જો દિખતા હૈ ઉસે… – રમેશભાઈ ચાંપાનેરી 8


ઘેલછા છે ભાઈ! “યે આતી હૈ, જાતી હૈ, ઔર રૂપ બદલકે વાપિસ આતી હૈ!” એમાં ‘ઓન્લી ફોર એડલ્ટ’ જેવું જરાયે ના હોય! ઓપન ફોર ઓલ! ઉંમરનો બાધ જ નહિ, ભલે ઉંમરનું પૂંછડું આવી ગયું હોય, પણ ઘેલછાનું પૂંછડું તો છેલ્લાં શ્વાસે પણ તરફડે! અને એવું પણ નહિ કે ઉંમરના પ્રમાણમાં જ અભરખા આવે, અભરખાને ઉંમર સાથે કોઈ લેવા દેવા નહિ એના કોઈ રૂપ નહિ, એના કોઈ રંગ નહિ, ને એના કોઈ સ્વાદ નહિ! બિલકુલ આત્મા જેવાં! માથામાં માત્ર ભેજું જ જોઈએ જેવું જેનું ભેજું એવી ફળદ્રુપ એની ઘેલછા! ‘મન ચંગા તો કથરોટમે ગંગા’ જેવું! એકવાર ઉપડવી જ જોઈએ, પછી અટકે શાની? નવા નવા લેબાસમાં ચાલુ જ રહે!

ઘણાં ડોહાને ઘરમાં ગરમા ગરમ ભજીયા ખાવાની ઘેલછા નથી થતી? ભલે ઘરવાળા રાડારાડ કરી મૂકે કે, ‘ડોહાને જાતજાતના ચટાકા જોઈએ!’ પછી ભજીયા મળે કે ના મળે એ બે નંબરની વાત છે, પણ ઘેલછા તો થાય બકા! આ તો કંઈ ન કહેવાય, અમુક ડોહાઓની ઘેલછાઓ તો જુવાનિયાને પણ ટપી જાય, એના કરતાં ભજીયાવાળા સારાં કહેવડાવે! આ બધો ‘લેટેસ્ટ ટ્રેન્ડ’ છે! એમાં જ્યારથી ‘બ્યુટી પાર્લર’ નો મેજીક નીકળ્યો છે ત્યારથી તો હદ થઇ ગઈ બકા ! પાનકોર ડોશી પ્રિયંકા ચોપરા, અને બબલી માસી બિપાશા બાસુની જેમ રેસમાં ને વ્હેમમાં રહે છે બોલ્લો! જેવી જેવી મૌસમ, અને જેવી જેની કાનિયાત! હું પણ ટાંપીને બેઠો છું કે મંગળના ગ્રહ ઉપર જઈને નાસાવાળાના ખર્ચે અને જોખમે એકાદ હાસ્યનો કાર્યક્રમ ઝીંકી આવું, પણ ત્યાં સાલું જનજીવન મળ્યું જ નહિ! એટલે ‘દ્રાક્ષ ખાટી છે’ માનીને મંગળમાં જીવન હોય કે ના હોય, જીવનમાં જ મંગળ શોધીને આપણે જલસા કરી લેવા, બીજું તમે ઉકાળી પણ શું શકો બકા?

ઘેલછા એટલે આંધળી ચાકરણ! ‘વર્લ્ડ ટુર’ કરવાની પણ ઉપડે અને વર્લ્ડને ‘હળી’ કરવાની પણ ઉપડે! કઈ ક્વોલીટીનું ભેજું છે, એના ઉપર બધો આધાર! ઘેલા સોમનાથ જેવાં મારાં મિત્ર ચમનિયાને, એક દિવસ ભૂતના દર્શન કરવાની ઘેલછા ઉપડી મને કહે, ‘રમેશિયા! સાલા આપણા નશીબમાં ખાલી માણસો જ જોવાનું લખાયું છે? મારે કોઈપણ સંજોગોમાં ભૂતના દર્શન કરવાં છે!’ તારી ભલી થાય તારી ચમનિયા! ભૂત તે કંઈ વલસાડનો જ્યોતિ મિનારો છે કે આંગળી ચીંધીને એને બતાવું? ભલભલા ભગતડા પણ ભૂતનું નામ પડતાં જ્યાં ભોમકા છોડીને ભાગી જાય, અને એ બબૂચકને ભૂત જોવું છે બોલ્લો! જાણે પાંજરે પૂરાયેલું પોપટડું રમાડવા માંગતો હોય એમ કહે! હજી વાઘ – સિંહ – ચિતા કે ગેંડા જોવાં માંગતો હોય તો સમજ્યા કે પ્રાણી સંગ્રહાલયમાં જઈને પણ બતાવું. આ તો ભૂઉઉંત! સરકારે કોઈ ‘ભૂત સંગ્રહાલય’ થોડાં રાખ્યાં હોય કે એને બતાવી લાવીએ? આપણી પણ ફાટે કે નહિ બોસ?

જો કે આપણને એમ થાય કે, બિચારો સિનીયર સિટીઝન છે, એટલે ભલે બોલે! પણ ઘરવાળાનું તો કહેવું એવું કે, એ તો જન્મ્યો ત્યારથી જ સિનીયર સિટીઝન જેવો છે! એની વાત સાદા ઢોસા જેવી તો હોય જ નહિ! તમતમતી ને ચિકન ચીલી કે, સ્પાઈસી ડીશ જેવી જ હોય! એ ક્યારે સિનીયર સિટીઝન મટીને જુનિયર કેજી નું ટબેરીયું થઇ જાય, એ નક્કી નહિ! એનો ધંધો જ આ, જાત જાતના અભરખા કરવાના! જેમ ભંગાર સ્કુટરના સાઈલન્સરમાંથી ધૂમાડા નીકળે એમ એના અભરખા નીકળે! એની ઘેલછાઓ પૂરી કરવાં જઈએ તો, પહેલાં તો આપણે ચેક કરી લેવું પડે કે, આપણા વીમાના પ્રિમયમ ભરાયેલા છે કે બાકી છે? જોખમવાળા જ હોય!

હવે આપણે કોઈ દેવ તો છે નહિ, કે અસીલની ઈચ્છા પહેલી છે કે અંતિમ છે તે જાણી શકીએ? એટલે સ્વચ્છતા અભિયાનમાં કચરો શોધવા નીકળે એમ, અમે ભૂત શોધવા નીકળ્યા, ૨૭૨ પીપળા, ૧૧૩ વડ અને ૧૩૯ જેટલાં સ્મશાનભૂમિના છાપરાં ખૂંદી વળ્યા એમાં લોકો અમને ભૂત માની બેઠાં! બે ચાર જણા તો અમને ભૂતડા જેવાં લાગ્યા પણ ખરા પણ સાલા અમારાથી પણ સજ્જન નીકળ્યા કેજરીવાલની પાર્ટીને સમર્થન આપવાનું ફરફરિયું પકડાવી અલોપ થઇ ગયાં ને બચ્યાં એમાંથી કોઈ ચૂંટણીમાં હારી ગયેલું નીકળ્યું, તો કોઈ શેરબજારમાં પરવારી ગયેલું નીકળ્યું! તો કોઈ વળી પતિ કરતાં પલિત થઈને પીપળે જીંદગી કાઢવાવાળા ટેમ્પરરી સન્યાસી પણ નીકળ્યા!

પઅઅણ…. અમારી ધારણાઓ ધૂળધાણી થઇ ગઈ, ભૂતને બદલે કૂતરાં એટલાં ભટકાયા કે આખાં દિવસનું અમારું મિશન ચાર જ કલાકમાં પૂરું થઇ ગયું. એવું સાંભળેલું કે, ભૂત દેખાય ત્યારે કૂતરાઓ રડે બહુ બે ચાર રડ્યા પણ ખરા પણ પછી ખબર પડી કે, એ ભૂતને જોઈને નહિ, અમને જોઈને રડતાં હતાં! એ તો સારૂ છે કે અમારાં હાથે લીંબુ – મરચું બાંધેલું એટલે છેડતા નહિ!

છતાં હજી આજે પણ એ ચમનિયાના વડ – પીપળાના આંટા તો ચાલુ જ છે. એને કોણ સમજાવે કે ભૂત કોઈ દિવસ ભૂતને તો વળી ભેટતા હશે? કોઈ કવિએ સાચે જ કહ્યું છે કે, “જો દિખતા હૈ, ઉસે શૈતાન કહેતે હૈ, ઔર જો નહિ દિખતા હૈ ઉસે ભગવાન કહેતે હૈ!

– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “જો દિખતા હૈ ઉસે… – રમેશભાઈ ચાંપાનેરી

  • કિશોર પંચમતિયા

    શ્રી રમેશભાઇની કલમ માટે કંઇ કહેવુંજ ન પડે હાસ્ય રસની લાળ નહી સળંગ ધાર શબ્દે શબ્દે માણવા મળે ખુબ ખુબ ધન્યવાદ રચના બદલ

  • Dushyant Dalal

    રમેશભાઈ નેી રચના ભારે;

    ઉતારે થાક મનનો તે ભારે…..

    વાચેી બકા નેી વાત થવાય ગુલતાન્ ;

    નેીજાનન્દ બનેી કરો જેીવન ભુગતાન્

  • Natwarlal Modha

    રમેશભાઈ ચમનીયાએ તો ઘેલછા-અભરખા પુરી કરવા તમારો સાથ માગ્યો પણ
    ઘણા સિ.સિ. તો એકલા એકલા જ પુરી કરવા નીકળી પડે છે. ચમનીયાને કેજરીવાલની પાર્ટીમાંથી રોજ નીકળતા નવા નવાં ભૂત બતાવી દેવાં’તા ને!