ત્રણ દિવસ અંધાપો જતો રહે તો… – હેલન કેલર, અનુ : જયંત મેઘાણી 9
હેલન કેલર આ લેખ માટે કહે છે, ‘મને હંમેશાં લાગ્યું છે કે દરેક માણસને મોટી ઉંમરે થોડા દિવસ અંધાપો અને બહેરાશ મળે તો એ એક દૈવી આશીર્વાદ નીવડે. આંખોમાં અંધકાર હોય એ પરિસ્થિતિ એને ચક્ષુઓનું મૂલ્ય સમજાવે; મૌન થકી તેને ધ્વનિનો આનંદ સમજાય. આંખો વિનાની હું અપરંપાર મજાની વસ્તુઓને માત્ર સ્પર્શ વડે અનુભવી શકું છું : પાંદડાંના નાજુક આકાર પામી શકું છું, સરસ મજાના વૃક્ષની મુલાયમ છાલ પર હાથ ફેરવી શકું છું, અથવા કોઇ ઝાડની ખરબચડી છાલને સ્પર્શ થકી પારખી શકું છું. શિયાળો પૂરો થાય, વસંત હજુ બેસતી હોય અને ઝાડની ડાળો ઉપર હાથ ફેરવીને નવી કૂંપળ ફૂટી કે નહીં એ ‘જોઇ’ શકું છું. અને, બહુ નસીબદાર હોઉં તો, કોઇ નાના ઝાડની ડાળને અડીને પંખીઓના કલશોરનાં સ્પંદનો પામી શકું. કદીક મારું હૃદય આ બધી વસ્તુઓને ખરેખર જોવા માટે આર્તસ્વર કાઢી બેસે છે. સ્પર્શમાત્રથી હું આટલો બધો આનંદ મેળવું છું, તો એ બધું સાચેસાચ નજરે જોઇ શકું તો કેટલા અધિક સૌંદર્યનું પાન કરી શકું! અને પછી કલ્પનાના ઘોડે ચડું : જો ત્રણ દિવસ માટે મારો અંધાપો જતો રહેવાનો હોય તો હું શું શું જોઇ લેવા ઝંખું?