કોઈ બહારગામ ગયુ હોય.. – સુરેશ દલાલ, આસ્વાદ – તરુ કજારીયા 4


કોઈ બહારગામ ગયુ હોય
અને આપણને આવીને કહે
કે તમે મને યાદ આવ્યા હતા
તો મનને કેટલું સારુ લાગે

આપણે બહારગામ ગયા હોઇએ
અને પાછા આવીએ
ત્યારે કોઇક કહે
કે મને જરાયે ગમતું નહોતું
તો મનને કેટલું સારું લાગે!

સવારે ઊઠીને આપણને
કોઇકનો ફોન આવે
અને કોઇક કહે
કે ગઈકાલે મને તમારુ સપનું આવ્યું હતું
તો મનને કેટલું સારુ લાગે

જીવવા માટે
શબ્દો આટલી હદે સધિયારો બને

માન્યામાં ન આવે એવી વાત છે.

– સુરેશ દલાલ

આ વિશાળ વિશ્વનો માનવી કેટલો નાનો એક અંશ માત્ર છે. છતાં એ દરેક મનુષ્યની પોતાની એક આગવી સ્રુષ્ટિ છે. જે એણે પ્રેમ, લાગણી, મમતા ને હૂંફના તાણાવાણાથી ગૂંથી છે. અને આ તાણાવાણા રચાયેલ ઘટ્ટ પોત મનુષ્યને પોતાની એ સ્રુષ્ટિનો બેતાજ બનાવે છે. આવી જ લાગણીથી, પ્રેમથી, હૂંફાળા શબ્દોની વાત અહીં કહેવાઈ છે, એ પણ સરળ બાનીમાં. પોતાના આગમને કોઈ આંખો હસી ઉઠે કે પોતાનું નામ લેતાંં કંપી ઉઠે એ કલ્પના માત્ર કેટલા પ્રસન્ન કરે છે.

એક આત્મીયજન બહારગામ ગયુ હોય ને આપણે એને અવારનવાર યાદ કરતાં હોઈએ ત્યારે પાછા ફરીને એ પ્રિયજન આપણને કહે, ‘તમે મને બહુ યાદ આવતા હતા.’ ત્યારે કેવો આત્મસંતોષ અનુભવાય છે! આપણાથી દૂર રહેવા છતા કોઈ આપણને યાદ કરતું હતું, આપણી વાત કરતું હતુ એ વિચારે ખુશ થઈ જવાય છે. એના જીવનમાં આપણુ એ સ્થાન છે, નિકટનું સ્થાન, એ વિચારે ધન્યતા અનુભવાય છે એ જ રીતે બહારથી થાક્યા પાક્યા, મુસાફરીની હાડમારી ભોગવીને પોતાના મુકામે પાછા ફરીએ ત્યારે કોઇની આંખો આપણી રાહમા ફરી ફરીને ઘડિયાળના કાટા ભણી ખેંચાઈ હશે ને નિયત ગતિએ ચાલતા કાટાને ગોકળગાયની જેમ ચાલવા બદલ ટપાર્યા હશે કે દરવાજા પરના એકે એક ટકોરાનો જવાબ દ્વાર ઉઘાડવા ઉપડતાં એ ઉત્સાહી પગલાએ આપ્યો હશે એ વિચારથી જ મુસાફરીનો થાક ક્યાંય ઉડી જાય છે. પાછા ફરવાની સ્થૂળ પરિસ્થિતિમાં ક્યાંય કશો ફરક પડ્યો નથી, છતાં બધું કેવું બદલાઈ જાય છે. જાત કેવી સમૃદ્ધ બની જાય છે.! આપણી ન હોવાની વાતે કોઈ બેચેન બની ઊઠ્યુ કે આપણા આવતાની સાથે જ કોઈ મહોરી ઉઠ્યું એ લાગણી વ્યક્ત કરવા શબ્દોનો જ એ ચમત્કાર છે. ખરેખર શબ્દોની આવી ગજબની શક્તિ તો જેણે અનુભવી હોય એ જ કવિની વાત તાણી – માણી શકે. પ્રિયજનના વહાલ નિંગળતા શબ્દો જીવનમાં આશા, ઊમંગ ને ઉત્સાહની મશાલ બનીને ઝળહળી ઉઠે છે. બળબળતાં બપોરે શીળી સાંજ ને ઘેરા અંધકારમાં તેજ પૂંજ બની વેરાતા આવા શબ્દો માનવીની મોંઘી મિરાત છે. એની શક્તિ અખૂટ છે અને એવી જ અચળ એની શ્રદ્ધેયતા.

* * * *

આ સંદર્ભમાં બ્રેકલી કરીને ૯ વર્ષના નાના બાળકનું સુંદર કાવ્ય યાદ આવે છે.

If you touch me  soft and gentle
If you look at me and smile at me
If you listen to me talk sometimes
before you taik
I will grow, realy grow

આસ્વાદ – તરુ કજારીયા


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “કોઈ બહારગામ ગયુ હોય.. – સુરેશ દલાલ, આસ્વાદ – તરુ કજારીયા

  • કિશોર પંચમતિયા

    જે સહજતાથી સુરેશભાઇ કવિતામાં કહેવાનું કહી દે છે તે અદ્ભૂત છે આસ્વાદ બદલ તરુ કજારિયાને ધન્યવાદ

  • Harshad Dave

    આવું સુંદર સભર કરતું કાવ્ય વાંચવા અને માણવા મળે તો કેટલું સારું લાગે! કાવ્ય અને તેનો રસાસ્વાદ, બાળકની અભિવ્યક્ત ન થવા પામતી અભીવ્યક્તિને શબ્દોમાં પ્રસ્તુત કરવાનું કોમળ છતાં કપરું કામ કર્યું છે તેનો આનંદ…જીજ્ઞેશભાઈનો અને તેના થકી અક્ષરનાદનો ઉત્સવ ઉજવાતો રહે…આમ જ અને અંદર પણ…-હદ