ત્રણ પદ્યરચનાઓ.. – મિતુલ ઠાકર 16


૧. એમાં વળી પૂછવાનું શું ?

ખીલવું હોય તો ખીલી જવાનું ફૂલ જેમ, એમાં વળી પૂછવાનું શું?
જીંદગીમાં જીવાય એવું જીવી જવાનું, એમાં વળી ભૂંસવાનું શું?

વરસાદ ક્યાં પૂછે છે ખાબકું ? બકુભાઇ છત્રી લાવ્યા હોય નહિ,
ટીપે ટીપું માણી જ લેવાનું મેઘલાનું, એમાં વળી લૂછવાનું શું?

આજ સમય કોને છે વળી કે શેરડીના સાંઠાને ફોલવા બેસે ભૈ,
નાખો મશીનમાંને ને કાઢો એનો રસ, એમાં વળી ચુસવાનું શું?

ઉભી બજારે આબરૂ ન રહે ભાઈ, પૂછો આજના નેતાઓને!
ગમે એ વસ્તુ આંચકી લેવાની એમાં વળી પૂછવાનું શું?

ઉંમર તો વધી જશે અને શરીર થઇ ભલે નકામું વ્હાલા
ગોઠણ છે તો ઘસાવાના જ, એમાં વળી ઉંજવાનું શું?

તે કર્યું તો તું જ ભોગવ, આવેલ પરિણામ સારું હોય કે નરસું
જોયા કરીએ નીશ પ્રભુની લીલા, એમાં વળી ખુંચવાનું શું ?

૨. ઓઢ્યું છે રણ !

મેં તો ઓઢ્યું છે રણ, જળ જળને તરસે મારો કણ કણ
જુઓ દોસ્તો મેં ઓઢ્યું છે રણ !

વાસનાના વસ્રો ઓઢેલ આ સંતના ખુલ્લા છે ચરણ
જ્યાં થાય છે શ્રદ્ધાના વસ્ત્રાહરણ !
સડતા અનાજમાં ઝંખે ચકલી ચોખાની જરાક ચણ
ખાનારો એક ને વપરાય છે મણ !

થોથા બહુ વાંચ્યા, હવે લાવો એ જીવવાની ક્ષણ
આજ ક્ષણ છે સાચી એજ સમજણ !
રખડવાનું તો ફકીરનાને મારા નસીબ સરખું પણ
ઈશ્વરે આપ્યું છે કેવું લીલું આ રણ ?

ખુલ્લા આકાશ નીચે ઊંઘે છે દીન બાળ બે ત્રણ
ખાવાનાં સાંસાને તું કહે એને કે ભણ?

૩. વરસાદ પણ ભાઈ ભારે અળવિતરો

વરસાદ પણ ભાઈ ભારે અળવિતરો,
વગર કીધે ખાબકી પડે પાક્કા ભાઈબંધની જેમ
અને ક્યારેક રિસાય તો જાણે નવી નવેલી વહુ…
આતો આપણે જાણીએ સહુ
કે એના વગર નથી ચાલવાનું..
એટલે એના આ નખરા સહન કરવાના….
બાકી મા’ળો, છત્રીનો કાગડો કરીને એવો ભીંજવી દે કે
જાણે મારી વ્હાલી પ્રિયતમા….
અને ક્યારેક એવો વીજળીનો કડાકો કરી
ખોટો ડરાવે કે જાણે મારી મા હોય
ને હું નાનો કીકલો…
વાદળોના વરઘોડા લઇને ભલેને આવે,
આપડે થોડા પાછા પડીએ,
સામી છાતીએ લડત આપીયે,
પલળી નાખીએ થોડા બહારથી
અને પુરા ભીંજાઈ જઈએ અંદરથી.
અને એને એવું લાગે કે
માણસને પલાળીને હરાવી દીધો મેં,
ભલે ખોટો હરખાતો ઈવડો ઈ,
બાકી એને હરાવવા તો રોજ
હું એક લીલું ઝાડ કાપી નાખું છું,
જો જો એકવાર આ વરસાદની
ખો ભૂલાવી ના દઉં તો હું માણસ નહિ !
(કૃષ્ણ દવેની કવિતાથી પ્રેરાઈને!)

– મિતુલ ઠાકર


આપનો પ્રતિભાવ આપો....

16 thoughts on “ત્રણ પદ્યરચનાઓ.. – મિતુલ ઠાકર