દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ 2


Siddhatek Siddhi Vinayak

स्थितो भीमातीरे जगदवनकामेन हरिणा ।
विजेतु दैत्यो तच्छुति मलभवौ कैटभमधू ।।
महाविघ्नार्तेन प्रखर तपसा सेवितपदौ ।
गणेश सिध्धिशो गिरिवरवपुः पंचजनक ।।

ઇતિહાસ:-

મોરગાવના ગણેશપીઠની યાત્રા બાદ અમે બીજી મુલાકાત મહારાષ્ટ્રનાં અહેમદનગર જિલ્લામાં, કર્જત તાલુકામાં ભીમાનદીને તીરે આવેલ સિધ્ધટેક ગામે શ્રી સિધ્ધીવિનાયકજીનું પ્રાચીન મંદિરની લીધી. સિધ્ધીવિનાયક નામ બોલતાં જ આપણને મુંબઈમાં વસેલા સિધ્ધીવિનાયકની યાદ આવી જાય છે. પરંતુ મુંબઈનાં આ સિધ્ધિવિનાયક તે સિધ્ધટેકનાં જ વિનાયકનું એક સ્વરૂપ છે જે માનવસર્જિત છે. જ્યારે સિધ્ધટેકના સિધ્ધી વિનાયક એ સ્વયંભૂ છે. દ્વાપરયુગનો ઇતિહાસ કહે છે કે ભીમા નદીને તીરે મહર્ષિ વેદવ્યાસજી અને ઋષિવર શ્રી કાકભૃશુંડીજી એ મળીને યજ્ઞ કરાવેલો હતો. આ યજ્ઞ વર્ષો સુધી ચાલ્યો. જેને કારણે આ સ્થળ ઉપર પાવન ભસ્મનો ઢગલો થઈ ગયો. તેથી આજે પણ ભીમાનદીનાં કિનારા પરની જમીન ખોદતાં અંદરથી રાખ મળે છે. (જો, કે વેદવ્યાસજીએ જે જગ્યાએ યજ્ઞ કરેલો તે સ્થળની જગ્યા હાલમાં ભીમાનદીની અંદર સમાઈ ગઈ છે.) સિધ્ધ ક્ષેત્રનો ઇતિહાસ કહે છે કે ભીમાનદીને તીરે વસેલા આ સિધ્ધીવિનાયક ગણપતિની સ્તુતિ અને સ્થાપના ભગવાન વિષ્ણુએ કરેલી હતી. મધુ અને કૈટભ નામના બે અસૂરોએ બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યું કે જ્યાં સુધી એક આદી દેવ બીજા દેવની પાસેથી આર્શિવાદ ન લે ત્યાં સુધી તેઓ અવિજેતા જ રહે. મધુ અને કૈટભના આ વરદાન મુજબ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આદી અને મોટા દેવ હતાં તેથી તેમને કોઈ દેવ આર્શિવાદ જ ન આપે કારણ કે મોટા નાના ને આર્શિવાદ આપે, નાના મોટાને આર્શિવાદ શી રીતે આપવાનાં? આમ આ વરદાનને કારણે ઉચ્છંદ થયેલા આ અસૂરોએ દેવલોકમાં જઈ ઉત્પાત મચાવ્યો. તેમણે બ્રહ્માજી પાસેથી વરદાન લઈ ઇન્દ્ર, વરુણ, અગ્નિ આદી દેવોનું સુખ છીનવી લીધું ત્યારપછી પરમપિતા બ્રહ્માજીને પણ બ્રહ્મલોકમાંથી કાઢી મૂક્યાં. વિવિધ દેવોને હરાવ્યાં બાદ તેઓ ભગવાન વિષ્ણુ સાથે યુધ્ધ કરવા નીકળ્યાં ત્યારે ભગવાન વિષ્ણુએ સિધ્ધટેક નામની ટેકરી પર જઈ સિધ્ધીવિનાયકનું સ્મરણ અને પૂજન કર્યું ત્યારે સિધ્ધીવિનાયકે પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુને આર્શિવાદ આપ્યાં. આ આર્શિવાદ પછી ભગવાન વિષ્ણુએ મધુ –કૈટભાસૂરનો નાશ કર્યો. અસૂરોનાં સંહાર બાદ ભગવાન વિષ્ણુ દ્વારા આ સ્થળને સિધ્ધક્ષેત્ર સિધ્ધીવિનાયક નામ અપાયું. અહીં બિરાજેલ ભગવાન વિનાયકની મૂર્તિ ત્રણ ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી છે. વિનાયકનાં આ સ્વરૂપની સુંઢ જમણી બાજુ વળેલી છે. તેમની એક વળેલી જાંઘ પર રિદ્ધિસિધ્ધી બિરાજેલ છે જ્યારે બીજો પગ નીચે છે. શ્રી વિનાયકજીની આ મૂર્તિની સ્થાપના સિધ્ધ પર્વતનાં એક ખૂણામાં થયેલ છે આથી જેમને મંદિરની પરિક્રમા કરવી હોય તેમણે આખા પહાડની પરિક્રમા કરવી પડે છે. જ્યારે આખા પહાડની પરિક્રમા કરીએ ત્યારે આખી પરિક્રમા પૂર્ણ થાય છે.

મંદિર:-

શ્રી સિધ્ધીવિનાયકજીનું આ મંદિર ઉત્તરાભિમુખ છે. મંદિરનો અંદરનાં ગર્ભગૃહનો ભાગ અહલ્યાબાઈ હોલ્કરે બનાવેલ છે, જે ૧૫ ફૂટ ઊંચો અને દસ ફૂટ પહોળો છે. ભગવાન વિષ્ણુ દ્વારા આ મૂર્તિનું પૂજન થયું હોવાથી ગર્ભગૃહનાં દ્વાર પર ભગવાન વિષ્ણુનાં પ્રતિપાલ જય-વિજય અને ગરુડજી અહીં બિરાજેલ છે. આજ ગર્ભગૃહની બાહર ભગવાન શિવ અને માતા પાર્વતિનું સ્વરૂપ એવું શિવાઈ માતા બિરાજે છે. મંદિરની બાહર જતાં મોટો સભા મંડપ આવે છે જે પ્રથમ ૧૯૩૯ માં વડોદરાનાં નારાયણ મેરાળજીએ બનાવેલ, પરંતુ તે સભામંડપ બિસ્માર થઈ જતાં ૧૯૯૦માં સમસ્ત ભક્તજનોએ ફરીથી બનાડાવ્યો. મંદિરનાં મહાદ્વાર પર પરનું નગાર ખાના બાજીરાવ પેશવાનાં સેનાપતિ હરિપંત ફડકેજીની યાદમાં બનાવવામાં આવ્યું છે. હરીપંત ફડકેએ એકવાર કોઈ કારણસર પોતાનું સેનાપતિ પદ ખોઈ દીધેલ ત્યારે ૨૧ દિવસ સુધી સિધ્ધીવિનાયકજીનું અનુષ્ઠાન કરી સિધ્ધ ક્ષેત્રની પરિક્રમા કરી. તેમનાં વ્રત પૂર્ણ કર્યાનાં થોડા જ કલાકોમાં બાજીરાવ પેશવા સ્વયં આવ્યાં અને તેમને સેનાપતિપદ પાછું સોંપ્યું. સિધ્ધ ક્ષેત્રમાંથી જતી વખતે તેમણે મંદિરની આજુબાજુ લાવાનાં પથ્થરોથી રસ્તો બનાવ્યો જે આજે પણ જોવા મળે છે. બીજી કથા અનુસાર હરીપંત ફડકે એ બદામી કિલ્લાને (કર્ણાટક) જીતી લીધો ત્યારબાદ તે કિલ્લાનાં પથ્થરથી સિધ્ધક્ષેત્રનો, અને ભીમા નદી તરફ જવાનો માર્ગ બનાવ્યો જે આજે પણ જોવા મળે છે.

મંદિરનો નિત્ય કાર્યક્રમ અને ઉત્સવ:-

શ્રી સિધ્ધીવિનાયક અહીં બ્રહ્મમુહૂર્તનાં પ્રાતઃકાળમાં જાગૃત થાય છે. મોડી સવારનાં સમયે શ્રી વિનાયકજીને ખિચડીનો ભોગ ધરાવવામાં આવે છે. ત્યારબાદ બપોરે ૧૧ વાગે વિનાયકજીને પંચામૃત સ્નાન કરાવવામાં આવે છે. પંચામૃત સ્નાન બાદ ૧૨-૩૦ મહાભોગ ધરાવવામાં આવે છે. સૂર્યાસ્ત પછી ફરી વિનાયકનું પૂજન થાય છે. રાત્રે ૮-૩૦ થી ૯-૩૦ સુધી આરતી થાય છે ત્યારબાદ શ્રી વિનાયકજીને પોઢાડી દેવામાં આવે છે. માઘ સુદ અમાસથી માઘ વદ પાંચમ સુધી અને ભાદ્રસુદ અમાસથી ભાદ્ર પદ પાંચમ સુધી અહીં મહામહોત્સવ મનાવવામાં આવે છે. આ દિવસોમાં નિત્ય સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી વિનાયકજીની પાલખી કાઢવામાં આવે છે.

આસપાસનાં દર્શનીય સ્થળો અને રહેવા માટેની જગ્યા :-

ભીમા નદીની સુંદરતા અને વિશાળતા અવર્ણનીય છે. જેમને કુદરતનાં ખોળે ખેલતા નદી, પર્વત જોવા ગમતાં હોય તેમને માટે ભીમા નદીની મુલાકાત યાદગાર રહેશે. ભીમાનદીમાં પેડલ બોટ, એરક્રાફટ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી પીકનિક સ્થળ તરીકે ભીમા નદીની પાસે રહેવાનો મોકો ગુમાવવા જેવો નથી. સિધ્ધ ક્ષેત્ર જતાં અગાઉ એક સ્થળે ભીમા નદીમાં રાફ્ટિંગ કરવાની પણ વ્યવસ્થા છે. આ સ્થળ સિધ્ધક્ષેત્રમાં પ્રવેશીએ તે પહેલા આવે છે. પરંતુ આ સ્થળે કોઈ મોટી Add કરવામાં આવી ન હોવાથી આ પોઈન્ટ ક્યારે આવે ને ક્યારે જતું રહે તેની જાણ થતી નથી. સિધ્ધક્ષેત્રમાં પ્રવેશીને સૌ પ્રથમ વિનાયકજીનાં મંદિરની બહાર રહેલ વિષ્ણુ મંદિરમાં ભગવાન વિષ્ણુનાં દર્શન કરવામાં આવે છે. લોક આખ્યાયિકા કહે છે કે ભગવાન સિધ્ધી વિનાયકનાં દર્શને જનાર પ્રત્યેક જીવ વિષ્ણુ સ્વરૂપ છે તેથી પ્રથમ ભગવાન વિષ્ણુનાં મંદિરે જઈ વિષ્ણુ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી સિધ્ધીવિનાયકનાં દર્શન કરવાથી પ્રભુ સિધ્ધીવિનાયક પ્રસન્ન થઈ જાય છે. આ ક્ષેત્રમાં અંબામાતાનું વિશાળ મંદિર પણ છે. નવરાત્રિનાં દિવસોમાં આખું ગામ પૂના પૈદલ યાત્રા કરીને આવે છે અને માતાની મૂર્તિ પધરાવી લઈ જાય છે. આ મૂર્તિ સ્ત્રીઓ પોતાનાં માથા ઉપર ઉપાડે છે તેથી જેટલું વજન તે સ્ત્રીઑ લઈ શકે તે જ પ્રમાણે માતાની પ્રતિમા લેવામાં આવે છે. તે પ્રતિમાને લાવવા માટે લારી, કે ટ્રક જેવા વાહનોનો ઉપયોગ થતો નથી. દશેરાને દિવસે ભીમા નદીમાં આ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ ગામમાં રહેવાની વ્યવસ્થા નથી. તેથી હોટેલ, લોજ વગેરે મળતા નથી. લોજ-હોટેલ કે અન્ય રહેવાની વ્યવસ્થા માટે નજીકનાં મોટા ગામમાં જવું પડે છે. પણ તે વ્યવસ્થા પણ ખાસ નથી આથી પૂના જ રહેવાનુ વધુ સરળ પડે છે જેથી સવારે સિધ્ધીવિનાયક જઈ સાંજ સુધીમાં પૂના પરત ફરી શકાય છે.

કેવી રીતે જવું – ક્યારે જવું:-

નદીને માર્ગેથી મંદિર તરફ જવાને બદલે મંદિરથી નદી તરફ જઈ તરત જ ગામ બહાર નીકળી જવાનું વધારે સરળ પડે છે. સિધ્ધટેક જવા માટે કોઈપણ વાહનનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ સાર્વજનિક વાહનો ગામ બહાર વહેતી ભીમાનદીનું સૌંદર્ય જોવા રોકાતા નથી તેથી પોતાનું પ્રાઈવેટ વાહન હોય તો સારું પડે છે. પોતાના વાહન દ્વારા જઈએ તો આસપાસનાં દર્શનીય સ્થળો પણ જોઈ શકાય છે અને ખાસ કરીને ભીમાનદીને કિનારે રોકાઈ બોટિંગનો આનંદ પણ લઈ શકાય છે. વરસાદનાં દિવસોમાં પ્રાયતઃ રસ્તાઓ ખરાબ હોય છે. પરંતુ આ દિવસોમાં ભીમાનું સૌંદર્ય આખા ક્ષેત્ર પર છલકતું હોય છે. આસપાસ ગન્નાનાં ખેતરો મન મૂકી વરસાદી વાયરામાં ન્હાતા હોય છે, ઠંડક આખાયે વાતાવરણમાં પ્રસરેલી હોય છે તેથી રસ્તાઓની કન્ડિશન અવગણીને સિધ્ધટેક જવાનો આનંદ અનેરો હોય છે પણ તેમ છતાંયે જાન્યુઆરીથી માર્ચ સુધી જવા માટે અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો સમય પણ સારો છે. મિત્રો, જ્યાં શ્રધ્ધા છે ત્યાં સાકારનું સ્વરૂપ, સમય વગેરે ગૌણ થઈ જાય છે.

– પૂર્વી મોદી મલકાણ

આ શ્રેણીના આ પહેલાનાં લેખ
પ્રથમ ગણેશ પીઠ – મયૂરેશ્વર મોરગાંવ
તૃતિય ગણેશ પીઠ – પાલીના બલ્લેશ્વર ગણપતિ


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “દ્વિતીય ગણેશ પીઠ : સિદ્ધટેકના સિદ્ધિવિનાયક – પૂર્વી મોદી મલકાણ