વિમાસણ વધી ગઈ છે ટોચે ચડીને,
છે ચડવાથી ઝાઝી ઉતરવાની તકલીફ – પ્રફુલ્લ નાણાવટી
પગલાં પૂજાય એવું ગમન હોવું જોઈએ,
સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ. – રતિલાલ ‘અનિલ’
ત્યાં મિત્રતાનો અર્થ ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સીઝરની પીઠનું ખંજર તપાસ કર. – હેમેન શાહ
ઘણું સારું થયું મારા સુધી આવ્યા તમે સાંઈ,
ચરણ લઈ ચાલવા જેવું નહોતું જોર મારામાં! – હરજીવન દાફડા
અમારી ચુપકીદીએ માત્ર આમન્યા જ પાળી છે,
નહીં તો જીભ છે, હાજરજવાબી જોઈ લીધી છે! – જમીઅત પંડ્યા ‘જિગર’
‘નૂર’ ના જીવનની ચાદર તો બહુ ટૂંકી હતી,
જો કફનમાં એના પગ લંબાય તો ખોટું નથી. – ‘નૂર’ પોરબંદરી
ઓ સુરજ, ચંદ્ર, સિતારાઓ, ઓ આકાશે ફરનારાઓ,
આ ધરતી પર ચાલી તો જુઓ જ્યાં સાંજ સવારે ચાલું છું! – ગની દહીંવાલા
અમને તો મહોબ્બત છે પછી તારી જે મરજી
ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે! – મરીઝ
હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ,
હકીકતમાં તો હું પીતો નથી પણ પી ગયો હોઈશ! – જલન માતરી
ભલેને આંખ મીંચાઈ છતાંય ધબકું છું,
તને હો શક તો ધીરેથી પુકાર, જીવું છું! – સુરેન ઠાકર ‘મેહુલ’
આ ખાલી ખાલીપાની ખલક લઈ હરીભરી,
કૈં ફાટફાટ થતી ફકીરાઈમાં ઊભા! – મનોજ ખંડેરિયા
ન ભેગું કર્યું કંઈ, લુંટાવી જ જાણ્યું,
ફકીરી અમીરાત વચ્ચે ઊભો છું! – આહમદ મકરાણી
અકબંધ ટકોરાઓ હાથમાં જ લઈને,
દ્વારેથી ઘણીવાર હું પાછો ફરેલ છું! – અશરફ ડબાવાલા
મળવાનું મન કરે અગર ઠેકીને આવજે,
ભીંતો અમારી એટલી ઊંચી ચણી નથી! – મકરંદ મુસળે
નજરની એક ચૂકે હાથ ઘસતી રહી જશે દુનિયા,
આમારા કાફલાની ધૂળના ગોટે સવારી છે. – શૂન્ય પાલનપુરી
ચડાવું બંદગીને અબઘડી હું ઠોકરે, કિન્તુ
ખુદા લાચાર થઈ જાયે નથી મંજૂર એ મુજને! – શૂન્ય પાલનપુરી
છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઈ નથી શક્તી,
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માગે છે! – અમર પાલનપુરી
નામ બદલી નાખ્યું તેથી શું?
વેદના તો એ જ પુરાણી છે! – માવજી મહેશ્વરી
ચડાવે છે કોઈ બે ચાર ફૂલો કબ્ર પર આવી,
વધે છે કેટલો મરનાર પર કોઈ ભાર શું જાણે? – આશિત હૈદરાબાદી
આપણું આઘાપણું છે એક આંગળ, ચાર દોરા, બે તસું,
તે છતાં મળવાપણું છે એક આંગળ, ચાર દોરા, બે તસું. – કૈલાસ પંડિત
નિત્યલીલા એ પછી તાદશ્ય થાશે આંગણે,
હાથ બળવાની તને પણ હોય ના સહેજે ખબર! – દિલીપ જોશી
શ્વાસ છોડી જિંદગી ચોમેર ચર્ચાતી થઈ,
‘હું બહુ સારો હતો’ એ વાત કહેવાતી થઈ! – મુકેશ જોશી
છે યુગોથી બંધ સમજણનું મકાન,
ખૂબ કોશિશ… પણ ન ખૂલ્યું બારણું! – દિલીપ મોદી
દિલાસાથી હવે દુઃખ દિલને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે. – અમૃત ઘાયલ
શા કામના ખાલી દિલાસાઓ, એનાથી ન ફેર કશો,
એ દર્દ શું એનાથી ઘટશે, જે દિલમાં દબાવી બેઠો છું? – ‘અનલ’ કુતિયાન્વી
(શ્રી આશિત હૈદરાબાદી દ્વારા સંકલિત પુસ્તક ‘વાહ! ક્યા અંદાઝેબયાં..’ માંથી તારવીને)
બિલિપત્ર
અક્ષરોની ધાર પર છે જિંદગી,
કલમની તલવાર પર છે જિંદગી,
એ વહે છે આંખથી પણ તે છતાં,
સ્મિતના ઉધાર પર છે જિંદગી
– જીજ્ઞેશ અધ્યારૂ
વાહ ભાઈ વાહ
ખુબજ સરસ સંકલન અને પ્રસ્તુતિ. જીગ્નેશભાઈ આપ પણ એક સરસ શાયર છો તે આપની બે પંક્તિઓ વાંચી ને કોઈ પણ કહી શકે.
આભાર
શ્રિ કિશોર પન્ચમાતિયા એ કહ્યા મુજબ આ સન્કલન બુક ક્યાથિ મલે? પ્રકાશક નુ નામ સર્નામુ જો અપિ શકાય તો સિધો સમ્પર્ક કરેી શકિશુ. આભાર
એક એક અક્ષરનો નાદ હ્રદય સુધી ગયો
આપનો આ પ્રયાસ હ્રદય સુધી ગયો
– ખૂબ સરસ, આભાર જીજ્ઞેશભાઈ
એક સરસ વસાવવા જેવુ સંકલન પરન્તુ મુંબઇમાં ક્યાંથી મળશે તે જણાવશો તો આભાર
વાહ ! ક્યા બાત કહી !
Bahutkhub. Aflatoon collections. Thank U for sharing this.