમે વધુ ઉત્તેજિત કરી દીધી. ખરેખર કુદરતને ખોળે રમતાં રમતાં એના કર્તાને મળવાની મજા મજાની હોય છે.એક આંસુ ઝાડવાં
    કાપતા જોવાનું અને એક વેપારીઓનું લુટારા બનવાનું ! ખેર! ઘણું ખોટું રોકવાની ઈચ્છા હોય પણ ક્ષમતા નથી હોતી …..પ્રવાસનું વર્ણન મજા આવી ..

  • gopal khetani

    મને ખુદ ને એવુ લાગે છે કે સૌથી અઘરુ લેખન પ્રવાસ વર્ણન છે.. જો વાચકો તમારા શબ્દો સાથે નિકળિ પડે તો માન્વુ કે ઉત્તમ લેખન. ખુબ જ સરસ દિનેશભાઇ !