પ્રખ્યાત મહાપુરુષ (વાર્તા) – ઓસ્કાર વાઈલ્ડ, અનુ. હર્ષદ દવે 6


ઓસ્કાર વાઈલ્ડની ૧૮૮૮ માં પ્રથમવાર પ્રકાશિત ‘ધ હેપી પ્રિન્સ’, સચોટ અને હૃદયસ્પર્શી ઉત્તમ વાર્તાને અમુક ફેરફાર સાથે અહીં રજૂ કરી છે. વાચકોને મૂળ વાર્તા વાંચવા માટે આગ્રહપૂર્વક ભલામણ કરવામાં આવે છે.

* * *

ઘણાં ઘણાં વર્ષો પહેલાં એક મોટો દેશ આખી દુનિયામાં એટલો બધો સમૃદ્ધ હતો કે એ ‘દૂધ અને મધના દેશ’ તરીકે જાણીતો હતો. એ દેશ તેનાં પ્રાકૃતિક સૌન્દર્ય માટે પણ બહુ પ્રખ્યાત હતો: હિમાચ્છાદિત પર્વતો તે દેશની મનોહર અજાયબીમાં ગણાતા હતા. આ પર્વતો બારે માસ વહેતી નદીઓનું જળસ્રોત હતા. તે નદીઓ ત્યાંની જમીનને ફળદ્રુપ અને ખેતીને લાયક બનાવતી હતી. આ દેશમાં લીલાછમ પર્વતો, વળાંકદાર ટેકરીઓ, સરોવરો, નિર્મળ સ્ફટિક જેવું નીર વહાવતાં ઝરણાં, ફૂલોથી લચી પડતી ખીણો અને વન્યજીવનથી ભરપૂર જંગલો કે જેમાં કેટલીક અસાધારણ ગણાતી જાતિનાં પક્ષીઓ પણ હતાં. ત્યાંના લોકો પ્રકૃતિની પૂજા કરતા અને ખૂબ જ શાંત અને સુખી જીવન જીવતા હતા. ત્યાં નાણાનું ચલણ ન હતું. તેઓ વસ્તુઓની અદલાબદલી કરતા હતા. ત્યાં સંપત્તિનો સંગ્રહ કરવાની હરીફાઈ ન હતી અને તેઓ એકબીજાને જરૂર પડ્યે સાથ આપતા હતા. તેમનામાં સૃષ્ટિના રહસ્યો જાણવાની ખૂબ જ ઉત્કંઠા હતી. તેઓ ઘણા પ્રશ્નોના જવાબ મેળવવા ખૂબ મનોમંથન કરતા હતા, જેવા કે:
 જીવનનો અર્થ અને હેતુ શો છે?
 મૃત્યુ શું છે? મૃત્યુ પછી શું શેષ રહે છે?
 શું મૃત્યુ પછી કોઈ નવું જીવન છે?
 માનવીના દુઃખનું કારણ શું છે?
 આ સૃષ્ટિનું સર્જન કોણે કર્યું છે?
 શું ઈશ્વર છે? જો હોય તો આપણે એ ઈશ્વરને કેવી રીતે પામી શકીએ? આપણે ઈશ્વરની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ?
 આપણને આંતરિક પરમ શાંતિ કેવી રીતે મળે?

આ અને આવા બીજા ઘણા પ્રશ્નોનું સમાધાન શોધવા તેઓ ચિંતન-મનન કરતા રહેતા હતા. આ દેશે કેટલાક ઉત્તમોત્તમ વિચારકો આપ્યા હતા. તેમની જ્ઞાનપ્રાપ્તિને ગ્રંથસ્થ પણ કરવામાં આવી હતી.

ઉપરના સવાલોના જવાબ શોધતા તેમને જાણવા મળ્યું કે આ દુનિયા અને આ અખિલ સૃષ્ટિનું આપણી ભૌતિક ઇન્દ્રિયો વડે અવલોકન કરી શકાય છે. પરંતુ સાચી વાસ્તવિકતા તો ઇન્દ્રિયોની પેલે પાર રહેલી છે. એવી વાસ્તવિકતા શબ્દોથી પર છે, તેનો કેવળ અનુભવ જ કરી શકાય. જીવનનો હેતુ આ વાસ્તવિકતાની અનુભૂતિ મેળવવાનો છે. તે કઈ રીતે મેળવી શકાય? આ વિષે તેમણે ઘણી અવનવી પદ્ધતિઓની શોધ કરી.

ઘણાં સૈકાઓ વીતી ગયા. દુનિયા બદલાઈ ગઈ. આ દેશ પણ બદલાયો. લોકો પોતાની આંતરિક શાંતિ અને પ્રસન્નતા ગુમાવી બેઠા. વ્યક્તિઓ અને સંસ્થાઓમાં અંદરોઅંદર ગળાકાપ સ્પર્ધાઓ થવા લાગી. મોટાભાગના લોકો એમ વિચારીને ભૌતિક સંપત્તિ પાછળ પડ્યા કે તેમાંથી સાચું સુખ મળશે. રાજકીય આગેવાનો અને અગ્રણી વેપારીઓ અને વસ્તીનો મોટો વર્ગ તેમનાં પૂર્વજોએ શીખવ્યા હતા તે જીવનનાં મૂલ્યો અને અર્થ ભૂલી ગયા. પૂર્વજોના બતાવેલા આદર્શ મૂલ્યો અને આધ્યાત્મિક માર્ગના જોર પર હવે તેઓ મિથ્યા અહંકાર અને ગૌરવમાં રાચતા હતા અને તેનાથી વિપરિત વર્તન કરતાં હતા. ભ્રષ્ટાચારે માઝા મૂકી હતી. સમાજમાં નિરંકુશ સત્તા ધરાવતા જૂથો ઊભા થયા હતા. તે સહુ જે કોઈ પોતાનાથી જુદી શ્રદ્ધા, માન્યતા કે વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા હોય એમને ખતમ કરવામાં માનતા હતા.

તે લોકો જંગલના પ્રાણીઓને મારી નાખવા લાગ્યા અને તે પ્રાણીઓની સંખ્યા વિનાશને આરે આવી ગઈ. ઘણી જાતિનાં પ્રાણીઓ અને પંખીઓ લુપ્ત થઇ ગયાં. નદી, ઝરણાં અને સરોવરો બેહદ દૂષિત બન્યા અને સૂકાવા લાગ્યાં. અતિ વસ્તી ધરાવતા શહેરોમાં હવા ઝેરી બની ગઈ અને જંગલો કપાવા લાગ્યાં. ગરીબ અને ધનિક વચ્ચેની અસમાનતા અસહ્યપણે વધી ગઈ. દેશનું હવામાન બદલાયું. ક્યારેક દુષ્કાળ તો ક્યારેક અતિવર્ષા અને પૂર, અને એને લીધે ભૂખમરો વધ્યો.

આવી શુષ્ક અને ભેંકાર પરિસ્થિતિમાં એક આધ્યાત્મિક હિંમતવાળા મનુષ્યનો જન્મ થયો. તેમનામાં ધીરજ અને પ્રેમથી ભરપુર હતા. તેમણે આ પરિસ્થિતિને સુધારવાનો નિર્ધાર કર્યો હતો. તેમને એવું કાંઇક કરવું હતું કે જેથી લોકોમાં પૂર્વજોએ દર્શાવેલાં પ્રાચીન આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે ફરી આદર અને આકર્ષણ જન્મે.

તેમણે આખા દેશમાં ખૂબ જ ભ્રમણ કર્યું અને પોતાનો સંદેશો ફેલાવ્યો. તેમણે અન્યાય, ભેદભાવ અને ધર્માંધતાનો જોરદાર વિરોધ કર્યો. તેમણે સૌને એક થવા અને માનવબંધુઓની સેવા કરવા અને ખાસ કરીને ગરીબોને મદદ કરવા માટે હાકલ કરી. ધર્મગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે આધ્યાત્મિક મૂલ્યોનું અનુસરણ કરીને જીવન કેવી રીતે સરળતાથી જીવી શકાય અને કેવી રીતે આંતરિક સુખ શાંતિ પ્રાપ્ત કરી શકાય તે તેમણે દર્શાવ્યું. તેઓ હંમેશાં સાચું બોલતા હતા અને બીજાને પણ સાચું બોલવા માટે કહેતા હતા. તેમના પ્રભાવશાળી અને અસરકારક પ્રયત્નોથી લોકોમાં જાગૃતિ આવી. તેથી તેઓ દેશના સહુથી લોકપ્રિય, આદરણીય અને પ્રખ્યાત નેતા અને મહાપુરુષ બની ગયા.

તેમના મૃત્યુ બાદ તેમના અથાગ પ્રયાસોની કદર રૂપે તેમના દેશવાસીઓએ તેમનું સન્માન કરવાનું નક્કી કર્યું. જ્યાંથી આખું શહેર જોઈ શકાતું હતું તેવી એક ઊંચી ટેકરી પર આબેહૂબ તેમના જેવી જ એક સુંદર પ્રતિમાની તેમણે સ્થાપના કરી. એક શુભ દિવસે શહેરના પ્રમુખના વરદ હસ્તે એ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. તે ઉત્સવમાં અનેક ઉચ્ચ પદાધિકારીઓ તથા લાખો માણસોની હાજરી રહી હતી. તેમાં સ્ત્રીઓ અને બાળકો પણ હાજર રહ્યાં હતા. રાજકારણીઓએ આ મહાપુરૂષનાં કાર્યોની પ્રશસ્તિમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે તેવાં પ્રવચનો કર્યાં અને શબ્દાંજલિ આપી. શ્રોતાગણે તેમનાં પ્રવચનોને હર્ષનાદ અને તાલીઓના ગડગડાટથી વધાવ્યાં. તે એક અનન્ય ઘટના હતી. પ્રતિમા શહેરથી એટલી ઊંચે રાખવામાં આવી હતી કે જ્યાંથી આખા શહેરનું સુંદર દૃશ્ય જોવા મળતું હતું. એ પ્રખ્યાત મહાપુરુષની પ્રતિમાને શુધ્ધ સોનાની પાંદડીઓથી મઢી લીધી હતી. તેની આંખોમાં બે મોટાં પાણીદાર સાચાં મોતી બેસાડવામાં આવ્યા હતા. અને ગળાનાં રંગીન હારમાં મોટું માણેક શોભતું હતું. પ્રતિમાને ખરેખર સહુએ વખાણી. પણ ઘણા દસકાઓ વીત્યા અને એ પ્રખ્યાત મહાપુરુષનો ઉપદેશ અને તેમના જીવનને લોકો ભૂલી ગયા.

“તને સ્કૂલમાં મળેલા ગ્રેડ વિષે તું મારી પાસે જુઠ્ઠું કેમ બોલ્યો?’ હાલની એક અકળાયેલી માતાએ તેનાં નાના છોકરાને પૂછ્યું, “તારે મહાપુરુષોનાં જીવન જેવું જીવન જીવવું જોઈએ; તેઓ ક્યારેય જુઠ્ઠું નહોતા બોલતા. જો પેલા મહાપુરુષની ટેકરી પર મૂકેલી પ્રતિમા.”

“મને એ વાતનો આનંદ છે કે જગતમાં કોઈક તો એવું હતું કે જે સહનશીલતા અને શાંતિમાં શ્રદ્ધા ધરાવતું હતું અને જેણે લોકોને એનાં પાઠ ભણાવ્યા હતા”, ટેકરી પર ઊંચે રહેલી પ્રતિમા સામે જોઈને શહેરમાં રોજેરોજ થતી અત્યારની બેફામ હિંસાથી ત્રાસી ગયેલા એક હતાશ માણસે મનમાં વિચાર્યું.

ઉનાળાની એક રાત્રે એક સુંદર પોપટ શહેર ઉપરથી ઊડીને જઇ રહ્યો હતો. તેના બધા મિત્રો તો ક્યારના યે દક્ષિણમાં આવેલા ફળોના બગીચા તરફ જતા રહ્યા હતા. ત્યાં હળીમળીને આનંદ માણવા તેમને માટે મધુર ફળો તૈયાર થઇ ગયા હતા. મિત્રોની સાથે થઇ જવા માટે તે આખો દિવસ ઊડતો રહ્યો હતો. તે પોપટ ઘણા કલાકોથી ઊડી રહ્યો હતો અને છેવટે તે આ શહેરમાં આવ્યો હતો.

થાકીને લોથપોથ થઈને તેણે પોતાને જ પ્રશ્ન પૂછ્યો: ‘મને આરામ મળે તે માટે મારે હવે રાત ક્યાં કાઢવી?’ ત્યાં જ તેણે ટેકરી પર એક સુંદર પ્રતિમા જોઈ.

પ્રતિમાને જોઈને તેણે વિચાર્યું, ‘વાહ! આ તો મજાની જગ્યા છે.’ અને તરત જ તે એ પ્રખ્યાત મહાપુરુષની પ્રતિમાના ચરણો વચ્ચે ઉતર્યું. ‘મારો શયનખંડ તો ભવ્ય છે’ તેને માનસિક રાહત મળી અને તે ખુશ પણ થયો. જેવો તે પોતાનું માથું પાંખો વચ્ચે ઢાળી સૂવા જતો હતો ત્યાં જ તેનાં માથા પર પાણીનું એક મોટું ટીપું પડ્યું. ‘આ પાણીનું ટીપું ક્યાંથી પડ્યું?’ તેણે આકાશમાં જોયું, ‘આકાશમાં તો એકેય વાદળું નથી. બધા તારા આકાશમાં સ્પષ્ટપણે ઝગમગતા દેખાય છે છતાં આ છાંટા ક્યાંથી પડે છે!’

ત્યાં તો બીજું ટીપું પડ્યું.

‘આ વરસાદથી બચાવી ન શકે તેવી જગ્યામાં રાતવાસો કેવી રીતે કરવો?’ તેણે જરા નારાજ થઇને વિચાર્યું, ‘હવે મારે બીજી કોઈ સલામત જગ્યાએ જતાં રહેવું જોઈએ.’ અને તેણે ત્યાંથી ઊડી જવાની તૈયારી કરી. પણ તે પોતાની પાંખો ફફડાવે તે પહેલાં જ તેનાં પર ત્રીજું ટીપું પડ્યું…આ વખતે તેણે ડોક ઊંચી કરીને ઉપર જોયું…

એ પ્રખ્યાત મહાપુરુષની પ્રતિમાની આંખો આંસુથી છલકાતી હતી અને તેથી જ આ આંસુનાં ટીપાં નીચે પડતાં હતાં. પ્રતિમાના ગાલ પરથી આંસુ સરતાં જોઈને પોપટનું હૃદય અંદરથી દ્રવી ઊઠ્યું. પ્રતિમાનો સુંદર ચહેરો એટલો બધો દુખી લાગતો હતો કે આ નાનકડા પોપટનું મન કરુણાથી ભરાઈ ગયું.

‘તમે કોણ છો?’ પોપટે પ્રતિમાને પૂછ્યું.

‘હું અહીંનો પ્રખ્યાત નેતા છું. અહીંના લોકો મને મહાપુરુષ તરીકે ઓળખે છે.’

‘તમે શા માટે રડો છો? તમે મને સાવ પલાળી નાખ્યો છે.’

‘જયારે હું જીવતો હતો અને મારામાં માનવ હૃદય હતું ત્યારે હું સુખી હતો કેમ કે મારા લોકો મારી વાત ધ્યાનથી સાંભળતા હતા અને હું તેમને બતાવું તે સત્યના રસ્તા પર તેઓ ચાલતા હતા; તેઓ સરળ જીવન જીવતા હતા અને અન્યાયનો, હિંસાનો તેમજ અસહિષ્ણુતાનો વિરોધ કરતા હતા. મેં તેમને જરૂરતમંદ લોકોને મદદ કરવા માટે અને તેમના પ્રત્યે કરુણા રાખવા કહ્યું. પરંતુ મારા મૃત્યુના થોડાં જ દસકા પછી મારા દેશવાસીઓ મેં બતાવેલા માર્ગ પરથી પથભ્રષ્ટ થઇ ગયા. મોટાભાગના લોકો, ખાસ કરીને ઘણાં રાજકારણીઓ અને અમલદારો ભ્રષ્ટાચારી અને દંભી થઇ ગયા.’ પ્રતિમાએ હીબકાં ભરતા કહ્યું, ‘અને હવે જયારે હું મૃત્યુ પામ્યો છું ત્યારે તેમણે મને અહીં ઊંચે મૂકી દીધો છે. આ ઊંચી ટેકરી પરથી હું જેને અનહદ પ્રેમ કરતો હતો તે દેશની આ દુર્દશા અને લોકોનું પતન જોઈ રહ્યો છું.

અને અંતે પ્રતિમાએ એક ખૂબ જ હૃદયવિદારક વાત કહી, ‘જો કે મારું આ હૃદય સીસાનું બનેલું છે છતાં હું મારાં આંસુ રોકી શકતો નથી એ માટે મને માફ કર.’

‘અરે ભગવાન, દયા કરો! મેં તો વિચાર્યું હતું કે તેનું હૃદય નક્કર સોનાનું હશે! પોપટે વિચાર્યું. પણ તે મોટેથી આવું કાંઇ ન બોલી શક્યો નહીં. એ અત્યંત સાવધાન બની ગયો હતો.
તેમ છતાં પોપટે પ્રતિમાને ન રડવા માટે અનુરોધ કર્યો અને પૂછ્યું કે, ‘હું આપને ‘ભલા માણસ’ કહીને બોલાવી શકું કે નહીં?’ પ્રતિમાએ માથું હલાવીને હા પાડી.

હૃદયદ્રાવક અવાજે ભલા માણસે કહ્યું, ‘દૂર શહેરની ઝૂપડપટ્ટીમાં એક નાનું ઝૂંપડું છે. ત્યાં કચરો વીણતા એક સ્ત્રીના પગમાં શહેરના ઉકરડામાં પડેલી ફૂટેલી શીશીનો કાચ ખૂંચી ગયો હતો. તે પોતાના નાના દીકરાનું અને દારૂડિયા પતિનું ભરણપોષણ કરવા માટે આ કચરામાંથી પ્લાસ્ટિકની થેલીઓ વીણીને વેચે છે.

અત્યારે તેને અસહ્ય શારીરિક અને માનસિક વેદના થાય છે. પગમાં થતી પીડાને લીધે આજે તે કચરો વીણવા જઇ શકી નથી અને તેથી તેને કાંઇ પૈસા પણ મળ્યા નથી. તેનો પતિ રાત્રે ઘરે આવશે અને દારુ પીવા માટે તેની પાસે પૈસા માગશે. તેની પાસે પૈસા ન હોવાથી તે ગુસ્સાથી તેને ખૂબ મારશે. પ્રિય પોપટ, તું તેને મારા હારમાં છે તે માણેક તેને આપી આવીશ? તને તો ખબર જ છે કે મારા હાથ-પગ હાલતા ચાલતા નથી.’

‘હું તો દક્ષિણ બાજુ જવાનો છું,’ પોપટે કહ્યું, ‘મારાં બધાં મિત્રો ત્યાંનાં લીલાંછમ પર્વતો પર ક્યારના પહોંચી ગયા છે અને અત્યારે તો તેઓ પોતપોતાની પસંદગીના ફળોનો આનંદ લઇ રહ્યા હશે.’

‘પોપટ, મારા પ્રિય પોપટ’, તે ભલા માણસે કહ્યું, ‘શું તું એક રાત માટે મારી પાસે નહીં રહે અને મારું આ કામ નહીં કરે? એ સ્ત્રીને કેટલી બધી પીડા થાય છે તેનો તો તું વિચાર કર. તું તેનાં ઘરે જશે અને જયારે તું તેનાં કણસવાનો અને ઉંહકારાનો અવાજ સાંભળીશ ત્યારે તને તેનો ખ્યાલ આવશે.’

‘મને તો માણસો ગમતાં જ નથી. તેઓ પોતાની મોજમજા ખાતર નિશાન લઈને અમને વીંધી નાખે છે,’ પોપટે કહ્યું, ‘કેટલાક માણસો જાળ પાથરીને અમને તેમાં ફસાવે છે. પછી અમને પકડીને તેઓ અમારી પાંખો કાપી નાખે છે અને પાંજરામાં પૂરીને અમને વેચે છે.’

પણ ભલો માણસ એટલો દુખી જાણતો હતો કે પોપટને તેનો ચહેરો જોઈને તેનાં પર દયા આવી ગઈ. તે ભલા માણસ સાથે એક રાત રહેવા માટે અને તેનું કામ કરવા માટે તૈયાર થઇ ગયો. ભલા માણસે કહ્યું, ‘તારો આભાર મારા મિત્ર.’

પોપટ ભલા માણસના ગળામાં પહેરાવેલા હારમાં જડેલાં માણેકને ચાંચથી ખેંચી લઈને શહેર તરફ ઊડી ગયો. ધનિકોના મનમોહક બંગલાઓ, ભૂતકાળમાં થઇ ગયેલાં બહાદુર લોકોના આકર્ષક સ્મારકો અને મંદિરો તથા મસ્જિદો વટાવી છેવટે તે એ સ્ત્રીની ઝૂંપડી પાસે આવ્યો. તેણે તે સ્ત્રીના કણસવાનો અવાજ સંભળાયો. તેની વ્યથાથી તેનું હૃદય પણ ભરાઈ આવ્યું. તે હળવે રહી ઝૂંપડીમાં ગયો અને તેણે તે સ્ત્રીના હાથ પાસે જમીન પર માણેક મૂક્યું. પછી અવાજ ન થાય તે રીતે તે બહાર ઊડી ગયો.

ઊડીને પોપટ ફરી તે ટેકરીની ટોચે આવ્યો અને પોતે જે કામ કર્યું હતું તે વિષે તેણે ભલા માણસને કહ્યું અને પછી બોલ્યો: ‘અરે! કેવી નવાઈની વાત કહેવાય, હું તો આ લાંબી રાતથી કંટાળી ગયો હતો છતાં અત્યારે મારું મન ખૂબ જ શાંતિ અનુભવે છે અને મને બહુ આનંદ પણ થાય છે.’

‘એ તો એટલા માટે કે તેં ખૂબ જ સારું કામ કર્યું છે,’ પ્રતિમાએ કહ્યું. પોપટ પ્રતિમાના એ વાક્યનો અર્થ સમજવાની કોશિશ કરતાં કરતાં ઘસઘસાટ ઊંઘી ગયો.

બીજે દિવસે પોપટ શહેરની મધ્યમાં આવેલાં એક સુંદર ફુવારા પાસે આવ્યો. એ રવિવારનો દિવસ હતો અને કેટલાક બાળકો તે ફુવારાની આસપાસ રમતાં હતાં. પોપટે ત્યાં નહાઈને તાજામાજા થવાનું નક્કી કર્યું.

કેટલાક છોકરાઓએ તે પોપટને જોયો અને તેને જોઈને તેઓ ખુશ થઈને કહેવા લાગ્યાં, ‘જુઓ તો ખરા કેટલો રૂપાળો પોપટ છે, તેનાં પીછાં પણ કેટલા સુંદર છે. આપણે આવી રીતે ઊડતો પોપટ ક્યારે ય જોયો નથી! તે નક્કી પાંજરામાંથી છટકીને આવી ગયો હશે.’

એક નિર્દોષ બાળક બોલ્યો, ‘તે કેટલો નસીબદાર છે!’

પોપટે વિચાર્યું કે: આજે રાત્રે હું દક્ષિણ દિશામાં જઈને મારા મિત્રોને મળીશ. એ વિચારથી તે બહુ જ ઉત્સાહમાં આવી ગયો. તે ફરી જાહેર સ્મારકોની આસપાસ ફર્યો અને પછી એક વૃક્ષની સહુથી ઊંચી ડાળે બેસી સવારના તડકાની મઝા માણવા લાગ્યો. તેણે બીજા ઘણાં પંખીઓને એક ડાળી પરથી બીજી ડાળી પર આનંદથી કૂદાકૂદ કરતાં જોયાં. આથી તેને બહુ સારું લાગ્યું. રાતનો સમય થતાં જ આકાશ સુંદરપણે ઝગમગતા તારલાંથી છવાઈ ગયું, તે ફરી ટેકરી પરની પ્રતિમા પાસે ગયો અને તેણે ભલા માણસને પૂછ્યું, ‘શું તારે દક્ષિણ દિશામાં કોઈ સંદેશો મોકલવો છે? હું હવે ત્યાં જઇ રહ્યો છું.’

‘પોપટ, પોપટ, મારા નાનકડા મિત્ર, ‘પ્રતિમાએ કહ્યું, ‘તું મારી સાથે હજી એક રાત રોકાઈ જા ને.’

‘મારા બધા મિત્રો ત્યાં દક્ષિણમાં મારી રાહ જોઈ રહ્યા હશે,’ પોપટે જવાબ આપ્યો, ‘મને કહેતા દુઃખ થાય છે ભલા માણસ કે હવે હું અહીં વધારે રોકાઈ શકું તેમ નથી.’

‘પોપટ, મારા પ્રિય પોપટ. તું હવે મારો સહુથી પ્રિય મિત્ર બની ગયો છે,’ ભલા માણસે કહ્યું, ‘દૂર શહેરમાં મને તંબૂમાં એક અંધ માણસ દેખાય છે. તે ઊંઘવાની કોશિશ કરે છે પણ તે તાવમાં તરફડે છે તેથી ઊંઘી શકતો નથી. પથારીમાં તે આમથી તેમ પડખાં ઘસી રહ્યો છે. ગયા અઠવાડિયે તેણે તેની કિડની એક પૈસાદાર ડોક્ટરને વેચી દીધી હતી. તે કિડની તેનાં એક શ્રીમંત દરદી માટે ડોક્ટરને જોઈતી હતી. એ દરદીની બંને કિડની નક્કામી થઇ ગઈ હતી. અંધ માણસ પોતાને મળેલા નાણાથી તેના ભાઈને મેડીકલ કોલેજમાં દાખલ કરાવવા ઈચ્છે છે પરંતુ તે માટે તેને ઘણા રૂપિયાની જરૂર હતી. તેથી તેણે તે પૈસા તેનાં ભાઈના નામે બેંકમાં જમા કરાવ્યા છે. પણ હવે એ માણસને ઓપરેશનની માઠી અસરથી ચેપ લાગ્યો છે અને પોતાની સારવાર કરાવવા માટે ડોક્ટર તેની પાસે વધારે પૈસા માગે છે. તે પોતાના ભાઈના ખાતામાંથી પૈસા ઉપાડીને વાપરવા નથી માગતો. મારા વહાલા પોપટ, જો આપણે તેને મદદ નહીં કરીએ તો તે મૃત્યુ પામશે.’

‘હું તમારી સાથે વધુ એક રાત અહીં રોકાઈશ,’ સહૃદયી પોપટે કહ્યું, ‘શું હું તેને બીજું માણેક આપી આવું?’

‘મને કહેતા દુઃખ થાય છે કે હવે મારી પાસે માણેક નથી,’ પ્રતિમાએ કહ્યું, ‘મારી આંખોમાં સાચાં મોતી છે. તું તેમાંથી એક લઇ લે અને તે અંધ માણસને આપી આવ. તે એ મોતી કોઈ ઝવેરીને વેચી દેશે અને તેને પૈસા મળશે એટલે તે પોતાને લાગેલા ચેપની સારવાર કરાવી શકશે.’

‘પ્રિય ભલા માણસ, મને માફ કરો, મારાથી એવું નહીં થઇ શકે,’ એમ કહી પોપટ સમભાવથી રડવા લાગ્યો.

‘અરે, અરે…પોપટ, મારા સહુથી વહાલા દોસ્ત,’ પ્રતિમાએ કહ્યું, ‘તું રડ નહીં, હું તને કહું છું તેમ કરને મારા ભાઈ.’

એટલે પોપટે ભલા માણસની એક આંખમાંથી મોતી કાઢી લીધું અને અંધ માણસના તંબૂ તરફ ગયો. તેના તંબૂમાં જવાનું એકદમ આસાન હતું કારણ કે તેનો અમુક ભાગ ખુલ્લો હતો. તે ઊડીને અંદર ગયો અને અંધ માણસની પથારી પાસે આવ્યો, તેણે તે માણસના માથા પર પોતાની પાંખોથી થોડીવાર હવા નાખી. અંધ માણસને તેનાથી સારું લાગ્યું અને થોડી રાહત થઇ, અચાનક તે માણસને લાગ્યું કે તેના હાથને કોઈ મોતી જેવી વસ્તુનો સ્પર્શ થયો છે. તેણે ધાર્યું કે એ મોતી જ હોવું જોઈએ. તેની ધારણા સાચી હતી. જયારે તેનો ભાઈ તેને માટે ખાવાનું લઈને અંદર આવ્યો ત્યારે તેણે કહ્યું કે એ તો સાચું મોતી છે. બંને ભાઈઓના આનંદનો પાર ન રહ્યો. તેમનાં મનમાં અવનવી આશાઓ જાગી. તેમને ખાતરી થઇ ગઈ કે કોઈ દેવદૂતે જ તેમને આટલાં મોંઘા મોતીની ભેટ આપી હોવી જોઈએ.

બીજે દિવસે પોપટ સમુદ્રની તરફ ઊડ્યો, તેણે જોયું કે સાગરના મોજાં કિનારા પાસે અફળાતા હતાં. તે ઊંચી નાળીયેરી પર બેસીને એ દૃશ્યનો આનંદ લેવા લાગ્યો. મહાસાગરના ભૂરા પાણીને અને રેતાળ સમુદ્રતટને જોવામાં તેને મઝા આવતી હતી. તેણે શહેરના લોકોને દરિયાકિનારે તાજી હવામાં ચાલતાં જોયા. બાળકો રેતીમાંથી શંખલાં અને છીપલાં વીણતા હતાં અને સમૃદ્ધ, પૈસાદાર વ્યક્તિઓ તેમની હોડી કે યાંત્રિક નૌકામાં બેસી સાગરમાં સહેલ કરવાની મોજ માણતા હતા.

જેવો ચાંદો ઉગ્યો કે પોપટ ઊડીને ટેકરીની પ્રતિમા પાસે પાછો આવી ગયો.

‘હું તમને ‘આવજો’ કહેવા આવ્યો છું.’ પોપટે ભલા માણસને કહ્યું.

‘પોપટ, પ્રિય પોપટ, મારા પ્રિય ભાઈબંધ’, ભલા માણસે અરજ કરી, ‘તું હજી યે એક રાત મારી પાસે નહીં રોકાઈ શકે? રોકાઈજાને.’

પોપટે જવાબ આપ્યો, ‘અહીં હવે ઉનાળાની ગરમી બહુ વધવા લાગી છે. વળી લાંબા દિવસોને લીધે અહીં પ્રદૂષણ પણ વધતું જાય છે. મારે દક્ષિણ દિશામાં જવું જ પડશે કેમ કે ત્યાં તો વરસાદની ઋતુ શરૂ થઇ જ ગઈ છે અને ત્યાં અહીં કરતાં સારું એવું ઠંડું વાતાવરણ છે. પ્રિય ભલા માણસ, મારે તમને છોડીને જવું પડશે, પણ હું તમને ક્યારેય નહીં ભૂલી શકું. આવતાં ઉનાળે હું તમારી પાસે પાછો આવીશ ત્યારે તમારી આંખનું જે કિંમતી મોતી તમે બીજાને મદદ કરવા માટે આપી દીધું છે તે હું વીણી લાવીશ.’

ભલા માણસે કહ્યું, ‘ત્યાં નીચે શહેરના ચોકમાં એક નાની છોકરી ઊભી-ઊભી આવતાં- જતાં લોકો પાસે ભીખ માગે છે. ઉનાળાના ગરમીના દિવસોને લીધે એ ચોકમાં હવે વધારે લોકો આવતાં નથી. વિદેશથી આવતાં ઘણા વિદેશીઓ એ નાનકડી છોકરીને ઉદારતાથી કાંઇ ને કાંઇ આપે છે, પરંતુ આ ગરમીની ઋતુમાં કોઈ વિદેશી સહેલાણીઓ આ શહેરમાં આવતા નથી. છોકરીના મા-બાપ રોજ તેને ભીખ માગવા માટે આ ચોકમાં મોકલે છે અને સાંજે તેની પાસે જે કાંઇ પૈસા ભેગા થયા હોય તે તેની પાસેથી લઇ લે છે. આજે તે નાની બાલિકા પાસે તેનાં મા-બાપને આપવા માટે એકપણ પૈસો નથી. જયારે તે કાંઇ ન લાવી હોય ત્યારે એનાં મા-બાપ તેને બેહદ માર મારે છે. આજે તે ઘરે પાછી ફરી નથી અને તે ત્યાં એક ખૂણામાં બેસીને રડી રહી છે. મારા વહાલા પોપટ જો આપણે તે દુખી છોકરીને મદદ નહીં કરીએ તો કોઈ તેને મારશે અથવા કોઈક તેને રાત્રે ઉઠાવી જશે.’

‘હું તમારી સાથે હજુ એક રાત રહીશ,’ પોપટે કહ્યું, ‘પણ હું તમારી બાકીની એક આંખમાં રહેલું મોતી નહીં લઇ શકું. હું જો તેમ કરું તો પછી તમે જોશો કેવી રીતે? તમે અંધ જ બની જશોને?’

‘હે મારા અતિ પ્રિય પોપટ, મારા વહાલા પોપટ,’ ભલા માણસે પોપટને વિનંતી કરી, ‘મારા પર દયા ખાઈને પણ તું હું કહું છું તેમ કર. મારા પર એટલી મહેરબાની કર.’

ન છૂટકે પોપટે ભલા માણસની બીજી આંખમાંથી મોતી કાઢી લીધું અને તે સીધો ઊડીને ચોકમાં જ્યાં પેલી છોકરી રડતી હતી ત્યાં આવ્યો. તે એકદમ ઝડપથી નાની છોકરી પાસે આવ્યો અને તેના હાથમાં મોતી સરકાવી દીધું.

‘કેટલું સરસ મોતી!’ નાની છોકરી ખુશખુશાલ થઇ ઉછળતી કૂદતી ઘરે દોડી ગઈ.

પછી પોપટ ભલા માણસ પાસે પાછો ફર્યો અને પોતે જે વિચાર્યું હતું તે કહ્યું, ‘હવે તો તમે અંધ થઇ ગયા છો એટલે હું હમેશાં તમારી સાથે જ, તમારી પાસે જ રહીશ.’

‘ના, ના, મારા દોસ્ત,’ ભલા માણસે કહ્યું, ‘તારે દક્ષિણમાં જતા રહેવું જોઈએ.’

‘હું હંમેશાં તમારી સાથે જ રહીશ,’ પોપટે દૃઢતાપૂર્વક કહ્યું અને તે ભલા માણસના ચરણોમાં સૂઈ ગયો.

બીજે દિવસે ભલા માણસે પોપટ પાસે પોતાનું હૃદય ઠાલવ્યું, ‘મારા પ્રિય પોપટ, હું વર્ષોથી આ ટેકરી પરથી પુરુષો અને સ્ત્રીઓને વ્યાકુળ થતાં જોતો રહ્યો છું. વધારે સારું જીવન જીવવા માટે આપણને આપણી આસપાસમાંથી જ બીજાને મદદરૂપ બનવા માટેનું બહુ સારું માર્ગદર્શન મળી રહે છે તેમ છતાં મોટી નવાઈની વાત એ છે કે આ માણસો નાહકની કેટલી બધી અશાંતિ ભોગવે છે. વળી તેમાં ન સમજાય તેવું પણ કાંઇ નથી. હવે તું જરા આ શહેર પર એકવાર ઊડીને જોઈ જો મારા પ્રિય પોપટ અને તેમાં તને જે દેખાય તેની વાત મને કહે.’

તેથી પોપટ એ મહાન શહેરની ઉપર ઊડ્યો અને તેણે જોયું કે શ્રીમંત લોકો તેમનાં સુંદર બંગલાઓમાં આનંદપ્રમોદ કરે છે જયારે ભિક્ષુકો હાથમાં શકોરાં લઈને મંદિર અને ચર્ચ પાસે બેઠા છે. પછી તે અંધારી ગલીઓ તરફ આગળ વધ્યો તો ત્યાં તેને મેલાઘેલાં એકદમ નબળાં બાળકો પોતાની નિર્જીવ આંખોથી ચકળવકળ જોતાં નજરે પડ્યા, પુલની કમાન નીચે બે નાનાં બાળકો એકબીજાને વળગીને, ટૂટિયું વાળીને હૂંફ અને રક્ષણ મેળવવાની કોશિશ કરતાં પડ્યા હતાં. તેમના મોઢામાંથી હાયકારો નીકળતો હતો, ‘છોટુ, હવે આપણને કાંઇક ખાવા નહીં મળે તો આપણે ખતમ થઇ જઈશું એટલી બધી ભૂખ લાગી છે!’

‘એય…! તમે અહીં કેમ સૂતા છો, આ સૂવાની જગ્યા નથી.’ ચોકીદારે દંડો પછાડતા બૂમ પાડી અને છોકરાઓ વરસતા વરસાદમાં ત્યાંથી ભાગી નીકળ્યા.

ત્યારબાદ પોપટ પાછો ફર્યો અને તેણે જે જોયું હતું તેની વાત તેણે ભલા માણસને કરી.

‘તું તો જુએ જ છે કે,’ ભલા માણસે કહ્યું, ‘મારું શરીર સોનાની પાંદડીઓથી મઢેલું છે. તારે તેને એક એક કરીને ઉતારીને મારા શહેરના ગરીબોને એ સોનું આપવું જોઈએ. માણસો હંમેશાં એવું વિચારતા હોય તેમ લાગે છે કે સોનું તેમને સુખી કરી શકે છે.’

એ ભલો માણસ સાવ ઝાંખો અને રાખોડી રંગનો દેખાવા લાગ્યો ત્યાં સુધી પોપટ એક પછી એક શુદ્ધ સોનાનું પાંદડું ઉખેડતો રહ્યો અને ગરીબોને આપતો રહ્યો. જેમને સોનું મળતું તે બાળકોના ચહેરા ગુલાબના ફૂલની જેમ ખીલી ઉઠતા હતા અને તેઓ ખુશ થઈને ગલીઓમાં હસતાં-રમતાં હતાં. તેઓ અંતરના આનંદથી બોલી ઉઠતા હતાં કે: ‘હવે આપણને બે ટંક પૂરતું ખાવા મળે છે.’

પછી તો ઉનાળાના દિવસો અને રાતો વધારે ને વધારે ગરમ થતાં ગયા. પોપટ એકદમ અસ્વસ્થ થઇ ગયો હતો, અકળાઈ ગયો હતો, પણ તે ભલા માણસને છોડીને જવા માગતો ન હતો. તે તેને બેહદ ચાહવા લાગ્યો હતો. હવે તે બહુ દૂર જઇ શકતો ન હોવાથી તે દુકાનદારની નજર ચૂકવીને બેકરીની બહાર પડેલા પાઉંનાં નાનાં ટૂકડા ખાઈને જેમ તેમ પોતાનું પેટ ભરી લેતો હતો. પણ મનોમન તો પોપટ સમજી ગયો હતો કે પોતે દિવસે દિવસે વધારે ને વધારે કમજોર થતો જાય છે અને તેને એ પણ ખ્યાલ આવી ગયો હતો કે હવે તે અનંતની યાત્રાએ જવાનો છે એટલે કે તેનું મૃત્યુ નજીક છે. હવે તે એટલો અશક્ત થઇ ગયો હતો કે તે ભલા માણસના ખંભા સુધી પણ માંડ માંડ ઊડી શકતો હતો.

‘આવજો, મારા વહાલામાં વહાલા ભેરુ,’ પોપટે નરમ અવાજે પ્રતિમાને કહ્યું, ‘શું તમે મને તમારા ચરણ ચૂમવા દેશો? મને ખબર છે કે તમારા દેશમાં ચરણ ચૂમવા એ કોઈને સહુથી વધારે માન આપવાની રીત છે.’

‘છેવટે તેં દક્ષિણમાં જવાનો નિર્ણય કરી લીધો તે જાણી હું ખૂબ ખુશ થયો છું મારા આત્મીય બંધુ,’ ભલા માણસે કહ્યું, ‘તું અહીં ઘણું રોકાણો છે, પરંતુ તારે મારા પગને બદલે મારા બંને ગાલને જ ચૂમવા જોઈએ કારણ કે હું તને દિલોજાનથી ચાહું છું.’

‘હું દક્ષિણમાં નથી જતો,’ પોપટે કહ્યું, ‘હું મૃત્યુના મુખમાં જઇ રહ્યો છું. મૃત્યુ તો ઊંડી નિદ્રા અને પરમ શાંતિનો ભાઈ છે, ખરુંને?’ એમ કહેતાની સાથે તેણે ભલા માણસના બંને ગાલે ચુંબન કર્યું અને પછી તે તેનાં ચરણોમાં નિષ્પ્રાણ થઇ ઢળી પડ્યો.

એ જ ક્ષણે ભલા માણસની પ્રતિમાની અંદર જાણે કાંઇક તૂટી ગયું હોય તેવો વિચિત્ર કડાકાનો આવાજ આવ્યો. હકીકતમાં તે પ્રતિમાના સીસાના હૃદયમાં ઊભી તિરાડ પડી ગઈ હતી. તે દિવસે કાળઝાળ ગરમી પડી હતી.

જોગાનુજોગ, તે દેશના પ્રમુખની તે જ દિવસે એ શહેરની મુલાકાત ગોઠવાઈ હતી. તેઓ તેના રસાલા અને રાજકીય ટેકેદારો સાથે ટેકરી પાસે આવ્યા. ત્યાં એ પ્રતિમા જોઈને તેને અચંબો થયો.

‘હે ભગવાન! આ પ્રખ્યાત નેતા કેવા બદસૂરત લાગે છે!’

તેને ખુશ કરવા માટે શહેરના રાજકારણીઓએ તેની વાતનું સમર્થન કરતાં કહ્યું, ‘સાચી વાત છે તેઓ સાવ ખરાબ દેખાય છે!’

‘તેમના હારમાંથી માણેક ગુમ થઇ ગયો છે અને તેમની આંખો પણ નીકળી ગઈ છે, વળી હવે તેમના પર સોનાનાં પાન પણ નથી રહ્યાં,’ રાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘ખરેખર તો આ મૂર્તિ એક ભીખારીની હોય એવી દેખાય છે!’

તેની સાથે ટેકરી પર આવ્યા હતા તે સહુએ તેના સૂરમાં સૂર પુરાવતા કહ્યું, ‘જી, સાચેસાચ તે ભીખારીની હોય તેવી જ દેખાય છે!’

‘અને જુઓ તો ખરા તેમના પગમાં મરેલું પંખી પડ્યું છે!’ રાષ્ટ્રપ્રમુખનાં મુખમાંથી આશ્ચર્યના શબ્દો નીકળી પડ્યા. તેણે ટૂંકમાં કહ્યું, ‘આ તો બહુ ખરાબ દૃશ્ય છે.’

તેથી તેમણે પ્રખ્યાત નેતાની પ્રતિમાને ત્યાંથી હટાવી લીધી. ત્યારબાદ તેમણે એ પ્રતિમાને ભઠ્ઠીમાં ઓગાળવા માટે મોકલી આપી. રાષ્ટ્રપ્રમુખના ચાહક મિત્રોએ શહેરમાં સભા બોલાવી અને તેમાં તે ટેકરી પર રાષ્ટ્રપ્રમુખની પ્રતિમા મૂકવાનું નક્કી કર્યું.

જ્યાં એ પ્રખ્યાત મહાપુરુષની પ્રતિમા ગાળી નાખવા માટે મોકલી હતી તે કારખાનાના કારીગરે કહ્યું, ‘કેટલી વિચિત્ર બાબત છે! આનું તડ પડેલું સીસાનું હૃદય ભઠ્ઠીમાં ઓગળતું જ નથી! આપણે તેને ફેંકી દેવું જોઈએ.’ એમ કહી તેણે તેને ભઠ્ઠીમાંથી કાઢીને તેનો રેતીના ઢગલા ઉપર ઘા કર્યો અને તે હૃદય મૃત અવસ્થામાં પડેલા પોપટ પાસે જઈને પડ્યું.

ભગવાને એક દિવસ એ વિશાળ શહેરમાં નીચે જોયું. અને નીચે જોઈને તેમણે પોતાના અનેક દેવદૂતોને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, ‘ધરતી ઉપર જાઓ અને ત્યાંથી મને દુનિયાની બે સહુથી મૂલ્યવાન વસ્તુઓ લાવી આપો.’ અને જયારે દેવદૂતો પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં પેલું તડ પડેલું હૃદય અને મૃત પોપટનું શરીર હતાં!

– હર્ષદ દવે

(શ્રી હર્ષદભાઈએ પુસ્તક ‘હાર્મની એન્ડ યુનિટી થ્રુ સ્પિરિચ્યુઅલિટી.’ નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે અને ગુજરાતીમાં તેનું નામ છે: ‘આધ્યાત્મિકતા દ્વારા એકતા અને સમરસતા’. મૂળ લેખક – ડૉ.નિરંજન મોહનલાલ વ્યાસ, પ્રકાશક – શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (SGVP) અમદાવાદ. બસોથી વધારે પાનાં અને હાર્ડ-બાઉન્ડ પુસ્તકની કિંમત ફક્ત રૂ.૧૦૦/- છે.)


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “પ્રખ્યાત મહાપુરુષ (વાર્તા) – ઓસ્કાર વાઈલ્ડ, અનુ. હર્ષદ દવે